આંબેડકરના કૉંગ્રેસ સાથે કેવા સંબંધ હતા, શું કૉંગ્રેસે તેમને જાણીજોઈને ચૂંટણી હરાવી હતી?
- લેેખક, અંશુલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસ કોઈ મુદ્દે ભારતીય જનતા પાર્ટીને ઘેરે અને તેનો જવાબ આપવા ખુદ અમિત શાહ આવે, વડા પ્રધાન મોદીના અત્યાર સુધીના કાર્યકાળમાં આવું ઘણું ઓછું બન્યું છે.
બુધવારે એટલે કે 18 ડિસેમ્બરના રોજ એક આવો જ પ્રસંગ બન્યો, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાબાસાહેબ આંબેડકર અંગે અપાયેલા નિવેદન મામલે પત્રકારપરિષદ કરવા પહોંચ્યા.
મંગળવારે અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન લગભગ એક કલાક કરતાં પણ લાંબું ભાષણ આપ્યું. આ ભાષણના એક ભાગ અંગે કૉંગ્રેસ સહિત વિપક્ષી દળો સંસદથી માંડીને સડક સુધી વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
અમિત શાહે પોતાના ભાષણના એક ભાગમાં કહ્યું હતું કે, "હાલ એક ફૅશન ચાલી નીકળી છે, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલી વખત જો ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાત."
રાહુલ ગાંધીએ અમિત શાહના નિવેદન અંગે કહ્યું કે આ લોકો બંધારણ અને બાબાસાહેબ આંબેડકરની વિચારધારાની વિરુદ્ધ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહનો બચાવ કરતાં ઍક્સ પર લખ્યું કે શાહે આંબેડકરને અપમાનિત કરનાર કાળા અધ્યાયને ખુલ્લો પાડ્યો છે.
અમિત શાહે પત્રકારપરિષદમાં કહ્યું કે કૉંગ્રેસે આંબેડકરને ચૂંટણી હરાવવા અને ભારતરત્ન ન આપવામાં કોઈ કસર બાકી રાખી નહોતી.
અમિત શાહનું કહેવું હતું કે નહેરુજીની આંબેડકર પ્રત્યેની નફરત જગજાહેર છે, પરંતુ ખરેખર આંબેડકરના નહેરુ અને કૉંગ્રેસ સાથે કેવા સંબંધ હતા?
મહાડ સત્યાગ્રહથી મળી ઓળખ
વર્ષ 1924માં ઇંગ્લૅન્ડથી પરત ફર્યા બાદ આંબેડકરે વકીલાત અને દલિતોના ઉત્થાન માટે કામ કરવાની શરૂઆત કરી દીધી. જે માટે તેમણે એક ઍસોસિયેશન બહિષ્કૃત હિતકારિણી સભાની શરૂઆત કરી હતી.
તેના અધ્યક્ષ સર ચીમનલાલ સીતલવાડ હતા અને બાબાસાહેબ આંબેડકર પોતે તેના ચૅરમૅન હતા.
ઍસોસિયેશનનો તાત્કાલિક ઉદ્દેશ શિક્ષણનો પ્રસાર કરવાનો, આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો અને દલિતોની સમસ્યાઓ ઉઠાવવાનો હતો.
વર્ષ 1927માં ડૉ. આંબેડકરે મહાડ સત્યાગ્રહ આંદોલનનું નેતૃત્વ કર્યું અને તે બાદ ભારતમાં દલિતોના અવાજ સ્વરૂપે તેમની ઓળખ ઊભી થઈ.
આ આંદોલન દલિતોને સાર્વજનિક ચાવદાર તળાવમાંથી પાણી પીવા દેવા અને ઉપયોગ કરવા દેવાનો અધિકાર અપાવવા માટે કરાયું હતું. મહાડ પશ્ચિમ મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રનો એક કસબો છે. આ સત્યાગ્રહને ડૉ. આંબેડકરની રાજકીય કારકિર્દીની શરૂઆત માનવામાં આવે છે.
લેખક કેશવ વાઘમારે જણાવે છે કે, "મહાડ સત્યાગ્રહમાં મંચ પર મુખ્ય તસવીર મહાત્મા ગાંધીની હતી. બાબાસાહેબ હિંદુ ધર્મમાં એક સુધારો દાખલ કરવા માગતા હતા અને અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માગતા હતા. આવું થાય એ માટે તેઓ ઇચ્છતા હતા કે હિંદુ ધર્મના પ્રગતિશીલ લોકો આગળ આવે અને આ સામાજિક કુરીતિને ખતમ કરે."
કેશવ વાઘમારે પ્રમાણે આંબેડકર, ગાંધી અને કૉંગ્રેસ વચ્ચે 'પ્રેમ અને નફરત'ના સંબંધ હતા.
મહાત્મા ગાંધી સાથે પ્રથમ મુલાકાત
આંબેડકર અસ્પૃશ્યો માટે કામ કરી રહ્યા હતા અને એ દરમિયાન ગાંધી પણ આ વર્ગ માટે અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ આ બંનેની કામ કરવાની રીત અલગ અલગ હતી.
આંબેડકરને ગોળમેજી પરિષદનું આમંત્રણ મળ્યું હતું. ગાંધી વર્ષોથી દલિતો માટે કામ કરી રહ્યા હતા અને હવે આંબેડકર આ વિમર્શના કેન્દ્રમાં આવીને ઊભા રહી ગયા હતા.
14 ઑગસ્ટ, 1931ના રોજ મુંબઈના મણિભવનમાં બંને વચ્ચે પ્રથમ બેઠક ગોઠવાઈ. આ એક અત્યંત રસપ્રદ મુલાકાત હતી. આંબેડકરે આરોપ લગાવતાં કહેલું કૉંગ્રેસની દલિતો પ્રત્યેની સહાનુભૂતિ એક ઔપચારિકતામાત્ર છે.
મહાત્મા ગાંધીએ આંબેડકરને શાંત કરવાની કોશિશ કરી અને તેમને માતૃભૂમિના સંઘર્ષમાં 'એક મહાન દેશભક્ત' ગણાવ્યા.
આંબેડકરે આ વાતનો જવાબ આપતાં કહ્યું, "ગાંધીજી મારી કોઈ માતૃભૂમિ નથી. કોઈ પણ સ્વાભિમાની અસ્પૃશ્ય એવી ભૂમિ પર ગૌરવ ન અનુભવી શકે, જ્યાં તેની સાથે કૂતરાં અને બિલાડાં કરતાં પણ ખરાબ વ્યવહાર કરાતો હોય."
બંને વચ્ચે થયેલી આ વાતચીતનો ઉલ્લેખ શશિ થરૂરના પુસ્તક 'આંબેડકર : અ લાઇફ'માં મળે છે.
ગાંધી - આંબેડકર વચ્ચે તણાવ અને પૂના કરાર
વર્ષ 1932માં બીજી ગોળમેજી પરિષદ બાદ બ્રિટિશ સરકાર દ્વારા દલિતો, મુસ્લિમો, શીખો, ભારતીય ખ્રિસ્તીઓ અને અન્ય લોકો માટે અલગ અલગ ચૂંટણીક્ષેત્રોની જાહેરાત કરી હતી.
જે અંતર્ગત કેન્દ્રીય વિધાનમંડળમાં દલિતો માટે 71 બેઠકો અનામત કરાઈ હતી. આ ચૂંટણીક્ષેત્રોમાં દલિત ઉમેદવાર જ ચૂંટણી લડી શકતા હતા અને માત્ર દલિતોને જ મત આપવાનો અધિકાર હતો. ગાંધીને આ વાત બિલકુલ પસંદ પડી નહોતી.
આ જાહેરાત વિરુદ્ધ તેઓ સપ્ટેમ્બર 1932માં તેમણે પૂનાની યરવડા જેલમાં ઉપવાસ શરૂ કર્યા અને સમગ્ર દેશમાં તણાવનો માહોલ બની ગયો.
આંબેડકરે કહેલું કે, "હું ચર્ચા માટે તૈયાર છું, ગાંધીજીએ કોઈ નવો પ્રસ્તાવ લઈને આવવું જોઈએ."
22 સપ્ટેમ્બરના રોજ આંબેડકર ગાંધીને મળવા યરવડા જેલ પહોંચ્યા. આંબેડકરે કહ્યું કે તમે અમારી સાથે અન્યાય કરી રહ્યા છો.
જે અંગે ગાંધીએ કહ્યું, "તમે જે કહી રહ્યા છો, હું તેની સાથે સંમત છું. પરંતુ તમે ઇચ્છો છો કે હું જીવિત રહું?"
તે બાદ પૂના કરાર થયો. સ્વતંત્ર ચૂંટણીક્ષેત્રના સ્થાને અનામત બેઠકો પર સંમતિ સધાઈ. ડૉ. આંબેડકરે 24 સપ્ટેમ્બર 1932ના રોજ અસ્પૃશ્યો માટે 147 કરતાં વધુ બેઠકો સાથે પૂના કરારના સમાધાન પર સહી કરી.
પૂના કરારે આંબેડકર અને કૉંગ્રેસ વચ્ચે રહેલું અંતર સામે લાવી દીધું. આંબેડકરનું માનવું હતું કે ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસે દલિતોના અધિકારો સાથે સમાધાન કર્યું છે, જેના કારણે તેમણે પોતાની જાતને પાર્ટીથી દૂર કરી લીધા.
વર્ષ 1955માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આંબેડકરે કહેલું કે, "મને એ વાતે આશ્ચર્ય થાય છે કે કેમ પશ્ચિમ ગાંધીમાં આટલો રસ ધરાવે છે. જ્યાં સુધી ભારતની વાત છે, તેઓ દેશના ઇતિહાસનો એક ભાગમાત્ર છે. તેઓ યુગનું નિર્માણ કરનારા નથી."
રાજકારણમાં આંબેડકર અને કૉંગ્રેસ
ડૉ. આંબેડકરની સ્વતંત્રતાસંગ્રામમાં ભૂમિકા અંગે આજે પણ સવાલ ઉઠાવાય છે અને તેની ટીકા પણ કરાય છે.
વર્ષ 1942થી 1946 વચ્ચે જ્યારે સ્વતંત્રતાસંગ્રામ ચરમ પર હતો, ત્યારે આંબેડકર વાઇસરૉય કાઉન્સિલમાં શ્રમમંત્રી હતા.
તે બાદ જુલાઈ, 1946માં આંબેડકર બંગાળથી બંધારણસભાના સભ્ય બન્યા હતા. બ્રિટનથી આઝાદી મળ્યા બાદ બંધારણસભાના આ સભ્યો જ પહેલવહેલા સંસદસભ્યો બન્યા હતા. વિભાજન બાદ આંબેડકરનું ચૂંટણીક્ષેત્ર પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં જતું રહ્યું, ત્યારે આંબેડકર સામે બંધારણસભામાં પહોંચવાનો પડકાર હતો.
વરિષ્ઠ લેખક રાવસાહેબ કસબે જણાવે છે કે બાબાસાહેબ ફરી વાર બંધારણસભામાં ગાંધીજીની ઇચ્છાથી ગયા હતા.
રાવસાહેબ કસબે જણાવે છે કે, "કૉંગ્રેસ અને બાબાસાહેબ વચ્ચેના મતભેદ જગજાહેર હતા, તેમ છતાં ગાંધી ઇચ્છતા હતા કે આંબેડકર બંધારણસભામાં રહે. તેમણે રાજેન્દ્રપ્રસાદ અને વલ્લભભાઈ પટેલને બોલાવ્યા અને કહ્યું કે આંબેડકરને બંધારણસભામાં અચૂકપણે સામેલ કરવા જોઈએ. બાદમાં બંનેએ બાબાસાહેબને પત્ર લખ્યા અને તે બાદ બાબાસાહેબને મુંબઈ પ્રાંતથી ચૂંટીને મોકલવામાં આવ્યા."
તે બાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણનિર્માણસમિતિના અધ્યક્ષ સ્વરૂપે ઉલ્લેખનીય યોગદાન કર્યું.
હિંદુ કોડ બિલ અને આંબેડકરનું રાજીનામું
ભારતને સ્વતંત્રતા મળી છતાં બહુમતી એવા હિંદુ સમાજમાં પુરુષ અને મહિલાઓને એકસરખા અધિકાર નહોતા.
પુરુષ એક કરતાં વધુ લગ્ન કરી શકતાં, પરંતુ વિધવા મહિલા ફરી વાર પરણી નહોતાં શકતાં. વિધવાઓને સંપત્તિથી પણ વંચિત રાખવામાં આવતી અને મહિલાઓને તલાકનો અધિકાર નહોતો.
આંબેડકર આ સમસ્યાઓથી સારી રીતે પરિચિત હતા, તેથી તેમણે 11 એપ્રિલ 1947ના રોજ બંધારણસભા સામે હિંદુ કોડ બિલ રજૂ કર્યું હતું. તેમાં સંપત્તિ, વિવાહ, તલાક અને ઉત્તરાધિકાર સંબંધિત કાયદા સામેલ હતા.
આંબેડકરે આ કાયદાને એ સમયનો સૌથી મોટો સામાજિક સુધારો ગણાવ્યો હતો, પરંતુ તેનો ભારે વિરોધ થયો. આંબેડકરના બિલના પક્ષમાં તર્ક અને નહેરુનું સમર્થન કામ ન લાગ્યું અને 9 એપ્રિલ 1948ના રોજ તે સિલેક્ટ કમિટિ સમક્ષ મોકલી દેવાયું.
બાદમાં 1951માં આ બિલને ફરી એક વાર સંસદમાં રજૂ કરાયું, પરંતુ તેનો ફરી એક વાર વિરોધ થયો. સંસદમાં જનસંઘ અને કૉંગ્રેસનું એક હિંદુવાદી જૂથ તેનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ કરનારાના મુખ્યત્વે બે તર્ક હતા.
પ્રથમ - સંસદસભ્યો જનતામાંથી ચૂંટાઈને આવેલા નથી, તેતી આટલા મોટા બિલને પાસ કરવાનો નૈતિક અધિકાર તેમની પાસે નથી. બીજો - આ કાયદા બધા પર લાગુ થવા જોઈએ એટલે કે સમાન નાગરિક સંહિતા.
આંબેડકર કહેતા કે, "ભારતીય વિધાનમંડળ દ્વારા ભૂતકાળ કે ભવિષ્યમાં પસાર કરાયેલા કોઈ પણ કાયદાની તુલના મહત્ત્વની દૃષ્ટિએ આની (હિંદુ કોડ) સાથે ન કરી શકાય. સમુદાયો અને લિંગ વચ્ચેની અસમાનતા હિંદુ સમાજનો આત્મા છે. તેને બાકી રાખીને આર્થિક સમસ્યાઓ સંબંધિત કાયદા પસાર કરવા એ આપણા બંધારણની ઠેકડી ઉડાડવા અને ગોબરના ઢગલા પર મહેલા બાંધવા સમાન છે."
પરંતુ આ બિલ આંબેડકરના કાયદામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પાસ ન થઈ શક્યું અને આંબેડકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.
પ્રથમ સામાન્ય ચૂંટણી અને આંબેડકરની હાર
ભારતને સ્વતંત્રતા મળ્યાનાં ચાર વર્ષ બાદ પ્રથમ લોકસભાની ચૂંટણી યોજાઈ.
આ પ્રક્રિયા 25 ઑક્ટોબર 1951થી 21 ફેબ્રુઆરી 1952 સુધી એટલે કે લગભગ ચાર મહિના સુધી ચાલી. પ્રથમ ચૂંટણીમાં 489 લોકસભા બેઠકો માટે 50 કરતાં વધુ પાર્ટીઓના 1,500 કરતાં વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી.
આ પૈકીના લગભગ 100 ચૂંટણીક્ષેત્રો બે સભ્યોવાળાં હતાં. એટલે કે એક જ ચૂંટણીક્ષેત્રથી બે સાંસદ - સામાન્ય અને અનામત વર્ગમાંથી ચૂંટવામાં આવતા.
બાબાસાહેબ આંબેડકર તત્કાલીન બૉમ્બે પ્રાંતથી પોતાની પાર્ટી શેડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશનની ટિકિટ પર ચૂંટણીમેદાને ઊતર્યા હતા. તેમની બેઠક ઉત્તર મુંબઈ હતી અને એ બે સભ્યોવાળું ચૂંટણીક્ષેત્ર હતું.
કૉંગ્રેસે આંબેડકર વિરુદ્ધ નારાયણ કાજરોલકરને ઉતાર્યા હતા. ચૂંટણી થઈ અને પરિણામોએ આખા દેશને આશ્ચર્યચકિત કરી મૂક્યો.
કાજરોલકરને એક લાખ 38 હજાર 137 મત મળ્યા હતા, જ્યારે બાબાસાહેબ આંબેડકરને એક લાખ 23 હજાર 576 મત મળ્યા હતા. કૉંગ્રેસના કાજરોલકરે આંબેડકરને હરાવ્યા, અને એ પણ 14 હજાર 561 મતોથી.
ત્યારથી સતત એવા આરોપ લાગતા રહ્યા કે કૉંગ્રેસે જાણીજોઈને બાબાસાહેબને હરાવ્યા.
શું કૉંગ્રેસે જાણીજોઈને આવું કરેલું? આ વાતને સમજવા માટે એ સમયની ઘટનાઓને સમજવી પડશે.
એસ. કે. પાટીલ એ સમયે મુંબઈ કૉંગ્રેસના પમુખ હતા.
મુંબઈમાં પાટીલનો દબદબો હતો અને ચૂંટણીના અમુક મહિના પહેલાં તેમણે કહેલું કે, "જો આંબેડકર અનામત બેઠક પરથી ચૂંટણી લડશે, તો કૉંગ્રેસ તેમની વિરુદ્ધ ઉમેદવાર નહીં ઉતારે."
આ વાત છતાં કૉંગ્રેસે ઉમેદવાર કેમ ઉતાર્યો? આચાર્ય અત્રે પોતાના મરાઠી ભાષામાં લખાયેલા પુસ્તક 'કન્હેચેં પાણી'માં લખે છે કે, "આંબેડકરની પાર્ટી અને સમાજવાદીઓના ગઠબંધનને કારણે એસ. કે. પાટીલ નારાજ થઈ ગયા હતા અને તેમણે નારાયણ કાજરોલકરને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે આંબેડકરની વિરુદ્ધ ઉતારી દીધા."
અહીં એ વાત નોંધનીય છે કે એસ. કે. પાટીલ સમાજવાદીઓના કટ્ટર વિરોધી હતા. સમાજવાદીઓ અને કૉમ્યુનિસ્ટો પ્રત્યે તેમનો ગુસ્સો જગજાહેર હતો.
જોકે, પાટીલે જ્યારે ઉપરોક્ત જાહેરાત કરી હતી ત્યારે આંબેડકર નહેરુ કૅબિનેટમાં મંત્રી હતા.
એક વર્ગ એવું પણ માને છે કે કૉમ્યુનિસ્ટોના કારણે આંબેડકરની ચૂંટણીમાં હાર થઈ હતી. આ લોકો તર્ક આપતાં જણાવે છે કે એ સમયે કૉમ્યુનિસ્ટોએ આંબેડકર વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી અને કાજરોલકરને તેનો ફાયદો થયો હતો.
આંબેડકર આ હારના કારણે એટલા આઘાતમાં હતા કે અગાઉથી જ ઘણી બીમારીઓ સામે ઝઝૂમી રહેલા બાબાસાહેબનું સ્વાસ્થ્ય આ ઘટનાક્રમ દરમિયાન વધુ બગડી ગયું.
બાદમાં આંબેડકર મુંબઈ પ્રાંતથી રાજ્યસભા પહોંચી ગયા, પરંતુ તેઓ લોકસભામાં જવા માગતા હતા.
આનાં બે વર્ષ બાદ ભંડારામાં પેટાચૂંટણી થઈ ત્યારે આંબેડકર એ બેઠક પર ચૂંટણી લડ્યા. જોકે, કૉંગ્રેસના ઉમેદવારે તેમને આ બેઠક પર પણ હરાવ્યા.
એ ચૂંટણી આંબેડકરની અંતિમ ચૂંટણી હતી, કારણ કે તેનાં બે વર્ષ બાદ વર્ષ 1956માં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન