'મારા પિતાએ જેલમાં જ મરી જવું જોઈએ', તસવીરો જોઈને એક દીકરીની જિંદગી બદલાઈ ગઈ
- લેેખક, લૌરા ગોઝી
- પદ, બીબીસી ન્યૂઝ
ચેતવણી : આ અહેવાલમાં જાતીય શોષણની વાત છે.
નવેમ્બર 2020માં સોમવારની રાતના 8.25 વાગ્યા હતા, જ્યારે કેરોલિન ડેરિયનને એક ફોન આવ્યો જેણે તેમના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું.
ફોન પર સામેની બાજુએ તેમનાં માતા જઝેલ પેલિકોટ હતાં.
બીબીસી રેડિયો 4ના ટુડે કાર્યક્રમમાં એક વિશેષ મુલાકાતમાં ડેરિયન કહે છે, "તેમણે (માતાએ) મને જણાવ્યું કે તેમને તે દિવસે સવારે જ ખબર પડી હતી કે મારા પિતા તેમને લગભગ 10 વર્ષથી નશીલા પદાર્થો આપતા હતા જેથી અલગઅલગ પુરુષો તેમની સાથે બળાત્કાર કરી શકે."
46 વર્ષીય ડેરિયને કહ્યું કે, "તે ક્ષણે મેં મારું સામાન્ય જીવન ગુમાવી દીધું."
તેઓ કહે છે, "મને યાદ છે, મેં બૂમો પાડી હતી, હું રડવા લાગી હતી. મેં તેમનું અપમાન પણ કર્યું."
"તે ભૂકંપ જેવું હતું, સુનામી જેવું હતું."
ડોમિનિક પેલિકોટ (કેરોલિન ડેરિયનના પિતા)ને સાડા ત્રણ મહિના સુધી ચાલેલી ઐતિહાસિક સુનાવણી પછી ડિસેમ્બરમાં 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.
ચાર વર્ષ કરતાં વધુ સમય પછી તેમનાં પુત્રી ડેરિયનનું કહેવું છે કે તેમના પિતાએ "જેલમાં જ મરી જવું જોઈએ."
ડોમિનિક પેલિકોટે પોતાનાં પત્ની જઝેલ પર બળાત્કાર અને જાતીય શોષણ કરવા માટે ઇન્ટરનેટ મારફત બોલાવવામાં આવેલા 50 લોકોને પણ સજા સંભળાવવામાં આવી અને તેઓ પણ જેલના સળિયાની પાછળ છે.
ડોમિનિક પેલિકોટ એક સુપરમાર્કેટમાં મહિલાઓની જાણ બહાર તેમના સ્કર્ટ નીચે ફોટા પાડતા હતા, ત્યારે પોલીસે તેમને પકડી લીધા અને આખું પ્રકરણ બહાર આવ્યું હતું.
અધિકારીઓએ આ રિટાયર્ડ અને મોટી ઉંમરની વ્યક્તિના ફોન અને લૅપટૉપની તપાસ કરી. તેમાં તેમનાં પત્ની ગિઝેલના હજારો વીડિયો અને ફોટા મળ્યા, જેમાં તેઓ બેહોશ હતાં અને અજાણ્યા લોકો દ્વારા તેમના પર બળાત્કાર કરવામાં આવતો હતો.
આ મામલાની તપાસમાં રેપ અને લિંગ આધારિત હિંસાનો મુદ્દો ઊઠ્યો એટલું જ નહીં, આમાં એક એવી બાબત પણ પ્રકાશમાં આવી જેના વિશે બહુ ઓછી વાત કરવામાં આવે છેઃ કેમિકલ સબમિશન એટલે કે દવાઓથી બેહોશ કરીને જાતીય સતામણી કરવાનો મુદ્દો.
કેરોલિન ડેરિયને હવે આવા નશીલા પદાર્થો આપીને કરવામાં આવતા રેપ સામેની લડાઈને જીવનને લક્ષ્ય બનાવ્યું છે. આવા રેપના બહુ ઓછા કિસ્સા બહાર આવે છે, કારણ કે મોટા ભાગે પીડિતને ઘટના યાદ પણ નથી હોતી. તેમને ખબર પણ નથી પડતી કે તેમને દવા આપવામાં આવી છે.
'મને ખબર છે કે મને કેફી પદાર્થ અપાયો હતો, પરંતુ મારી પાસે કોઈ પુરાવો નથી'
જઝેલના ફોન કોલ પછી ડેરિયન પોતાના બે ભાઈ ફ્લોરિયન અને ડેવિડ પોતાનાં માતાને ટેકો આપવા માટે દક્ષિણ ફ્રાન્સ ગયા હતા, જ્યાં તેમનાં માતાપિતા રહેતાં હતાં. તેમને ખબર પડી હતી કે તેમના પિતા છેલ્લાં 20 કે 30 વર્ષમાં સૌથી ભયંકર યૌનશિકારીઓ પૈકી એક હતા.
થોડા સમય પછી પોલીસે ડેરિયનનો સંપર્ક કર્યો અને તેમની દુનિયા ફરીથી બરબાદ થઈ ગઈ.
પોલીસે તેમને બે તસવીરો દેખાડી જે તેમના પિતાના લૅપટૉપમાંથી મળી હતી. તેમાં એક બેહોશ મહિલા પથારીમાં સૂતેલી જોવા મળતી હતી. તેણે માત્ર ટી-શર્ટ અને આંતર્વસ્ત્રો પહેર્યાં હતાં.
પહેલાં તો તે કહી જ ન શકી કે પોતે જ તે મહિલા છે.
તેઓ કહે છે, "શરૂઆતમાં તો મારા માટે પોતાની જાતને જ ઓળખવી મુશ્કેલ હતી."
"પોલીસે મને કહ્યું, 'જુઓ, તારા ગાલ પર પણ એવું જ ભૂરા રંગનું નિશાન છે.... આ તમે જ છો.' પછી મેં બંને તસવીરોને અલગઅલગ જોવાનું શરૂ કર્યું... હું ડાબી બાજુએ પડખું કરીને સૂતી હતી, બિલકુલ મારી માતા જેવી તસવીરો."
ડેરિયનનું કહેવું છે કે તેમના પિતાએ તેમની સાથે પણ દુર્વ્યવહાર અને રેપ કર્યો હશે તેવી તેમને ખાતરી છે, તેમના પિતાએ આ વાતને હંમેશાં નકારી છે. જોકે, તેમણે આ તસવીરો માટે વિરોધાભાસી સ્પષ્ટીકરણ આપ્યાં છે.
તેઓ કહે છે, "મને ખબર છે કે કદાચ મારું જાતીય શોષણ કરવા માટે મને નશીલી દવા આપવામાં આવી હતી. પરંતુ મારી પાસે તેનો કોઈ પુરાવો નથી."
ડેરિયનનો કેસ તેમનાં માતા કરતાં સાવ અલગ છે. તેમનાં માતા પર બળાત્કાર થયાના પુરાવા છે જ્યારે ડેરિયન પાસે એ વાતની કોઈ સાબિતી નથી કે તેમના પિતા પેલિકોટે તેમની સાથે શું કર્યું હશે.
તેઓ કહે છે, "આવા બીજા કેટલા પીડિતો હશે? કોઈ પુરાવા ન હોવાથી તેમના પર કોઈ વિશ્વાસ નથી કરતું. તેઓ તેમની વાત નથી સાંભળતા, તેઓ તેને ટેકો નથી આપતા."
"હું તેમને ફરીથી ક્યારેય પિતા નહીં કહું"
પોતાના પિતાનાં દુષ્કૃત્યો જાહેર થયાં પછી ડેરિયને એક પુસ્તક લખ્યું છે.
"આઈ વિલ નૅવર કૉલ હિમ ડેડ અગેઇન" પુસ્તકમાં તેમના પરિવારની કેવી સ્થિતિ થઈ તેનો ચિતાર અપાયો છે.
તેમાં કેમિકલ સબમિશન એટલે કે નશીલા પદાર્થો આપીને કરવામાં આવતા દુર્વ્યવહારની પણ ઊંડાણથી વાત કરવામાં આવી છે. આ દવાઓ સામાન્ય રીતે 'ઘરમાં રહેલા દવાના ડબ્બામાંથી' જ આવતી હોય છે.
ડેરિયન કહે છે, "પેઇનકીલર્સ, દર્દશામક, એવી બધી દવાઓ હોય છે."
નશીલા પદાર્થોની અસર હેઠળ જાતીય શોષણનો ભોગ બનેલી લગભગ અડધી મહિલાઓ દુષ્કૃત્ય કરનારને ઓળખતી હતી. તેઓ કહે છે કે "ઓળખીતા લોકોથી જ ખતરો હોય છે."
તેમનો દાવો છે કે અલગઅલગ લોકો દ્વારા તેમના પર 200 કરતાં વધુ વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ આઘાત વચ્ચે તેમનાં માતા જઝેલ માટે એ સ્વીકારવાનું મુશ્કેલ બની ગયું છે કે તેમના પતિએ તેમનાં પુત્રી સાથે કેવો દુર્વ્યવહાર કર્યો હશે.
તેઓ કહે છે, "એક માતા માટે આ બધું એક સાથે ભેગું કરવું બહુ મુશ્કેલ હોય છે."
જોકે, જઝેલે જ્યારે જનતા અને મીડિયા સમક્ષ એ વાતનો ખુલાસો કરવાનો નિર્ણય લીધો કે તેમના પતિ અને બીજા કેટલાય પુરુષોએ તેમની સાથે કેવું વર્તન કર્યું હતું, ત્યારે માતા અને દીકરી આ મામલે સહમત હતાં.
તેઓ કહે છે, "મને ખબર હતી કે અમે કોઈ ભયંકર ચીજમાંથી પસાર થઈ રહ્યાં છીએ... ભયંકર, પરંતુ અમારે સન્માન અને તાકાતપૂર્વક તેનો સામનો કરવાનો હતો."
હવે ડેરિયને એ હકીકત સાથે જીવતા શીખવું પડશે કે તેઓ ઉત્પીડક અને પીડિત બંનેનાં પુત્રી છે. તેઓ આને "એક ભયંકર બોજ" માને છે.
તેઓ હવે પોતાના પિતા સાથે પોતાના બાળપણનો વિચાર કરતા પણ ડરે છે. તેઓ ક્યારેક જ તેમનો ઉલ્લેખ પોતાના પિતા તરીકે કરે છે.
તેઓ કહે છે, "હું જ્યારે પાછળ વળીને જોઉં છું તો મને વાસ્તવમાં એ પિતાની યાદ નથી આવતી જેમને હું પિતા માનતી હતી. મને સીધો એ અપરાધી, જાતીય શોષણકર્તા અપરાધી દેખાય છે."
પરંતુ તેઓ બીબીસીના એમા બાર્નેટને જણાવે છે કે, "પરંતુ મારામાં તેમનું ડીએનએ છે અને તેથી જ હું બીજા પીડિતોની મદદ કરવા પ્રતિબદ્ધ છું, કારણ કે આ માણસથી દૂર રહેવાનો તે મારા માટે એક રસ્તો છે."
"હું ડોમિનિક કરતાં અલગ છું."
ડેરિયન કહે છે કે તેમને ખબર ન હતી કે તેમના પિતા 'રાક્ષસ' હતા, જેવું કેટલાક લોકો કહે છે.
તેઓ કહે છે, "તેમને સારી રીતે ખબર હતી કે તેઓ શું કરતા હતા, અને તેઓ બીમાર ન હતા."
"તેઓ એક ખતરનાક માણસ હતા. જેઓ જેલમાંથી છૂટી શકે તેવો કોઈ રસ્તો નથી. કોઈ રસ્તો નથી."
72 વર્ષના ડોમિનિક પેલકૉટ હાલ જેલમાં છે અને પેરોલ પર છૂટવામાં ઘણાં વર્ષો લાગી જશે. તેથી તેઓ પોતાના પરિવારને ફરીથી ક્યારેય નહીં જોઈ શકે.
આ દરમિયાન પેલિકોટનો પરિવાર પોતાના અસ્તવ્યસ્ત જીવનને ફરી થાળે પાડવા મથી રહ્યો છે. કેરોલિન કહે છે કે તેમનાં માતા જઝેલ આ કેસથી થાકી ગયાં છે. પરંતુ તેઓ "હવે રિકવરી કરી રહ્યાં છે અને તેમને સારું છે."
ડેરિયનને અત્યારે એક જ ચીજમાં રસ છે, કેમિકલ સબમિશન વિશે લોકોમાં જાગૃતિ વધારવી અને બાળકોને જાતીય શોષણ વિશે વધુ શિક્ષણ આપવું.
ડેરિયન સ્મિત સાથે કહે છે કે તેઓ પોતાના પતિ, ભાઈઓ અને 10 વર્ષના પુત્રના પ્રેમમાંથી શક્તિ મેળવે છે. તેમના અવાજમાં સ્નેહ છલકાય છે.
તેઓ કહે છે કે નવેમ્બરમાં તે દિવસે બનેલી ઘટનાઓએ તેમને સાવ બદલી નાખ્યા છે. હવે તેઓ આગળ વધવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન