ગુજરાત: ગૌહત્યાના પ્રયાસના 'ખોટા કેસ'માં નિર્દોષ છૂટ્યા છતાં આ મુસ્લિમ પરિવારો કેવી રીતે 'પાયમાલ' થઈ ગયા?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
  • પદ, બીબીસી સંવાદદાતા
  • Twitter,

થોડા દિવસ પહેલાં પંચમહાલ જિલ્લાની એક કોર્ટે 2020ના ગૌવંશને કતલખાને લઈ જવા ગેરકાયદેસર હેરફેરના એક કેસમાં આરોપીઓને નિર્દોષ છોડીને, પોલીસ અને 'બનાવટી' સાક્ષીઓ સામે 'ખોટો કેસ' કરવા બદલ કાયદાકીય પગલાં લેવાનો હુકમ કર્યો છે. એ સિવાય 'ગૌરક્ષક' સામે પણ પગલાં ભરવાનો આદેશ કર્યો છે.

આ કેસમાં બે મુસ્લિમ યુવકોને ગાયની ગેરકાયદેસર તસ્કરી કરવાના આરોપસર પકડવામાં આવ્યા હતા. ગોધરાના ઇલ્યાસ દવલ અને મહેમદાવાદના નઝીરમિયાં મલિકની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

જોકે, 2020માં થયેલા આ કેસમાં કોર્ટે ચુકાદો આપતાં તાજેતરમાં નોંધ્યું હતું કે, "આ કેસમાં સાક્ષીઓની વાતોથી એ સાબિત નથી થતું કે આ બંને લોકો ગાયને કતલખાને લઈ જઈ રહ્યા હતા. કોર્ટે એ પણ કહ્યું છે કે પોલીસના સાક્ષી તરીકે ગૌરક્ષકોને જ રાખવામાં આવ્યા છે, માટે તેમના સાક્ષીઓ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી."

આમ, આ બંને યુ્વકો ચાર વર્ષ બાદ આ કેસમાંથી નિર્દોષ છૂટી ગયા છે.

પરંતુ આ બંનેનું કહેવું છે કે અહીં સુધી પહોંચતાં-પહોંચતાં તેમના પરિવારો પાયમાલ થઈ ગયા છે, બંને યુવકોનું કામ છૂટી ગયું, ખેતર, પશુઓ, ગાડી બધું વેચાઈ ગયું.

શું હતો સમગ્ર મામલો?

ભારતમાં મુસ્લિમો, ગૌહત્યા, ગુજરાત, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

ગોધરાના સેવાલિયામાં રહેતા ઇલ્યાસ દવલ અને નઝીરમિયાં મલિક જણાવે છે કે તેમની સામે પોલીસ ફરિયાદ થઈ અને બંનેએ ચાર વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાવા પડ્યા.

દવલ અને તેમનો પરિવાર ખેતી અને પશુપાલનના કામ સાથે જોડાયેલા હતા. 31મી જુલાઈ, 2020ના રોજ તેમનો સામનો ગૌરક્ષકો સામે થયો હતો, અને તેમનો દાવો છે કે ત્યાર બાદ તેમનું જીવન બદલાઈ ગયું હતું.

તેમના જણાવ્યા પ્રમાણે તેઓ પોતે પશુપાલનનું કામ કરતા હોવાથી તેમણે એક ગાય અને ભેંસને ખેડાના રુદણ ગામથી એક ફૉર વ્હીલમાં મંગાવ્યા હતા. આ પશુઓનો તેઓ પોતાના પશુપાલનના વ્યવસાયમાં ઉપયોગ કરવાના હતા.

આ પશુઓને મહેમદાવાદના રુદણ ગામથી નઝીરભાઈ મલિક લઈને નીકળ્યા હતા. તેમનો દાવો છે કે ગોધરાનો ટોલ પ્લાઝા પાર કર્યા બાદ તેમને ગૌરક્ષકોએ રોક્યા હતા.

આ વિશે બીબીસી ગુજરાતીએ નઝીરભાઈ મલિક સાથે વાત કરી. તેઓ કહે છે કે, "તેમણે મને પૂછયું કે મારી ગાડીમાં શું છે? મેં કહ્યું કે એક ગાય અને એક ભેંસ છે. ત્યાર બાદ તેમણે મને નીચે ઉતારી દીધો અને આ પશુ જેમના ખેતરે લઈ જવાનાં હતાં, તે ઇલ્યાસભાઈને તેમણે બોલાવવાનું કહ્યું."

"ઇલ્યાસભાઈ આવ્યા પછી એ લોકોએ અમને પૂછ્યું કે, અમે મુસલમાન છીએ કે નહીં? અને જ્યારે અમારાં આધારકાર્ડ જોયાં. પછી તેમણે મારી ગાડી અને પશુઓને લઈ લીધાં. ગાડીના ફોટો પાડીને તેમના ફોન મારફતે વૉટ્સઍપ પર કોઈને મોકલી દીધા. થોડી વારમાં એક મોટું ટોળું આવી ગયું, અને પોલીસની ગાડી પણ પહોંચી. અમે ભાગીને તે ગાડીમાં બેસી ગયા, જેથી ભીડ અમને મારી ન નાખે."

નઝીરભાઈ કહે છે, "ત્યાર બાદ પોલીસે અમારી સાથે કોઈ વાત કરી ન હતી અને અમારા પર ખોટો કેસ કરી દીધો હતો."

જોકે, તેમનો દાવો છે કે આ પશુઓને લઈ જવા માટે તેમની પાસે રુદણ ગામના સરપંચનો સહી સિક્કાવાળો પત્ર, તેમજ તેમના પોતાના આધારકાર્ડ, ઉપરાંત ગાડીના કાગળો પણ તેમની પાસે જ હતા.

પોલીસે તેમના પર ફરિયાદ દાખલ કરી હતી જેમાં નોંધ્યું હતું કે, "આ બંને લોકો ગાયની ગેરકાયદેસર તસ્કરી કરી રહ્યા હતા."

તેમની ફરિયાદમાં પોલીસે એ ગૌરક્ષકોને જ સાક્ષી તરીકે રાખ્યા હતા.

જોકે, આ કેસ 2020માં દાખલ થયા બાદ ડિસેમ્બર, 2024માં તેનો ચુકાદો આવ્યો હતો અને કોર્ટે દવલ તેમજ મલિકને નિર્દોષ છોડી મૂક્યા છે. વધુમાં, કોર્ટે પોલીસ અને ગૌરક્ષકોની સામે ફરિયાદ કરવાનો પણ હુકમ કર્યો છે.

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા પંચમહાલ જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ હિમાંશુ સોલંકી કહે છે કે, "આ વિશે કોર્ટે રજિસ્ટ્રારને કાર્યવાહી કરવા માટેની તાકીદ કરી છે. જિલ્લા પોલીસને જે હુકમ કરવામાં આવશે તે પ્રમાણે અમે ફરિયાદ કરીને આગળની કાર્યવાહી કરીશું. જોકે, હજી સુધી પોલીસને કોઈ નિર્દેશ મળ્યો નથી."

"પૈસાની તંગી, કામ છૂટી ગયું, પશુ વેચી દેવાં પડ્યાં"

ભારતમાં મુસ્લિમો, ગૌહત્યા, ગુજરાત, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Najir Malek

ઇમેજ કૅપ્શન, પોતાની કારને ગીરો મૂકીને નઝીરભાઇ તે જ ગાડીના ડ્રાઇવર તરીકે નોકરી કરવા મજબૂર બન્યા હોવાનું કહે છે

ઇલ્યાસભાઈ દવલના પરિવારમાં તેઓ ત્રણ ભાઈ અને ત્રણ બહેનો છે.

ઇલ્યાસભાઈના જણાવ્યા પ્રમાણે 2020 સુધી ઇલ્યાસભાઈ પોતાનો સંપૂર્ણ સમય તેમના પિતા સાથે ખેતી અને પશુપાલનના કામમાં વીતાવતા હતા. સવારથી સાંજ સુધી તેમના ખેતરમાં રહેલી ગાયો અને ભેંસોને દૂધ દોહવાનું કામ કરવાનું, બાકીના સમયમાં ખેતરમાં વિવિધ પાકોનું ધ્યાન રાખવાનું, અને આખા પરિવારનું ભરણપોષણ કરવાનું, વર્ષોથી બસ આ રીતે જ તેમનું જીવન ચાલતું હતું.

જોકે, તેમનો દાવો છે કે 31 જુલાઈ, 2020 પછી તેમનું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું, જ્યારે તેમના જીવનમાં પ્રથમ વખત તેમનો સામનો ગૌરક્ષકોના મોટા ટોળા સાથે થયો. એ ટોળામાં લગભગ 40થી 50 જેટલા ગૌરક્ષકો હતા.

ઇલ્યાસભાઈના જણાવ્યાનુસાર તેમના ધર્મ વિશે પૂછપરછ કર્યા બાદ તેમને ગોધરાના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા, તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી, તેમને જેલમાં મોકલવામાં આવ્યા અને લગભગ 17થી 20 દિવસ બાદ તેમને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા.

જોકે, જામીન પર મુક્ત થયા બાદ પણ પોતાની મુશ્કેલીઓ ઓછી ન થઈ હોવાનું જણાવતાં તેઓ કહે છે કે જામીન પર બહાર આવ્યા પછી પણ તેમના માટે બહાર જવું મુશ્કેલ થઈ ગયું હતું. તેમને અને તેમના પરિવારને સતત ડર લાગ્યા કરતો હતો કે તેમને ગાય રાખવાના આરોપસર માર મારવામાં આવશે, અથવા તો ખોટો કેસ કરી દેવામાં આવશે.

ઇલ્યાસભાઈએ કહ્યું કે, "આ કેસ પછી અમારા જીવનમાં માત્ર તકલીફો જ આવી છે. પૈસાની ખૂબ તંગી આવી, કામ છૂટી ગયું. અમને ડર લાગતો હતો, એટલે અમારે અમારાં પશુઓ વેચી દેવાં પડ્યાં. પછી થોડાં વર્ષો બાદ અમારું ખેતર પણ વેચાઈ ગયું. હાલમાં અમે ગામડે-ગામડે ગોળી બિસ્કિટ વેચવાની ફેરી કરીને પોતાનું ગુજરાન ચલાવીએ છીએ."

ઇલ્યાસભાઈના પરિવારમાંથી હાલમાં કોઈ વ્યક્તિ પશુપાલનના વ્યવસાયમાં નથી.

તેઓ કહે છે કે, "અમે કહેતા રહ્યા કે અમે ગૌહત્યામાં નથી માનતા, પરંતુ અમારી કોઈ વાત તેમણે સાંભળી ન હતી, આથી અમને સતત બીક લાગતી હતી કે હવે ફરીથી અમારી કોઈ પણ વાત સાંભળ્યા વગર અમારા પર ખોટા પોલીસ કેસ કરવામાં આવશે."

"હું શેઠમાંથી મજૂર થઈ ગયો"

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ilyasbhai Daval

ઇમેજ કૅપ્શન, ઇલ્યાસભાઈ દવલ

નઝીરમિયાં મલેક પણ ગાય અને ભેંસને મહેમદાવાદથી ગોધરા પોતાની બોલેરો પિકઅપ કારમાં લઈ જઈ રહ્યા હતા. મહેમદાવાદ જિલ્લામાં પશુઓની હેરફેર માટે તેમની ગાડીનો ઉપયોગ થતો હતો. તેઓ આ ગાડીના માલિક પણ છે.

તેમના જણાવ્યાનુસાર આજકાલ તેઓ આ જ ગાડી પર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે, કારણ કે આ ઘટના બાદ કામકાજ બંધ જવાને કારણે તેમને પૈસાની તંગી હતી, અને ગાડીના હપ્તા પણ ચઢી ગયા હતા.

આથી તેમણે પોતાની ગાડી ગીરો મૂકી છે અને તેના ડ્રાઇવર તરીકે નોકરી કરીને પગારના પૈસાથી ગાડીના હપ્તા પણ ભરે છે, અને ઘરનું ગુજરાન પણ ચલાવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "મારી ગાડીમાં મેં હંમેશાં પૂરા કાગળો સાથે, કાયદેસરનાં પશુઓને એક ખેતરેથી બીજે ખેતરે, એક ખેડૂતથી બીજા ખેડૂત સુધી પહોંચાડ્યાં છે. અધૂરા કાગળો હોય તો મેં ક્યારેય પશુને મારી ગાડીમાં ચઢાવ્યાં પણ નથી, કાયદેસરની કાર્યવાહી બાદ જ આ હેરફેર કરતો આવ્યો છું. પરંતુ એ દિવસે બાદ હું ખૂબ ડરી ગયો અને હવે તો એ ધંધો કરવાની હિંમત જ થતી નથી."

તેમનું કહેવું છે કે જો હું હિંમત કરું તો પણ કોઈ મને પશુ આપવા માટે તૈયાર નથી. "મારી ગાડીનો નંબર ગૌરક્ષકોના લિસ્ટમાં છે, માટે ના છૂટકે હું પોતાની ગાડીમાં પશુ સિવાયની વસ્તુઓની જ હેરફેર કરું છું."

તેમણે કહ્યું કે, "કોઈ મને તેમનાં પશુ શું કામ આપે? જો ગૌરક્ષકો કે પોલીસ પાસે તે પશુ લઈને જાય તો, કોઈ પણ વાંક વગર તે પશુને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવે. જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી તે પશુ ત્યાં જ રહે. તે પશુ વેચનાર કે ખરીદનાર કોઈને ન મળે."

તેમનું માનવું છે કે કદાચ એટલા માટે જ તેમને વર્ષો જૂના તેમના કામથી હાથ ધોવો પડ્યો છે.

આ પોલીસ કેસ પછી તેમની ગાડી લગભગ ચાર મહિના સુધી પોલીસ સ્ટેશનમાં જમા હતી.

તેમનું કહેવું છે કે આ ગાડીને છોડાવવા માટે પણ તેમણે વધારાના 25 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હતો. ચાર મહિના સુધી ગાડીના હપ્તા પણ ભરાયા ન હતા.

તેમણે કહ્યું, "મેં ગાડીને ગીરો મૂકી દીધી, અને જોઈતી રકમ લઈ લીધી. હાલમાં હું મારી જ ગાડીને આધારે મજૂરી કરું છું. હું માત્ર પગાર લઉં છું, અને તેના ઉપરની તમામ કમાણી વ્યાજ વગેરેમાં જમા થઈ જાય છે. આ કેસના કારણે હું શેઠમાંથી મજૂર થઈ ગયો છું."

ગૌવંશની હત્યા માટેના કેવા કાયદાઓ છે?

ભારતમાં મુસ્લિમો, ગૌહત્યા, ગુજરાત, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

'વાયલન્ટ કાઉ પ્રૉટેક્શન ઇન ઇન્ડિયા' નામના હ્યુમન રાઇટ્સ વૉચના 2019ના એક રિપોર્ટ પ્રમાણે દેશભરમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગૌવંશની હત્યા કે હત્યાના ઇરાદાથી તેમની હેરફેર માટે સજા ફટકારવામાં આવે છે.

આ માટે ગુજરાત રાજ્યમાં જનમટીપ સુધીની સજા થઈ શકે છે. જોકે, આ ઉપરાંત ભારતીય બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળના ભાગમાં આવતા અનુચ્છેદ-48માં કહેવાયું છે કે, "સરકારે ગાય તેમજ દૂધાળાં પશુઓની કતલ રોકવા માટે વિવિધ કાયદા ઘડવા જોઇએ."

ગુજરાત રાજ્યની રચના પહેલાં અહીં પણ ગૌવંશની હત્યા પર પ્રતિબંધ લાદતો કાયદો પ્રથમ વખત 1954માં લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં 2011 અને 2017માં ફેરફાર કરવામાં આવ્યા હતા.

નિષ્ણાતોને મતે 2017માં કરવામાં આવેલા ફેરફાર બાદ ગુજરાતનો કાયદો એ દેશમાં ગૌહત્યા માટે બનાવવામાં આવેલો સૌથી કડક કાયદો માનવામાં આવે છે. જેમાં ગૌહત્યા માટે આજીવન કેદ જેવી સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા પ્રમાણે ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

એક અંદાજ પ્રમાણે દેશમાં 2014થી 2018ના સમયગાળા દરમિયાન ગૌરક્ષાના નામે 36 લોકોનાં મોત થયાં હતાં. એ સિવાય 163 લોકો પર ગંભીર પ્રકારના હુમલા, જ્યારે 81 લોકોને નજીવી ઈજા થઈ હતી.

જ્યારે આ પ્રકારના હુમલાનો ભોગ બનનારા આ સમયગાળા દરમિયાન 296 જેટલા લોકો હતા. આ હુમલાઓમાં ભોગ બનનારા લોકોમાં 55 ટકા મુસ્લિમો, 11 ટકા દલિતો, જ્યારે 20 ટકા અજાણ્યા લોકો હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.