મહાકુંભ: ત્રિવેણી સંગમમાં ગંગા અને યમુના છે, પણ સરસ્વતી નદી કેમ દેખાતી નથી?
- લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આ ઐતિહાસિક આયોજનમાં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમ પર દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈને પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. સરકારનું અનુમાન છે કે આ વર્ષે મહાકુંભમાં 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લેશે. પહેલું શાહી સ્નાન આજે છે. જોકે, ઉત્તર પ્રદેશ સરકારે હવે શાહી સ્નાનનું નામ બદલીને અમૃત સ્નાન કર્યું છે.
આ પહેલાથી જ ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાળુઓનો જમાવડો છે. હવે, આપણે કાયમ વાંચ્યું છે કે ત્રિવેણી સંગમ એ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓથી થાય છે.
હાલમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં માત્ર ગંગા અને યમુના નદી જ દેખાય છે. આ બંને નદીઓનું પાણી ત્યાં એકબીજામાં સમાઈ જાય છે.
યમુના નદી પશ્ચિમ દિશામાંથી આવે છે જ્યારે ગંગા નદી ઉત્તર દિશામાંથી વહે છે. આ બંને નદીઓ ત્રિવેણી સંગમે એકબીજા સાથે ભળી જાય છે અને ત્યાંથી આગળ તે ગંગા તરીકે ઓળખાય છે.
તો આ સંગમને ત્રિવેણી કહેવાતું હોવા છતાં સરસ્વતી નદી કેમ હવે દેખાતી નથી? ઇતિહાસના સંશોધકો તેના વિશે શું કહે છે? શું સરસ્વતી નદી હોવાનું કોઈ ઐતિહાસિક સાક્ષ્ય છે ખરું?
શું ખરેખર સરસ્વતી નદી હતી અને પછી ગાયબ થઈ ગઈ કે પછી સરસ્વતી નદી એ માત્ર એક વાયકા છે? હકીકત શું છે?
દંતકથાઓ શું કહે છે?
કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે ત્રિવેણી સંગમ પર સરસ્વતી નદી એ અંતર્ધારા બનીને વહે છે. તેમનું કહેવું થે કે તેના લુપ્ત થવા પાછળ અનેક કહાણીઓ છે.
પ્રાચીનકાળના ઇતિહાસ વિષયના અલાહાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર અનામિકા રૉય સાથે બીબીસીએ વાતચીત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "પુરાણો અનુસાર સરસ્વતી નદીને બ્રહ્માનાં પુત્રી કહેવામાં આવ્યાં છે. એવું કહેવાય છે કે તે એકવાર પુરુરવા નામના એક રાજા પ્રત્યે આકર્ષિત થઈ ગયાં હતાં. પુરુરવા કૌશાંબી સામ્રાજ્યના સમ્રાટ હતા. તે પ્રયાગરાજ પાસે આવેલું છે. કહાણી એ છે કે બ્રહ્માને આ વાતની ખબર હતી અને પછી તેમણે ગુસ્સામાં સરસ્વતીને ગાયબ થઈ જવાનો શ્રાપ આપ્યો હતો."
આવી જ એક પૌરાણિક કથા મથુરાના ધનંજય દાસ કહે છે.
તેઓ કહે છે, "એવું કહેવાય છે કે સરસ્વતી નદીનો પ્રવાહ બદ્રીનાથ ક્ષેત્રથી શરૂ થયો હતો. તે એક ઋષિ દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે વિલુપ્ત થઈ ગઈ હતી. એવું કહેવાયું હતું કે વહેતી સરસ્વતી નદીનો અવાજ એ ઋષિની તપસ્યામાં બાધા ઉત્પન્ન કરતો હતો. પુરાણો અને શાસ્ત્રો અનુસાર સરસ્વતી નદી પ્રયાગરાજમાં દેખાતી નથી પણ ત્યાં અવશ્ય છે. સરસ્વતી નદી અદૃશ્યરૂપે વહે છે. આથી જ ગંગા અને યમુના નદીના સંગમને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે."
શું સરસ્વતી નદીનાં કોઈ ચિહ્નો છે?
આપણે સરસ્વતી નદીનું નામ તો સાંભળીએ છીએ પરંતુ ભારતમાં તે ક્યાંય જોવા મળતી નથી.
આ નદી ગંગા, યમુના, અને કાવેરીની જેમ વહેતી જોવા મળતી નથી.
પરંતુ અનેક શ્રદ્ધાળુઓનું માનવું છે કે સરસ્વતી નદી હાજર છે.
અનામિકા રૉય કહે છે, "સરસ્વતી નદી લોકોનાં મનમાં છે, તેમનો વિશ્વાસ છે. સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવેલી કહાણીઓમાં હજુ જીવંત છે. ત્રિવેણી સંગમ પહેલાં જ સરસ્વતી નદી યમુનામાં વિલીન થઈને દ્વિવેણી બની ગઈ."
તેમનું કહેવું છે કે એ વાતના પુરાવા છે કે સરસ્વતી નદીનો પ્રવાહ છેલ્લી વાર હરિયાણાના કુરુક્ષેત્રમાં જોવા મળ્યો હતો.
"પુરાતત્વવિદોને મળેલા પુરાવાઓ અનુસાર સરસ્વતી નદી હરિયાણાના ઘગ્ગર ક્ષેત્રમાં યમુના નદીમાં વિલીન થઈ ગઈ હતી. ત્યાંથી એ પ્રયાગરાજ સુધી યમુના નદી સાથે બે પ્રવાહમાં વહે છે. આવી રીતે તે ગંગામાં મળીને ત્રિવેણી બની જાય છે."
પુરાણોમાં પણ લખાયું છે કે, "ગંગા યમુનયો યત્ર ગુપ્ત સરસ્વતી".
શું સરસ્વતી નદી માટે અધ્યયન-સંશોધન કરવામાં આવ્યું છે?
15 જૂન 2002ના રોજ તત્કાલીન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જગમોહને જાહેરાત કરી હતી કે સરસ્વતી નદીનો માર્ગ શોધી કાઢવા માટે ઉત્ખનન કરવામાં આવશે.
તેના માટે ઇસરોના બલદેવ સહાય, પુરાતત્ત્વવિદ એસ. કલ્યાણ રમન, ગ્લેશિયોલૉજિસ્ટ વાઈ.કે. પુરી અને જળ સલાહકાર માધવ ચિતા સહિત વિશેષજ્ઞોની એક ટીમ બનાવવામાં આવી છે.
ટીમે રાજસ્થાનના વિભિન્ન ભાગો સહિત સરહદી રાજ્યોનો પણ પ્રવાસ કર્યો અને માહિતી એકઠી કરી. તેના આધારો ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમે 28 નવેમ્બર, 2015ના રોજ સરસ્વતી નદી પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.
'રિવર સરસ્વતી: ઍન ઇન્ટિગ્રેટેડ સ્ટડી બેઝ્ડ ઑન રિમોટ સેન્સિંગ ઍન્ડ જીઆઇએસ ટૅક્નિક વિથ ગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન' શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવેલા આ રિપોર્ટને ડૉ. જે.આર.શર્મા, ડૉ.બી.સી ભદ્રા, ડૉ. એ.કે. ગુપ્તા અને ડૉ. જી. શ્રીનિવાસ જેવા વરિષ્ઠ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ ઇસરોના જોધપુર રિજીયોનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ઘણી નદીઓ દેશના ઉત્તરપશ્ચિમ વિસ્તારોમાંથી વહેતી હતી.
વેદો અને પુરાણો કહે છે કે સરસ્વતી નદી એ સિંધુ નદીની જેમ જ ઇ.સ.પૂર્વે 6000માં વહેતી હતી. એટલે કે આજથી લગભગ 8000 વર્ષ પહેલાં એ નદી વહેતી હતી.
એવું પણ કહેવામાં આવે છે કે સરસ્વતી નદી એ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાંથી પસાર થઈને અંતે ગુજરાતના કચ્છમાં સમુદ્રને મળતી હતી. એવી પણ કહાણીઓ છે કે સરસ્વતી નદી આજથી હજારો વર્ષો પહેલાં જળવાયુ પરિવર્તન અને હિમાલયમાં ટૅક્ટોનિક પ્લૅટ્સ ખસવાને કારણે સુકાઈ ગઈ.
કુંભમેળાને કારણે ખૂબ પ્રસિદ્ધિ મળી
ઇ.સ. પૂર્વે ચોથી-પાંચમી સદીમાં કવિ કાલિદાસે લખેલ કવિતા 'રઘુવંશ'માં ગંગા અને યમુના નદીઓનાં નામ છે પરંતુ સરસ્વતી નદીનો ઉલ્લેખ જોવા મળતો નથી.
અનામિકા રૉય કહે છે કે કાલિદાસે કદાચ સરસ્વતી નદીનો ઉલ્લેખ ન કર્યો હોય તેવું બની શકે કારણ કે એ સમયમાં આ નદીનો બહુ ઉલ્લેખ જોવા મળતો નથી.
તેઓ કહે છે, "એવું કહેવાય છે કે સરસ્વતી નદી એ કુંભમેળાની શરૂઆત પછી વધુ પ્રસિદ્ધ થઈ. પણ જો આપણે ઐતિહાસિક સાક્ષ્યોને જોઇએ તો આપણે કહી શકીએ કે સરસ્વતી નદીનું અસ્તિત્ત્વ હતું અને પછી તે ગાયબ થઈ ગઈ."
"કે. ચટ્ટોપાધ્યાય જેવા ઇતિહાસકારો કહે છે કે સિંધુ નદી એ જ સરસ્વતી નદી છે. જ્યારે ધર્મશાસ્ત્રચરિત્ર લખનાર પી. વી. કાણે જેવા ઇતિહાસકારો આ દલીલમાં માનતા નથી. અન્ય કેટલાક ઇતિહાસકારો કહે છે કે સરસ્વતી નદી એ કુરુક્ષેત્રથી અલગ-અલગ શાખાઓમાં વિભાજિત થઈ જાય છે. "
ત્રિવેણી સંગમને વિશેષ પ્રાથમિકતા
પ્રયાગરાજમાં દર 12 વર્ષે યોજાતો મહાકુંભ પણ આ ત્રિવેણી સંગમે જ યોજાય છે.
તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ત્રિવેણી સંગમ પર વિશેષ ઘાટનું નિર્માણ કરાવ્યું છે. આ ઘાટ પર હોડીઓ પણ ઉપલબ્ધ છે.
જ્યારે ગંગા અને યમુના નદીઓનો પ્રવાહ ઓછો થાય છે ત્યારે ભક્તો હોડીમાં જાય છે અને બંને નદીઓના સંગમતટે સ્નાન કરે છે.
પૂજા કરવાની સાથે સાથે જ ત્યાં લોકો પોતાના સ્વજનોનાં અસ્થિઓ પધરાવવા જેવી ક્રિયાઓ પણ કરતા હોય છે.
કેટલાક શ્રદ્ધાળુઓનું કહેવું છે કે તેના કારણે નદી કચરાથી ભરપૂર જોવા મળે છે.
હજારો લોકો માટે રોજગારની તક
ત્રિવેણી સંગમ પર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે કુંભમેળા દરમિયાન અહીં લાખો લોકો આવશે.
અહીંના હોડીચાલકો અનુસાર, પ્રયાગતટે 2 હજાર હોડીઓ છે. એવામાં હજારો પરિવારો હોડી ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે.
આ હોડીચાલકો પણ હવે અનેક રાજ્યોની ભાષાઓ જાણતા થઈ ગયા છે, કારણ કે તીર્થયાત્રીઓ અલગ-અલગ રાજ્યમાંથી આવે છે.
તેઓ તેલુગુ, કન્નડ, ગુજરાતી, તમિલ જેવી ભાષાઓના કેટલાક શબ્દો જાણે છે.
હોડીચાલક બચ્ચનલાલે બીબીસીને જણાવ્યું હતું કે, "15-20 ભાષા બોલનારા લોકો અહીં આવે છે. અમે તેમની સાથે વાત કરવા માટે કેટલીક ભાષાઓના શબ્દો શીખી લીધા છે."
ત્રિવેણી સંગમ પર વેણીદાન પણ કરવામાં આવે છે.
તેલુગુ પૂજારી ચંદ્રશેખર શર્માએ બીબીસીને આ પરંપરા વિશે વાત કરતાં કહ્યું હતું કે, "પતિ અને પત્ની ફરીથી અહીં લગ્ન કરે છે અને પત્ની વાળનું દાન કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન