લૉસ એંજલસનાં જંગલોમાં દાવાનળ: આવી ભયાનક આગનાં પાંચ કારણો શું છે?
- લેેખક, જેમ્સ ફિટ્ઝગેરાલ્ડ અને ટોમ મેકઆર્થર
- પદ, બીબીસી
લૉસ એંજલસમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત વિશાળ કેલિફૉર્નિયાનાં બે શહેરોમાં મોટી આગ હજુ પણ લાગી રહી છે.
રવિવાર સુધીમાં અગ્નિશામક દળોએ એક બે નાની આગને કાબૂમાં લીધી હતી પરંતુ સૌથી મોટી બે પ્રચંડ આગ હજુ પણ નાથી નથી શકાઈ.
એલએ કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "બુધવાર સુધી ભારે પવન ચાલુ રહેવાની ધારણા હોવાથી આગનો ખતરો હજુ પણ વધુ જ છે."
આ આગને શહેરના ઇતિહાસમાં સૌથી વિનાશક માનવામાં આવી રહી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કેડેવર કૂતરાઓ (મૃતકને કાટમાળમાંથી સુંઘીને શોધી કાઢનાર ) અને અન્ય ટીમો બળી ગયેલાં ઘરોના કાટમાળમાં તપાસ ચલાવી રહ્યા છે.
હાલની લૉસ એંજલિસમાં સ્થિતી શું છે?
પેલિસેડ્સમાં લાગેલી સૌથી મોટી આગ હવે 23,000 એકરથી વધુ જમીનમાં ફેલાઈ ગઈ છે. જોકે હજારો અગ્નિશામકોએ આમાંથી લગભગ 11 ટકા ભાગ પર લાગેલી આગ પર કાબૂ મેળવ્યો છે.
એલએ સિટી ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રૉલીએ રવિવારે જણાવ્યું હતું કે, આગના ફેલાવાને રોકવા માટે જરૂરી ટીમ "જે થઈ શકે તે બધું" કરી રહી છે.
આગ પૂર્વ તરફ આગળ વધી રહી હતી અને તે બ્રૅન્ટવુડ તરફ જઈ રહ્યાની ચેતવણી આપી રહી છે. અહીંયા ગેટ્ટી સેન્ટર આવેલું છે જે એક વિશ્વ-પ્રસિદ્ધ આર્ટ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાંથી પણ સ્ટાફને ખસેડી લેવાયો છે.
નજીકમાં આવેલી યુનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયા, લૉસ એંજલસના વિદ્યાર્થીઓ પણ અધિકારીઓ પાસેથી અપડેટ્સની રાહ જોઈ રહ્યા હતા.
ચીફ ક્રૉલીએ જણાવ્યું હતું કે શનિવારે પવને મદદ કરી હતી. પરંતુ રવિવારે 80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે વહેતા ઉત્તરીય પવનો અને ઓછા ભેજની ચેતવણી આપવામાં આવી છે.
આગના ભયજનક સ્તર દર્શાવતી રેડ ફ્લેગ ચેતવણી - બુધવારે 18:00 સુધીની છે. મંગળવારે સૌથી ગંભીર એવા સૅન્ટા આના પવનોનો અંદેશો છે.
સેન્ટા આના પવન શું છે?
16 મૃતકો ઇટન ફાયર ઝોનમાંથી મળી આવ્યા હતા જ્યારે આઠ મૃતકો પેલિસેડ્સ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. અન્ય 16 લોકો ગુમ થયાના અહેવાલ છે.
રવિવાર સુધીમાં લૉસ એંજલસ કાઉન્ટીમાં 105,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 87,000 લોકોને ચેતવણી આપી હતી. જો કે શનિવારથી આ સંખ્યામાં ઘટાડો થયો છે.
12,000 થી વધુ બાંધકામો - ઘરો, આઉટબિલ્ડીંગ્સ, શેડ, મોબાઇલ ઘરો અને કાર – આગમાં હોમાઈ ગયાં છે. આમાંથી 7,000 જેટલા તો ઇટન એરીયામાં લાગેલી આગમાં હોમાઇ ગયા છે.
પેલિસેડ્સ આગમાં લગભગ 5,300 બાંધકામો નાશ પામ્યાં છે જેમાંથી ઓછાંમાં ઓછાં 426 ઘરો શામેલ છે.
લૂંટફાટના અહેવાલો બાદ અધિકારીઓ કહે છે કે, તેઓ પેલિસેડ્સ અને ઇટન જેવા આગથી પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ પણ લાગુ કરી રહ્યા છે.
પોલીસે અત્યાર સુધીમાં 29 ધરપકડો કરી છે જેમાંથી 25 ઇટન ફાયર વિસ્તારમાંથી અને ચાર પેલિસેડ્સ ફાયર ઝોનમાં કરી છે. આમાં એવી બે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય કે છે જેઓ અગ્નિશામક દળનાં સભ્ય તરીકે ઓળખાણ આપીને ખાનગી ઘરોમાં ઘૂસતા પકડાઈ હતી.
શનિવારે રાત્રે પોલીસે પેલિસેડ્સમાં કર્ફ્યૂના ઉલ્લંઘન માટે એક વ્યક્તિ અને ઇટનમાં છ લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી ત્રણ કર્ફ્યૂના ઉલ્લંઘન માટે અને ત્રણને અન્ય આરોપ સર પકડ્યા હતા.
રસ્તા બંધ કરવા અને મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુધારવા માટે લગભગ 400 નૅશનલ ગાર્ડને તહેનાત કરવામાં આવ્યા છે. વધુ ગાર્ડ રવિવારે આવવાના હતા.
યુટિલિટી કંપની સધર્ન કેલિફૉર્નિયા ઍડિસને પણ લૉસ એંજલસમાં 26,000 થી વધુ ગ્રાહકોની સલામતી માટે પાવર કટ કર્યો છે. આગનું જોખમ ઘટાડવા માટે અસ્થાયી રૂપે પણ વીજળી કાપ કરવામાં આવ્યો છે.
સમગ્ર યુએસમાં બ્લૅકઆઉટ પર નજર રાખતી આઉટેજ મૉનિટર Poweroutage.us અનુસાર, આ વિસ્તારમાં લગભગ 35,000 ઘરો અને વ્યવસાયોની વીજળી કાપવામાં આવી છે.
એલએ કાઉન્ટી એ લોકોને સ્વાસ્થ્યની કટોકટી જાહેર કરી છે અને લોકોને વાયુ પ્રદૂષણ ટાળવા માટે ઘરની અંદર જ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ આગ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોંઘી પડી શકે છે. AccuWeather ના પ્રારંભિક અંદાજ મુજબ 150 અબજ ડૉલર સુધીના નુકસાનનો અંદાજ છે.
નુકસાન પામેલી અને વીમો હોય તેવી મિલકતોની કિંમત ઊંચી હોવાથી આઠ અબજ ડૉલરથી વધુનું નુકસાન થવાની ધારણા છે.
જે સેલિબ્રિટીઓએ પોતાનાં ઘર ગુમાવ્યાં છે તેમાં મેલ ગિબ્સન, લેઇટન મિસ્ટર અને એડમ બ્રૉડીનો સમાવેશ થાય છે. આ લોકોએ થોડા દિવસો પહેલાં ગોલ્ડન ગ્લોબ્સમાં હાજરી આપી હતી. આમાં પેરિસ હિલ્ટનનો પણ સમાવેશ થાય છે.
આગ ક્યાં લાગી છે?
કેલિફૉર્નિયાના ફાયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બે મોટા વિસ્તારોમાં આગ સક્રિય છે. જ્યારે એક નાની આગને લગભગ કાબૂમાં લેવાઈ ગઈ છે:
પેલિસેડ્સ: મંગળવારે ફાટી નીકળેલી આ પ્રદેશના ઇતિહાસની સૌથી મોટી આગ. આ આગે 23,654 એકરથી વધુ વિસ્તારને પોતાની ઝપેટમાં લીધો છે. જેમાં પેસિફિક પેલિસેડ્સનાં આસપાસનાં વિસ્તારનો પણ સમાવેશ થાય છે. રવિવાર સવાર સુધીમાં તે કુલ વિસ્તારની 11 ટકા જેટલી આગ કાબૂમાં આવી ગઈ હતી.
ઇટન: લૉસ એંજલસના ઉત્તરીય ભાગ અને અલ્ટાડેના જેવા વિસ્તારોમાં આગ ભડકે બળે છે. આ વિસ્તારની બીજી સૌથી મોટી આગ છે જેણે 14,000 એકરથી વધુ વિસ્તારને બાળીને ખાખ કરી નાંખ્યો છે. આ વિસ્તારમાં 27 ટકા આગ કાબુમાં આવી ગઈ છે.
હર્સ્ટ: સાન ફર્નાન્ડોની ઉત્તરે મંગળવારે આગ લાગી હતી. આ વધીને 799 એકરમાં ફેલાઈ હતી. હવે આગ લગભગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે.
અગાઉ કેનેથ, આર્ચર, સનસેટ, લિડિયા, વુડલી અને ઓલિવાસમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે.
લૉસ એંજલિસ આવી આગ માટે તૈયાર હતું?
અગ્નિશામક દળનાં બંબાના પાઇપો સુકાઈ ગયા હોવાનું બહાર આવ્યા પછી શહેરની આગ સામેની તૈયારી અંગે રાજકીય વિવાદ શરૂ થયો છે.
કેલિફૉર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઇને સ્વતંત્ર તપાસની માંગણી કરી છે. આગ ફાટી નીકળી તે વખતે સાન્ટા યેનેઝ જળાશય ખાલી ખાલી કેમ હતું તેની પણ તપાસની માંગ કરી છે.
"ફાયર હાઇડ્રેન્ટ્સમાંથી પુરવઠો ના મળવાથી કેટલાંક ઘરો અને સ્થળાંતર માટેનાં કૉરિડોરને સુરક્ષિત કરવાના પ્રયાસ પર અસર થઈ શકે છે," તેમણે લખ્યું.
મેયર કરેન બાસ ઘાનાની અગાઉથી ગોઠવાયેલી યાત્રાથી શહેરમાં પાછા ફર્યા. ત્યાં તેમણે આગ અંગેની માહિતી મેળવી હતી. આગ સામે લડવામાં તેમના પ્રદેશની તૈયારીઓ, કટોકટીના સમયમાં તેમનું નેતૃત્વ અને પાણીની સમસ્યાઓ અંગે તેમણે ગંભીર પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે.
શનિવારે તેમણે આ મુસીબતનાં સંચાલન અંગેના પ્રશ્નોને અવગણીને એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું: "અત્યારે લૉસ એંજલિસ પ્રત્યેની અમારી પહેલી અને સૌથી મહત્ત્વપૂર્ણ ફરજ એ છે કે અમે આ કટોકટીમાંથી બહાર નીકળી જઈએ."
આગ ફાટી નીકળે તે પહેલાં એલએ શહેરના ફાયર ચીફે એક મેમોમાં ચેતવણી આપી હતી કે બજેટમાં કાપ આવી ગંભીર કટોકટીનો પ્રતિકાર કરવામાં અગ્નિશામકદળને અવરોધી શકે છે.
શનિવારે, એલએ કાઉન્ટી ફાયર ચીફ ઍન્થોની મેરોને ઇનકાર કર્યો હતો કે તેમનો વિભાગ પૂરતી તૈયારી વિનાનો હતો.
તેમણે કહ્યું, "પહેલી આગ શરૂ થાય તે પહેલાં જ અમારી પાસે પૂરતા કર્મચારીઓ અને સંસાધનો હોય તેની ખાતરી કરવા માટે મેં મારાથી થાય એટલું બધુ કર્યું હતું."
મેરોને ઉમેર્યું, "તૈયારી કે નિર્ણય લેવાના અભાવને કારણે આ પરિસ્થિતિ ઉભી નથી થઇ. આ એક કુદરતી આપત્તિ હતી."
આ વિસ્તારના રહેવાસીઓ કહે છે કે ગુરુવારે લૉ એંજલસમાં દરેક મોબાઇલ ફોન પર ભૂલથી આગની ચેતવણી મોકલી દેવાઈ હતી. આના લીધે લોકોમાં ભય અંગે નિરાશા વ્યાપી ગઇ હતી. કેટલાક લોકો ગુસ્સે પણ થયા હતા. આ કાઉન્ટીમાં લગભગ એક કરોડ લોકો રહે છે.
શનિવારે સવારે એક ન્યૂઝ કૉન્ફરન્સ દરમિયાન શહેરના અધિકારીઓએ આ માટે સૉફ્ટવેરની ખામીને દોષી ઠેરવી હતી. તેમણે કહ્યું હતું કે હવે પછી તેઓ કેલિફૉર્નિયા રાજ્યની કટોકટી સૂચના પ્રણાલી સાથે ભાગીદારી કરી તેમની ચેતવણી પ્રણાલી બદલી રહ્યા છે.
આગનું કારણ શું છે?
લૉસ એંજલસ કાઉન્ટી શેરિફ રૉબર્ટ લુનાએ જણાવ્યું હતું કે ડિટેક્ટીવ્સ આગનાં સંભવિત કારણોની તપાસ ચાલુ રાખી રહ્યા છે.
તેમણે કહ્યું, "બધું જ ટેબલ પર છે."
યુએસમાં વીજળીથી આગ લાગવી એ સૌથી સામાન્ય છે. પરંતુ તેને પેલિસેડ્સ અને ઇટનમાં લાગેલી આગના કારણ તરીકે નકારી કાઢવામાં આવ્યું છે.
આગ લગાડવાનાં બીજાં કારણોનાં અત્યાર સુધી કોઈ સત્તાવાર સંકેત મળ્યો નથી.
કેલિફૉર્નિયામાં 2022-23 ખૂબ વરસાદ પડ્યો હતો. જેના કારણે વનસ્પતિમાં ખૂબ ઊગી નીકળ્યાં હતાં. આ બધા ગયા વર્ષના દુષ્કાળમાં સુકાઈ ગયા. જેના કારણે પણ પુષ્કળ પ્રમાણમાં આગ લાગી.
ઑક્ટોબરથી લૉસ એંજલસના શહેરની મધ્યમાં માત્ર 0.16 ઇંચ (0.4 સેમી) વરસાદ પડ્યો છે - અને સાન્ટા એના પવન તરીકે ઓળખાતા શક્તિશાળી દરિયા કિનારે આવેલા વાવાઝોડાએ પણ જંગલમાં આગ લાગવાની પરિસ્થિતિઓ ઊભી કરી હોઈ શકે.
બીબીસી હવામાન આગાહીકાર સારાહ કીથ-લુકાસ કહે છે કે ઓછામાં ઓછા આગામી અઠવાડિયા સુધી આ વિસ્તારમાં વરસાદની કોઈ આગાહી નથી.
જોકે શુક્રવારથી શનિવાર સુધી પવન થોડો ઓછો થવાની ધારણા હતી, આગાહીકર્તાઓએ ચેતવણી આપી હતી કે રવિવારથી સોમવારે તે ફરીથી જોર પકડશે.
ક્લાઇમેટ ચેન્જે શું ભૂમિકા ભજવી છે?
જોકે જોરદાર પવન અને વરસાદનો અભાવ આગને આગળ ધપાવી રહ્યો છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે ક્લાઇમેટ ચેન્જ (આબોહવામાં આવેલું પરિવર્તન) પણ અન્ય પરિસ્થિતિઓમાં ફેરફાર કરી રહ્યું છે અને આવી તીવ્ર આગની સંભાવના વધારી રહ્યું છે.
કેલિફૉર્નિયા સહિત પશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સના મોટાભાગના વિસ્તારોમાં દાયકાઓ સુધી દુષ્કાળ પડ્યો હતો જે ફક્ત બે વર્ષ પહેલાં જ સમાપ્ત થયો હતો. જેના કારણે પણ આ પ્રદેશ સંવેદનશીલ બન્યો હતો.
તાજેતરનાં વર્ષોમાં સૂકા અને ભીના સમયગાળા વચ્ચે "વ્હિપ્લેશ" સ્વિંગે મોટા પ્રમાણમાં સૂકી વનસ્પતિઓનું નિર્માણ કર્યું હતું જે બળવા માટે એકદમ તૈયાર હતા.
યુએસ સરકારનું સંશોધન પશ્ચિમી યુએસમાં મોટા અને વધુ ગંભીર જંગલી આગ સાથે ક્લાઇમેટ ચેન્જને સ્પષ્ટ રીતે જોડે છે.
નૅશનલ ઓશનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન કહે છે કે, "વધતી ગરમી, લાંબા દુષ્કાળ અને તરસ્યા વાતાવરણ સહિત ક્લાઇમેટ ચેન્જ પશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલી આગના જોખમ અને વિસ્તારમાં વધારો કરનારા મુખ્ય પરિબળ રહ્યા છે,"
દક્ષિણ કેલિફૉર્નિયામાં આગની મોસમ સામાન્ય રીતે મેથી ઍક્ટોબર સુધીની માનવામાં આવે છે. પરંતુ ગવર્નરે અગાઉ નિર્દેશ કર્યો છે કે, આગ હવે એક બારમાસી મુદ્દો બની ગયો છે. "આગની કોઈ નિશ્ચિત સમય નથી. આખું વર્ષ જ આગનું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન