ગુજરાત : હજારો ખેડૂતોને વ્યાજ વગરની લોન કેમ અપાશે, કેવી રીતે મેળવી શકાય આ લોન?
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી
ગુજરાતમાં ચાલુ સિઝનમાં પડેલ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનું વ્યાપક નુકસાન થયું હોવાની ફરિયાદ ઊઠી હતી. તેમજ કેટલાક ખેડૂતોની સમગ્ર વર્ષની મૂડી ધોવાઈ ગઈ હોવાનો પણ દાવો કર્યો હતો.
આવી સ્થિતિમાં સુરતની એક સહકારી બૅંકે સ્થાનિક ખેડૂતોને 'મદદ' કરવાની જાહેરાત કરી છે. બૅંકે જાહેરાત કરી છે કે તેઓ વગર વ્યાજે ખેડૂતોને લોન આપશે.
ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાનને જોતાં બૅકના બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ખેડૂતોએ આ લોનનો લાભ મેળવવા માટે સરળ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. બૅંકે કરેલી જાહેરાત અનુસાર આ માટે બૅંક તમામ શક્ય મદદ કરશે.
બૅંકનું કહેવું છે કે ખેડૂતોને આર્થિક મદદ મળી રહે અને તેઓ ફરીથી ખેતી કરી શકે તે માટે તેઓ આ યોજના લઈ આવ્યા છે. જે અંતર્ગત ખેડૂતોને એકર દીઠ દસ હજાર રૂ.ની લોન આપવામાં આવશે. એક ખેડૂતને મહત્તમ 50 હજારની લોન વગર વ્યાજની આપવામાં આવશે.
અહીં નોંધનીય છે કે થોડા સમય પહેલાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બૅંકના ચૅરમૅન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને ખેડૂતો માટે વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી.
શું છે યોજના અને કઈ રીતે મળશે લોન?
સુરત શહેર અને જિલ્લાની પ્રમુખ સહકારી બૅંકો પૈકી સુરત ડિસ્ટ્રિક્ટ કૉઓપરેટિવ બૅન્કે ખેડૂતો માટે વગર વ્યાજની ધિરાણ આ યોજના રજૂ કરી છે.
આ યોજનાનું નામ "સુડિકો અતિવૃષ્ટિ સહાય યોજના" રાખવામાં આવ્યું છે.
હાલમાં આ યોજના હેઠળ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને ધિરાણ આપવામાં આવશે. ચાલુ વર્ષે સુરત એને તાપી જિલ્લામાં શેરડી, ડાંગર, કઠોળ, સોયાબીન, કપાસ, બાગાયતી પાકોમાં કેળા અને પપૈયાના પાકને નુકસાન થયું છે.
ખેડૂતોને આર્થિક મદદ મળે અને તેઓ નુકસાનમાંથી બહાર આવી શકે તે માટે બૅંક આ યોજના લઈ આવી હોવાનું જણાવી રહી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાથી સૌથી વધુ લાભ થશે એવો દાવો કરાઈ રહ્યો છે.
સુરત ડિસ્ટ્રિક્ટ કૉઓપરેટિવ બૅંકના ચૅરમૅન બળવંત પટેલે બીબીસીને જણાવ્યું હતું કે, "આ એક પ્રકારની ટર્મ લોન હશે, જેમાં ખેડૂતને મહત્તમ 50 હજાર રૂપિયાની વગર વ્યાજની લોન આપવામાં આવશે. ખેડૂતો વાર્ષિક હપ્તેથી ત્રણ વર્ષમાં ધિરાણ ભરપાઈ કરી શકશે. અમારી યોજનાથી અંદાજિત 40થી 50 હજાર ખેડૂતોને આર્થિક મદદ મળશે. દરેક ગામમાં સેવા મંડળીઓમાં સહાયનાં ફોર્મ આપવામાં આવશે."
''આ યોજના થકી અમે આશરે 200 કરોડ રૂપિયાનું ધિરાણ ખેડૂતોને આપીશું. જે ખેડૂતો લોન લેવા માગતા હોય તેઓ 31 જાન્યુઆરી સુધી ફૉર્મ ભરીને બૅંકમાં જમા કરવાનું રહેશે. જો જરૂર જણાશે તો ત્યાર બાદ પણ ખેડૂતો માટે સહાય યોજના ચાલુ રાખવામાં આવશે."
દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ બૅંકના નિર્ણયને આવકારતાં જણાવ્યું કે ધિરાણના કારણે ખેડૂતોને રવી પાકની રોપણી કરવામાં થોડી મદદ મળી રહેશે.
ખેડૂત આગેવાન જયેશ પટેલે (દેલાડ) કહે છે, "કમોસમી વરસાદ અને બીજાં કારણોસર આ વર્ષે સુરત અને તાપી જિલ્લાઓમાં અંદાજિત 80 હજાર હેકટર ડાંગર અને 20 હજાર હેક્ટર શેરડીના પાકને નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા ઘણી જગ્યાએ સહાય માટે રજૂઆત કરાઈ હતી ત્યારે આ યોજનાથી ખેડૂતોને ચોક્કસ મોટો લાભ થશે."
દક્ષિણ ગુજરાતમાં ખેતીમાં વ્યાપક નુકસાનનો દાવો
ઓલપાડના ખેડૂત જગજીવનભાઈ પટેલ પાછલાં 35 વર્ષથી ડાંગર, શાકભાજી અને કપાસની ખેતી કરે છે. તેઓ વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે જણાવે છે :
"આ વર્ષે સાડા પાંચ વીઘામાં ડાંગરનું વાવેતર કર્યું હતું અને તેની ઊપજથી આવનારું વર્ષ સારું જશે તેવી આશા હતી. પરંતુ પાછોતરા વરસાદને કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો, ખેતરોમાં પાણી ભરાઈ ગયાં અને અમે ઊભો ડાંગર પડી જવાથી સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયા છીએ. તેઓ કહે છે કે ગયા વર્ષે એક વીઘે 60થી 65 મણનો ઉતારો આવ્યો હતો, પરંતુ આ વર્ષે પાકમાં 35 ટકા જેટલો ઘટાડો થયો છે.''
સ્થાનિક ખેડૂતોની ફરિયાદ છે કે આ વર્ષે અતિશય ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને તૈયાર પાક ધોવાઈ ગયો હતો.
પાક નિષ્ફળ જતાં જગજીવનભાઈ જેવા હજારો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું હોવાની ફરિયાદ કરે છે
ઓલપાડ તાલુકાના ખેડૂત આગેવાન મનહરભાઈ પટેલે અનુસાર આ વર્ષે પાછોતરા વરસાદના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે કપાસનો પાક ધોવાઈ ગયો હતો. કેટલીક જગ્યાએ ડાંગર કાપવાના સમયે વરસાદ પડતાં ઊભો પાક પણ સુકાઈ ગયો હતો.
તેઓ આગળ જણાવે છે કે, ''કમોસમી વરસાદ અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે આ વર્ષે ઓલપાડ તાલુકામાં ખેતીમાં સરેરાશ 30 ટકાનો ઘટાડો આવ્યો છે. વર્ષ 2023માં ઓલપાડ કૃષિકેન્દ્રમાં ત્રણ લાખ 38 હજાર ડાંગરની ગુણીઓ આવી હતી. આ વખતે ડાંગની રોપણીમાં વધારો થવા છતાં માત્ર બે લાખ 70 હજાર ડાંગરની ગુણઓ જ આવી છે.''
ગુજરાત સરકારની 1418 કરોડ રૂ.ના કૃષિ સહાય પૅકેજની જાહેરાત
ઑગસ્ટમાં વરસેલા વરસાદને કારણે ગુજરાતના મુખ્ય પાક જેમ કે, ડાંગર, સોયાબીન અને મગફળીમાં ભારે નુકસાન થયું હોવાની ફરિયાદ ઊઠી હતી. પાકના આ નુકસાન બાદ ગુજરાત સરકારે 1418 કરોડ રૂપિયાનો પૅકેજ જાહેર કર્યું હતું.
થોડા સમય પહેલાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ''આ સહાય પૅકેજ હેઠળ રાજ્યના 136 તાલુકાના છ હજારથી વધુ ગામના અંદાજિત સાત લાખ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 33% થી વધુ નુકસાન થયું હોય તેમાં નિયમો હેઠળ સહાય ચૂકવવામાં આવશે. પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાય અને બિનપિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 11 હજારની સહાય આપવામાં આવશે.''
''રાજ્ય સરકાર અનુસાર અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, સુરત, વડોદરા, પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દ્વારકા, ખેડા, આણંદ, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, ભરૂચ, ડાંગ, છોટા ઉદેપુર અને પાટણ જિલ્લામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.''
રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ''આ સહાય પૅકેજ ફક્ત ઑગસ્ટ મહિનામાં વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે જાહેર કરવામાં આવ્યું છે. પાછોતરા વરસાદના કારણે પાકને જે નુકસાન થયું છે તે માટે સર્વે હાથ ધરવામાં આવશે.''
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન