ભારત પર ફૉલોઑનનો ખતરો વધ્યો, બીજા દિવસને અંતે ભારત 164/5 – ન્યૂઝ અપડેટ

ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટમૅચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી જ્યારે આઉટ થયા ત્યારની તસવીર

બૉર્ડર-ગવાસ્કર ટ્રૉફીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમૅચ મેલબૉર્ન સ્ટેડિયમમાં ચાલી રહી છે. આ મૅચ 26 ડિસેમ્બરે શરૂ થઈ. મૅચના બીજા દિવસે છેલ્લા સત્રમાં ભારતની ત્રણ વિકેટ માત્ર છ રનમાં પડી ગઈ. ભારતીય ટીમનો સ્કોર પાંચ વિકેટના ભોગે 164 છે.

ભારતે ફૉલોઑનથી બચવા માટે 275 રનનો સ્કોર બનાવવો પડશે. જ્યારે રમત બંધ રહી ત્યારે ઋષભ પંત 6 રને અને રવીન્દ્ર જાડેજા 4 રને નોટઆઉટ હતા.

આ મૅચની પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 474 રન ફટકાર્યા.

સ્ટીવ સ્મિથે 140 રનની શાનદાર રમત રમી. ભારત વતી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ચાર વિકેટ લીધી.

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 82 રન બનાવ્યા જ્યારે કે કે. એલ. રાહુલે 24 અને વિરાટ કોહલીએ 36 રનનું યોગદાન આપ્યું. રોહિત શર્મા આજે ત્રણ રને આઉટ થયા.

મનમોહનસિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક

મનમોહનસિંહનું નિધન

ઇમેજ સ્રોત, ANI

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના નિધન પર ભારત સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર 27મી ડિસેમ્બરના રોજ તમામ સરકારી સમારોહને રદ કરી દેવામાં આવ્યા છે. મનમોહનસિંહના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

શનિવારે અંતિમસંસ્કારના દિવસે વિદેશોમાં ભારતીય દૂતાવાસો તથા ઉચ્ચાયોગોમાં પણ રાષ્ટ્રીય ઝંડાને ઝૂકાવી દેવામાં આવશે.

કેરળ રાજ્યએ પણ સાત દિવસના રાજકીય શોકની તથા કર્ણાટક રાજ્યએ સાત દિવસના શોકની તથા અને 27મી ડિસેમ્બરે સાર્વજનિક રજાની જાહેરાત કરી છે.

મનમોહનસિંહના નિધન પર અમેરિકાએ વ્યક્ત કર્યો શોક- ન્યૂઝ અપડેટ

મનમોહનસિંહ, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ બુશ 2006માં ભારત આવ્યા હતા ત્યારની તસવીર

ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના નિધન પર અમેરિકાએ શોક વ્યક્ત કર્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું, "સંયુક્ત રાજ્ય અમેરિકા પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધન પર ભારતના લોકો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરે છે."

"ડૉ. સિંહ ભારત અને અમેરિકાની રણનીતિક સહભાગિતાના મોટા સમર્થકો પૈકીના એક હતા. છેલ્લા બે દશકોથી બંને દેશોએ મળીને જે હાંસલ કર્યું છે તે તેમનાં કામોને કારણે છે."

નિવેદનમાં મનમોહનસિંહને અમેરિકા અને ભારતને નજીક લાવવાનો શ્રેય પણ આપવામાં આવ્યો. આ વિશે કહેવાયું, "ડૉ. સિંહના નિધન પર અમે શોક વ્યક્ત કરીએ છીએ અને ભારત અને અમેરિકાને નજીક લાવવાની તેમની પ્રતિબદ્ધતાને હંમેશા યાદ રાખીશું."

મનમોહનસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો

મનમોહનસિંહનું નિધન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડૉ. મનમોહનસિંહની ફાઇલ તસવીર

ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના પાર્થિવ દેહને દિલ્હીસ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

રાત્રે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કૉંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી સહિતના કૉંગ્રેસ નેતા તેમના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં.

કે. સી. વેણુગોપાલે ઍક્સ પર જાણકારી આપી કે કૉંગ્રેસે તેના સાત દિવસ સુધીના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.

કૉંગ્રેસ શુક્રવારથી કર્ણાટકમાં બેલગાવીમાં એક રેલી કરવાની હતી.

ગુરુવારે સાંજે મનમોહનસિંહની તબિયત લથડતા તેમને એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમણે આખરી શ્વાસ લીધા.

મનમોહનસિંહને માલદીવ અને અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિઓએ આપી શ્રદ્ધાંજલિ

મનમોહનસિંહ, નિધન, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના નિધન પર દુનિયાના ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ ઍક્સ પર પોતાની પોસ્ટમાં સંવેદના વ્યક્ત કરી. તેમણે લખ્યું કે ભારતે પોતાનો સૌથી હોનહાર પુત્ર ગુમાવ્યો છે.

તેમણે આગળ લખ્યું, "ડૉ. મનમોહનસિંહ અફઘાનિસ્તાનની જનતાના દૃઢ સહયોગી અને દોસ્ત હતા. હું તેમના નિધન પર શોક વ્યક્ત કરું છું અને તેમના પરિવાર, સરકાર તથા ભારતના લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું."

કરઝાઈએ મનમોહનસિંહ સાથેની મુલાકાતની તસવીર પણ પોસ્ટ કરી છે.

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે પણ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે મનમોહનસિંહ માલદીવના સારા મિત્ર હતા.

તેમણે ઍક્સ પર લખ્યું, "મનમોહનસિંહના નિધનની ખબર વાંચીને દુ:ખ થયું. મને તેમની સાથે કામ કરતા સારું લાગતું હતું અને તેઓ એક ઉદાર પિતા સમાન હતા. તેઓ માલદીવના સારા મિત્ર હતા."

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.