ગુજરાતના આ વિસ્તારોમાં આગામી એક-બે દિવસ દરમિયાન વરસાદ પડવાની આગાહી

બીબીસી હવામાન, બીબીસી ગુજરાતી, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતમાં વરસાદની આગાહી, ગુજરાતમાં માવઠાંની આગાહી, ગુજરાતમાં ઠંડીની આગાહી, દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદસ્થિત ભારતીય હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે.

સાથે જ એ પછીના દિવસો દરમિયાન તાપમાનનો પારો 2-3 ડિગ્રી ગગડશે એવી શક્યતા પણ વ્યક્ત કરી છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ગુરૂવાર તથા શુક્રવારે રાજ્યના અમુક વિસ્તારોમાં 'માવઠું' થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આગામી દિવસો દરમિયાન ન કેવળ ગુજરાત, પરંતુ 'લગભગ' દેશભરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ક્યાં-ક્યાં થશે માવઠું?

બીબીસી હવામાન, બીબીસી ગુજરાતી, બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતમાં વરસાદની આગાહી, ગુજરાતમાં માવઠાંની આગાહી, ગુજરાતમાં ઠંડીની આગાહી, દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઠંડીથી ઝઝુમતા ગુજરાતીઓને આગામી દિવસોમાં આંશિક રાહત મળવાની શક્યતા (પ્રતીકાત્મક)

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ગુરૂવાર સવારે સાડા આઠ વાગ્યાથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી; મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા; દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ; કચ્છ-સૌરાષ્ટ્રના કચ્છ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છ ઉપરાંત કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

આ સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.

હવામાનખાતાની આગાહી પ્રમાણે, શુક્રવાર તથા શનિવારે ઉપરોક્ત સ્થળોએ 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

સપ્તાહાંત દરમિયાન ઉપરોક્ત સ્થળો ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદ પડશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વરસાદની સિઝને 'સત્તાવાર રીતે' વિદાય લઈ લીધી હોવાથી આ કમોસમી વરસાદને 'માવઠાં'ની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

શા માટે અત્યારે વરસાદ?

વીડિયો કૅપ્શન, Weather Update: ગુજરાતમાં આવતીકાલથી પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ઉત્તર ભારતમાં સર્જાયેલું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન ઉપર પહોંચશે, જેના કારણે સાઇક્લૉનિક સર્ક્યુલેશન સર્જાશે તથા તેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.

અરબી સમુદ્ર તથા બંગાળની ખાડી ઉપર ઊભા થયેલા લૉ-પ્રેશર એરિયાને કારણે ગુજરાતમાં વરસાદને અસર કરે તેવી બે સિસ્ટમ સર્જાશે.

આ સિવાય પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન તથા દક્ષિણ ભારતના તામિલનાડુ, કેરળ સહિતના રાજ્યોમાં અને મધ્યભારતના અમુક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે.

શુક્રવારે પૂર્વ અને પૂર્વોત્તર ભારતને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં અમુક સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુરૂવારથી વાતાવરણમાં પલટો આવશે, જે આવતા અઠવાડિયાની શરૂઆત સુધી અસર દેખાડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.