કચ્છ : 'હવે હું મારા ખેતરમાં કામ કરીશ', 40 વર્ષના સંઘર્ષ બાદ દલિતોને જમીનનો કબજો મળ્યો
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- Twitter,
“હવે બીજાની મજૂરી નહીં કરવી પડે, હું પોતાના ખેતરમાં કામ કરીશ અને બાળકોને સારું ભવિષ્ય આપીશ.”
આ શબ્દો કચ્છના રાપર ગામના રહેવાસી રમેશ પરમારના છે. તેઓ પહેલી વખત પોતાની જમીનના માલિક બનશે, અને તેના પર ખેતી કરશે.
લગભગ 40 વર્ષના સંઘર્ષ બાદ ‘અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડ’ને સરકાર તરફથી આશરે 170 એકર જેટલી જમીન કચ્છના રાપર તાલુકાના નાંદા અને બેલા ગામે સોંપવામાં આવી છે.
રાજ્યના ટોચમર્યાદાના કાયદા પ્રમાણે વધારાની જમીનોનો આ હવાલો લેતા આ મંડળીને 40 વર્ષથી વધુનો સમય લાગી ગયો છે.
તેમને 40 વર્ષ પહેલાં જમીન કોણે આપી હતી અને પછી આટલાં વર્ષો સુધી તેમને જમીનનો કબજો કેમ ન મળી શક્યો? આ અહેવાલમાં એ જાણીશું.
1,050 હેક્ટર જમીનનો સંઘર્ષ
અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડની સ્થાપના 1984માં થઈ હતી. રામજી ભદરુ, અનિલ દેયડા અને બીજા દલિત આગેવાનો દ્વારા આ મંડળીની રચના કરવામાં આવી હતી.
તેની સ્થાપના બાદ તરત જ સરકાર તરફથી મંડળીને 1050 હેક્ટર એટલે કે આશરે 2600 એકર જેટલી જમીન સોંપી દેવામાં આવી હતી. આ જમીનની માલિકી તે મંડળીએ પોતાના સભાસદોને સોંપવાની હતી.
જોકે, ત્યારબાદ આ મંડળીનો ખરેખરનો સંઘર્ષ શરૂ થયો હતો. કારણ કે, 1983માં કાગળ ઉપર જમીન તો મળી ગઈ હતી, પરંતુ હકીકતમાં તેમને જમીનનો કબજો મળી શક્યો નહોતો.
આગેવાન અનિલ દેયડા કહે છે, “આ જમીનો માત્ર કાગળ પર જ અમારા નામે રહી હતી. અમારી લડત તો 1984 પછી શરૂ થઈ હતી, કારણ કે સરકારે કાગળ પર જમીન અમારી મંડળીના નામે કરી દીધી હતી, પરંતુ જમીનો પર ઊંચી જાતિના લોકોનો કબજો હતો અને અમને તે જમીનો પર જવા દેવામાં આવતા ન હતા.”
જોકે, ત્યારબાદ આ મંડળીના નેતાઓ તેમજ સભ્યોએ અનેક વખત તલાટી-કમ-મંત્રીથી માંડી મુખ્ય મંત્રી અને રાજ્યપાલની મુલાકાત લીધી, લગભગ 80 જેટલી અલગ-અલગ ફરિયાદો કરી, અનેક વખત કલેક્ટર કચેરીની સામે ધરણાં કર્યાં, લોકસંપર્કનો કાર્યક્રમ કર્યા, ગામેગામ લોકોને ભેગા કર્યા. ત્યારપછી આ 170 એકર જેટલી જમીનનો કબજો આ મંડળીને મળ્યો છે.
જમીનનો કબજો મેળવવા માટે લોકોએ 40 વર્ષ સુધી નેતાઓથી માંડીને સરકારી અધિકારીઓ સુધી સૌનાં દ્વાર ખખડાવ્યાં હતાં.
જોકે, 15 ઑગસ્ટ, 2024ના રોજ કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાપરમાં ધ્વજવંદન કર્યું હતું અને લગભગ 170 એકર જેટલી જમીનનો સંપૂર્ણ કબજો દલિતોને મળે તે માટેનું આહ્વાન કર્યું હતું. જોકે, ત્યારબાદ મેવાણી તેના માટે જ્યારે SC-ST સેલના એડીજીપી રાજકુમાર પાંડિયનને મળીને રજૂઆત કરવા ગયા હતા ત્યારબાદ બન્ને વચ્ચે વિવાદ થયો હતો.
આ વિવાદના લગભગ 10 દિવસ બાદ જમીનનો કબજો સંપૂર્ણપણે દલિતોને સોંપવામાં આવ્યો છે.
‘અમને તો આશા જ ન હતી કે આ જમીન અમને મળશે’
આ જ મંડળીના સભ્ય રમેશ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “સભ્ય બન્યો ત્યારથી અનેક વખત અમે અનેક કાર્યક્રમો કર્યા છે, અનેક અધિકારીઓને મળ્યા છીએ, અનેક વખત અલગ-અલગ નેતાઓને મળ્યા છીએ. મને આશા ન હતી કે આ જમીન અમને મળશે.”
તેમના ઘરમાં તેઓ તેમનાં માતા, બે પુત્રીઓ અને બે પુત્ર અને પત્ની સાથે રહે છે. તેઓ ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. દરરોજની આશરે 200 થી 250 રૂપિયાની મજૂરી કરવા માટે તેઓ ગામના ખેડૂત ખાતેદારોના ખેતરમાં કામ કરતા આવ્યા છે.
તેમણે કહ્યું, “તાજેતરમાં જ તેમને સાડા ચાર એકર જેટલી જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો. “મારે શું કહેવું તેની મને ખબર જ નથી પડતી. આટલાં વર્ષોના અમારા સંઘર્ષ પછી અમને આ પરિણામ મળ્યું છે.”
પાનનો ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા 45 વર્ષીય લાલજી પરમારની હાલત પણ કંઈક આવી જ છે. તેમને પણ આશરે ચાર એકર જેટલી જમીનનો કબજો મળવાનો છે.
તેઓ કહે છે કે, “મારા પરિવારમાં અમે છ લોકો છીએ. મારાં પત્ની બીજાનાં ખેતરોમાં મજૂરી કરે છે, અને હું પાનનો ગલ્લો ચલાવું છું. હવે અમે પણ સ્વમાનભેર ખેડૂત તરીકે અમારું જીવન વ્યતીત કરી શકીશું, તે વાતનો મને ખૂબ આનંદ છે.”
‘જમીનો પર ગેરકાયદેસર દબાણો’
અનિલ દેયડા કહે છે, “1983માં અમને સોંપાયેલી લગભગ 2600 એકર જેટલી જમીનમાંથી, અમારો સંપૂર્ણ કબજો હોય તેવી આ પ્રથમ જમીનો છે, જે નાંદા અને બેલા ગામમાં છે. આ બન્ને ગામોમાં આશરે 170 એકર જેટલી જમીનનો કબજો અમને સોંપવામાં આવ્યો છે. હજી બીજી જમીનોનો સંપૂર્ણ કબજો મેળવવાનો સંઘર્ષ ચાલુ છે.”
દેયડા પ્રમાણે, અનેક વખત રજૂઆત કરવા છતાં તેમને સોંપવામાં આવેલી જમીનો પર ગેરકાયદેસર દબાણ પણ છે. તેમજ તેમનામાંથી કેટલાક લોકો તો પોતાની જ જમીન પર જઈ શકતા નથી.
જોકે, મંડળીના આરોપો સંદર્ભે જ્યારે બીબીસી ગુજરાતીએ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, “એવું નથી કે લોકોને કબજો મળ્યો નથી. એવું બને કે આસપાસના લોકોની કોઈ તકલીફ હોય, હદ સંદર્ભે મતભેદ હોય, તેવા કિસ્સામાં જો અમને ફરિયાદ મળે તો તે પ્રમાણે તેવી ફરિયાદોનો નિકાલ કરીએ છીએ.”
તેઓ કહે છે, “અનેક કિસ્સાઓમાં કબજે અપાયેલી જગ્યા પરથી દબાણ ખસેડવાની કામગીરીથી માંડી હદ સંદર્ભે માપણી વગેરે કરવાની તમામ કામગીરી કલેક્ટર ઑફિસ તરફથી કરવામાં આવે છે.”
તેમણે મંડળીના આરોપોને નકારતાં કહ્યું હતું કે, “જમીનો માત્ર કાગળ પર જ મળી છે, તે વાત સાચી નથી. આખા જિલ્લામાં જમીનોનો કબજો જે તે સમયે મંડળીઓના પ્રમુખોને આપી દેવામાં આવ્યો છે, અને જે કબજો પ્રમુખોએ નથી સ્વીકાર્યો તે જમીનો રેવન્યૂ ડિપાર્ટમેન્ટને આપી દેવામાં આવી છે.”
આ મુદ્દા પર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ એટલે કે આરડીએએમ ઘણા સમયથી કામ કરી રહ્યું છે.
મંચના કન્વીનર સુબોધ કુમુદ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે કે, “મંચ દ્વારા સતત આ મુદ્દે સમગ્ર રાજ્યમાં લડત ચલાવવામાં આવી રહી છે. ઉનાની ઘટના બાદ અમારા દ્વારા કચ્છ જિલ્લાની જમીનો માટે અવારનવાર રસ્તા રોકો, ધરણા-પ્રદર્શનો જેવા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે. જેના પગલે વર્ષ 2018માં રાપર તાલુકાની મંડળીને કાગળ ઉપર કબજો તો સોંપવામાં આવેલો પણ થોડા સમયમાં જ ત્યાં માથાભારે તત્ત્વોનું દબાણ થઈ ગયેલું.”
તેમણે ઉમેર્યું, “15મી ઑગસ્ટ, 2024ના દિવસે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ દ્વારા કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાપર તાલુકાના બેલા અને નાંદા ગામની જમીનોનો કબજો દલિતોને સોંપવા માટે સભા કરી હતી. જેને પગલે સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું.”
તેમણે કહ્યું કે આ પ્રકારની જમીનો મામલે આરડીએએમની લડત ચાલુ જ છે.
તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મંચ આવનારા દિવસોમાં આ પ્રકારની જમીનો મામલે લડત ચલાવીને દલિતોને તેમનો હક પાછો અપાવશે.
ક્યા કાયદા હેઠળ દલિતોને સરકારે જમીન આપી હતી?
1960માં જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે જમીન ટોચમર્યાદાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. તેમાં રાજ્યના દરેક વિસ્તારને ‘ક’ થી ‘ડ’ સુધી એમ આઠ ભાગમાં વહેંચવામાં આવ્યો હતો.
આ વિસ્તારોની જમીનને તેની ગુણવત્તા, પાણીની સગવડ વગેરે પ્રમાણે – બારમાસી સિંચાઈવાળી જમીન, ઊંચી જાતની જરાય જમીન, મૌસમી જમીન અને જરાય જમીન એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી હતી.
દરેક ભાગમાં કોઈ એક જિલ્લા કે તાલુકાનાં અમુક ગામોનો સમાવેશ થાય છે. આ વર્ગીકરણ પ્રમાણે 1960માં કોઈ એક વ્યક્તિ પાસે વધુમાં વધુ 54 એકર અને ઓછામાં ઓછી પાંચ એકર જમીન રાખવાનો અધિકાર છે.
ઉદાહરણ તરીકે કોઈ એક તાલુકાના એક ગામની જમીનમાં પાણીની સગવડ ન હોય અને જો તેનું વર્ગીકરણ જરાય જમીન તરીકે થાય તો તે ગામના ખેતીલાયક જમીનના માલિક 54 એકર જમીન પોતાની પાસે રાખી શકે છે. જો કોઈ ગામમાં ખાનગી સાધન સિવાયની સિંચાઈ કરેલી હોય તેવી જમીન માટે જમીનના માલિક 10 એકર જેટલી જમીન પોતાની પાસે રાખી શકે છે.
આ કાયદો પસાર થયો ત્યારથી વધારાની તમામ જમીનો, સરકારી ચોપડે પડતર જમીન તરીકે નોંધવામાં આવી હતી.
આ તમામ પડતર જમીન જરૂરિયાત પ્રમાણે આદિવાસી અને દલિતોને આપવાની જોગવાઈ છે. તેમાં પણ પ્રથમ આ જમીન તે વર્ગોની સહકારી મંડળીઓ અને ત્યારબાદ વ્યક્તિગત રીતે આદિવાસી અને દલિત સમાજના લોકોને સોંપવામાં આવે છે.
કર્મશીલ માર્ટિન મેકવાન પ્રમાણે, “આ કાયદો એક જમીનની વહેંચણી માટે એક ક્રાંતિકારી કાયદો છે, પરંતુ રાજ્યની વિવિધ સરકારોએ આ કાયદાનો યોગ્ય રીતે અમલ કર્યો નથી અને તેની સમજણ પણ છેલ્લા માણસ સુધી પહોંચવા દીધી નથી.”
તેઓ કહે છે, “તેના કારણે જમીનો પડતર જમીનો પડી રહી છે, અને જો અપાય છે, તો માત્ર કાગળ પર અપાય છે.”
ગુજરાતમાં આ કાયદાના અમલીકરણ પર સવાલો
આ કાયદાના અમલીકરણ વિશે વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ દલિત કર્મશીલો તેમજ સામાજિક કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી.
આ વિશે વાત કરતા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ અધ્યાપક અને સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “આજે પણ એવાં ઘણાં ગામડાં છે, જેમાં દલિતોને જમીનો તો અપાયેલી છે, પરંતુ તેઓ પોતાની જમીન પર જઈ ન શકે. જે ગામોમાં દલિતોની વસ્તી ઓછી હોય તેમાં તો પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે. ગામડાંમાં જે રીતે ‘પાવર સ્ટ્રક્ચર’ હોય છે, તેમાં દલિતોને અપાયેલી જમીનનો કબજો વર્ષો સુધી તેઓ મેળવી નથી શકતા.”
દલિતોના અધિકારો માટે કામ કરતી સંસ્થા ‘નવસર્જન’ના એક અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના લીમડી, લખતર, સાયલા અને વઢવાણ – એમ ચાર તાલુકામાં લગભગ 6000 એકર જેટલી જમીનો દલિતોના નામે તો સરકારી ચોપડે બોલતી હતી, પરંતુ તેનો કબજો તેમને મળ્યો ન હતો.
માર્ટિનભાઈ કહે છે કે, “આ જમીનોમાંથી મોટા ભાગની જમીનો ખેતીની જમીનની ટોચમર્યાદાના 1960ના કાયદા પ્રમાણે દલિતોના નામે કરવામાં આવી હતી, પરંતુ અમે જ્યારે ગામેગામ જઈને સર્વે કર્યો, જાતમુલાકાત કરી તો જાણવા મળ્યું કે મોટા ભાગની જમીનો ભલે દલિતોના નામે હોય, પરંતુ તેનો કબજો ઊંચી જાતિના લોકો પાસે જ હતો.”
માર્ટિનભાઈ માને છે કે, દલિતોને અપાયેલી જમીનોની લગભગ આખા ગુજરાતમાં આવી જ હાલત છે.
જોકે, કચ્છમાં જે 172 એકરની જમીન દલિતોને આપવામાં આવી છે તે સંદર્ભે વાત કરતા તેઓ કહે છે કે, “આ એક અપવાદજનક કિસ્સો છે કે જેમાં દલિતોને આ પ્રકારે જમીનો આપવામાં આવી રહી છે. ગુજરાતમાં ઘણા સંઘર્ષ બાદ આવું શક્ય બને છે. આ પહેલાં પણ અનેક આંદોલનો થયાં છે. દલિતોની જમીનો માટે લોકોના જીવ પણ ગયા છે, પરંતુ તેનું કડક અમલીકરણ થયું નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન