પોન્ઝી સ્કીમ્સ : છેતરપિંડીની આવી યોજનાઓને કેવી રીતે ઓળખવી?

પોન્ઝી સ્કીમ્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, BZ ગ્રૂપ, નાણાકીય ગેરરીતિ, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BHUPENDRA ZALA-FB/getty

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના BZ ગ્રૂપ દ્વારા ચલાવાતી પોન્ઝી સ્કીમ્સ અને છ હજાર કરોડ રૂપિયાની કથિત નાણાકીય ગેરરીતિનો મામલો સતત ચર્ચામાં રહ્યો છે
  • લેેખક, અમૃતા દુર્વે
  • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના BZ ગ્રૂપ દ્વારા ચલાવાતી પોન્ઝી સ્કીમ્સ અને છ હજાર કરોડ રૂપિયાની કથિત નાણાકીય ગેરરીતિનો મામલો સતત ચર્ચામાં રહ્યો છે.

બજારની વાત કરીએ તો ઘણા પ્રકારના ઇન્વેસ્ટમૅન્ટ પરના વળતરનો દર હાલમાં ઘટેલો છે. પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજદરમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘટાડો થયો છે.

તો બીજી તરફ સરકારી યોજનાઓ અને ફિક્સ્ડ ડિપૉઝિટ (એફડી) પરના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બૉન્ડ્સમાં રોકાણ પર નિશ્ચિત દરે જ વ્યાજ મળે છે. શૅરબજારમાં રોકાણ કરવામાં જોખમ છે અને એ માર્કેટ વારંવાર ઉપરતળે થતું રહે છે.

 બીબીસી ગુજરાતી

આવી પરિસ્થિતિમાં કોઈ તમને કહે કે તમે અમારી યોજનાઓમાં રોકાણ કરો તો અમે એક વર્ષમાં તમારા પૈસા ત્રણ ગણા કરી દઈશું તો તમે શું કરશો?

આપણી આસપાસ આજકાલ આવી ઘણી બધી લલચાવનારી યોજનાઓ આવી રહી છે. લોકો આવી યોજનાઓનો શિકાર બની રહ્યા છે. આવી યોજનાઓમાં લોકોના કરોડો રૂપિયાની ઉચાપત થઈ રહી છે

આ યોજનાઓ કેવી રીતે કામ કરે છે? તેનાં ભયસ્થાનો કેવી રીતે ઓળખવાં?

પોન્ઝી સ્કીમ્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, BZ ગ્રૂપ, નાણાકીય ગેરરીતિ, છેતરપિંડી, બીબીસી ગુજરાતી
પોન્ઝી સ્કીમ્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, BZ ગ્રૂપ, નાણાકીય ગેરરીતિ, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આવી યોજનાઓને પોન્ઝી સ્કીમ્સ કહેવામાં આવે છે. એ નામ ચાર્લ્સ પોન્ઝી નામની વ્યક્તિ પરથી પાડવામાં આવ્યું છે. ચાર્લ્સ પોન્ઝીએ 1920ના દાયકામાં અમેરિકામાં એક યોજના રજૂ કરી હતી. તેમાં ખૂબ જ ઊંચા દરે વળતર આપવામાં આવતું હતું અને ઘણા લોકો તેમાં મોહી પડ્યા હતા.

ચાર્લ્સ આવી યોજના બનાવનાર પહેલી વ્યક્તિ ન હતા, પરંતુ તેમનું કૌભાંડ ખૂબ જ ગાજ્યું અને બાદમાં એવી યોજનાઓને પોન્ઝી સ્કીમ એવું નામ આપવામાં આવ્યું.

તેની શરૂઆત એક વ્યક્તિ અથવા કંપનીથી થાય છે. એ વ્યક્તિ શરૂઆતમાં તેની યોજનાઓમાં પૈસા રોકવા રોકાણકારોને તૈયાર કરે છે અને લોકોને નિશ્ચિત સમયગાળા દરમિયાન ઊંચું વળતર પણ આપવામાં આવે છે.

આવી યોજનાઓમાં ઊંચું વળતર મળતું હોવાથી તેની ચર્ચા થાય છે. તેથી વધારે રોકાણકારો તેમાં જોડાય છે. જૂના રોકાણકારોને નવા રોકાણમાંથી પૈસા પાછા મળે છે.

લોકો એવું વિચારે છે કે તેઓ શૅરબજાર કે કોઈ ઉદ્યોગમાં પોતાના પૈસાનું રોકાણ કરે છે અને તેમાંથી વળતર મેળવે છે. વાસ્તવમાં આવો કોઈ વ્યવસાય કે શૅરબજારની યોજના અસ્તિત્વમાં નથી હોતી.

નવા રોકાણકારો આવતા બંધ થાય અને નાણાંનો પ્રવાહ સુકાઈ જાય ત્યારે અગાઉના રોકાણકારોને કરવામાં આવતી ચુકવણીમાં ઘટાડો થાય છે અને આખરે ચુકવણી બંધ થઈ જાય છે.

યોજના ભાંગી પડે છે ત્યારે લોકોને સમજાય છે કે આપણે ફસાઈ ગયા છીએ, પણ ત્યાં સુધીમાં પહેલી વ્યક્તિએ પોતાનું કામ કરી લીધું હોય છે.

એ પૈકીની એક યોજના છે પિરામિડ સ્કીમ્સ.

તેમાં રોકાણકારોને કહેવામાં આવે છે કે તમે જેટલા નવા રોકાણકારોને લાવશો એટલું વધારે વળતર તમને મળશે. આનાથી શરૂઆતમાં સારા પૈસા મળે છે, પરંતુ સમય જતાં નવા રોકાણકારોના આવવાનું મુશ્કેલ બને છે અને જૂના લોકો માટે પૈસા પાછા મેળવવાનું પણ મુશ્કેલ બને છે. તેથી આવી યોજના બંધ થઈ જાય છે.

ટોરસ જ્વેલરી કૌભાંડ, વિશાલ ફટે યોજના, ક્રિપ્ટો સ્કેમ, કડકનાથ કોંબડી કૌભાંડ, ઈમુ કૌભાંડ બધામાં નામ અલગ-અલગ છે, પરંતુ તેમાં જોવા મળતી સમાનતા "ટૂંકા ગાળામાં જંગી વળતર મેળવવાનો વાયદો" છે.

પોન્ઝી સ્કીમ્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, BZ ગ્રૂપ, નાણાકીય ગેરરીતિ, છેતરપિંડી, બીબીસી ગુજરાતી
પોન્ઝી સ્કીમ્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, BZ ગ્રૂપ, નાણાકીય ગેરરીતિ, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાર્લ્સ પોન્ઝીએ 1920ના દાયકામાં અમેરિકામાં એક યોજના રજૂ કરી હતી

બજારમાં અનેક રોકાણ યોજનાઓ ઉપલબ્ધ છે. તેમાંથી કઈ યોજના સાચી છે અને કઈ યોજનામાં છેતરપિંડી થશે એ કેવી રીતે જાણવું?

છેતરપિંડીની યોજનાઓના સ્વરૂપમાં જ છેતરપિંડી છુપાયેલી હોય છે. છેતરપિંડીની યોજનાઓમાં ચેતવણીના સંકેતો શું હોય છે તે જાણીએ.

અન્ય કરતાં વધુ વળતર

"અમે અન્ય કરતાં વધારે વળતર આપીશું," એવું કોઈ કહે ત્યારે તમારા દિમાગમાં ચેતવણીની ઘંટડી વાગવી જોઈએ. આપણે શાકભાજી ખરીદવા જઈએ છીએ ત્યારે કાંદા-બટાટાના સરેરાશ ભાવની આપણને ખબર હોય છે.

કોઈ વ્યક્તિ એ જ વસ્તુ 30-40 રૂપિયાના વધારે ભાવ સાથે વેચવા લાગે ત્યારે આપણને વિચાર આવે છે કે આ વ્યક્તિ આટલાં મોંઘાં શાકભાજી શા માટે વેચે છે.

કોઈ વ્યક્તિ સરેરાશ કરતાં સસ્તા ભાવે માલ વેચે તો પણ આપણા મનમાં શંકા રહે છે કે આ શાકભાજી વાસી તો નહીં હોયને? આ ફળો ખરાબ તો નથી થવા લાગ્યાને? એ કારણસર તે સસ્તા ભાવે વેચવામાં આવી રહ્યાં છે?

આપણે શાકભાજી ખરીદતી વખતે આટલો વિચાર કરતા હોઈએ તો પૈસાનું રોકાણ કરતી વખતે ગંભીર વિચાર ન કરવો જોઈએ?

સાદી વાત એ છે કે વર્ષોથી કાર્યરત બૅન્કોને નિશ્ચિત દરે જ વ્યાજ ચૂકવવાનું પરવડતું હોય તો હાલમાં અસ્તિત્વમાં આવેલી કોઈ કંપની કે વ્યક્તિ આટલું ઊંચું વળતર કેવી રીતે આપી શકે, એવી શંકા તમને થવી જ જોઈએ.

પોન્ઝી સ્કીમ્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, BZ ગ્રૂપ, નાણાકીય ગેરરીતિ, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

તમે બૅન્કમાં પૈસા જમા કરાવો છો ત્યારે બૅન્કો તમને એમ કહે છે કે વધુ ચાર લોકોને લાવો, અમે તમને વધારે વળતર આપીશું? આ સવાલનો જવાબ છેઃ ના.

કપટી યોજનાઓમાં વધુ લોકોને લાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તમે જેટલા વધુ લોકોને લાવશો એટલું વધુ વળતર તમને મળશે એવું કહેવામાં આવે છે.

"તમે અમારા સેમિનારમાં આવો, તરત પૈસા રોકવાની જરૂર નથી. માત્ર સાંભળવા આવો," એવું કહેવામાં આવે છે. રોકેલા પૈસા પાછા લેવા છે એવું કહેવા છતાં કોઈને કોઈ કારણ આપીને તમને રોકવામાં આવે છે. આ છે ચેતવણીની બીજી ઘંટડી.

પોન્ઝી સ્કીમ્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, BZ ગ્રૂપ, નાણાકીય ગેરરીતિ, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

કોઈ પણ નાણાકીય સંસ્થા તેમની રોકાણ યોજનાઓ પર વળતરની ગૅરંટી આપતી નથી. હંમેશાં એવું કહેવામાં આવે છે કે રોકાણનું વળતર શૅરબજાર, નિયમાવલી અને અન્ય પરિબળો પર આધારિત રહેશે. એટલે જ જાહેરાતોમાં ફૂદડી(*)નો ઉપયોગ કરીને એ તરફ ધ્યાન દોરવામાં આવે છે.

જાહેરાતોમાં એવી ચેતવણી પણ આપવામાં આવે છે કે 'રોકાણ બજારનાં જોખમોને આધીન છે.'

છેતરપિંડીની યોજનાઓમાં તેનાથી બરાબર ઊલટું કરવામાં આવે છે. તેથી, અમે તમને આટલું મોટું વળતર આપીશું, એવું કોઈ છાતી ઠોકીને કહે તો સાવચેત રહો.

આ વિશે વાત કરતાં શૅરબજારના નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિખિલેશ સોમણ કહે છે, "સેબીના નિયમ અનુસાર તમે શૅરબજારમાંથી વળતરની અપેક્ષા રાખતા હો તો પણ ગૅરંટેડ રિટર્નની કોઈ જોગવાઈ નથી. હકીકતમાં કોઈ તમને ગૅરંટેડ રિટર્નની ખાતરી આપે તો સાવધાન રહો."

"તેનું કારણ એ છે કે શૅરબજાર અને સેબીના નિયમ મુજબ કોઈ વ્યક્તિ કે કંપની વળતરની ખાતરી આપી શકતી નથી. મ્યુચ્યુઅલ ફંડ્સ પણ બજારનાં જોખમોને આધીન હોય છે ત્યારે શૅરબજારમાં વળતરની આવી ગૅરંટી કોણ આપી શકે?"

નિખિલેશ સોમણ ઉમેરે છે, "તેથી, આવા લોકો તમારી પાસે આવે અને તમને યોજનાઓ વિશે જણાવે ત્યારે સાવધ રહો. આવી લાલચ અને પ્રલોભનમાં ફસાશો નહીં. અન્યથા સમય જતાં તમારે પૈસા ગુમાવવા પડશે."

પોન્ઝી સ્કીમ્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, BZ ગ્રૂપ, નાણાકીય ગેરરીતિ, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

આપણે કાર કે બાઇક ખરીદવી હોય તો આપણે શો રૂમ ક્યાં છે, કયું મૉડલ છે, કેટલું માઇલેજ આપે છે, સર્વિસ સેન્ટર ક્યાં છે અને એ કાર કોઈ ઓળખીતા વાપરી છે કે કેમ એ બધી બાબતો આપણે તપાસીએ છીએ. એવી જ રીતે કોઈ પણ યોજનામાં રોકાણ કરતી વખતે તમને કેટલું વળતર મળે છે તેનું જ ધ્યાન રાખવું પૂરતું નથી.

એ યોજના કઈ વ્યક્તિએ રજૂ કરી છે, એ તમારા વિસ્તારમાં કેટલા સમયથી કાર્યરત્ છે, સેબી કે કોઈ બ્રોકિંગ ફર્મ કે કોઈ નાણાકીય સંસ્થામાં તે રજિસ્ટર્ડ છે કે નહીં, જે યોજના ઑફર કરવામાં આવી રહી છે તે સેબી કે ઈરડામાં રજિસ્ટર્ડ છે કે નહીં, એવી બધી તપાસ રોકાણ કરતાં પહેલાં કરવી જોઈએ.

યોજના રજૂ કરનાર વ્યક્તિનાં કાગળિયાં, લેટરહેડ કે નામના સ્ટેમ્પ પર વિશ્વાસ ન કરવો જોઈએ. તેમાં રજિસ્ટર્ડ નંબર છે કે નહીં તે બરાબર ચકાસવું જોઈએ.

તમામ અધિકૃત સંસ્થાઓ રોકાણ પદ્ધતિ એટલે કે તમારા પૈસાનું રોકાણ ક્યાં કરવામાં આવશે તેની અને યોજનામાં રહેલાં જોખમોની સ્પષ્ટ માહિતી આપતી હોય છે. તમને યોજના ઑફર કરતી વ્યક્તિ રોકાણ પદ્ધતિ અને તેનાં જોખમો જણાવે છે કે નહીં તેની ખાતરી કરો.

પોન્ઝી સ્કીમ્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, BZ ગ્રૂપ, નાણાકીય ગેરરીતિ, છેતરપિંડી, બીબીસી ગુજરાતી

કોઈએ મારી સાથે છેતરપિંડી કરી છે, એવું કહેવું લોકોને શરમજનક લાગે છે. તેથી તેઓ કોઈને વાત કરતા નથી. પરિણામે વધુ લોકો આવા ષડયંત્રનો ભોગ બને છે.

તેથી, તમારી સાથે છેતરપિંડી થઈ હોય તો ઔપચારિક ફરિયાદ જરૂર દાખલ કરો, જેથી છેતરપિંડી કરનાર અન્ય લોકોને છેતરી ન શકે.

એ ઉપરાંત રોકાણ કરતાં પહેલાં તમને ખ્યાલ આવી જાય કે કોઈ વ્યક્તિ કે કંપની બૉગસ છે અથવા છેતરપિંડી કરે છે તો તેની માહિતી પણ અન્ય લોકોને આપો. આ બાબતે પોલીસ અને સેબીનું ધ્યાન પણ ખેંચવું જોઈએ. આવું કરવાથી એવી યોજનાઓનો વ્યાપ વધશે નહીં.

આવી કેટલીક સાદી બાબતોને ધ્યાનમાં રાખવાથી તમારું રોકાણ સલામત રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.