કુંભમેળો : પ્રયાગરાજમાં 'પૃથ્વી પરના સૌથી મોટા મેળા'ની કેવી તૈયારી ચાલી રહી છે?
- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા, પ્રયાગરાજથી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમતટ તરફ આગળ વધતાં ઠેકઠેકાણે 'માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા'નો સંદેશ આપતાં હૉર્ડિંગ્ઝ જોવાં મળે છે. પાછળના શહેર કરતાં અહીંનું વાતાવરણ બિલકુલ અલગ દેખાય છે. સંગમમાં ડૂબકી લગાવતા શ્રદ્ધાળુઓની સાથે-સાથે હવે ઠેકઠેકાણે મોટી સંખ્યામાં મજૂરો, ઇજનેરો અને મશીનો કામ કરતાં દેખાય છે.
સામાન્ય દિવસોમાં શાંત રહેતા આ સંગમતટ પર આજકાલ ભારે હલચલ છે. અહીં એવા આયોજનની તૈયારી થઈ રહી છે, જેમાં લગભગ 45 કરોડ લોકોના આવવાનું અનુમાન છે.
કુંભમેળાને સદીઓથી "પૃથ્વી પરના સૌથી મોટા મેળા" તરીકે ઓળખવામાં આવે છે. આ વિશાળ મેળાને નિહાળવા માટે દુનિયાના ખૂણેખૂણેથી લોકો આવે છે.
પ્રયાગરાજના સંગમતટ પર દર બાર વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે. આ એ ચાર પવિત્ર સ્થળો પૈકીનો એક છે, જ્યાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.
એ ચાર પવિત્ર સ્થાનોમાં હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજનો સમાવેશ થાય છે. તેમાં ગંગા તથા યમુના તથા અદૃશ્ય સરસ્વતી નદીના પવિત્ર સંગમ પર યોજાતા કુંભમેળાનું ધાર્મિક મહત્ત્વ અલગ જ છે.
આ મેળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં જિલ્લાઓની સંખ્યા 75થી વધીને 76 થઈ જાય છે. આ વખતે પ્રયાગરાજ કુંભમેળાની શરૂઆત 14 જાન્યુઆરીથી થવાની છે.
કુંભમેળો સંગમતટ પરના વિશાળ ક્ષેત્રમાં આયોજિત કરવામાં આવે છે. આટલા મોટા વિસ્તારમાં એકઠા થનારા કરોડો લોકો માટે થોડા મહિનામાં સુવિધા ઉપલબ્ધ કરાવવાનું, સલામતીની વ્યવસ્થા કરવાનું અને સંગમમાં સ્નાનને સુગમ તથા સહજ બનાવવાનું એક મોટો પડકાર છે.
આ પડકારોનો સામનો કરવા માટે રાજ્ય સરકાર કુંભમેળા ક્ષેત્રને એક જિલ્લાનો દરજ્જો આપે છે. આ નવા જિલ્લાને 'મહાકુંભનગર' નામ આપવામાં આવ્યું છે.
કોઈ અન્ય જિલ્લાની માફક મહાકુંભનગરના પણ એક કલેક્ટર હોય છે, જેમને મેળાધિકારી કહેવામાં આવે છે. મહાકુંભનગરના મેળાધિકારી વિજય કિરણ આનંદ છે. તેઓ એસએસપી રાજેશ દ્વિવેદી સાથે કુંભમેળાની તૈયારીમાં વ્યસ્ત છે.
અપર મેળા અધિકારી વિવેક ચતુર્વેદીએ બીબીસીને જણાવ્યું હતું કે 2024ના અર્ધ કુંભમેળામાં 24 કરોડ લોકો આવ્યા હતા. આ વખતે 45 કરોડ લોકો આવશે, એવી ધારણા છે.
કુંભ ક્ષેત્રના એસએસપી રાજેશ દ્વિવેદીએ બીબીસીને જણાવ્યું હતું કે આ વિશાળ જનસમૂહની સલામતી માટે લગભગ 50,000 સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવશે.
કુંભમેળાની કેવી ચાલી રહી છે તૈયારી?
વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આ વખતે મેળાના ક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો છે. ગયા વખતે મેળાનું ક્ષેત્ર 3,200 હેક્ટરમાં હતું. આ વખતે તે 4,000 હેક્ટરમાં હશે.
મેળા અધિકારીઓના જણાવ્યા મુજબ, જળનિગમ મેળા ક્ષેત્રમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માટે કુલ 1,250 કિલોમીટરની પાઇપલાઇન બિછાવી રહ્યું છે. વિદ્યુત વિભાગ 67,000 એલઈટી લાઇટ્સ લગાવી રહ્યો છે અને એ માટે એક સબ-સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. દોઢ લાખ શૌચાલય બનાવાઈ રહ્યાં છે અને તેની સફાઈ માટે દસ હજાર કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિવેક ચતુર્વેદીએ બીબીસીને કહ્યું હતું, "ગંગા નદીના ડ્રેજિંગ (નદીના તળિયે એકઠા થયેલી સામગ્રીને હટાવવા) દ્વારા પાણીને ચેનલાઇઝ કરીને વધારાની જમીન નવસાધ્ય કરવામાં આવી રહી છે. એ સિવાય 30 અસ્થાયી પુલ બનાવવામાં આવી રહ્યા છે અને સમગ્ર મેળા ક્ષેત્રમાં 488 કિલોમીટર લાંબા માર્ગ બનાવવામાં આવી રહ્યા છે. અખાડાઓને જમીન પણ ફાળવી દેવામાં આવી છે."
ગંગા નદીની બીજી તરફ અખાડાઓને જમીન ફાળવવામાં આવી છે. કુંભની શરૂઆત પવિત્ર સ્નાનની અખાડાઓના શાહીસ્નાનથી થતી હોય છે. અખાડાના સાધુ-સંન્યાસીઓ જે માર્ગેથી સ્નાન માટે જવાના છે એ માર્ગોનું સમારકામ ચાલી રહ્યું છે.
સ્વચ્છ ગંગા જળનો મુદ્દો
અખાડા પરિષદની મુખ્ય મંત્રી સાથેની બેઠકમાં ગંગાના જળસ્તર અને ગંદકીના મુદ્દે ચર્ચા થઈ હતી. સાતમી ડિસેમ્બરની બેઠકમાં અખાડા પરિષદે ગંગાના જળની સ્વચ્છતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એ બાબતે મુખ્ય મંત્રીને આશ્વાસન આપ્યું હતું.
નિરંજની અખાડાના મહંત રવીન્દ્ર પુરીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "જે નદી-નાળાનું પાણી ગંગાજીમાં જઈ રહ્યું છે તેને શુદ્ધ કરીને જ ગંગાજીમાં વહેવા દેવું જોઈએ."
મહાનિર્વાણ અખાડાના યમુના પુરીએ પણ ગંગા જળની સ્વચ્છતાને મહત્ત્વનો મુદ્દો ગણાવ્યું હતું.
વહીવટીતંત્ર તરફથી કુંભ દરમિયાન ગંગાનું જળસ્તર જાળવી રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે. વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓ આ સંબંધે અન્ય રાજ્યો સાથે વાત કરી રહ્યા છે.
કૉંગ્રેસ પાર્ટીએ પણ ગંગાની સફાઈનો મુદ્દો ઉઠાવ્યો છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે ગંગા નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વિનાનું પાણી છોડવામાં આવી રહ્યું છે.
કૉંગ્રેસના પ્રવક્તા અભય દુબેએ નવમી ડિસેમ્બરે દિલ્હીમાં એક પત્રકારપરિષદમાં કહ્યું હતું, "ગંગા નદીમાં કેટલી ગંદકી જઈ રહી છે તેની ખબર ઉત્તર પ્રદેશ સરકારના 30 ઑક્ટોબર, 2024ના અનુપાલન રિપોર્ટમાંથી પડતી હોવાનું એનજીટીએ તેના છઠ્ઠી નવેમ્બર, 2024ના આદેશમાં જણાવ્યું છે."
અભય દુબેના જણાવ્યા મુજબ, પ્રયાગરાજ નગરનિગમ પાસે દૈનિક 468.2 મિલિયન લીટર સીવેજ સામે 340 એમએલડી માટે જ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. એટલે કે ગટરનું લગભગ 12.80 કરોડ લીટર પાણી સીધું ગંગામાં જઈ રહ્યું છે.
ખાસ કરીને પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમણે આને જઘન્ય પાપ ગણાવ્યું હતું.
ડિજિટલ કુંભની તૈયારી
આ વખતે રાજ્ય સરકાર ડિજિટલ કુંભના આયોજનની તૈયારી કરી રહી છે. તમામ સુવિધાઓ અને સેવાઓને ડિજિટલ ટેક્નૉલૉજી સાથે સાંકળીને કુંભમેળામાં આવનારા લોકોની યાત્રા આસાન બનાવવાની યોજના છે.
કુંભમેળા ઍપ, એઆઈ ચેટબૉટ, ક્યુઆર કોડથી માહિતી અને ડિજિટલ લોસ્ટ ઍન્ડ ફાઉન્ડ સિસ્ટમ જેવી વ્યવસ્થાઓ ડિજિટલ કુંભની તૈયારીનો હિસ્સો છે.
આ સંદર્ભે સમગ્ર કુંભમેળા ક્ષેત્રના મેપિંગ માટે ગૂગલ અને વહીવટીતંત્ર વચ્ચે કરાર થયો છે. કુંભમેળામાં આવતા લોકો ગૂગલ મેપ દ્વારા મંદિર, સંગમતટ અને અન્ય સ્થળોએ આસાનીથી જઈ શકશે.
કુંભ ક્ષેત્રમાં 328 એઆઈ સક્ષમ કૅમેરા લગાવવામાં આવ્યા છે. તેની મદદથી સમગ્ર કુંભ ક્ષેત્ર પર નજર રાખવામાં આવશે.
વહીવટીતંત્રનું કહેવું છે કે કુંભમાં આવનારા લોકોના રહેવા માટે હંમેશાંની માફક એક ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી રહ્યું છે.
આ બધાની વચ્ચે સવાલ એ છે કે વહીવટીતંત્ર આટલા મોટા પાયે થઈ રહેલી વ્યવસ્થાને સમયસર પૂર્ણ કરી શકશે?
બીબીસી સાથેની વાતમાં મેળાના આયોજકોએ દાવો કર્યો હતો કે મેળો શરૂ થતાં પહેલાં તમામ કામ પૂર્ણ થઈ જશે.
કુંભમેળાની સલામતીની વ્યવસ્થા
વહીવટીતંત્ર માટે કુંભમેળાની સલામતી એક મોટો પડકાર છે.
એસએસપી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે કુંભમેળા પર નજર રાખવા માટે એઆઈ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે.
પરવાનગી વિના ડ્રોન ઉડાડતા લોકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ ઍન્ટી-ડ્રોન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહી છે. પરવાનગી વિના ઊડતા ડ્રોન્સને તેના વડે તોડી પાડવામાં આવશે.
રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે કુંભમેળા ક્ષેત્રમાં પોલીસ, અર્ધસૈનિક દળ પીએસી, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના 50,000 સુરક્ષા કર્મીઓને તહેનાત કરવામાં આવી રહ્યા છે.
કુંભમેળાની મહત્ત્વપૂર્ણ તારીખો
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સાતમી ડિસેમ્બરે પ્રયાગરાજમાં સંતો તથા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કુંભની તૈયારીનો તાગ પણ મેળવ્યો હતો.
કુંભમેળો 13 જાન્યુઆરી, પૌષ પૂર્ણિમાથી શરૂ થશે. 14 જાન્યુઆરી, મકરસંક્રાંતિએ પહેલું શાહીસ્નાન થશે. 29 જાન્યુઆરી, મૌની અમાવસ્યાએ બીજું શાહી સ્નાન થશે.
ત્રીજી ફેબ્રુઆરી, વસંતપંચમીએ ત્રીજું શાહીસ્નાન થશે.
ચોથી ફેબ્રુઆરીએ અચલા સપ્તમી, 12 ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમા અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિએ અંતિમ શાહીસ્નાન થશે.
રેલવે, બસ અને સ્વાસ્થ્ય સેવાઓ પર પણ ધ્યાન
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કુંભની તૈયારી બાબતે જણાવ્યું હતું કે રેલવે આ આયોજન પાછળ રૂ. 5,000 કરોડ ખર્ચી રહી છે અને કુંભ માટે 3,000 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
તેમના જણાવ્યા મુજબ, આ દરમિયાન કુલ 13,000 ટ્રેનો ચલાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશ રોડવેઝ પણ લગભગ 7,000 બસ ઉપલબ્ધ કરાવવાની છે.
શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોના સ્વાસ્થ્યની દેખભાળ માટે સમગ્ર મેળા ક્ષેત્રમાં અનેક હૉસ્પિટલો બનાવવામાં આવી રહી છે. એ હૉસ્પિટલોમાં નિષ્ણાત ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી રહી છે.
સેન્ટ્રલ હૉસ્પિટલની જવાબદારી સંભાળતા વરિષ્ઠ ચિકિત્સા અધિકારી ડૉ. ગૌરવ દુબેએ આર્મી અને મેદાંતા હૉસ્પિટલ સાથે મળીને શ્રદ્ધાળુઓની જરૂરિયાતના હિસાબે કુંભમાં સ્વાસ્થ્ય સેવાઓનો પ્લાન તૈયાર કર્યો છે.
ઇમરજન્સી માટે દરેક પ્રકારની જરૂરી સુવિધાઓ સેન્ટ્રલ હૉસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે જરૂરી તમામ મશીનો સ્થાપિત કરવામાં આવ્યાં છે.
લોકોની મુશ્કેલીઓ
ધાર્મિક-સાંસ્કૃતિક આયોજનની સાથે કુંભમેળો એક મોટું આર્થિક આયોજન પણ છે. કુંભ સંબંધી રોજગાર-ધંધા સાથે સંકળાયેલા લોકોને મોટી કમાણીની આશા છે, પરંતુ હાલ સંગમ ક્ષેત્રમાં વીઆઈપીઓની વારંવારની આવ-જાને કારણે પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે અને તેની અસર રોજગાર પર પણ પડી રહી છે.
નૌકા ચલાવીને ગુજરાન ચલાવતા મિશ્રીલાલ અને દશરથ પાસે બે નાની હોડી છે. તેમાં એકસાથે લગભગ 10 લોકો બેસી શકે છે, પરંતુ ગુરુવારે તેઓ તેમના ગામ પાછા જવાની તૈયારી કરતા હતા.
બીબીસીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મુલાકાતે આવી રહ્યા છે. તેથી ત્રણ દિવસ સુધી હોડી ચલાવવાની છૂટ નથી.
તેમણે કહ્યું હતું, "અહીં રહી પણ શકાય તેમ નથી. તેથી ઘરે પાછા જઈએ છીએ. હાલ ધંધો મંદ છે અને કુંભ પહેલાં ઓછા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે."
સંગમમાં ડૂબકી લગાવવા માટે નોઈડાથી સપરિવાર આવેલા વિક્રમ પણ નિરાશ થયા હતા. તેમના વાહનને સલામતીનાં કારણસર મેળા ક્ષેત્ર તરફ જવા દેવાયું ન હતું. તમામ લોકો પગપાળા સંગમ તરફ ગયા હતા.
જોકે, તેમના ઉત્સાહમાં કોઈ ફરક પડ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે કુંભ વખતે ફરી આવીશું અને સંગમમાં સ્નાન પણ કરીશું.
વિક્રમની માફક ઝારખંડના અનિમેષ દુબેએ પણ પગપાળા સંગમ તરફ જવું પડ્યું હતું. તેઓ અનેક દિવસોથી પ્રયાગરાજમાં રોકાયા છે.
મેળા ક્ષેત્રમાં ફરજરત એક પોલીસ કૉન્સ્ટેબલે જણાવ્યું હતું કે બેરિકેડિંગને લીધે વાહનો અંદર જઈ શકતાં નથી. તેમને રોકવામાં આવે છે.
કુંભ ક્ષેત્રમાં 10 લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ સેન્ટર્સ બનાવવામાં આવ્યાં છે, પરંતુ હાલ તેમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જોકે, વહીવટીતંત્રનો દાવો છે કે ડિજિટલ ટેક્નૉલૉજીથી સજ્જ આ સેન્ટર્સ બહુ અસરકારક સાબિત થશે.
અલબત્ત, ઝારખંડના કોડરમાંથી આવેલાં સરિતાદેવી છેલ્લા 28 દિવસથી ગુમ થઈ ગયેલાં તેમનાં સાસુને પોસ્ટર લઈને શોધી રહ્યાં છે.
તેમનાં સાસુ ગીતાદેવી 70 વર્ષનાં છે અને સરિતાદેવીએ જણાવ્યું હતું કે તેમનાં સાસુને કુંભ ક્ષેત્રમાં જ જોયાં હોવાનો દાવો અનેક લોકોએ કર્યો છે, પણ તેમનો પત્તો મળતો નથી.
સરિતાએ જણાવ્યું હતું કે કૅમેરા લગાવવામાં આવ્યા છે એ બધા સ્થળે તેઓ તેમના સાસુને શોધવાના પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ કોઈ તેમને મદદ કરતું નથી.
કુંભની તૈયારી સંબંધે પ્રયાગરાજ શહેરમાં પણ ખાસ્સી હલચલ છે. શહેરમાં ઠેકઠેકાણે રસ્તા પહોળા કરવાથી માંડીને સીવર લાઇન બનાવવાનાં કામ ચાલી રહ્યાં છે.
સ્થાનિક નિવાસી સતીશ પાઠકે કહ્યું હતું, "કુંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે, એ વાતનો મને આનંદ છે, પરંતુ બધું કામ સમયબદ્ધ રીતે થતું હોત તો વધારે ખુશી થાત. હાલ શહેરમાં અનેક ઠેકાણે ખોદકામને કારણે ટ્રાફિકજામની મોટી સમસ્યા છે."
આવી જ હાલત રાયબરેલી-પ્રયાગરાજ માર્ગની પણ છે. તેનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.
બાબુગંજની રહેવાસી મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે આ રસ્તાનું કામ કુંભ પહેલાં પૂર્ણ થઈ જશે એવી આશા હતા, પરંતુ હવે એવું લાગતું નથી.
માર્ગ-નિર્માણનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે, પરંતુ વચ્ચે-વચ્ચે ઘણા અધૂરા હિસ્સા છે અને અનેક પુલનું કામ પણ કરવાનું બાકી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન