અટલ બિહારી વાજપેયી : એ નેતા જેમણે હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણને સ્વીકાર્ય બનાવ્યું
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
દક્ષિણ ભારતના બૅંગલોર (હવે બેંગલુરુ)શહેરની એક હૉસ્ટૅલમાં 1975ની 26 જૂને પોલીસ અચાનક પહોંચી હતી અને વિરોધ પક્ષના અગ્રણી નેતા અટલ બિહારી વાજયેપીની ધરપકડ કરી હતી.
વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ 1975ની 25 જૂને સાંજે દેશમાં કટોકટી લાદવાની જાહેરાત કરી હતી અને આખો દેશ અસાધારણ કટોકટીમાં સપડાઈ ગયો હતો.
ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી હતી, નાગરિક અધિકારો પર અંકુશ લાદવામાં આવ્યો હતો, મીડિયા પર નિયંત્રણ લાદવામાં આવ્યાં હતાં અને ટીકાકારો તથા વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ઇંદિરા ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આરએસએસ વર્તમાન શાસક ભારતીય જનતા પાર્ટીનું વૈચારિક ઉદ્ગમસ્થાન છે.
વાજપેયી ત્યારે જમણેરી પક્ષ જનસંઘના નેતા હતા અને આરએસએસના સભ્ય હતા. તેના બે દાયકાથી વધુ સમય બાદ તેઓ દેશના વડા પ્રધાન બન્યા હતા.
1996 તથા 1998માં થોડા સમય માટે અને 1999થી 2004 સુધી તેમણે સંપૂર્ણ ટર્મ માટે તેમણે કેન્દ્રની ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું હતું.
1975ના ઉનાળામાં વાજપેયીની ધરપકડ થવાની હતી. તેમણે પક્ષના એક કાર્યકરને શહેરની ‘શ્રેષ્ઠ જેલ કઈ’ એવો સવાલ કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં તેમને "કંટાળો આવતો હતો, પરંતુ સ્થિર થઈને બેઠા હતા." આખરે તેમણે એક મહિનો જેલમાં વિતાવ્યો હતો.
એ દરમિયાન તેમણે ખુદને ‘કેદી કવિરાય’ નામ આપીને કવિતાઓ લખી હતી અથવા પત્તા રમ્યા હતા અને રસોડાના કામકાજ પર દેખરેખ રાખી હતી.
જુલાઈમાં વાજપેયીને ખોટા તબીબી નિદાન પછી ખાસ પ્લેનમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.
રાજધાનીમાં એક સર્જરી પછી સાજા થતા પહેલાં તેમણે હૉસ્પિટલમાં સમય પસાર કર્યો હતો અને બાદમાં ઘરે પોલીસની નજર હેઠળ પેરોલ પર રહ્યા હતા.
ડિસેમ્બરના મધ્ય સુધીમાં વાજપેયી નિરાશ થઈ ગયા હતા. તેમણે એક કવિતામાં લખ્યું હતુઃ "મારા જીવનની સાંજના સૂરજે આથમવાનું નક્કી કરી લીધું છે....શબ્દોનો કોઈ અર્થ નથી રહ્યો....એક સમયે જે સંગીત હતું તે હવે વિખેરાયેલો અવાજ છે."
ઇન્દિરા ગાંધી સામે વિપક્ષનું ગઠબંધન તૈયાર કર્યું
કટોકટી વિરુદ્ધના સાહિત્યના વિતરણ અને સવિનય કાનૂનભંગની જે ચળવળ મુખ્યત્વે આરએસએસના પ્રચારકો તથા પૂર્ણકાલીન અગ્રણીઓએ જીવંત રાખી હતી તે હવે નબળી પડી રહી હતી.
ઇંદિરા ગાંધીના સલાહકારો વિરોધ પક્ષના નેતાઓને ‘આત્મસમર્પણના દસ્તાવેજો’ પર સહી કરવા દબાણ કરતા હતા, જેથી તેઓ સરકાર સાથે વાતચીત કરી શકે.
અભિષેક ચૌધરી દ્વારા લેખિત વાજપેયીના નવા રસપ્રદ જીવનચરિત્ર પુસ્તકમાં જણાવ્યા મુજબ, "કટોકટી સામે કોઈ જનવિદ્રોહ જોવા મળતો ન હતો એ જાણીને વાજપેયીને આઘાત લાગ્યો હતો."
એ જ વાજપેયી એક વર્ષના સમયગાળામાં કૉંગ્રેસ વિરુદ્ધ તમામ વિરોધ પક્ષને એકત્ર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, એવું ત્યારે કોઈને લાગ્યું ન હતું.
કોઈને ખ્યાલ પણ ન હતો કે મુખ્યત્વે ચાર મધ્યમાર્ગી તથા (જનસંઘ સહિતના) જમણેરી પક્ષોનું ગઠબંધન જનતા પાર્ટી માર્ચ, 1977ની ચૂંટણીમાં ઇંદિરા ગાંધીના કૉંગ્રેસ પક્ષને સનસનાટીભર્યો પરાજય આપશે. કૉંગ્રેસ માટે તે આઝાદી પછીનાં 30 વર્ષમાં સૌથી મોટી હાર હતી. (વડા પ્રધાને જાન્યુઆરીમાં સંસદીય ચૂંટણીની જાહેરાત કરી હતી અને 20 મહિના પછી કટોકટી હટાવી લીધી હતી.)
જનતા પાર્ટીએ કુલ 542માંથી 298 બેઠકો જીતી હતી. સૌથી મહત્ત્વની વાત એ હતી કે 90 બેઠકો જીતીને જનસંઘે તે ગઠબંધનમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું.
અભિષેક ચૌધરીના જણાવ્યા મુજબ, "એક વખતે વડા પ્રધાનપદ માટે વાજપેયી દાવો કરી શક્યા હોત, પરંતુ તેઓ 52 વર્ષના હતા અને વડા પ્રધાન બનવા માટે બહુ નાના હતા. 78 વર્ષના તંદુરસ્ત મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા."
"કેન્દ્રીય પ્રધાનમંડળમાં જનસંઘના ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો."
અટલ બિહારી વાજપેયી વિદેશપ્રધાન બન્યા હતા અને તેમણે "દેશની નીતિમાં તાકીદના તથા મોટા ફેરફારના" અને ચીન સાથેનો સંબંધ બહેતર બનાવવાનાં વચનો આપ્યાં હતાં.
જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન વાજપેયીનું પ્રાધાન્ય સ્પષ્ટ હતું.
અભિષેક ચૌધરીએ લખ્યું છે કે "અદ્ભુત વક્તૃત્વ ક્ષમતા, સંમોહક વ્યક્તિત્વ ધરાવતા વાજપેયી, 72 વર્ષના નેતા જયપ્રકાશ નારાયણ પછી જનતા પક્ષના સૌથી વધુ લોકપ્રિય નેતા હતા."
"તમામ વિરોધ પક્ષોને એક કરવામાં જયપ્રકાશ નારાયણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મીડિયા વાજપેયીને જનતાના લાડકા નેતા ગણાવતું હતું."
"ચૂંટણી ઝુંબેશના પોસ્ટરમાં તેમને ‘રાષ્ટ્રનું ગૌરવ’ જાહેર કરવામાં આવ્યા હતા."
'હિંદુ રાષ્ટ્રવાદને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા'
મારી સાથેની વાતચીતમાં અભિષેક ચૌધરીએ જણાવ્યું હતું કે વાજપેયીએ "હિંદુ રાષ્ટ્રવાદને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."
આ વાત, વાજપેયીના સાથી અને ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દાયકાઓ સુધી આંદોલનનું નેતૃત્વ કર્યું તેને લીધે ભાજપને સત્તા મળી હોવાની લોકપ્રિય કથાથી તદ્દન વિપરીત છે.
"તે વૈચારિક રીતે પ્રમાદી અને ભ્રામક વિશ્લેષણ છે. તેમાં અગાઉના વલણને જરાય ધ્યાનમાં લેવાયું નથી," એવું અભિષેક ચૌધરીએ કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે "1984માં લોકસભામાં માત્ર બે બેઠકથી માંડીને 2014 અને 2019માં બે વખત સતત સ્પષ્ટ બહુમતી મેળવી હતી તે ભાજપના ઉદય પહેલાંની આ વાત છે તે લોકો ભૂલી જાય છે."
ભાજપના પુરોગામી જનસંઘે જમણેરી રાજકીય પક્ષ તરીકેની પોતાની ઓળખ ત્યારે સ્થાપિત કરી હતી.
1967માં જનસંઘ શિખર પર હતો ત્યારે તેના 50 સંસદસભ્યો અને લગભગ 300 ધારાસભ્યો હતા.
અભિષેક ચૌધરીએ કહ્યું હતું કે "વાજપેયી ભારતીય રાજકારણના બે યુગ, કૉંગ્રેસ અને જમણેરી પક્ષો વચ્ચેનો સેતુ હતા."
"વાજપેયી ન હોત તો નરેન્દ્ર મોદી પણ ન હોત." 1980માં વિભાજિત જનતા પાર્ટીનું પતન થયું ત્યારે વાજપેયીએ જનસંઘને મુખ્યધારાના તદ્દન નવા રાજકીય પક્ષ આકાર આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેમાંથી ભાજપનો જન્મ થયો હતો.
ઘણા લોકોએ વાજપેયીને ઉગ્ર વિચારધારાવાળા પક્ષના મધ્યમાર્ગી નેતા અથવા ‘મહોરું’ ગણાવ્યા છે.
અભિષેક ચૌધરીએ કહ્યું હતું કે, "વાજપેયીને કટ્ટરતાવાદી બનવાનું પરવડે તેમ ન હતું," કારણ કે તેમણે અસંબદ્ધ રાજકીય ભાગીદારોના ગઠબંધન સાથે કામ પાર પાડવાનું હતું અને સમાધાન એ રાજકારણની ચાવી છે એ તેઓ સમજી ગયા હતા."
"જોકે, સંસદસભ્ય બન્યા પહેલાંના વાજપેયી કટ્ટરપંથી હતા."
શિક્ષક પિતાના ઘરે જન્મ
હિંદુ મહાસભા અને આર્ય સમાજ નામનાં બે મોટાં હિંદુ તરફી જૂથો હિંદુ એકતાના વિચારનો પ્રસાર કરી રહ્યાં હતાં ત્યારે વાજપેયીનો જન્મ ગ્વાલિયરમાં શિક્ષક પિતા અને ગૃહિણી માતાને ત્યાં થયો હતો.
અભિષેક ચૌધરીએ લખ્યું છે તેમ, "વાજપેયીની પ્રારંભિક કવિતાઓમાં અટલે અનુભવેલા તીવ્ર ક્રોધવેશ અને પીડાની વાત કરે છે. તે દર્શાવે છે કે તેમને ભારતના ઇતિહાસ તથા ભૂગોળની સંકીર્ણ અને ભ્રમિત કરનારી સમજ હતી. તેના પુનરુત્થાનની જરૂરિયાત દર્શાવતી હતી અને તેમાં વ્યાપક વિશ્વમાં પોતાના આગવા સ્થાનની લાગણી હતી."
આરએસએસની રચના 1925માં થઈ હતી અને વાજપેયી કૉલેજમાં અભ્યાસનાં વર્ષો દરમિયાન તેમાં જોડાયા હતા.
તેઓ દર સપ્તાહે પ્રવચન આપતા હતા, તેઓ પત્રકાર બનવા ઇચ્છતા હતા અને તેમણે ભારતમાં ઇસ્લામના ઇતિહાસ વિશે એક વિવાદાસ્પદ લેખ લખ્યો હતો.
તેમણે આરએસએસના મુખપત્ર પાંચજન્ય સહિતનાં ચાર જમણેરી સામયિકનું તંત્રીપદ સંભાળ્યું હતું.
તેમાં તેમણે ગોરક્ષા, હિંદુ પર્સનલ લૉ, વિશ્વ સાથેના ભારતના સંબંધ અને હિંદુત્વ વિશેના લેખો લખ્યા હતા.
વાજપેયીને તેમની વિવેકબુદ્ધિએ ત્યારે દગો દીધો હતો જ્યારે તેમણે લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘બરસાત’ના એક ગીત "બરસાત મેં હમ સે મિલે તુમ"ને તેમણે ‘ગંદુ તથા અશ્લીલ’ ગણાવ્યું હતું અને બાળકોને એ ફિલ્મ નિહાળતા રોકવાનો આગ્રહ સરકારને કર્યો હતો.
દાયકાઓ પછી વાજપેયી એક વ્યવહારુ વ્યક્તિ બન્યા હતા.
તેઓ જનતા પાર્ટીના નિર્માણમાં મદદ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક મીડિયાએ તેમના "સંયમ, ચતુરાઈ અને મુદ્દાઓ સમજવાની તથા મતભેદોનું સમાધાન કરવાની ક્ષમતાની" પ્રશંસા કરી હતી.
અભિષેક ચૌધરીના જણાવ્યા મુજબ, એક વાત તો સ્પષ્ટ છે કે 2018માં 93 વર્ષની વયે અવસાન પામેલા વાજપેયી તેમની છ દાયકા લાંબી કારકિર્દી દરમિયાન "તાજેતરનાં વર્ષોના સૌથી ગૂઢ ભારતીય રાજકારણી" બની રહ્યા હતા.