એ 'રાજરમત' જેણે મોરારજીના બદલે જીવરાજ મહેતાને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવ્યા
- લેેખક, રાજ ગોસ્વામી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ડૉ. જીવરાજ મહેતાને ગુજરાતની પ્રજા રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી (1 મે 1960થી 18 સપ્ટેમ્બર 1963) તરીકે યાદ રાખે છે, પરંતુ તેમનું અસલી યોગદાન મેડિકલક્ષેત્રમાં છે, જે નવનિર્મિત રાજ્યના વડાનો પહેલો કાંટાળો તાજ પહેરવાના કારણે હાંસિયામાં ધકેલાઈ ગયું છે.
'કાંટાળો' એટલા માટે કે મુખ્ય મંત્રીના પદ માટે તેઓ પહેલી પસંદગી નહોતા, પરંતુ જવાહરલાલ નહેરુના નાણામંત્રી અને પાછળથી દેશના ચોથા વડા પ્રધાન બનેલા મોરારજીભાઈ દેસાઈની 'રાજરમત'ના કારણે મુખ્ય મંત્રીપદ ડૉ. મહેતાના ખોળામાં આવી પડ્યું હતું.
થોડુંક રિકૅપ, ગુજરાત જ્યારે બૉમ્બે સ્ટેટમાં હતું, ત્યારે મોરારજીભાઈ મુખ્ય મંત્રી હતા અને સ્વતંત્ર ગુજરાતની ઇન્દુલાલ યાજ્ઞિકની મહાગુજરાત ચળવળના વિરોધમાં હતા.
મોરારજી દેસાઈ અને 'રાજરમત'
એમાં સેનાપતિ બાપટની આગેવાનીમાં સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ મુંબઈમાં હિંસક બની અને ફ્લોરા ફાઉન્ટન પર 11 વર્ષની એક છોકરી સહીત 105 ચળવળકારીઓ પોલીસના ગોળીબારમાં માર્યાં ગયાં.
ફ્લોરા ફાઉન્ટન અત્યારે 'હુતાત્મા ચોક' તરીકે ઓળખાય છે. પરિણામે કેન્દ્ર સરકારના હાથ બંધાઈ ગયા અને દ્વિ-ભાષી રાજ્યોની રચના થઈ.
પાછળથી મોરારજીભાઈ નહેરુ કૅબિનેટમાં દિલ્હી ગયા અને નહેરુ તેમને જ ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવા માગતા હતા, પણ મોરારજીભાઈને દિલ્હીથી નીચે ઊતરવું ન હતું.
એટલે મુખ્ય મંત્રીપદ માટે તેઓ સંસદસભ્ય બળવંતરાય મહેતાના નામને ધક્કો મારી રહ્યા હતા.
નહેરુ બળવંતરાયના નામ પર સહમત ન થયા એટલે મોરારજીભાઈએ અમદાવાદના અગ્રણી મજદૂરનેતા અને કેન્દ્રમાં શ્રમમંત્રી ખંડુભાઈ દેસાઈનું નામ સૂચવ્યું, પણ ખંડુભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક સામે લોકસભામાં હારી ચૂક્યા હતા એટલે નહેરુએ જ ડૉ. જીવરાજ મહેતાનું નામ પેશ કર્યું.
મહેતા ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી તો બન્યા, પરંતુ મોરારજીભાઈની ગુજરાતના 'સુબા'માં દખલઅંદાજીના કારણે અઢી વર્ષમાં જ રાજીનામું આપવું પડ્યું અને બળવંતરાય મહેતા દ્વિતીય મુખ્ય મંત્રી બન્યા.
ડૉક્ટર કે રાજકારણી?
જીવરાજ મહેતા વ્યવસાયે ડૉકટર હતા અને સ્વચ્છ દામનવાળા હતા. ગાંધીજીના એ માનીતા હતા અને થોડો વખત મહાત્માના ડૉકટર પણ હતા.
તેમની ગણના સંસ્થાઓ ઊભી કરનારા અગ્રણીની હતી અને એટલે જ નહેરુએ તેમની પસંદગી કરી હતી.
2006માં, 'બાર્ટ્સ ઍન્ડ ધ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ઍન્ડ ડિસેન્ટ્રી' દ્વારા લંડનમાં 'આપણી હૉસ્પિટલોનો બહુસાંસ્કૃતિક ઇતિહાસ' નામથી એક પ્રદર્શન યોજાયું હતું. ત્યારે તેમાં પ્રદર્શનનો એક વિષય ડૉ. જીવરાજ મહેતા હતા.
સંસ્થાનું 'બાર્ટ્સ ઍન્ડ ધ લંડન ક્રૉનિકલ' સામાયિક ડૉ. જીવરાજ મહેતાનો પરિચય આ રીતે આપે છે:
"ધ લંડન હૉસ્પિટલમાં તાલીમ લેનારા ડૉ. જીવરાજ મહેતા ભારતમાં મેડિકલશિક્ષણ અને હૉસ્પિટલસંગઠનની શરૂઆત કરનારા અગ્રણી હતા. તેમણે ગુજરાતના લોકો માટે અનેક મેડિકલ સુવિધાઓ ખોલી હતી."
તેમાં આગળ નોંધ્યું છે કે "ભારતમાં ત્યારે શૈક્ષણિક હૉસ્પિટલોની પરંપરાગત રચના એવી હતી કે ડિપાર્ટમેન્ટ્સ છૂટા-છવાયા મકાનોમાં હતા."
"ડૉ. મહેતાએ તેમના લંડનના અનુભવોના આધારે હૉસ્પિટલોની ક્રાંતિકારી ડિઝાઇન સૂચવી હતી, જેમાં આખી મેડિકલ કૉલેજ એક જ ઇમારતમાં હોય, જેથી વિભિન્ન વિભાગો વચ્ચે સરળ સંકલન થાય."
આ પરિચય સૂચક છે. આપણે ભલે તેમને રાજકારણી તરીકે યાદ રાખીએ, પણ લંડન અને ભારતના મેડિકલ સમુદાય માટે જીવરાજભાઈ એક 'ડૉક્ટર' હતા.
ફાનસના અજવાળે સ્કૂલ ભણ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
મહાત્મા ગાંધીએ માર્ચ 1930માં દાંડીકૂચ શરુ કરી, ત્યારે ડૉ. મહેતા ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના ત્રીજા અધ્યક્ષ હતા અને 1943-45માં પણ એ પદ સંભાળવાના હતા.
જીવરાજભાઈ પેટે પાટા બાંધીને ભોંય પરથી આસમાનમાં ગયા હતા, એવું કહેવાય.
અમરેલીમાં રહેતાં તેમનાં પિતા નારાયણભાઈ અને માતા જનકબહેન એટલાં ગરીબ હતાં કે 1887માં 29 ઑગસ્ટે જન્મેલા જીવરાજભાઈ ફાનસના અજવાળે સ્કૂલ ભણ્યા હતા અને શિષ્યવૃત્તિઓ, ફી-માફી ટ્યૂશનો થકી ઉચ્ચ શિક્ષણ લીધું હતું.
અમરેલીમાં ત્યારે ડૉ. એદુલજી રુસ્તમજી દાદાચંદજી નામના પારસી સિવિલ સર્જન હતા અને તેમના દીકરાને જીવરાજભાઈ ટ્યુશન આપતા હતા. આ ડૉ. એદુલજીએ જીવરાજભાઈમાં ડૉક્ટર બનવાની ચાહ પેદા કરી હતી.
ડૉક્ટરની પ્રેરણાથી જ તેમણે ઍન્ટ્રન્સ-ટેસ્ટ આપીને મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજ તેમજ જેજે હૉસ્પિટલમાં ઍડમિશન મેળવ્યું હતું.
ત્યાં શેઠ વી. એમ. કપોળ બોર્ડીંગ ટ્રસ્ટ દ્વારા તેમના શિક્ષણનો ખર્ચ ઉપાડવામાં આવ્યો હતો.
આજે એમબીબીએસ સમકક્ષ કહેવાય તેવી મેડિસિન અને સર્જરીની પહેલી પરીક્ષામાં 'એ વર્ગ'માં પ્રથમ આવ્યા હતા અને છેલ્લા વર્ષમાં તેમની બૅચ માટેનાં આઠમાંથી સાત ઇનામ મેળવ્યાં હતાં અને આઠમા ઇનામમાં તેમના રૂમપાર્ટનર કાશીનાથ દીક્ષિત સાથે ભાગ પડાવ્યો હતો.
તેમને જામખંડે શિષ્યવૃત્તિ પણ મળી હતી, જે સૌથી ગરીબ વિધાર્થીઓ માટે આરક્ષિત હતી. ગરીબી એવી કે શિષ્યવૃત્તિમાંથી જે પૈસા આવે, તે જીવરાજભાઈ ઘરે મોકલે અને પોતે મુંબઈમાં તાણીને ચલાવે. તેમનું જીવનદર્શન આ આર્થિક સંઘર્ષમાંથી ઘડાયું હતું.
આર્થિક સહાયનું આ વળતર તેમણે તેજસ્વી રીતે ભણવામાં આપ્યું.
ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ અને જાસૂસી
ગ્રૅજ્યુએશનમાં અપવાદરૂપ દેખાવ કરીને તેમણે તાતા ઍજ્યુકેશન ફાઉન્ડેશન પાસે લંડનમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરવા માટે લૉન માગી.
અરજદારોમાં ઘણા વિધાર્થીઓ હતા પણ જીવરાજભાઈ અને બીજા એક સાથી એમ બે જણને લૉન મળી.
સિદ્ધિની વધુ સીડી ચડવાના નિર્ધાર સાથે જીવરાજભાઈ મે 1909ના રોજ લંડન જવા રવાના થયા. આ એ વર્ષ હતું, જયારે ધાર્મિક ઓળખના આધારે મતદારમંડળ બનાવવાનો મોર્લે-મિન્ટો રિફોર્મ ઍક્ટ પસાર થયો હતો અને વાઇસરોયના સેક્રેટરી લોર્ડ મિન્ટો દેશમાં કોમવાદી મતદાર મંડળના જનક બની ગયા.
જીવરાજભાઈ લંડનમાં 1909થી 1915 સુધી રહ્યા. તેમને પ્રતિષ્ઠિત લંડન મેડિકલ કોલેજમાં ઍડમિશન મળ્યું હતું. રાજકીય રીતે મહત્ત્વની અનેક ઘટનાઓના એ દિવસો હતા.
જીવરાજભાઈને આ દિવસોમાં જ અનુભવ થયો કે ભારતીય વિધાર્થીઓ સાથે ભેદભાવ થતો હતો અને તેમની જાસૂસી થતી હતી.
એટલે તેમણે વિધાર્થીઓને સંગઠિત કરવા માટે 'લંડન ઇન્ડિયન ઍસોસિયેશન'ની સ્થાપના કરી હતી.
તેમણે 'ઇન્ડિયન ગિલ્ડ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી'ની સ્થાપનામાં પણ ભૂમિકા ભજવી હતી, જેનો ઉદ્દેશ ભારતીય વિધાર્થીઓને એ વિષયોમાં રસ લેતા કરવાનો હતો.
ભારતના રાષ્ટ્રવાદી નેતાઓ લંડન આવતા, ત્યારે જીવરાજભાઈ તેમની તબીબી સહાય કરતા હતા.
એમાં ભણતર બગડ્યું ન હતું, બલ્કે ઔર નીખર્યું હતું. 1914માં, જીવરાજભાઈએ એમડીની પરીક્ષામાં યુનિવર્સીટી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
બીજા જ વર્ષે તેમને પ્રતિષ્ઠિત રોયલ કૉલેજ ઓફ ફિઝિશિયન્સમાં સભ્યપદ મળ્યું હતું.
મુંબઈમાં કામગીરી
1915માં તેઓ મુંબઈ આવ્યા અને ખાનગી પ્રૅક્ટિસ કરવા લાગ્યા. તે સમયે જીવરાજભાઈ પાસે મુંબઈમાં કેઈએમ હૉસ્પિટલ અને શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કૉલેજની રચના કરવાની જવાબદારી આવી હતી.
જીવરાજભાઈએ એક બિલ્ડિંગમાં બે માળની મેડિકલ કૉલેજ અને બીજી બિલ્ડિંગમાં હૉસ્પિટલનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બંને એક કૉરિડૉરથી જોડાયેલી હોય.
ભારતમાં આ પ્રકારની આ પહેલી સુવિધા હતી. કેઈએમ હૉસ્પિટલમાં ભારતનો પહેલો આઉટ-પેશન્ટ વિભાગ બન્યો હતો, તે જીવરાજભાઈને આભારી છે. 1925, તેઓ કેઈએમના ડીન પણ બન્યા હતા.
ડીન તરીકે જીવરાજભાઈ અનુશાસનના એટલા આગ્રહી હતા કે અણધારી મુલાકાત લઈને સૌને 'સીધા' કરી દેતા હતા.
તેમણે પાછળથી એ દિવસોને યાદ કરીને કહ્યું "હું અલ્ટામાઉન્ટ રોડ પર મારા ઘરેથી અડધી રાતે હૉસ્પિટલ પહોંચી જતો અને કમ્પાઉન્ડમાં કારને મૂકીને કોઈને જાણ ન થાય તે રીતે આઉટપેશન્ટ વિભાગમાંથી ચૂપચાપ બિલ્ડિંગમાં દાખલ થઈ જતો હતો."
"હું આખી હૉસ્પિટલમાં ફરતો અને કોણ-કોણ ફરજ પર નથી, સાફ-સફાઈ છે કે નહીં, કૉલ-બુક બરાબર છે કે નહીં, ડૉકટરો સમયસર દર્દીને અટેન્ડ કરે છે કે નહીં તે ચેક કરતો. હું મધરાતે વિધાર્થીઓની હૉસ્ટેલમાં પણ જઈ ચડીને તેઓ કેવી રીતે રહે છે અને કામ કરે છે, તે જોતો."
મહારાજા ગાયકવાડે લગ્ન કરાવ્યાં
વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે જીવરાજ મહેતાના તબીબી જ્ઞાનથી પ્રભાવિત થઈને રાજ્યના ચીફ મેડિકલ ઑફિસર બનાવ્યા હતા અને વડોદરામાં જ તેઓ હંસાબહેન મહેતાના પ્રેમમાં પડ્યા હતા.
હંસાબહેનના પિતા સર મનુભાઈ મહેતા વડોદરા રાજ્યના દીવાન હતા. મનુભાઈના પિતા એટલે પ્રથમ ગુજરાતી નવલકથા 'કરણઘેલો'ના લેખક નંદશંકર મહેતા.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સલેર, લેખિકા હંસાબહેનનો જન્મ ત્રીજી જુલાઈ, 1897ના રોજ સુરતમાં થયો હતો.
સ્વતંત્રતાસંગ્રામ અને નારીમુક્તિ ચળવળમાં હંસાબહેનનું તોતિંગ યોગદાન છે અને તે એક સ્વતંત્ર લેખનો વિષય છે.
તેમણે 16 ગુજરાતી અને ચાર અંગ્રેજી મળીને કુલ 20 પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકોમાં શેક્સપિયરના નાટકોના ગુજરાતી અનુવાદનો પણ સમાવેશ થાય છે.
પિતા નાગર મનુભાઈને વૈશ્ય જીવરાજભાઈ સાથે સંબંધનો વાંધો હતો, પણ ગાયકવાડે હંસાબહેનનો પક્ષ લઈને તેમનાં લગ્ન કરાવી આપ્યાં હતાં.
1978માં, 97 વર્ષની વયે અમદાવાદની જે હૉસ્પિટલમાં જીવરાજભાઈનું અવસાન થયું, તે આજે જીવરાજ મહેતા હૉસ્પિટલ તરીકે ઓળખાય છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો