મહારાષ્ટ્રનાં આ ગામોમાં લોકોને અચાનક ટાલ કેમ પડી રહી છે, ડૉક્ટરોનું શું કહેવું છે?
- લેેખક, નિતેશ રાઉત
- પદ, બીબીસી માટે
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનાં છ ગામોમાં હાલ ભયનું વાતાવરણ છે. આ ગામોના કેટલાક લોકોને અચાનક ટાલ પડવા લાગી છે.
બુલઢાણા જિલ્લાના શેગાંવ તાલુકાનાં બોડગાંવ, કાલવડ અને કથોરા ગામોમાં લોકોના માથા પરથી વાળ ખરી પડવાથી ભય ફેલાયો છે.
અચાનક વાળ ખરવાનું કારણ શોધવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગે એક સર્વેક્ષણ શરૂ કર્યું છે.
એકવાર વાળ ખરવા શરૂ થાય પછી થોડા જ દિવસોમાં સંપૂર્ણ ટાલ પડી જતી હોવાની ફરિયાદ ગામના રહેવાસીઓએ કરી હતી.
તબીબી અધિકારીઓએ જણાવ્યું છે કે આ ગામોમાં રહેતા લગભગ 50-55 નાગરિકો આવી સમસ્યાનો ભોગ બન્યા છે.
લોકોના જણાવ્યા મુજબ, આ રોગની શરૂઆતમાં તેમના માથામાં ખંજવાળ આવે છે અને પછી તેમના વાળ ખરવા લાગે છે. ત્રીજા કે ચોથા દિવસે તો ટાલ પડી જાય છે.
આવું શા માટે થઈ રહ્યું છે, તે સવાલનો જવાબ હજુ મળ્યો નથી, પરંતુ સ્થાનિક તબીબીએ આવા દર્દીઓની પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી છે.
વાળ ખરવાની સમસ્યાથી પીડિત લોકોએ શું કહ્યું?
તબીબી અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સમસ્યા મુખ્યત્વે શેગાંવ તાલુકાનાં છ ગામોમાં દેખાઈ છે.
ઘણા નાગરિકોએ વાળ ખરવાની ફરિયાદ કર્યા પછી ભોણગાંવના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ત્વચારોગ નિષ્ણાતો અને અન્ય ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મસ્તકની ચામડીનાં સૅમ્પલ્સ આપવા માટે આવેલા દર્દીઓએ તેમનો અનુભવ વર્ણવ્યો હતો.
કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ચોક્કસ કંપનીના શૅમ્પૂનો ઉપયોગ કર્યા પછી આ સમસ્યા શરૂ થઈ હતી. જોકે, તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ ચોક્કસ કારણ નક્કી કરી શકાય નહીં, એવું તબીબોએ કહ્યું હતું.
વાનખેડે ગ્રામીણ આરોગ્ય કેન્દ્રના અધિકારી ડૉ. બાલાજી આદરટે બીબીસીને કહ્યું હતું, "મેં આ ગામોના સાતથી આઠ દર્દીઓને તપાસ્યા છે. બાકીના લોકો તપાસ માટે આગળ આવ્યા નથી. મેં જે દર્દીઓની તપાસ કરી તેમનાં માથાં પર કેટલાક પૅચ જોવા મળ્યા હતા અને દર્દીઓને માથામાં ખંજવાળ આવતી હતી. 90 ટકા દર્દીઓ માથું ખંજવાળતા હતા."
તેમણે ઉમેર્યું હતું, "એ પૈકીના મોટાભાગના દર્દીઓ શિયાળા દરમિયાન થતા ટીનિયા, કૉર્પોરિસ, ટીનિયા કૅપેટીસ, પિટિરિયાસિસ કૅપિટિસ જેવા રોગોથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. અમે એ ગામડાઓમાંથી પાણીનાં સૅમ્પલ્સ પણ રાસાયણિક પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલ્યાં છે."
ડૉ. આદરટેના કહેવા મુજબ, "અમે દર્દીઓની ત્વચાની તપાસ કરીશું. એ માટે દર્દીની ખોપરીની ઉપરના હિસ્સામાંથી ત્વચાનો ત્રણ મિલિમીટરનો એક ટુકડો કાઢીને તપાસ માટે મોકલવામાં આવે છે. તેના પરીક્ષણનો રિપોર્ટ આવ્યા પછી અમે તેમનો ઉપચાર કરીશું. મારી અત્યાર સુધીની કારકિર્દીમાં આવું પહેલીવાર જોવા મળ્યું છે. તેથી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ચોક્કસ કારણ કહી શકાય નહીં. ઘણીવાર પરિવારના તમામ સભ્યો એક જ ટુવાલ, કાંસકા વગેરેનો ઉપયોગ કરતા હોય તો પણ આવી સમસ્યા સર્જાઈ શકે છે."
સૅમ્પલ્સનો રિપોર્ટ આવશે પછી ટાલ પડવાનું કારણ ખબર પડશે
ભોણગાંવના રહેવાસી દિગમ્બર ઈલામે કહ્યું હતું, "મારા વાળ ખરતા હોવાથી હું આરોગ્ય કેન્દ્ર ગયો હતો. મેં એક દિવસ સફેદ રંગના શૅમ્પૂ ઉપયોગ કર્યો હતો. તેને કારણે મારા વાળ ખરવા લાગ્યા હતા. બીજા કોઈ કારણસર મારા વાળ ખરતા હોય એવું મને લાગતું નથી."
તેમણે ઉમેર્યું હતું, "અમારા ગામમાં અગાઉ આવું ક્યારેય થયું નથી. અમારા ગામના લગભગ 25 લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પહેલાં માથામાં ખંજવાળ આવે છે. માથું ખંજવાળો એટલે વાળ ખરવા લાગે છે. જોકે, હવે મારા વાળ ફરી ઉગી રહ્યા છે. અમારા ગામમાં ખારું પાણી આવે છે. તેને લીધે પણ આવું થઈ શકે. તબીબોએ ચોક્કસ કારણ હજુ સુધી શોધ્યું નથી. પાણીનાં સૅમ્પલ્સ લીધાને દસ દિવસ થઈ ગયાં, પરંતુ હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી."
ખરતા વાળથી ગભરાઈને કેટલાક લોકોએ ટકો કરાવવાનો નિર્ણય કર્યો હતો. ટકો કરાવવાથી માથા પરની ખંજવાળ ઓછી થઈ હતી અને વાળ ફરીથી ઉગવા લાગ્યા હતા, એમ પણ એક દર્દીએ જણાવ્યું હતું.
મારુતિ ઈલામને વાળ ખરી પડવાથી ટાલ પડી ગઈ છે. તેમણે કહ્યું હતું, "મારા વાળ ખરી પડવાની સમસ્યા આઠ-દસ દિવસ પહેલાં શરૂ થઈ હતી. માથામાં ખંજવાળ આવતી હતી એટલે મેં ટકો કરાવી નાખ્યો હતો. એટલા મોટા પ્રમાણમાં વાળ ખરતા હતા કે વાળનો ગુચ્છો હાથમાં આવતો હતો. હવે ખંજવાળ બંધ થઈ ગઈ છે અને મારા વાળ ફરી વધી રહ્યા છે. ટકો કરાવ્યા પછી મને કોઈ સમસ્યા નથી. હું કોઈ શૅમ્પૂ વાપરતો નથી. તેથી આ સમસ્યા પાણીને કારણે સર્જાઈ છે કે કેમ તે જાણતો નથી. ખરું કારણ તો ડૉક્ટરો જ કહી શકશે. ગામમાં વીસેક લોકો આવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે."
ગામમાં મીઠું પાણી મળતું નથી
ભોણગાંવ ખારા પાણીના પટ્ટામાં આવેલું છે. આ ગામમાં મીઠા પાણીનો સંગ્રહ ઓછો છે.
આ વિશે વાત કરતાં ગામના સરપંચ રામા પાટીલ થારકરે કહ્યું હતું, "મારા ગામમાં છેલ્લા દસ દિવસથી વિચિત્ર રોગ ફેલાયો છે. પહેલાં પરિવારની એક વ્યક્તિને આવી સમસ્યા થઈ હતી. પછી તેના પરિવારને સમસ્યા થઈ અને હવે આખા ગામમાં તે ફેલાઈ ગઈ છે."
તેમણે ઉમેર્યું હતું, "ગામમાં લોકોના વાળ ખરી રહ્યા છે. તેથી ગામમાં ભય ફેલાયો છે. ગામમાં લગભગ 20 લોકોને ટાલ પડી ગઈ છે. વાળ ખરવાનું શરૂ થાય પછી પાંચ-છ દિવસમાં સંપૂર્ણ ટાલ પડી જાય છે. અમે આ બાબતે આરોગ્ય વિભાગને પત્ર લખ્યો છે."
રામા પાટીલ થારકરના કહેવા મુજબ, "આ ગામ ખારા પાણીના પટ્ટામાં આવેલું છે. તેથી ગામમાં મીઠું પાણી આવતું નથી. રોજિંદા વપરાશના પાણી માટે અમે ટ્યૂબવેલ ખોદ્યા છે. પીવાના પાણી માટે ટૅન્કરો મંગાવવાં પડે છે. ખારા પાણીને કારણે ઘણા લોકોને કિડનીના રોગો પણ થયા છે."
તેમના જણાવ્યા અનુસાર, દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. ખરેખર શું થયું છે તેની ખબર તો તપાસ પછી જ પડશે.
શેગાંવ તાલુકાનાં છ ગામોમાં આવા રોગ થયાના સમાચાર મળ્યા પછી બુલઢાણા જિલ્લાના તબીબી અધિકારી ડૉ. અમોલ ગીતેએ કેટલાંક ગામોની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ, પ્રાથમિક રીતે આ સમસ્યા ફંગલ ઇન્ફૅક્શનને કારણે સર્જાઈ હોય તે શક્ય છે.
ડૉ. અમોલ ગીતેએ બીબીસીને કહ્યું હતું, "આ સમસ્યા અચાનક શરૂ થઈ છે. દર્દીઓનું યોગ્ય નિદાન અને સારવાર થાય એટલા માટે અમે ત્વચારોગ નિષ્ણાતોને બોલાવ્યા છે. તેમણે સૅમ્પલ્સ પરીક્ષણ માટે મોકલ્યાં છે. ખરેખર શું થયું છે તે રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે. નાગરિકોએ ગભરાવાની જરૂર નથી."
તેમણે ઉમેર્યું હતું, "આ ફંગલ ઇન્ફૅક્શન હોવાનું તબીબોએ જણાવ્યું છે. તેથી અમે યોગ્ય સારવાર શરૂ કરી દીધી છે. ચોક્કસ કારણ જાણવા ન મળે ત્યાં સુધી કશું કહેવું યોગ્ય નથી."
આ બધાં ગામોમાં ભયનો માહોલ છે. જોકે, કેટલાક દર્દીઓએ એવું પણ કહ્યું હતું કે તેમની તકલીફમાં ઘટાડો થયો છે.
આ રોગ કોઈ વાયરસથી ફેલાય છે અથવા કોઈ ચોક્કસ કંપનીનો શૅમ્પૂ વાપરવાથી ટાલ પડવા લાગે છે, એવી ચર્ચા ગ્રામજનો કરી રહ્યા છે, પરંતુ તબીબી અધિકારીઓએ તેમને જરાય નહીં ગભરાવાની અપીલ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન