બાંગ્લાદેશના હિન્દુઓ પોતાની સલામતી માટે શું કરી રહ્યા છે? ગ્રાઉન્ડ રિપોર્ટ

સરકારના આશ્વાસન છતાં બાંગ્લાદેશમાં લઘુમતીઓનો ડર ખતમ થઈ રહ્યો નથી
ઇમેજ કૅપ્શન, સરકારના આશ્વાસન છતાં બાંગ્લાદેશમાં લઘુમતીઓનો ડર ખતમ થઈ રહ્યો નથી
  • લેેખક, જુગલ પુરોહિત
  • પદ, બીબીસી સંવાદદાતા, બાંગ્લાદેશથી

પોતાનું નામ અને પોતાના ગામનું નામ ન જણાવવાની શરતે એક હિન્દુ મહિલા અને તેમના પતિ મને મળવાના હતા. એ મુલાકાત માટે મારે ઢાકાથી સવારે વહેલું નીકળવાનું હતું. 200 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરીને હું બપોરે બે વાગ્યે ખુલના શહેરમાં પહોંચ્યો હતો. એ મહિલા તેમનો ચહેરો ઢાંકીને મારી સામે બેસી ગયાં.

એ મહિલા અને તેમના પરિવાર સાથે જે થયું હતું તેની નોંધ બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદે તૈયાર કરેલી 2,000થી વધુ ઘટનાઓની યાદીમાં છે. તેમાં નવ હત્યાનો પણ સમાવેશ પણ થાય છે.

બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, ઑગસ્ટમાં દેશભરમાં થયેલી હિંસામાં તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમય સુધી વડાં પ્રધાન તરીકે કામ કરનારાં શેખ હસીના સામે આ વર્ષે શરૂ થયેલાં દેશવ્યાપી વિરોધપ્રદર્શનો પછી પાંચમી ઑગસ્ટે તેમણે દેશ છોડવો પડ્યો હતો અને તેઓ ભારત પહોંચ્યાં હતાં. એ વિરોધ પ્રદર્શનો દરમિયાન લઘુમતી સમુદાય સામે હિંસાની ઘટનાઓ પણ બની હતી.

ખુલના પહોંચ્યા બાદ બીબીસીએ તે મહિલા સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

ખુલનાનાં એક મહિલા

મહિલાએ પોતાની દર્દભરી કહાણી કહેવાનું શરૂ કર્યું, “પાંચમી ઑગસ્ટ અમારા માટે સામાન્ય દિવસ હતો. રાતે લગભગ પોણા નવ વાગ્યે 20-25 લોકો અમારા ઘરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવા લાગ્યા હતા. મારા પતિ બાળકોને લઈને નાસી છૂટ્યા હતા.”

“એ વખતે હું અને મારાં સાસુ ઘરમાં હતાં. ભીડમાંથી બે-ત્રણ લોકો મારી પાસે આવ્યા. મારા રસોડામાંથી એક ચાકૂ ઉઠાવ્યું. મને બાંધી દીધી અને મારું મોં બંધ કરી દીધું.”

“હું ડરી ગઈ હતી અને એક શબ્દ પણ બોલી શકી ન હતી. તેમણે મારી સાથે જે અભદ્ર વ્યવહાર કર્યો હતો એ હું કહી શકું તેમ નથી. મેં એ લોકોને ક્યારેય જોયા ન હતા, પરંતુ હું તમને કહી શકું કે તેઓ જંગલી જનાવરો જેવાં હતાં.”

એ હુમલા પાછળ કોઈ કારણ હતું કે કેમ એવો સવાલ મેં કર્યો ત્યારે તેમણે કહ્યું, “આવું થયું કારણ કે અમે હિન્દુ છીએ.”

મહિલા અને તેના પતિએ પોલીસ પાસે નહીં જવાનો નિર્ણય કર્યો હતો. તેનું કારણ મેં પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર પર તેમને ભરોસો રહ્યો નથી.

મુલાકાત ખતમ થતાં પહેલાં તેમના પતિએ મને એક સવાલ કર્યો, “શું અમે ભારતમાં શરણ લઈ શકીએ?”

લઘુમતી વિરુદ્ધની 2,000 ઘટનાઓ

બાંગ્લાદેશમાં 600થી વધુ લોકોના મૃત્યુની વાત સંયુક્ત રાષ્ટ્રસંઘે કરી છે
ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશમાં 600થી વધુ લોકોનાં મૃત્યુની વાત સંયુક્ત રાષ્ટ્રસંઘે કરી છે

લઘુમતી સમુદાયના લોકોનું કહેવું છે કે ખુલના વિસ્તારમાં સૌથી વધારે હિંસા થઈ હતી.

હિંદુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના મંત્રી દિપંકર ઘોષે જણાવ્યું હતું કે યાદીમાં 2,000થી વધારે ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હિંસક ઘટનાઓની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે.

તેમણે કહ્યું, “એ ઉપરાંત પણ ઘણી ઘટનાઓ બની છે. અમે એ બધી ઘટનાઓની વિગત બહાર લાવી શક્યા નથી. ઘણા લોકો તો ડરના કારણે આવી ઘટનાઓની ચર્ચા કરતા નથી.”

અહીં એ સમજવું જરૂરી છે કે જુલાઈ અને ઑગસ્ટમાં દેશભરમાં થયેલી હિંસાની તપાસ કરવાની વિનંતી બાંગ્લાદેશની વચગાળાની સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘને કરી છે અને એ તપાસ ચાલુ છે.

અત્યાર સુધીમાં 600થી વધુ લોકોનાં મૃત્યુની વાત સંયુક્ત રાષ્ટ્રસંઘે કરી છે.

ભારત સરકારના વિઝા નિયમથી પણ મુશ્કેલી

બિશ્વજિત સાધુ કહે છે કે તેમના પડોશમાં રહેતાં મોટાભાગના હિંદુઓ સ્થળાંતર કરી ગયાં છે
ઇમેજ કૅપ્શન, બિશ્વજિત સાધુ કહે છે કે તેમના પડોશમાં રહેતા હિન્દુઓ સ્થળાંતર કરી ગયા છે

ખુલનામાં 50થી વધુ વર્ષથી રહેતા બિસ્વજીત સાધુ એક વેપારી છે.

સમુદાયના મુદ્દાઓની વાત પણ કરે છે. હિંસાના સમયમાં તેમની દુકાન અને ઘર પર પણ હુમલા થયા હતા. એ દિવસના નિશાન અત્યારે પણ સ્પષ્ટ દેખાય છે.

એ જ દુકાનમાં બેસીને તેમણે અમારી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, “અહીંના મોટા ભાગના હિન્દુઓ પલાયન કરી ચૂક્યા છે. જેમની પાસે કશું નથી એ લોકો ચાલ્યા ગયા છે અને જેમની પાસે જમીન છે તેઓ અહીં જ છે. અત્યારે બળજબરીથી વસૂલી અને જમીન કબજે કરવાનાં કામો અત્યારે ચાલી રહ્યાં છે. ડરને કારણે લોકો એ બાબતે વાત કરતા નથી.”

ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશમાં વિઝાની કામગીરી ઘટાડવાના નિર્ણયથી તેઓ નારાજ છે.

ભારત સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો હવાલો આપીને વિઝા ઑફિસમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો હતો. એ નિર્ણયમાં હજુ સુધી ફેરફાર થયો નથી.

બિસ્વજીત સાધુએ કહ્યું હતું, “ભારત સરકારે વિઝા આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. હવે અહીં અમારા પર જોખમ છે. હું મારી સલામતી માટે ભારત જવા ઇચ્છું પણ એ શક્ય નથી.”

સરકારનું આશ્વાસન

બાંગ્લાદેશની વચગાળાની સરકારનાં સલાહકાર

બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના લોકો અત્યારે પણ પ્રદર્શનો કરી રહ્યાં છે.

અહીંની સરકાર આ પ્રદર્શનો વિશે શું માને છે અને તે આજના બાંગ્લાદેશ વિશે શું દર્શાવે છે, એવો સવાલ મેં વચગાળાની સરકારનાં સલાહકાર સૈયદ રિઝવાના હસનને પૂછ્યો હતો.

તેમણે કહ્યું હતું, “બાંગ્લાદેશ કાયમ સાંપ્રદાયિક સદભાવનો દેશ રહ્યો છે અને રહેશે. અમારા દરવાજા વાતચીત અને ચર્ચા માટે હંમેશા ખુલ્લા છે. અલબત, તેઓ રસ્તા પર વિરોધ પ્રદર્શનનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે વધારે વાતચીત અને ચર્ચાની જરૂર છે.”

તેમના કહેવા મુજબ, “તમે જુઓ કે આ વર્ષે દુર્ગા પૂજાની ઉજવણી કેવી રીતે થઈ હતી. અમે બધા સરકારના સલાહકારો વિવિધ મંદિરોમાં તેમની સાથે ઉજવણી કરવા ગયા હતા. વાતચીતના માધ્યમથી અમે તેમની માંગણીઓ જરૂર સ્વીકારીશું.”

જોકે, સરકારના આવા આશ્વાસનથી લઘુમતી સમુદાય સંતુષ્ટ હોય તેવું લાગતું નથી.

આશ્વાસન છતાં લોકો ભયભીત

હિંદુ-બૌદ્ધ-ક્રિશ્ચિયન એકતા પરિષદના કાર્યવાહક મહામંત્રી મનીંદ્ર કુમાર
ઇમેજ કૅપ્શન, હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના કાર્યવાહક મહામંત્રી મનીંદ્ર કુમાર

હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના કાર્યવાહક મહામંત્રી મનીંદ્ર કુમારે કહ્યુ હતું, “વચગાળાની સરકારની રચનાને બેથી વધુ મહિના થઈ ગયા છે. તેમ છતાં દેશના વિવિધ વિસ્તારોમાં લઘુમતી સમુદાય પર અત્યાચારની ઘટનાઓ સતત બની રહી છે. કમનસીબી એ છે કે આવી ઘટનાઓ પર અંકુશ લાદવા માટે સરકાર તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવતા નથી. કેટલાક રાજકીય પક્ષો તો તેને સ્વીકારવા પણ તૈયાર નથી.”

મનીંદ્રના કહેવા મુજબ, બાંગ્લાદેશના લઘુમતી હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તી લોકો જરૂર પડ્યે એક થઈને એક રાજકીય પક્ષ બનાવી શકે છે.

મુનીંદ્રએ કહ્યું હતું, “તમે જોયું હશે કે દેશમાં સનાતની જનતા અને વિદ્યાર્થીઓ ઘરની બહાર નીકળ્યા છે. ચટગાંવમાં સાધુ-સંતોની એક રેલી યોજવામાં આવી હતી. પોતાની મુશ્કેલીઓ જણાવવા માટે તેમાં હજારો હિંદુઓ જોડાયા હતા. અમે બીજી નવેમ્બરે સમગ્ર બાંગ્લાદેશમાં સભાઓ તથા રેલીઓ યોજવાની અપીલ કરી છે.”

એક તરફ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ દેશની બહાર પણ બાંગ્લાદેશના લઘુમતી સમુદાયની હાલત બાબતે અવાજ ઊઠી રહ્યો છે.

અમેરિકા અને ભારત જેવા દેશોએ આ બાબતે અનેક વખત જાહેર નિવેદનો કર્યાંં છે.

અનેક હિન્દુ સંગઠનો પણ આ મામલો જોરશોરથી ઊઠાવી રહ્યાં છે. ‘સ્ટોપ હિન્દુ જેનોસાઇડ’ તો બાંગ્લાદેશના આર્થિક બહિષ્કારની માગણી કરી રહ્યું છે.

આ સંગઠને ગત દિવસોમાં એક વિમાનની મદદ વડે ન્યૂ યૉર્કમાં એક બૅનર લહેરાવ્યું હતું. તેમાં બાંગ્લાદેશની સરકારને હિન્દુઓનું રક્ષણ કરવા કહેવામાં આવ્યું હતું.

એ વેબસાઈટ ચલાવતા લોકોએ, બીબીસી દ્વારા વારંવાર પૂછવામાં આવ્યું હોવા છતાં કેટલાક સવાલોના કોઈ જવાબ આપ્યા ન હતા.

આ સંગઠનની વેબસાઈટ પર વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યોનો ઉલ્લેખ હતો. વિશ્વ હિન્દુ પરિષદ એ જ સંઘ પરિવારનો હિસ્સો છે, જેની સાથે ભારતીય જનતા પાર્ટી જોડાયેલી છે.

બાંગ્લાદેશના મુદ્દે અમેરિકામાં હિન્દુ સંગઠનોનું પ્રદર્શન

બાંગ્લાદેશમાં બનતી હિંસક ઘટનાઓ બાબતે અમેરિકામાં વિરોધ પ્રદર્શન થયું હતું

વૉશિંગ્ટન સ્થિત હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન નામની સંસ્થાએ પણ બાંગ્લાદેશમાં બનતી હિંસક ઘટનાઓ બાબતે અમેરિકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ સંગઠન વિશે એવું કહેવાય છે કે તેને ભારતનાં હિન્દુવાદી સંગઠનો અને ભારત સરકાર તરફથી મદદ મળે છે.

આ ફાઉન્ડેશનના મૅનેજિંગ ડિરેક્ટર સમીર કાલરાએ તેમના સંગઠનને ભારત સરકાર સાથે કોઈ પ્રકારના સંબંધ હોવાના દાવાને ખોટો ગણાવ્યો હતો.

તેમણે વીડિયો કૉલ પર મને કહ્યું હતું, “અમારું સ્વતંત્ર સંગઠન છે. અમે કોઈ વિદેશી સરકાર સાથે મળીને કામ કરતા નથી.”

સમીર કાલરાએ કહ્યું હતું, “અમે બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ક્રિશ્ચિયન એકતા પરિષદ સાથે કામ કરી રહ્યા છીએ અને જમીની સ્તર પર તે અમારા ડેટાનો મુખ્ય સ્રોત છે. અમારો પ્રયાસ એ હોય છે કે અમેરિકન નેતાઓ આ હિંસાને સમજે અને બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર દબાણ લાવે, જેથી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી કોમ સલામત રહી શકે.”

હિંસા, ભય અને અનિશ્ચિતતાની ચર્ચા વચ્ચે મારી મુલાકાત ઢાકામાં એક નોકરિયાત વ્યક્તિ સ્વરૂપ દત્ત સાથે થઈ હતી.

તેમના ઘરે મોડી રાતે વાતચીત દરમિયાન મેં તેમને પૂછ્યું હતું કે બાંગ્લાદેશમાં એક હિન્દુ નાગરિક હોવાને લઈને તેમને પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય કેવું લાગે છે?

તેમણે કહ્યું હતું કે તેઓ વિરોધ પ્રદર્શનોનું સમર્થન કરે છે, કારણ કે “વિરોધ એકમાત્ર એવી બાબત છે, જેના વડે અમે અમારો અવાજ ઊઠાવી શકીએ તેમ છીએ.”

તેઓ માને છે કે શાંતિપૂર્ણ, સન્માનજનક અને ધર્મનિરપેક્ષ બાંગ્લાદેશની યાત્રા આસાન નહીં હોય.

સ્વરૂપ દત્તે કહ્યું હતું, “હું આશાવાદી વ્યક્તિ છું. આ એક સુંદર દેશ છે. અહીંના લોકો મિલનસાર અને શાંતિને ચાહતા લોકો છે. અહીંના 99 ટકા લોકો બાંગ્લા બોલે છે. આ દેશને વધારે બહેતર શા માટે ન બનાવવો જોઈએ? મને લાગે છે કે તે શક્ય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.