હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ સાથે શું થઈ રહ્યું છે?- બાંગ્લાદેશથી ગ્રાઉન્ડ રિપોર્ટ

બાંગ્લાદેશ, હિન્દુ

ઇમેજ સ્રોત, DEBALIN ROY/BBC

  • લેેખક, જુગલ પુરોહિત
  • પદ, બીબીસી સંવાદદાતા
  • દ્વારા રિપોર્ટિંગ બાંગ્લાદેશથી

બી.એ.નાં વિદ્યાર્થિની અનુ તાલુકદાર ગત સપ્તાહ સુધી ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં હતાં. એ વખતે અનુને સમજાયું ન હતું કે તેઓ અન્ય વિદ્યાર્થીઓથી અલગ છે, પરંતુ હવે અનુ કહે છે કે આજે તેમને અન્ય કરતાં અલગ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

ઢાકાના વિખ્યાત ઢાકેશ્વરી મંદિરમાં બીબીસી સાથે વાત કરતાં અનુ તાલુકદારે કહ્યું હતું, “અમે બહું અસલામતીનો અનુભવ કરી રહ્યાં છીએ. પહેલાં આવું લાગતું ન હતું. વિરોધપ્રદર્શન દરમિયાન પણ ડરનો અહેસાસ થતો ન હતો. અમે સરકાર વિરોધી આંદોલન અને લોકોની નારાજગીનાં પ્રદર્શનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતાં હતાં, પરંતુ અમે અચાનક શિકાર બની ગયાં છીએ.”

અનુ એ હિંસાની વાત કરી રહ્યાં છે, જે શેખ હસીનાએ સત્તા છોડ્યાં બાદ હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ સાથે આચરવામાં આવી હતી.

અનુએ મને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સત્તાનું પરિવર્તન થયું છે તો તે તેમનાં વિરોધપ્રદર્શનોને કારણે થયું છે, જેમાં તેમણે અને તેમનાં જેવાં લોકોએ ભાગ લીધો હતો. અનુ માને છે કે તેમનાં જેવાં લોકોનું રક્ષણ કરવાની જવાબદારી વચગાળાની સરકારની છે.

લઘુમતીના અધિકારો માટે કામ કરતા લોકોનું કહેવું છે કે શેખ હસીના દેશ છોડી ગયાં પછી બાંગ્લાદેશના 52 જિલ્લાઓમાં લઘુમતીઓ પર 200થી વધુ હુમલા થયા છે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મહમદ યુનૂસે મંગળવારે ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે દેશમાં તમામ લોકો માટે એકસમાન અધિકાર છે.

હિંસાનો શિકાર બનેલા લોકો શું કહે છે?

બાંગ્લાદેશ, હિન્દુ, હુમલાઓ, ઢાકેશ્વરી મંદિર

ઇમેજ સ્રોત, DEBALIN ROY/BBC

ઇમેજ કૅપ્શન, બાઇકના શો-રૂમના માલિક બિમલ ચંદ્ર ડેએ કહ્યું હતું, અમારા પર હુમલો થયો, કારણ કે અમે આ દેશમાં લઘુમતીમાં છીએ.

હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ કેટલા મોટા પાયે હિંસા આચરવામાં આવી છે તેને સમજવા માટે અમે ઢાકા શહેરમાંથી બહાર નીકળ્યા હતા અને કોમિલા ગામ સુધીનો પ્રવાસ કર્યો હતો. કોમિલા ભારતના ત્રિપુરા રાજ્યની સરહદ પાસે આવેલું છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ સાંપ્રદાયિક હિંસા થઈ છે.

કોમિલામાં અમે બાઇકના એક શો-રૂમમાં ગયા હતા. તેના માલિક બિમલ ચંદ્ર ડે છે.

બિમલે અમને જણાવ્યું હતું કે તેઓ પાંચમી ઑગસ્ટ પહેલાંથી જ સારવાર માટે ભારતમાં છે. શેખ હસીનાના દેશ છોડવાના સમાચાર મળ્યા કે તરત જ તેમણે તેમના કર્મચારીઓને શો-રૂમના શટર પાડી દેવા કહ્યું હતું, કારણ કે હિંસા થવાની શંકા તેમને પહેલેથી જ હતી.

બિમલ ચંદ્ર ડેની શંકા એકદમ સાચી સાબિત થઈ હતી.

સાક્ષીઓએ અમને જણાવ્યું હતું કે બપોરે ઉપદ્વવીઓનું ટોળું શેખ હસીના વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતું આવ્યું હતું અને તેમણે શો-રૂમ પર હુમલો કર્યો હતો. કેટલાક લોકો બાઇક ચોરી ગયા હતા અને પછી શો-રૂમને આગ લગાવી દીધી હતી.

ઉપદ્રવીઓએ બિમલ ચંદ્ર ડેના શો-રૂમની આજુબાજુની બીજી એકેય દુકાનને હાથ સુદ્ધાં અડાડ્યો ન હતો.

બાંગ્લાદેશ, હિન્દુ

ઇમેજ સ્રોત, DEBALIN ROY/BBC

ઇમેજ કૅપ્શન, બિમલનું કહેવું છે કે, કેટલાક લોકો બાઇક ચોરી ગયા હતા અને પછી શો-રૂમને આગ લગાવી દીધી હતી.

બીબીસી સાથે વીડિયો-કૉલ મારફત વાત કરતા બિમલ ચંદ્ર ડેએ કહ્યું હતું, “અમારા પર હુમલો થયો, કારણ કે અમે આ દેશમાં લઘુમતીમાં છીએ. બાંગ્લાદેશમાં એક હિન્દુ તરીકે જન્મ લેવો મારી સૌથી મોટી ભૂલ હતી. હુમલાખોરોને ખબર હતી કે અમે વળતો હુમલો કરવાના નથી. તેથી તેઓ કંઈ પણ કરી શકે છે.”

અમે બિમલને પૂછ્યું હતું કે તમે શેખ હસીના સરકારના સમર્થક હોવાને કારણે તમને નિશાન બનાવવામાં આવ્યા હતા?

તેમણે કહ્યું હતું, “બાંગ્લાદેશમાં વ્યવહારુ રીતે કોઈ હિન્દુ એમ કહે કે અમે અવામી લીગને નહીં, પરંતુ બીજા પક્ષને ટેકો આપીએ છીએ તો કોઈ વિશ્વાસ નહીં કરે. મારા બિઝનેસને કારણે હું અવામી લીગ અને બીજા પક્ષોના નેતાઓને મળતો રહું છું. આમાં ખોટું શું છે?”

બિમલ ચંદ્ર ડેએ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા સ્વદેશ પાછા ફરવાની છે અને વચગાળાની સરકાર પાસે તેમની એક જ માગ છે, “હું ન્યાય ઇચ્છું છું. મને જે જંગી નુકસાન થયું છે, જે લોકોએ મારી સાથે આવું કર્યું છે તેમને સજા મળવી જોઈએ.”

હિન્દુઓની સાથે ખ્રિસ્તીઓ પર પણ હુમલા

બાંગ્લાદેશ, ખ્રિસ્તીઓ પર હુમલા, હિન્દુઓ પર હુમલા

ઇમેજ સ્રોત, DEBALIN ROY/BBC

ઇમેજ કૅપ્શન, ખ્રિસ્તી સહકારી ક્રૅડિટની ઑફિસમાં તોડફોડ થઈ અને આગ ચાંપવામાં આવી હતી.

ઢાકાથી માત્ર 30 કિલોમીટર દૂર મદનપુર આવેલું છે.

મદનપુરની સાંકડી ગલીઓમાંથી પસાર થતાં અમે લોખંડના એક વિશાળ દરવાજા સામે રોકાયા હતા. એ દરવાજો ખુલ્યો ત્યારે અમારી સામે એક ઑફિસનું ડરામણું દૃશ્ય હતું. સળગી ગયેલા દસ્તાવેજો અને ફર્નિચર અહીં તહીં વિખરાયેલું પડ્યું હતું. બારીઓ તૂટેલી હતી.

તે ક્રિશ્ચિયન કૉ-ઑપરેટિવ ક્રૅડિટ યુનિયનની ઑફિસ હતી. તે નાની રકમની લોન આપતી એક સંસ્થા છે. આ ઑફિસમાં ક્યારેક પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવતું હતું.

અમે એ ઑફિસનો વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે ડરેલા એક ગાર્ડે અમને ચેતવણી આપી હતી કે “લાંબો સમય અહીં રોકાશો નહીં. તેમની અમારા પર નજર છે. તેઓ ગમે ત્યારે પાછા આવી શકે છે.”

ગાર્ડ એ લોકોની વાત કરી રહ્યો હતો, જેમણે થોડા દિવસ પહેલાં આ ઑફિસને આગ ચાંપી દીધી હતી. એ લોકો આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ગાર્ડે એમ પણ કહ્યું હતું કે હુમલાખોરો અહીં વારંવાર આવતા હતા અને જે સામાન મળતો હતો તે લૂંટી જતા હતા.

ગાર્ડે દબાયેલા અવાજમાં કહ્યું હતું, “તમે અહીં આવ્યા તેની થોડી મિનિટો પહેલાં જ તેઓ અહીંથી ગયા છે.”

હુમલા થવાની આશંકાને કારણે લઘુમતી સમુદાયના લોકો આ જગ્યાને સંપૂર્ણપણે છોડીને ચાલ્યા ગયા છે, પરંતુ આ જૂની ઑફિસના મૅનેજર હાઇવે પાસે અમને મળવા તૈયાર થયા હતા.

તેમણે એ ઘટના બાબતે વાત કરતા જણાવ્યું, “પાંચમી ઑગસ્ટની રાતે 10.40 વાગ્યે સલામતી ગાર્ડે અમને ફોન કરીને સમાચાર આપ્યા હતા અને અમે તરત જ ત્યાં પહોંચી ગયા હતા. મેં જોયું તો બધું સળગીને રાખ થઈ ગયું હતું. બધી ચીજો એટલે કે પૈસા, દસ્તાવેજો, અમારા ધાર્મિક ગ્રંથો બધું જ. એ પછી ત્રીજા દિવસે સવારે નવેક વાગ્યે હું ઑફિસ પહોંચ્યો ત્યારે કેટલાક લોકો બળજબરીથી અમારી ઑફિસમાં ધૂસી આવ્યા હતા અને મને સવાલ કર્યો હતો કે હું ત્યાં શા માટે આવ્યો છું? મેં તેમને કહ્યું હતું કે આ મારી ઑફિસ છે.”

તેમણે કહ્યું, “અમે 2020થી જ આ ઇમારતમાં એક ચર્ચ અને સામુદાયિક સેવા શરૂ કરી હતી, પરંતુ અગાઉ અમારા પર આવો હુમલો થયો ન હતો. અમને અનેક વખત ધમકી જરૂર આપવામાં આવી હતી.”

ક્રિશ્ચિયન કમ્યુનિટી સર્વિસ સૅન્ટરના મૅનેજરે અમને જણાવ્યું હતું કે તેઓ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ઇચ્છતા હતા, પરંતુ વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ પોલીસવાળાનો સંપર્ક થયો ન હતો.

લઘુમતીઓમાં ભયનો માહોલ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગત 11મી ઑગષ્ટે હિન્દુ,બૌદ્ધ, ખ્રિસ્તી યુનિટી કાઉન્સિલ દ્વારા લઘુમતીઓ પર હુમલાની સામે ઢાકામાં પ્રદર્શન કરવામાં આવ્યું

કોમિલા અને આજુબાજુના ગામોમાં રહેતા હિન્દુ સમુદાયના અન્ય લોકોએ અમને જણાવ્યું હતું કે તેમની સાથે હિંસાની કોઈ ઘટના તો નથી બની, પરંતુ તેઓ ભય જરૂર અનુભવી રહ્યા છે.

ગામમાં રહેલા એક હિન્દુએ કહ્યું હતું, “બાંગ્લાદેશમાં હિન્દુઓને ત્યાં લૂંટફાટ અને આગચંપીની અનેક ઘટનાઓ બની છે. સરકારે હવે તેના પર લગામ લગાવવાની જરૂર છે.”

તેમની આ ચિંતાના મૂળ ઇતિહાસની ડરામણી સ્મૃતિ સાથે જોડાયેલાં છે. 2021માં કોમિલાથી શરૂ થયેલી હિંસા સમગ્ર દેશના હિન્દુઓ સામે ભડકી ઉઠી હતી. તેમાં અનેક લોકો માર્યા ગયા હતા અને મુસલમાનોના ટોળાઓએ અનેક મંદિરોને બરબાદ કરી નાખ્યાં હતાં.

બાંગ્લાદેશમાં આમ તો હિન્દુઓ અને મુસલમાનો અનેક પેઢીઓથી સાથે રહેતા આવ્યા છે. તેઓ બાંગ્લાદેશની આઝાદીની લડાઈ પણ ખભેખભા મિલાવીને લડ્યા હતા, પરંતુ બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસાનો ઇતિહાસ પણ એટલો જ જૂનો છે.

કોમિલાના પાડોશમાં આવેલા નોઆખલી વિસ્તારને આઝાદી પછી ફાટી નીકળેલી કોમી હિંસા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. હિંસામાં હજારો લોકોની હત્યા કરવામાં આવી હતી અને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

નોઆખલીનું નામ ઇતિહાસમાં નોંધાયેલું છે. આ જ ગામમાં કોમી હિંસા રોકવાના પ્રયાસમાં મહાત્મા ગાંધીએ 1947માં અનેક દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. ગાંધીજી નવેમ્બર 1946માં ત્યાં પહોંચ્યા હતા અને માર્ચ 1947માં ત્યાંથી રવાના થયા હતા.

લઘુમતીઓ પ્રત્યે કેવું વલણ છે?

બાંગ્લાદેશ, હિન્દુઓ પર હુમલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઢાકા યુનિ.ની બહારની દીવાલ પર ચિત્રો બનાવવામાં આવ્યાં છે. શહેરની અન્ય દીવાલો પર પણ ચિત્રો ચિતરાયાં છે.

બાંગ્લાદેશ એક ઇસ્લામીક દેશ છે કે ધર્મનિરપેક્ષ લોકતંત્ર? પાયાના આ સવાલ બાબતે વ્યાપક ભ્રમ પ્રવર્તે છે. રસપ્રદ વાત એ છે કે બાંગ્લાદેશની સ્થાપના એક ધર્મનિરપેક્ષ દેશ તરીકે થઈ હતી, પરંતુ 1980માં તેને એક ઇસ્લામીક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યો હતો. એ ઘટનાનાં 30 વર્ષ પછી બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે 1972ના બંધારણમાં લખવામાં આવેલી ધર્મનિરપેક્ષતાની વાત યથાવત્ છે.

બાંગ્લાદેશના આજના બંધારણમાં એ બન્નેનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ ધર્મનિરપેક્ષતા સંબંધે સરકારની પ્રતિબદ્ધતા પર સવાલો પણ થતા રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા ફ્રીડમ હાઉસે ગયા વર્ષે શેખ હસીનાના શાસન હેઠળના બાંગ્લાદેશને ‘આંશિક રીતે સ્વતંત્ર દેશ’ના દરજ્જામાં રાખ્યો હતો.

ફ્રીડમ હાઉસે તેના ગત વર્ષના અહેવાલમાં જણાવ્યું હતું, “લઘુમતી સમુદાયોના સભ્યોએ જુલમ અને હિંસાનો સામનો કરવો પડે છે. તેમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ તથા બૌદ્ધોની સાથે શિયા અને અહમદિયા મુસલમાનોનો પણ સમાવેશ થાય છે. ઉપદ્રવીઓની ભીડ તેમની સાથે ઘણીવાર હિંસા આચરે છે. તેમનાં પૂજા સ્થળોને નિશાન બનાવે છે. ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધની હિંસાને સોશિયલ મીડિયા પર જાણીજોઈને ભડકાવવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં હિન્દુઓનાં ઘરો, બિઝનેસ અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે, તેમને આગ ચાંપીને તબાહ કરવામાં આવ્યાં છે અને આવા હુમલા 2023માં પણ ચાલુ રહ્યા છે.”

સમગ્ર વિશ્વમાં ધાર્મિક સ્વાતંત્ર્ય પર નજર રાખતી અમેરિકન સંસ્થા યુએસસીઆઈઆરએફના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશમાં છેલ્લાં 20 વર્ષમાં કુલ વસ્તીમાં હિન્દુઓનું પ્રમાણ ઘટ્યું છે. વર્ષ 2000માં બાંગ્લાદેશની કુલ વસ્તીમાં સુન્ની મુસલમાનો 88 ટકા હતા, જે 2023માં વધીને 91 ટકા થઈ ગયા હતા, જ્યારે હિન્દુઓની વસ્તી 10 ટકાથી ઘટીને લગભગ આઠ ટકા થઈ ગઈ હતી.

પરિસ્થિતિને પૂર્વવત કરવાના પ્રયાસો

હિન્દુ પર હુમલો, મંદિર તોડવામાં આવ્યું, બાંગ્લાદેશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોપાલ દેબનાથે કહ્યું હતું કે ગૃહમંત્રીએ સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે.

ઢાકાના ઢાકેશ્વરી મંદિરમાં અમારી મુલાકાત હિન્દુ સમુદાયના અનેક નેતાઓ સાથે થઈ હતી. તેમાં ગોપાલ ચંદ્ર દેબનાથ પણ હતા.

ગોપાલ દેબનાથે અમને કહ્યું હતું, “ગૃહમંત્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે માત્ર તમે જ નહીં, તમારા સમુદાયની કોઈ પણ વ્યક્તિ મદદ માટે ગમે તે સમયે મારો સંપર્ક કરી શકે છે. અહીંનો હિન્દુ સમુદાય બહુ શાંતિથી રહે છે. અહીં લોકોનો એક નાનો વર્ગ માને છે કે અમે આ દેશને છોડીને ચાલ્યા જઇશું તો તેઓ અમારી જમીન અને સંપત્તિ કબજે કરી શકે છે. તેઓ રાજકીય કારણોસર અમને ડરાવવાના પ્રયાસ પણ કરે છે.”

હિન્દુઓ મોટાપાયે બાંગ્લાદેશ છોડી દેશે તેવી આશંકા બાબતે ગોપાલ દેબનાથે જણાવ્યું હતું કે તેઓ અન્ય લોકોની માફક બાંગ્લાદેશમાં જ રહેશે.

કોમિલાના મુખ્ય મંદિરમાં અમારી મુલાકાત અનિર્બાન સેનગુપ્તા સાથે થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ મંદિરમાં પ્રાર્થના કરવા રોજ આવે છે.

અનિર્બાન સેનગુપ્તાએ કહ્યું હતું, “વિદ્યાર્થીઓની ક્રાંતિ પછી પોલીસ ગુમ થઈ ગઈ છે, પરંતુ સામાન્ય લોકો સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવાના પ્રયાસ કરે છે. હકીકત એ છે કે મુસ્લિમ સમુદાયના પાંચથી દસ લોકો અમારા મંદિરનું રક્ષણ કરવા રોજ રાતે આવે છે.”

અમે ઢાકેશ્વરી મંદિરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે મંદિરના દરવાજાની બહાર બે લોકો હાથમાં ડંડા લઈને બેઠેલા જોવા મળ્યા હતા. તેમાં જે નાની વયના હતા તેમનું નામ મહમદ સૈફુજ્જમા હતું. તેઓ વ્યવસાયે મૌલવી છે. મેં તેમને પૂછ્યું કે તેઓ મંદિરની બહાર શું કરી રહ્યા છે?

સેફુજ્જમાએ કહ્યું હતું, “પોલીસ ગુમ થઈ ગઈ છે ત્યારે લોકો અહીં અસલામતી અનુભવી રહ્યા છે. હું આ જાણું છું તેથી અહીં આવ્યો છું, જેથી કોઈ સમસ્યા ન સર્જાય તે સુનિશ્ચિત કરી શકું. હું આખી દુનિયાને જણાવવા ઈચ્છું છું કે બાંગ્લાદેશ ધર્મને આધારે વિભાજિત થયેલો દેશ નથી અને આ વિચાર માત્ર મારા એકલાનો નથી. અનેક મુસ્લિમ સંગઠનો વારાફરતી આ મંદિરની સલામતીનો ખ્યાલ રાખે છે.”

બાંગ્લાદેશ હિન્દુઓ પર હુમલો

ઇમેજ સ્રોત, DEBALIN ROY/BBC

ઇમેજ કૅપ્શન, અનિર્બાન સેનગુપ્તાએ કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાયના લોકો મંદિરનું રક્ષણ કરવા પહેરો ભરે છે.

વાયરલ વીડિયો, સોશિયલ મીડિયા અને રાજકારણ

બાંગ્લાદેશ હિન્દુઓ પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઢાકામાં એક મંદિરની સુરક્ષા માટે 12 ઑગષ્ટે રાતે પહેરો ભરી રહેલા મદરસાના વિદ્યાર્થીઓ

ભયના આ માહોલમાં ખોટી માહિતી અને અફવાઓએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે.

સોશિયલ મીડિયા પર નજર રાખનારા ટૂલ બ્રૅન્ડવૉચ અનુસાર ખોટા નૅરેટિવ એક ખાસ હૅશટૅગથી પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. બ્રૅન્ડવૉચના આંકડા અનુસાર ચાર ઑગસ્ટથી નવ ઑગસ્ટ વચ્ચે આ હૅશટૅગને સાત લાખ વખત મેન્શન કરવામાં આવ્યો. ઍક્સ પર કરવામાં આવેલી મોટાભાગની પોસ્ટ ભારતમાં જિયોલોકેટ કરવામાં આવી.

એક વાયરલ પોસ્ટમાં ખોટો દાવો કરવામાં આવ્યો કે હિંદુ ક્રિકેટર લિટન દાસનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. બીજી સોશિયલ મીડિયા ઍકાઉન્ટથી દાવો કરવામાંં આવ્યો કે તેમના ઘરને 'ઇસ્લામિક કટ્ટરપંથીઓ'એ આગ ચાંપી હતી.

બીબીસી વેરિફાઈએ સ્થાનિક સમાચારોની સાથે આ દાવાને સરખાવ્યો તો જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પોસ્ટની તસવીરોમાં જે ઘરને લિટન દાસનું ઘર ગણાવવામાં આવ્યું હતું તે વાસ્તવમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મશરફે મુર્તઝાનું હતું. તેઓ સત્તાધારી અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા છે અને બાંગ્લાદેશ સંસદના સભ્ય પણ છે.

એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે બાંગ્લાદેશમાં ઇસ્લામી ઉગ્રવાદીઓની ભીડે એક મંદિર પર હુમલો કર્યો હતો. આ આગ ચટગાંવના નવગ્રહ મંદિરની પાસે લાગી હતી. પરંતુ મંદિર તેની લપેટમાં નહોતું આવ્યું.

રાજકારણમાં ઊથલપાથલ

બાંગ્લાદેશમાં તણાવ

ઇમેજ સ્રોત, Debalin Roy/BBC

ઇમેજ કૅપ્શન, રાજનીતિક વિશ્લેષક અશરફ કૈસરનું કહેવું છે કે 'હિંદુ વચ્ચે અસુરક્ષાનો ભાવ ભાજપ અને અવામી લીગને આપસમાં જોડે છે.'

ઢાકાના ગુલશન વિસ્તારમાં મારી મુલાકાત રાજકીય વિશ્લેષક અશરફ કૈસર સાથે થઈ હતી.

અશરફે કહ્યું હતું, “લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે. તેનો અમને બહુ અફસોસ છે અને અમે માનીએ છીએ કે આવા હુમલા ન થવા જોઈએ, પરંતુ તેનું એક અલગ પાસું પણ છે. મને લાગે છે કે આ નેરેટિવ સત્તાધારી પક્ષની વ્યાપક વ્યૂહરચનાનો હિસ્સો છે, જેથી પાડોશી દેશ ભારતને બાંગ્લાદેશના મામલાઓમાં લાવી શકાય. આવી વાતો સમગ્ર વિશ્વમાં ફેલાતી હોય છે અને તેનાથી એવું વાતાવરણ સર્જવામાં મદદ મળે છે કે બાંગ્લાદેશ પર ઇસ્લામી કટ્ટરપંથીઓએ કબ્જો કરી લીધો છે અને દેશ હવે સલામત હાથમાં નથી.”

અશરફ કૈસરના કહેવા મુજબ, હિન્દુઓમાં અસલામતીની લાગણી બીજેપી અને અવામી લીગને જોડે છે.

તેમણે કહ્યું હતું, “બાંગ્લાદેશના હિન્દુઓનું રક્ષણ કરવું એ પણ બીજેપીની રાજનીતિનું એક મહત્ત્વનું પાસું છે. એક રીતે આ અવામી લીગને રાજકીય મદદ કરવા જેવું છે, કારણ કે આઠ કે નવ ટકા હિન્દુ વસ્તી અવામી લીગ માટે એક મોટી વોટબૅન્ક પણ છે.”

ધીમે-ધીમે થાળે પડતી પરિસ્થિતિ

બાંગ્લાદેશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદ્યાર્થીઓ દીવાલ પર ચિત્રો દોરી રહ્યા છે અને નારા લખી રહ્યા છે.

શહેરોમાં પસાર થતા પ્રત્યેક દિવસે પરિસ્થિતિ સામાન્ય થતી હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે.

વિરોધ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ હવે દિવાલો પર નવાં ચિત્રો દોરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા મારફત પોતાના માટે ફંડ એકઠું કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ઑફિસો, દુકાનો અને બજાર ખુલી ગઈ છે. તેમાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે.

માર્ગો પર પરિવહનની વ્યવસ્થા, જે અગાઉ સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોને ભરોસે હતી તેની જવાબદારી ટ્રાફિક પોલીસ ફરીથી ધીમે ધીમે સંભાળી રહી છે. સ્થાનિક લોકો કહે છે કે જરૂરી સામાનનો પૂરવઠો અને ભાવ સ્થિર છે.

શેખ હસીના દ્વારા દેશ છોડવાથી માંડીને સેંકડો વિદ્યાર્થીઓના મોત સુધીની બાબતો માટે પોલીસને જવાબદાર માનવામાં આવતી હતી. તેમના વિરુદ્ધ ગુસ્સાનું વાતાવરણ હતું, પરંતુ હવે પોલીસ કર્મચારીઓ પણ પોતપોતાના પોલીસ સ્ટેશનોમાં ડ્યૂટી પર પાછા ફરી રહ્યા છે.

શહેરોમાં અત્યારે પણ પોલીસ ઓછી સંખ્યામાં જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં અસલામતીનો માહોલ શહેરો કરતાં વધારે છે. બાંગ્લાદેશનાં હિન્દુઓ અને બીજી લઘુમતીઓનો ભરોસો પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસો કરવા પડશે. તેમાં સમય લાગશે.

(બીબીસી ગ્લોબલ ડિસઇન્ફોર્મેશન ટીમ અને બીબીસી વેરિફાઈનાં ઇનપુટ્સ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.