શેખ હસીનાના મામલે ભારત પાસે કયા વિકલ્પો છે

શેખ હસીના, નરેન્દ્ર મોદી, ભારત અને બાંગ્લાદેશ, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી ગયાં હતાં.
  • લેેખક, શુભજ્યોતિ ઘોષ
  • પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા, દિલ્હી

પાંચમી ઑગસ્ટ સુધી બાંગ્લાદેશનાં વડાં પ્રધાન રહેલાં શેખ હસીના ત્યાંથી ભારત ભાગી આવ્યાં તેને ત્રણ અઠવાડિયાં કરતાં વધુ સમય થઈ ગયો છે.

ભારત સરકારે અત્યંત ગુપ્ત રીતે અને કડક સુરક્ષા વચ્ચે શેખ હસીના અને તેમનાં નાનાં બહેન શેખ રેહાનાના રહેવાની વ્યવસ્થા કરી છે. પરંતુ આ મામલે ભારતનો અંતિમ નિર્ણય શું હશે તે વિશે કંઈ સત્તાવાર રીતે જણાવ્યું નથી.

આ દરમિયાન બાંગ્લાદેશ સરકારે ગયા અઠવાડિયે શેખ હસીનાનો રાજદ્વારી અથવા સત્તાવાર પાસપોર્ટ રદ કરી દીધો છે. તેનાથી એવા સવાલો પેદા થયા છે કે હવે તેઓ કયા કાયદાકીય આધાર પર ભારતમાં રહે છે.

દિલ્હીમાં ભારત સરકારના ટોચના અધિકારીઓ અને વિશ્લેષકો સાથેની વાતચીતમાં બીબીસીને જાણવા મળ્યું કે અત્યારે શેખ હસીનાના મુદ્દે ભારત માટે ત્રણ વિકલ્પો અથવા રસ્તા ખુલ્લા છે.

ભારત પાસે કયા ત્રણ વિકલ્પો છે?

શેખ હસીના, ભારત અને બાંગ્લાદેશ, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતો માને છે કે ભારત પાસે ત્રણ વિકલ્પ છે પણ એમાંથી કયો શ્રેષ્ઠ છે?

ભારત પાસે પહેલો વિકલ્પ એ છે કે બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન ત્રીજા કોઈ દેશમાં આશરો લઈ શકે તેવી વ્યવસ્થા કરવી. તે એવો દેશ હોવો જોઈએ જ્યાં તેમની સલામતીની ખાતરી આપવામાં આવે.

બીજો વિકલ્પ શેખ હસીનાને રાજકીય આશરો આપવાનો અને તેમના રોકાણની તાત્કાલિક વ્યવસ્થા કરવાનો છે.

ત્રીજો વિકલ્પ પસંદ કરવાનું આ સમયે કદાચ શક્ય નહીં હોય. પરંતુ ભારતીય અધિકારીઓ અને વિશ્લેષકોનું એક જૂથ માને છે કે જો થોડા દિવસો પછી પરિસ્થિતિ સુધરે તો ભારત શેખ હસીનાની બાંગ્લાદેશમાં રાજકીય વાપસી માટે પણ પ્રયાસ કરી શકે છે.

તેનું કારણ એ છે કે શેખ હસીનાનો પક્ષ અવામી લીગ હજુ પણ એક રાજકીય પાર્ટી છે. શેખ હસીના પોતાના દેશમાં પરત ફરે ત્યાર બાદ પાર્ટીની કમાન સંભાળી શકે છે.

રાજદ્વારી અધિકારીઓ અને થિંક ટેન્કના નિષ્ણાતો માને છે કે ભારત માટે પહેલો વિકલ્પ જ સૌથી શ્રેષ્ઠ છે.

તેનું કારણ એ છે કે શેખ હસીના ભારતમાં રોકાશે તો ભારત અને બાંગ્લાદેશના સંબંધો પર તેની વિપરીત અસર પડી શકે છે.

તેની સાથે એ પણ નક્કી છે કે ભારત-બાંગ્લાદેશ પ્રત્યાર્પણ સંધિ હેઠળ ઢાકા તરફથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરવામાં આવશે તો ભારત કોઈને કોઈ કારણ આપીને તેને નકારી કાઢશે.

વિશ્લેષકોનું કહેવું છે કે અદાલતી પ્રક્રિયાનો સામનો કરવા માટે શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપવા એ ભારત માટે વ્યવહારુ વિકલ્પ નથી.

સરળ શબ્દોમાં કહીએ તો આવી સ્થિતિમાં શેખ હસીનાના મુદ્દે ભારત માટે ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો તે ત્રણ વિકલ્પો જ હાજર છે. આ અહેવાલમાં આ ત્રણેય વિકલ્પોનાં તમામ પાસાં અને તેમની સંભાવનાઓની ચર્ચા કરવામાં આવી છે.

કોઈ મિત્ર દેશમાં મોકલી શકાય?

શેખ હસીના, ભારત અને બાંગ્લાદેશ, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના છેલ્લા સત્તાવાર નિવેદન પ્રમાણે શેખ હસીના ભારત આવ્યાં તે 'સામયિક' ઘટના હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે છઠ્ઠી ઑગસ્ટે સંસદમાં બાંગ્લાદેશની સ્થિતિ પરના તેમના નિવેદનમાં હસીનાના ભારત આવવાનો ઉલ્લેખ કરતી વખતે 'ફૉર ધ મૉમેન્ટ' એટલે કે ‘હાલ પૂરતાં’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી સરકાર દ્વારા આ મામલે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

તેનું કારણ એ છે કે શેખ હસીનાને સલામત રીતે ત્રીજા દેશમાં મોકલવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. પરંતુ તેમાં તાત્કાલિક સફળતા નહીં મળે તો પણ ભારત તેમને રાજકીય આશરો આપતા અને તેમને લાંબા સમય સુધી અહીં રાખતા ખચકાશે નહીં.

વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, "અમે બધું સારું થશે તેની આશા રાખીએ છીએ, પણ ખરાબ સ્થિતિ માટે તૈયારી રાખીએ છીએ."

તેમના કહેવાનો હેતુ એ હતો કે ભારતને હજુ પણ આશા છે કે શેખ હસીનાના કિસ્સામાં કંઈક સારું થશે (તેઓ કદાચ ત્રીજા મિત્ર દેશમાં જઈને રહી શકશે). પરંતુ જો તેમ ન થાય તો દિલ્હી સૌથી ખરાબ સ્થિતિ માટે (એટલે કે શેખ હસીનાને લાંબા સમય સુધી ભારતમાં રાખવા પડશે) પણ તૈયાર રહેશે.

બીબીસીને જાણવા મળ્યું છે કે શેખ હસીનાના અમેરિકા જવાના પ્રસ્તાવને શરૂઆતમાં જ આંચકો લાગ્યો હતો. ત્યાર પછી ભારતે આ મામલે યુએઈ, સાઉદી અરેબિયા અને યુરોપના બે નાના દેશો સાથે પણ ચર્ચા કરી હતી.

જો કે હજુ સુધી આ મામલે કોઈ સફળતા મળી નથી. એવું પણ જાણવા મળ્યું છે કે ભારત હવે શેખ હસીનાને રાજકીય આશરો આપવાના મુદ્દે મધ્ય પૂર્વના પ્રભાવશાળી દેશ કતાર સાથે પણ વાતચીત કરી રહ્યું છે.

તેની સાથે સાથે એ વાત પણ સાચી છે કે શેખ હસીનાએ પોતે હજુ સુધી અમેરિકા કે આમાંથી કોઈ પણ દેશમાં રાજકીય આશ્રય માટે લેખિતમાં અરજી કરી નથી. ભારત સરકાર આ મુદ્દે તેમના વતી અને તેમની મૌખિક સહમતિના આધારે તમામ વાતચીત કરી રહી છે.

હવે સવાલ એવો પેદા થાય છે કે કોઈ ત્રીજો દેશ શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા માટે સંમત થાય તો તેઓ કયા પાસપોર્ટના આધારે ભારતથી તે દેશમાં જશે?

બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત રીવા ગાંગુલી દાસે બીબીસીને જણાવ્યું કે, "આ કોઈ મોટી સમસ્યા નથી. બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો હોય, તો તેઓ ભારતે જારી કરેલા ટ્રાવેલ ડૉક્યુમેન્ટ અથવા પરમિટની મદદથી ત્રીજા દેશમાં જઈ શકે છે." ઉદાહરણ તરીકે એવા હજારો તિબેટીયન શરણાર્થીઓ છે જેમણે ક્યારેય પાસપોર્ટ બનાવડાવ્યો નથી. આવા વિદેશીઓ માટે ભારત એક ટ્રાવેલ ડૉક્યુમેન્ટ (ટીડી) જારી કરે છે. તેઓ આ ડૉક્યુમેન્ટના આધારે આખી દુનિયામાં પ્રવાસ કરતા હોય છે."

ધારો કે કોઈ એક દેશ શેખ હસીનાને આશરો આપવા તૈયાર છે, તો તેઓ ભારત સરકાર દ્વારા જારી કરાયેલા ટ્રાવેલ ડૉક્યુમેન્ટ પર સંબંધિત દેશના વિઝા લઈને સરળતાથી ત્યાં જઈ શકે છે અને રહી શકે છે.

રીવા ગાંગુલી કહે છે, "આ નિયમો વ્યક્તિ વિશેષ માટે છે. અહીં યાદ રાખવું જોઈએ કે શેખ હસીનાની એક મહત્ત્વની 'રાજકીય પ્રોફાઇલ' છે. તેના કારણે તેમના કેસમાં ઘણા નિયમો સરળ બની શકે છે."

રાજકીય આશરો

શેખ હસીના, ભારત અને બાંગ્લાદેશ, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આઈડીએસએના સીનીયર ફેલો સ્મૃતિ પટનાયક

દિલ્હી તરફથી એવા સંકેતો પણ મળી રહ્યા છે કે જરૂર પડશે તો ભારત શેખ હસીનાને રાજકીય આશરો આપશે અને તેમને દેશમાં રાખતા ખચકાશે નહીં.

ભારતે અગાઉ તિબેટના ધાર્મિક વડા દલાઈ લામા, નેપાળના રાજા ત્રિભુવન બીર વિક્રમ શાહ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ નજીબુલ્લાહને રાજકીય આશ્રય આપ્યો છે. શેખ હસીના પોતે પણ વર્ષ 1975માં પોતાના પરિવાર સાથે ભારતમાં રહી ચૂક્યાં છે.

પરંતુ આ વિકલ્પ પસંદ કરતી વખતે ભારતે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ભારત-બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધો પર તેની કેવી અસર પડશે.

નિષ્ણાતોનું કહેવું છે કે 1959માં દલાઈ લામાને રાજકીય શરણ આપ્યા બાદ ભારત અને ચીન સંબંધોમાં જે કડવાશ ઊભી થઈ હતી તે 65 વર્ષ પછી પણ દેખાઈ રહી છે.

ભારત કે બાકીના વિશ્વમાં દલાઈ લામાને ભલે ગમે તેટલો આદર મળતો હોય, પરંતુ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તેઓ હંમેશા ગળામાં ફસાયેલા કાંટા સમાન રહ્યા છે.

ભારતમાં પણ ઘણા વિશ્લેષકો માને છે કે ભારત શેખ હસીનાને રાજકીય આશરો આપે તો બાંગ્લાદેશની નવી સરકાર સાથેના સંબંધોને મજબૂત કરવામાં તે અવરોધ બની શકે છે.

દિલ્હીમાં આઈડીએસએના સિનિયર ફેલો સ્મૃતિ પટનાયક કહે છે, "જે આંદોલનના કારણે શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવવામાં આવી હતી તેમાં ભારત વિરોધી વલણ પણ હતું. આ આંદોલન હસીના વિરુદ્ધ હતું અને ભારત વિરુદ્ધ પણ હતું. આવી સ્થિતિમાં ભારત શેખ હસીનાને રાજકીય આશરો આપે તો બાંગ્લાદેશને ખોટો સંદેશ જશે અને તેનાથી ત્યાં ભારત વિરોધી લાગણી વધુ ઉશ્કેરાશે."

ભારત સરકાર પણ આ વાતને સારી રીતે સમજે છે. આમ છતાં જો તે પ્રથમ વિકલ્પમાં સફળ નહીં થાય તો તેને બીજો વિકલ્પ પસંદ કરવાની ફરજ પડશે. તેનું કારણ એ છે કે ભારત તેમના લાંબા ગાળાના મિત્ર શેખ હસીનાને કોઈ પણ સંજોગોમાં એકલા છોડી ન શકે.

રાજકીય પુનર્વસનમાં મદદ

શેખ હસીના, ભારત અને બાંગ્લાદેશ, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MOFA BD

ઇમેજ કૅપ્શન, ડિપ્લોમેટિક પાસપોર્ટના બળે શેખ હસીના વિના વીઝાએ ભારતમાં 45 દિવસ સુધી રહી શકે છે

ભારતના ટોચના નીતિ નિર્ધારકોનો એક શક્તિશાળી વર્ગ હજુ પણ માને છે કે બાંગ્લાદેશના રાજકારણમાં શેખ હસીનાની પ્રાસંગિકતા અથવા ભૂમિકા હજી સમાપ્ત થઈ નથી અને યોગ્ય સમય આવે ત્યારે ભારત તેમના રાજકીય પુનર્વસનમાં મદદ કરે તે યોગ્ય રહેશે.

આવો અભિપ્રાય ધરાવતા એક અધિકારીએ બીબીસીને કહ્યું, "આપણે યાદ રાખવું જોઈએ કે શેખ હસીનાએ બાંગ્લાદેશની રાજનીતિમાં ત્રણ વખત (વર્ષ 1981, 1996 અને 2008માં) જોરદાર પુનરાગમન કર્યું છે. દરેક વખતે કેટલાકને લાગતું હતું કે હસીના માટે હવે આ શક્ય નથી. પરંતુ તેમણે દરેક વખતે આવા લોકોને ખોટા સાબિત કર્યા છે."

પરંતુ એ પણ યાદ રાખવાનું છે કે તે સમયે તેમની ઉંમર આટલી વધારે ન હતી. આવતા મહિને જ તેઓ 77 વર્ષનાં થઈ જશે. શું તેનાંથી વાપસી મુશ્કેલ નહીં બને?

આના જવાબમાં અધિકારીએ કહ્યું, "ઉંમર હવે શેખ હસીનાના પક્ષમાં નથી. પરંતુ 84 વર્ષની ઉંમરે મોહમ્મદ યુનુસ પોતાના જીવનમાં પહેલીવાર સરકારના વડા બની શકે, તો પછી તેમના કરતાં ઉંમરમાં ઘણાં નાનાં શેખ હસીના આવું કેમ ન કરી શકે?"

"મૂળ મુદ્દો એ છે કે દિલ્હીમાં એક જૂથ ભારપૂર્વક માને છે કે શેખ હસીના એક દિવસ બાંગ્લાદેશ પરત ફરી શકે છે અને અવામી લીગનું નેતૃત્વ પણ સંભાળી શકે છે. આ જૂથની દલીલ છે કે જરૂર પડે તો ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને સૈન્ય પર દબાણ લાવવું પડશે."

આવા લોકોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં અવામી લીગ પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી અને સમગ્ર દેશમાં તેનું શક્તિશાળી નેટવર્ક છે. તે પક્ષના સર્વોચ્ચ નેતા તરીકે શેખ હસીના આગામી દિવસોમાં બાંગ્લાદેશ પરત ફરી શકે છે.

આ જૂથ માને છે કે શેખ હસીના બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ થયેલા કોર્ટ કેસનો સામનો કરી શકે છે અને શક્ય છે કે તેઓ આગામી ચૂંટણી લડી ન શકે. પરંતુ તેમનું સ્વદેશગમન રોકવું અને રાજકારણમાં પ્રવેશ કરતા અટકાવવા એ મુશ્કેલ છે.

રાજકીય બાબતોના નિષ્ણાત અને ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર શ્રીરાધા દત્ત માને છે કે ભારત અવામી લીગને પુનર્જીવિત કરવામાં મદદ કરી શકે છે, પરંતુ શેખ હસીનાનું પુનર્વસન કરવું ખૂબ મુશ્કેલ હશે.

તેમણે બીબીસીને કહ્યું, "મને નથી લાગતું કે અવામી લીગ નજીકના ભવિષ્યમાં શેખ હસીનાના નેતૃત્વમાં રાજકારણમાં ફરી ઊભરી શકે. અવામી લીગ ચોક્કસપણે એક રાજકીય શક્તિ તરીકે ટકી રહેશે. તેને રાજનીતિમાંથી સંપૂર્ણપણે દૂર કરવાનું આસાન નથી. પરંતુ તેના માટે પાર્ટીમાં મોટા પાયે ફેરફાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી."

આ કારણથી જ તેઓ બાંગ્લાદેશની આગામી ચૂંટણીમાં અવામી લીગ શેખ હસીનાના નેતૃત્વમાં ચૂંટણી લડશે તેવી કલ્પનાને વ્યવહારુ નથી માનતા.

પરંતુ ભારતે છેલ્લાં પચાસ વર્ષો દરમિયાન શેખ હસીનામાં જે રાજકીય રોકાણ કર્યું છે, તેના કારણે એક વર્ગ હાલમાં કોઈ પણ સ્થિતિમાં શેખ હસીના રાજકીય રીતે ખતમ થઈ ગયા છે તે વાત માનવા તૈયાર નથી.

પાસપોર્ટ રદ થયા પછી શું?

શેખ હસીના, ભારત અને બાંગ્લાદેશ, વિદેશનીતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગયા અઠવાડિયે બીબીસી બાંગ્લાના એક અહેવાલમાં જણાવાયું હતું કે શેખ હસીના બાંગ્લાદેશથી ભારત આવ્યા, ત્યારે તેમની પાસે રાજદ્વારી પાસપોર્ટ હતો અને તેની મદદથી તે ઓછામાં ઓછા 45 દિવસ સુધી વિઝા વગર ભારતમાં રહી શકે છે.

પરંતુ બીબીસીના આ અહેવાલ પછી બાંગ્લાદેશની વચગાળાની સરકારે બીજા જ દિવસે શેખ હસીના સહિત તમામ મંત્રીઓ અને સાંસદોને જારી કરાયેલા રાજદ્વારી પાસપોર્ટ રદ કરવાની જાહેરાત કરી હતી.

આવી સ્થિતિમાં હવે એ સવાલ પેદા થાય છે કે શેખ હસીના ભારતમાં કોઈપણ પાસપોર્ટ વગર કયા આધાર પર રહે છે? આ સવાલનો જવાબ જાણવા મેં ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી પિનાક રંજન ચક્રવર્તી સાથે વાત કરી. તેઓ લાંબા સમય સુધી વિદેશ મંત્રાલયમાં પ્રોટોકોલ વિભાગના વડા રહી ચૂક્યા છે.

તેમનું કહેવું છે કે શેખ હસીનાનું ભારતમાં રોકાણ ટેકનિકલી સંપૂર્ણપણે કાયદેસર છે. પિનાક રંજન જણાવે છે કે, "તેઓ વિઝા-ફ્રી સમયમાં આવ્યા હોય કે બીજી કોઈ પણ સ્થિતિમાં આવ્યા હોય. ભારતમાં તેમના પાસપોર્ટ પર આગમનનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો. આ સ્ટેમ્પનો અર્થ એવો થયો કે ભારતમાં તેમનું આગમન અને રોકાણ કાયદેસર છે. ત્યાર પછી તેમનો દેશ પાસપોર્ટ રદ કરે તો પણ ભારતને તેનાથી કોઈ ફરક નહીં પડે."

પાસપોર્ટ રદ કરવા અંગે રાજદ્વારી માધ્યમોથી ભારતને જાણ કરવામાં આવે તો પણ ભારત તેના આધારે વૈકલ્પિક પગલાં લઈ શકે છે.

ચક્રવર્તી કહે છે, "ત્યાર પછી પણ શેખ હસીનાને માન્ય પાસપોર્ટ માટે અરજી કરવાનો અધિકાર રહેશે. ભલે બાંગ્લાદેશની નવી સરકાર તેમની અરજી સ્વીકારતી ન હોય, પરંતુ એકવાર તેઓ અરજી કરે તો ભારતની નજરમાં તેમનું અહીં રોકાણ કાયદેસર ગણવામાં આવશે."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.