ગુજરાત વિધાનસભા ચૂંટણી: ઉત્તર ગુજરાતનું રાજકારણ ભાજપને ભારે પડશે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- ગુજરાતના રાજકારણમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો મહત્ત્વપૂર્ણ
- ગત ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસને મળી હતી 15-15 બેઠકો
- 32 પૈકી 15 બેઠકો પર ચૌધરી અને ઠાકોર સમુદાયના મત નિર્ણાયક
- વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ચૌધરી સમાજના મત મેળવવા રાજકીય હોડ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડા મહિનાનો જ સમય બાકી છે.
ત્યારે પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ચૂંટણી નસીબ અજમાવતી આમ આદમી પાર્ટી દ્વારા સતત પ્રચાર, કૉંગ્રેસની મજબૂત પકડ અને ભાજપનો વિવિધ સામાજિક અને સહકારી સંગઠનો પર દબદબો અને આ બધા વચ્ચે વિપુલ ચૌધરીની ધરપકડ બાદ તેમના દ્વારા સ્થાપિત અર્બુદા સેના દ્વારા કરાઈ રહેલા કાર્યક્રમોથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ચૌધરી મતદારોએ નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે પ્રશ્ન ઊભો થયો છે કે શું અર્બુદા સેનાના સભ્યો કે જે મોટા ભાગે ચૌધરી સમાજના મતદારો છે તેઓ કઈ બાજુએ જશે?
ઉત્તર ગુજરાતમાં ઉપરાછાપરી થઈ રહેલા રાજકીય કાર્યક્રમો અને મોટા નેતાઓની મુલાકાતો પરથી સ્પષ્ટ થાય છે કે ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઉત્તર ગુજરાતની બેઠકો અને મતગણિત
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં નવ, પાટણમાં ચાર, મહેસાણામાં સાત અને સાબરકાંઠામાં સાત અને ગાંધીનગરમાં પાંચ બેઠકો આવેલી છે.
ઉત્તર ગુજરાતની 32 પૈકી 15 જેટલી બેઠકો પર ચૌધરી અને ઠાકોર વોટ નિર્ણાયક રહ્યા છે. અન્ય 11 જેટલી બેઠકો પર પાટીદારો અને સાતેક બેઠક પર આદિવાસી મતદારોનું વર્ચસ્વ ધરાવે છે. આ મતદારો જ પોતાના વિસ્તારની બેઠક પર કયા ઉમેદવાર જીતશે, તે નક્કી કરતા આવ્યા છે.
ગઈ ચૂંટણીમાં આ પાંચ જિલ્લાનું કુલ સરેરાશ મતદાન 72 ટકા હતું. જે સમગ્ર રાજ્યના સરેરાશ મતદાનથી વધારે હતું. આ પરથી અંદાજ આવે છે કે આ બેઠકો કેટલી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ઉત્તર ગુજરાતની આ જિલ્લાની 32 બેઠકોમાંથી ત્રણ-ત્રણ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
જોકે, આ પરિણામ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આવશે કે કેમ? તેવો પ્રશ્ન ઊભો થયો છે કારણ કે આ વખતે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.
આમ આદમી પાર્ટીએ બેચરાજી બેઠક પરથી સાગર રબારી, દિયોદરથી ભેમાભાઈ ચૌધરી અને પાટણથી લાલેશ ઠક્કરને ટિકિટ આપી છે. આ ઉમેદવારો પોતાના મતક્ષેત્રમાં ચૂંટણીની તૈયારીમાં પણ લાગી ગયા છે.
2017ની ચૂંટણીમાં બેચરાજી બેઠક પરથી કૉંગ્રેસના ભરત ઠક્કર, પાટણમાં કૉંગ્રેસના કિરીટ પટેલ અને દિયોદરમાં પણ કૉંગ્રેસના શિવાભાઈ ભૂરિયા જીત્યા હતા. દિયોદરમાં ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણ માત્ર 0.58 ટકા મતોથી જ હાર્યા હતા.
આ અનામત બેઠકો પૈકીની એક વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા જિજ્ઞેશ મેવાણી હાલમાં કૉંગ્રેસ સાથે જોડાયા છે.
વિપુલ ચૌધરીની ધરપકડથી ફાયદો કોને?
ડેરી ઉદ્યોગમાં મોટું નામ અને ભાજપના નેતા વિપુલ ચૌધરીનું નામ હાલ ઉત્તર ગુજરાતમાં ચૌધરી મતદારોની વધુ વસતી ધરાવતાં ગામોમાં ગૂંજી રહ્યું છે.
પોલીસે 2005ના એક નાણાકીય ગેરરીતિના કેસમાં 15 સપ્ટેમ્બરે તેમની ધરપકડ કરી હતી. આ પાછળનું કારણ તેમણે બનાવેલી અર્બુદા સેના અને તેની પ્રવૃત્તિઓને માનવામાં આવી રહ્યું છે.
આ ધરપકડ બાદ મતોના ગણિત પર શું અસર પડશે તે અંગે બીબીસીએ અર્બુદા સેનાના પ્રવક્તા દિલુભાઈ ચૌધરી સાથે વાત કરી હતી.
તેમના કહેવા પ્રમાણે, "વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સમાજના લોકો ભાજપથી નારાજ છે. તેમણે ભાજપનો સાથ છોડ્યા વગર અર્બુદા સેનાનો ખેસ ધારણ કર્યો છે. છતાંય ભાજપ સરકારે તેમની ધરપકડ કરી છે. જેની તેમને કિંમત ચૂકવવી પડશે."
રાજકીય વિશ્લેષક અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફૅસર અમિત ધોળકિયાનું માનવું છે કે વિપુલ ચૌધરીની ધરપકડથી રાજકારણમાં કોઈ મોટો ફેર નહીં પડે.
તેઓ કહે છે, "ઉત્તર ગુજરાતમાં મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. જે સીધો સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ગુજરાતના સહકારી સંગઠનો હોય કે પછી કેન્દ્રનું સહકારી મંત્રાલય. તમામ પર ભાજપની મજબૂત પકડ છે. જેથી વિપુલ ચૌધરીની ધરપકડની કોઈ મોટી અસર નહીં પડે."
તેમણે વધુમાં કહ્યું, "જો વડા પ્રધાન ખુદ ઉત્તર ગુજરાતની બનાસ ડેરીમાં આવીને પશુપાલકો સાથે વાત કરતા હોય તો તે સૂચવે છે કે ઉત્તર ગુજરાતની રાજનીતિ માટે ભાજપ કેટલો ગંભીર છે અને તેના માટે શું કામ કરી રહ્યો છે."
આમ આદમી પાર્ટીને ફાયદો કે નુકસાન?
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે, "હાલમાં કૉંગ્રેસની પડતીની સામે આમ આદમી પાર્ટી જે રીતે પ્રચાર કરી રહી છે, તેનાથી લાગે છે કે ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલી શકે છે."
તેમણે આગળ કહ્યું, "ભાજપની પરિસ્થિતિ 2017 કરતા ખરાબ લાગી રહી છે, એવામાં આમ આદમી પાર્ટી આવવાથી ઉત્તર ગુજરાતની 32 બેઠકો ભાજપ માટે ચૅલેન્જ ઊભો કરી શકે છે."
વિપુલ ચૌધરીની ધરપકડ મુદ્દે બેચરાજીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર રબારીનો દાવો છે કે, "ભાજપની સામે આમ પણ અહીંના લોકોમાં આક્રોશ છે. તેમાં પણ વિપુલ ચૌધરીની ધરપકડ બાદ હવે ચૌધરી સમુદાયમાં બે ફાંટા પડી ગયા છે. "
"એક ફાંટો છે ભાજપને મત આપનારા લોકોનો અને બીજો છે ભાજપની સામે મતદાન કરનારા લોકોનો. જેનો સીધો ફાયદો અમને મળશે. કારણ કે અમે કોઈ સમાજ કે તબક્કાની નહીં પરંતુ લોકોની સમસ્યાની વાત કરી રહ્યા છીએ."
આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું, "અમે ઉમેદવાર નક્કી કરતી વખતે જ્ઞાતિગત સમીકરણો પર ધ્યાન આપતા નથી. અમે માત્ર મુદ્દાની રાજનીતિ અને પાર્ટી માટે કામ કરવાની ઇચ્છા અને તેમના વિઝનને જોઈને ઉમેદવારો નક્કી કરીએ છીએ. અમે બધા જ સમુદાયોની વાત લઈને લોકો વચ્ચે જઈએ છીએ."
જોકે, કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે ગુજરાતની રાજનીતિમાં હંમેશા બે પક્ષો રહ્યા છે. જેથી વિપુલ ચૌધરીની ધરપકડથી નારાજ થયેલા ભાજપના મતદારો આમ આદમી પાર્ટી પાસે નહીં પરંતુ કૉંગ્રેસ પાસે જ આવશે.
શું કહે છે ભાજપ અને કૉંગ્રેસ?
ઉત્તર ગુજરાતની રાજનીતિ સંદર્ભે બીબીસીએ ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ સાથે વાત કરી હતી. જેમાં બંને પક્ષો દાવો કરી રહ્યા છે કે મોટાભાગની બેઠકો તેમનો પક્ષ જ જીતશે.
ભાજપમાંથી ચૂંટાયેલા ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોર કહે છે, "સંગઠન લાંબા સમયથી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું હતું. જેથી આ વખતે ઉત્તર ગુજરાતમાં ભાજપની ગત ચૂંટણી કરતા વધુ બેઠકો આવશે."
જોકે, વિપુલ ચૌધરીની ધરપકડની મતગણિતમાં કોઈ અસર પડશે કે કેમ? તેના જવાબમાં તેમણે કહ્યું, "વિપુલ ચૌધરીના સમર્થકો છે અને તેમની લાગણી દુભાઈ હોઈ શકે છે પરંતુ હું માનું છું કે તેમની ધરપકડથી વધારે કોઈ ફરક નહીં પડે. કારણ કે પક્ષ એ વાતને સારી રીતે સમજે છે અને તે માટે યોગ્ય કાર્યવાહી પણ કરે છે."
કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ કહે છે કે, "ઉત્તર ગુજરાતમાં પહેલેથી કૉંગ્રેસ મજબૂત છે. અહીં પાટીદાર, આદિવાસી, ચૌધરી, ઠાકોર, દલિત અને અન્ય જ્ઞાતિઓ પણ કૉંગ્રેસને સહકાર આપે છે."
તેમણે વધુમાં કહ્યું, "વિપુલ ચૌધરીની ધરપકડ બાદ કૉંગ્રેસને મળતા સહકારમાં વધારો થશે કારણ કે ચૌધરી સમાજની નારાજગી મતસ્વરૂપે કૉંગ્રેસ તરફ આવશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો