'મારા અસલી પિતા મને ફેસબુક પર મળ્યા'- ચોરી કરાયેલાં હજારો બાળકોને તેમના પરિવાર સાથે મેળવનાર યુવતીની કહાણી

તમુના મુસેરિદ્ઝ, જ્યૉર્જિયા, માતાપિતાની શોધ, ફેસબુક, સોશિયલ મીડિયા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પોતાને જન્મ આપનાર માતાપિતાને શોધવાની તમુનાની સફર આઠેક વર્ષ જેટલી લાંબી ચાલી હતી

તમુના મુસેરિદ્ઝે ઊંડો શ્વાસ લીધો અને ફોન કૉલ કર્યો, જેનું સપનું તેઓ ત્યારથી જોઈ રહ્યાં હતાં જ્યારે તેમને ખબર પડી કે તેમને દત્તક લેવામાં આવ્યા હોઈ શકે છે.

અંતે તેમણે એ મહિલાને શોધી કાઢ્યાં જેને તેઓ પોતાનાં જૈવિક માતા માનતાં હતાં, ત્યારે તેમને ખબર હતી કે પરિકથામાં હોય છે એવું આ મિલન નહીં હોય.

પરંતુ તેમણે એવું ધાર્યું ન હતું કે ફોનના બીજા છેડે વાત કરનાર મહિલા લાગણીહીન અને ગુસ્સામાં હશે.

તમુના એ પ્રસંગ યાદ કરતા કહે છે, "તેઓ બૂમો પાડવા લાગ્યાં. તેમણે કહ્યું કે મેં કોઈ બાળકને જન્મ નથી આપ્યો. તેઓ મારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતાં ન હતાં," તેઓ કહે છે કે તેનાથી તેઓ વ્યથિત થવાનાં બદલે આશ્ચર્ય પામ્યાં."

તેઓ જણાવે છે, "હું કોઈ પણ સ્થિતિ માટે તૈયાર હતી. પરંતુ તેમની પ્રતિક્રિયા મારી કલ્પનાથી બહાર હતી."

40 વર્ષનાં તમુનાએ જ્યારે ઑગસ્ટમાં પોતાની માતાને ફોન કર્યો, ત્યારે તેમને ખબર હતી કે તેઓ કદાચ તમુનાને પોતાના જીવનમાં નહીં ઇચ્છતાં હોય. પરંતુ તમુના વાત પડતી મૂકવા તૈયાર ન હતાં. તેઓ જાણવા માગતાં હતાં કે તેમને કેવી પરિસ્થિતિમાં દત્તક લેવામાં આવ્યાં હતાં. તેઓ બીજું પણ કંઈક ઇચ્છતાં હતાં જે માત્ર તેમનાં માતા જ આપી શકે તેમ હતાં -અને એ હતું, તેમના પિતાનું નામ.

આઠ વર્ષ પહેલાં માતાની શોધખોળ શરૂ થઈ

તમુના મુસેરિદ્ઝ, જ્યૉર્જિયા, માતાપિતાની શોધ, ફેસબુક, સોશિયલ મીડિયા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, તમુના ફેસબુક ગ્રૂપ થકી વિખૂટાં પડેલાં અથવા તો ટ્વિન્સનો મિલાપ કરાવવાનું કામ કરે છે. આ તસવીર તેમના થકી જ મળી શકેલાં માતા અને તેમની બે દીકરીઓની છે

તમુનાએ પોતાને જન્મ આપનાર માતાની શોધખોળ 2016માં શરૂ કરી હતી. તેઓ પોતાનાં દિવંગત માતાનું ઘર ખાલી કરતાં હતાં, ત્યારે તેઓ પોતાના નામ સાથેનું જન્મ પ્રમાણપત્ર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં જેના પર જન્મતારીખ ખોટી હતી. તેમને શંકા ગઈ કે તેમને દત્તક લેવામાં આવ્યાં છે. થોડી શોધખોળ કર્યા પછી તેમણે પોતાનાં અસલ માતાપિતાને શોધવાની આશા સાથે 'વેડઝેબ', અથવા “હું શોધી રહી છું” નામે એક ફેસબુક પેજ શરૂ કર્યું.

તેના બદલે તેમણે જ્યોર્જિયામાં બાળકોની તસ્કરીના એક કૌભાંડનો પર્દાફાશ કર્યો જેણે હજારો લોકોની જિંદગીને અસર કરી હતી. કેટલાય દાયકા સુધી માતાપિતાને અસત્ય જણાવાયું કે તેમનાં નવજાત બાળકો મૃત્યુ પામ્યાં છે. ત્યાર પછી આ બાળકોને વેચી દેવાયાં હતાં.

તમુના એક પત્રકાર છે અને તેના કામના કારણે સેંકડો પરિવારોનું મિલન થયું છે. છતાં હજુ સુધી તેઓ પોતાનો જન્મ ક્યાં થયો હતો તે રહસ્ય ઉકેલી શક્યા નહોતા. તેઓ માને છે કે બાળપણમાં તેમની ઉઠાંતરી થઈ ગઈ હતી.

તેઓ કહે છે, "આ સ્ટોરી માટે હું એક પત્રકાર હતી, પરંતુ મારા માટે આ એક અંગત મિશન હતું."

થોડા મહિના પછી તેમની શોધખોળમાં સફળતા મળી. તેમને ફેસબુક ગ્રૂપના માધ્યમથી એક સંદેશ મળ્યો. આ સંદેશ ગ્રામીણ જ્યોર્જિયામાં રહેતી કોઈ વ્યક્તિ વિશે હતો. તેમણે કહ્યું કે તેઓ એક એવી મહિલાને ઓળખે છે જેણે પોતાની ગર્ભાવસ્થા છુપાવી હતી અને સપ્ટેમ્બર 1984માં ત્બિલિસીમાં એક બાળકને જન્મ આપ્યો હતો. તે જ સમયની આસપાસ તમુનાનો જન્મ થયો હતો, તેમણે આ તારીખ જાહેર કરી હતી.

તે વ્યક્તિનું માનવું હતું કે તે મહિલાએ તમુનાને જન્મ આપ્યો હતો અને મહત્ત્વપૂર્ણ રીતે તેમણે એક નામ આપ્યું હતું.

તમુનાએ તેના પર ઑનલાઇન સર્ચ કર્યું, પરંતુ તેમને કંઈ મળ્યું નહીં. તેથી તેમણે ફેસબુક પર અપીલ પોસ્ટ કરીને લોકો પાસે આના વિશે જાણકારી માંગી.

ત્રણ વર્ષથી તેમના ફ્રેન્ડ લિસ્ટમાં હતા

તમુના મુસેરિદ્ઝ, જ્યૉર્જિયા, માતાપિતાની શોધ, ફેસબુક, સોશિયલ મીડિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tamuna Museridze

ઇમેજ કૅપ્શન, તમુના જ્યારે તેમના પિતાને મળ્યા ત્યારે ખબર પડી કે તેઓ ફેસબુક પર ફ્રેન્ડ હતા

એક મહિલાએ તરત પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે મહિલાએ ગર્ભાવસ્થા છુપાવી હતી, તે તેમના એક કાકી છે. તેમણે તમુનાને પોસ્ટ હટાવવા માટે કહ્યું, પરંતુ તેઓ ડીએનએ ટેસ્ટ કરાવવા માટે તૈયાર થઈ ગયાં.

તેઓ ડીએનએ ટેસ્ટનાં પરિણામોની રાહ જોઈ રહ્યાં હતાં, ત્યારે તમુનાએ પોતાની માતાને ફોન કર્યો.

એક અઠવાડિયા પછી ડીએનએ ટેસ્ટનાં પરિણામ આવ્યાં. તેના પરથી ખુલાસો થયો કે તમુના અને ફેસબુક પરની મહિલા ખરેખર પિતરાઈ હતાં.

આ પુરાવા સાથે તમુના પોતાની માતાને હકીકતનો સ્વીકાર કરવા અને તેના પિતાનું નામ જણાવવા માટે મનાવવામાં સફળ રહ્યાં. આ માણસનું નામ ગુરગેન ખોરાવા હતું.

તેઓ યાદ કરતા કહે છે, "પ્રથમ બે મહિના આઘાતજનક હતા, મને વિશ્વાસ નહોતો આવતો કે આ બધું મારી સાથે થઈ રહ્યું છે."

તેમણે કહ્યું, "મને વિશ્વાસ બેસતો ન હતો કે મને તે(નામ) મળી ગયું છે."

તમુનાને એક વખત ગુરગેનનું નામ મળી ગયું, ત્યાર પછી તેમણે ઝડપથી ફેસબુક પર તેમને શોધી કાઢ્યા. તેઓ સોશિયલ મીડિયા પર તેમની કહાણીને ફૉલો કરતા હતા એવું જાણવા મળ્યું. તમુનાના પરિવારોને જોડવાના કામ વિશે જ્યોર્જિયામાં ઘણા લોકો જાણે છે.

તમુનાને એ જાણીને આશ્ચર્ય થયું કે તેઓ "ત્રણ વર્ષથી તેમના ફ્રેન્ડ લિસ્ટમાં" હતા. તેમને એ વાતનો અંદાજ પણ ન હતો કે તેઓ તેમની કહાણીનો હિસ્સો હતા."

તમુના કહે છે, "તેમને એ પણ ખબર ન હતી કે મને જન્મ આપનાર માતા ગર્ભવતી હતી. તેના માટે તે બહુ મોટું આશ્ચર્ય હતું."

તેમણે તરત પશ્ચિમ જ્યોર્જિયામાં ઉપનગર જુગદીદીમાં મળવાની વ્યવસ્થા કરી. તેઓ ત્બિલિસીમાં જ્યાં રહે છે ત્યાંથી લગભગ 260 કિમીના અંતરે આવેલી આ જગ્યા છે.

અંતે તેઓ પિતાને મળી શક્યાં

તમુના મુસેરિદ્ઝ, જ્યૉર્જિયા, માતાપિતાની શોધ, ફેસબુક, સોશિયલ મીડિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tamuna Museridze

ઇમેજ કૅપ્શન, તમુના (ડાબે) તેમનાં નવાં મળેલાં હાફ-સિસ્ટર સાથે

તમુના પાછળ નજર નાખે છે ત્યારે તેને લાગે છે કે તેને આંચકો લાગ્યો હતો. પરંતુ તેઓ જેવા ગુરગેનના બગીચાના દરવાજા સુધી ગયા, તેમને આશ્ચર્યજનક રીતે શાંતિનો અનુભવ થયો.

72 વર્ષની વ્યક્તિ તેમની સામે આવી ત્યારે તેઓ ભેટી પડ્યાં. પછી તેમણે એકબીજાને જોયાં અને સ્મિત કર્યું.

તેઓ કહે છે, "આ વિચિત્ર હતું. તેમણે જેવું મારી સામે જોયું, કે તેમને ખબર પડી ગઈ કે હું તેમની દીકરી છું." તેઓ યાદ કરતા કહે છે, "મને ઘણી બધી મિશ્ર લાગણી થઈ."

તેમને ઘણા બધા પ્રશ્નો હતા અને તેમને ખબર ન હતી કે તેઓ ક્યાંથી શરૂઆત કરે. તેઓ કહે છે, "અમે બસ સાથે બેસી રહ્યાં, એક બીજાને જોતા રહ્યાં અને અમારામાં કંઈક સમાનતા શોધવાની કોશિશ કરતાં રહ્યાં."

તેમણે વાતચીત કરી તો તેમને લાગ્યું કે તેમનામાં ઘણી બધી રુચિઓ એકસરખી છે. ગુરગેન એક સમયે જ્યોર્જિયાના સ્ટેટ બેલેમાં એક વિખ્યાત ડાન્સર હતા. તેમને એ જાણીને ખુશી થઈ કે તમુનાની દીકરીઓ, એટલે કે ગુરગેનની દોહિત્રીઓ પણ બેલે ડાન્સર હતી.

તેઓ સ્મિત સાથે કહે છે, "તેમને બંનેને નૃત્ય પસંદ છે. મારા પતિને પણ."

ગુરગેને તમુનાને મળવા માટે પોતાના સમગ્ર પરિવારને પોતાના ઘરે આમંત્રિત કર્યો. તેમણે તેમને સગાસંબંધીના એક મોટા સમૂહ સાથે તેમનો પરિચય કરાવ્યો જેમાં સાવકા ભાઈ-બહેન, પિતરાઈ ભાઈ, કાકી અને કાકાઓ સામેલ હતાં. પરિવાર એ બાબતે સહમત હતો કે તમની વચ્ચે ગાઢ સમાનતા હતી. તેઓ કહે છે, "તેમના બધા સંતાનોમાં પણ હું મારા પિતા જેવી વધારે દેખાઉં છું."

તેમણે આખી સાંજ પોતાની કહાણી શૅર કરવામાં, પરંપરાગત જ્યોર્જિયન ભોજન ખાવામાં અને ગાવામાં વીતાવી. જ્યારે ગુરગેને અકોર્ડિયન વગાડ્યું.

હવે બીજા લોકોને મદદ

તમુના મુસેરિદ્ઝ, જ્યૉર્જિયા, માતાપિતાની શોધ, ફેસબુક, સોશિયલ મીડિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tamuna Museridze

ઇમેજ કૅપ્શન, તમુના અને ગુરગેન હવે સતત સંપર્કમાં રહે છે અને ફરીથી નાતાલની ઉજવણી દરમિયાન મળવાના છે

તમુનાને પોતાના પિતા તો મળી ગયા, પરંતુ હજુ તેમના મનમાં એક સવાલ હતો. શું હજારો જ્યોર્જિયનોની જેમ તેમને પણ તેમની માતા પાસેથી ચોરીને વેચી દેવાયા હતાં? તેમને દત્તક લેનારાં માતાપિતા હવે જીવીત ન હતાં, તેથી તેઓ તો જવાબ આપી શકે તેમ ન હતાં.

આખરે ઑક્ટોબરમાં તેમને પોતાને જન્મ આપનાર માતાને સવાલ પૂછવાનો અવસર મળ્યો. પૉલૅન્ડની એક ટીવી કંપની તમુના વિશે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહી હતી અને તેને માતાને મળવા માટે લઈ ગઈ. તેમનાં માતા તમુના સાથે એકલામાં વાત કરવા તૈયાર થઈ ગયાં.

તમુનાએ ઘણા લોકોને એકજૂથ થવામાં મદદ કરી છે, પરંતુ તેમને જાણવા મળ્યું કે તેઓ પોતે ચોરાયેલું બાળક ન હતાં. તેમની માતાએ જ તેમને તરછોડી દીધાં હતાં અને 40 વર્ષ સુધી આ રહસ્ય છુપાવી રાખ્યું હતું.

તેમનાં માતા અને પિતા વચ્ચે નિકટના સંબંધ ન હતા, તેમની માત્ર એક ટૂંકી મુલાકાત થઈ હતી. તેમની માતાએ શરમના કારણે પોતાની ગર્ભાવસ્થા છુપાવી હતી. સપ્ટેમ્બર 1984માં તેઓ ત્બિલિસી ગયા અને લોકોને કહ્યું કે તેઓ સર્જરી માટે જઈ રહ્યાં છે. વાસ્તવમાં તેમણે એક દીકરીને જન્મ આપ્યો હતો. તમુનાને દત્તક આપવાની વ્યવસ્થા થઈ ગઈ ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં.

તમુના કહે છે, “મને દત્તક લેવાઈ તે અગાઉ મેં તેમની સાથે 10 દિવસ એકલા ગાળ્યાં હતાં તે જાણીને મને દુઃખ થયું. હું તેના વિશે વિચારવાનો પ્રયાસ કરું છું.”

તેઓ કહે છે કે તેમની માતાએ તેમને જૂઠ બોલવા અને તેઓ ચોરાઈ ગયાં હતાં એવું લોકોને કહેવા કહ્યું. “ તેમણે મને કહ્યું કે જો હું એવું નહીં કહું કે હું ચોરાઈ ગઈ હતી, તો આપણી વચ્ચે બધું ખતમ થઈ જશે... મેં કહ્યું કે મારાથી આ નહીં થઈ શકે.”

તમુના કહે છે કે હું આવું કહી દઉં તો જેમનાં બાળકો ચોરાઈ ગયાં છે તેવાં બધાં માતાપિતા સાથે અન્યાય થયો ગણાશે. “જો હું જૂઠ બોલીશ તો કોઈ વ્યક્તિ તે માતાઓ પર વિશ્વાસ નહીં કરે.”

ત્યાર પછી તેમનાં માતાએ તેને ઘર છોડી જવા કહ્યું, અને પછા તેમણે ક્યારેય વાત નથી કરી.

તેઓ વિચારે છે, "શું હું આ બધું ફરીથી કરીશ? ચોક્કસ કરીશ. મને મારા નવા પરિવાર વિશે ઘણું બધું જાણવા મળ્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.