ઇલિયડ
ઇલિયડ એ હોમર રચિત વિશ્વનાં પાંચ મહાક્વ્યોમાનું એક છે. ઇલિયડ એક કરુણાંત કાવ્ય છે. જેમાં અકાયનોના રાજાઓ તથા ટ્રોયના પ્રાયમ તથા ઈલિયમ પ્રદેશના રાજાઓ વચ્ચે વિશ્વસુંદરી હેલન માટે થયેલા યુદ્ધનું નિરૂપણ જોવા મળે છે. આ ઘટનાઓ ઈ.સ. પૂર્વે ૧૪૦૦-૧૨૦૦ માં બની હતી જેને અંધકવિ હોમરે ગાઈને લોકો સુધી પહોચાડી હતી. ‘ઇલિયડ’ ની રચના હેગ્ઝામીટરમાં થયેલ છે. બાર અક્ષરોવાળા છ ગણોમાં બંધ સ્વરભારની પંક્તિઓ પ્રાચીન છંદોની વિશિષ્ટતા પ્રગટ કરે છે. ૧૦૦ સર્ગોમાં રચાયેલ આ મહાકાવ્ય ઉપમા, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારોનો ઉપયોગ થયો છે.[૧]
કથાવસ્તુ
[ફેરફાર કરો]ઇલિયડની શરૂઆત કથાના મધ્યભાગથી થાય છે. ટ્રોયનો રાજકુમાર પેરીસ સ્પાર્ટાના રાજા મેનીલોઝની પત્ની હેલનને ઉઠાવી ગયો છે, જેથી અકાયનો નવ વર્ષથી ટ્રોયને ઘેરીને બેઠા છે. મેનીલોઝ સાથે થયેલા દુર્વ્યવહારનો બદલો લેવા માયસેનિયન સેનાનો સરસેનાપતિ એગેમેમ્નન હજારેકના નૌકાકાફ્લા સાથે ટ્રોય પર આક્રમણ કરવા જાય છે. તે નવ વર્ષ ચાલેલા યુદ્ધમાં સૈન્ય આસપાસના પ્રદેશમાં લુંટફાટ કરે છે અને સ્ત્રીઓને પણ પજવે છે. એગેમેમ્નન પણ એપોલોના પુજારી, ક્રાયસસની પુત્રી ક્રયાસીઝને પોતાની સાથે લઇ જાય છે. ક્રાયસસ દીકરીના બદલામાં ધનદોલત આપવા તૈયાર થાય છે પણ એગેમેમ્નન બધી વિનંતીઓનો અસ્વીકાર કરે છે. અંતે ક્રાયસસ પોતાના ઇષ્ટદેવ એપોલોને ગ્રીક સૈન્યને સજા કરવા પ્રાર્થના કરે છે, જેના કારણે ગ્રીક સૈન્યમાં મરકીની મહામારી ફેલાય છે. આથી ભયભીત એગેમેમ્નન ક્રયાસીઝને તેના પિતાને પરત કરે છે. પરંત તેના બદલામાં એકિલીઝના ધ્યાનમાં રહેલ બ્રિસીઝને મેળવવાના પ્રયત્ન કરે છે.પરિણામે એગેમેમ્નન અને એકિલીઝ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય છે અને એકિલીઝ યુદ્ધમાં ભાગ લેવાની ના પાડે છે. એકિલીઝના મિત્ર પેટ્રોક્લોઝની વિનંતીથી એકિલીઝ ફરી યુદ્ધમાં જોડાય છે અને ટ્રોયના સરસેનાપતિ હેકટરનો વધ કરે છે. હેકટરના અંતિમ સંસ્કાર સાથે મહાકાવ્ય પૂર્ણ થાય છે.[૧]
મહાકાવ્ય
[ફેરફાર કરો]મહાકાવ્ય ‘ઇલિયડ’ ની રચના હેગ્ઝામીટર છંદમાં થયેલ છે. બાર અક્ષરોવાળા છ ગણોમાં બંધ સ્વરભારની પંક્તિઓ પ્રાચીન છંદોની વિશિષ્ટતા પ્રગટ કરે છે. ૧૦૦ સર્ગોમાં રચાયેલ આ મહાકાવ્ય ઉપમા, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારોનો ઉપયોગ થયો છે.[૨]
સારાંશ
[ફેરફાર કરો]'ઇલિયડ' શબ્દનો અર્થ ઈલિયોસની કથા, એટલે કે ટ્રોયની યુગ કથા એવો થાય છે. ઇલિયડમાં દેવો અને દેવીઓ મનુષ્યના પક્ષમાં કે વિરોધમાં રહીને તેમના ભાવિનિર્માણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ ભજવે છે. હોમરે દેવી-દેવતાઓના આદર સાથે તેમનામાં રહેલ ઈર્ષ્યા, અસૂયા, ધિક્કાર જેવા ગુણોને છતાં કર્યા છે. જયારે મનુષ્યમાં રહેલ સ્નેહ અને ક્ષમા જેવા સદગુણોનું ગૌરવ દર્શાવે છે. અહંતાને માનવીની નબળાઈ કહી છે જેના કારણે મનુષ્યનો વિનાશ થાય છે. કૃતિમાં એક અને અખંડ એવો શાશ્વાતકાળ જોવા મળે છે. હોમર વિવિધ કાળપરિણામોને લઇ તેમાંથી પ્રસંગોને અનુરૂપ એવા કાળ ખંડની રચના કરે છે જે હોમરની પાત્રવિધાન કરવાની શક્તિ દર્શાવે છે.[૨]
ગુજરાતી અનુવાદ
[ફેરફાર કરો]ગુજરાતીમાં ઈલિયડનો સાર સૌપ્રથમ નર્મદે આપ્યો હતો, જે 'નર્મગદ્ય' માં લગભગ સાઠેક પાનામાં લખાયેલો છે. ત્યારબાદ ‘સંગીત ઇલિયડ’ શીર્ષકથી ઈલિયડના પહેલા છ ખંડ કોઈક આર.બી.ટી એ રજુ કર્યો છે. ઇલિયડનું નાટ્યરૂપાંતર લીના મંગળદાસે ૧૯૫૯-૬૦માં પ્રસ્તુત કર્યું હતું. જયારે સંપૂર્ણ ઇલિયડનો અનુષ્ટુપ છંદમાં પદ્યાનુવાદ ૧૯૯૩માં જયંત પંડ્યાએ પ્રગટ કર્યો હતો.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ પંડ્યા, જયંત (૧૯૯૬). "ઇલિયડ". માં ટોપીવાળા, ચંદ્રકાન્ત (સંપાદક). ગુજરાતી સાહિત્યકોશ. ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૫૫–૫૬. OCLC 26636333.
- ↑ ૨.૦ ૨.૧ રાવળ, નલીન (૨૦૧૪). "ઇલિયડ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (તૃતિય આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૧૨–૭૧૩. ISBN 978-93-83975-03-7.