મુસલમાનોને UPSC પરીક્ષામાં વધુ તક મળે છે? - ફૅક્ટ ચેક
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, ફૅક્ટ ચેક ટીમ, બીબીસી
દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવાતી સિવિલ સર્વિસિસ સાથે જોડાયેલાં ટ્વીટ્સ તમે હમણાં-હમણાં જોયાં હશે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના માધ્યમથી આયોજિત આ પરીક્ષાઓને લઈને એક જૂથ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવી રહ્યું છે.
'UPSC જિહાદ' હૅશટેગથી ઘણાં ટ્વીટ ઘણા સમયથી ટ્રૅન્ડ કરી રહ્યાં છે અને આ ટ્વીટ્સમાં મુસલમાન ઉમેદવારો માટે અલગ માપદંડોનો ઉલ્લેખ કરાયો છે.
તેમાંથી કેટલાક આ પ્રકારે છે, "UPSCમાં હિન્દુઓ માટે 6 તક છે, તો મુસલમાનો માટે 9 તક", "યુપીએસસીમાં હિન્દુ માટે મહત્તમ ઉંમર 32 વર્ષ છે, તો મુસલમાનો માટે મહત્તમ ઉંમર 35 વર્ષ."
આ સિવાય આ ટ્વીટ્સમાં ઉર્દૂ માધ્યમથી અપાતી પરીક્ષાની સફળતાનો દર અને મુસલમાનો માટે ચલાવાતા કોચિંગ સેન્ટર પર પણ સવાલ ઉઠાવ્યા છે.
આમાં સૌથી પહેલા સોશિયલ મીડિયામાં UPSC પરીક્ષામાં 'ઇસ્લામિક સ્ટડીઝ' વિષય પણ ઘણો ટ્રૅન્ડમાં રહી ચૂક્યો છે.
સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે 'ઇસ્લામિક સ્ટડીઝ વિષયના માધ્યમથી મુસલમાન આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ બની રહ્યા છે, જ્યારે વૈદિક કે હિન્દુ સ્ટડીઝ જેવા કોઈ વિષય યુપીએસસીમાં નથી.'
સોશિયલ મીડિયામા કરાઈ રહેલા આ દાવાઓની બીબીસી હિન્દીની ફૅક્ટ ચેક ટીમે એક-એક કરીને તપાસ કરી.
આવો જાણીએ કે યુપીએસસીની પ્રતિષ્ઠિત સિવિલ સેવા પરીક્ષાના શું માપદંડ છે.
શું યોગ્યતા માગે છે UPSC?
આ વર્ષે 12 ફેબ્રુઆરીએ UPSCએ સિવિલ સર્વિસિસની પ્રારંભિક પરીક્ષા માટે નોટિસ જાહેર કરી હતી,
જેમાં તેણે યોગ્યતા, ઉંમર, અનામત અને પરીક્ષાના વિષયો વગેરે અંગે તબક્કા વાર જાણકારી આપી હતી.
કઈ વ્યક્તિ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ બની શકે છે? આ સવાલ પર નોટિસમાં સ્પષ્ટ લખેલું છે કે તે ભારતની નાગરિક હોવી જોઈએ, ન કોઈ ખાસ ધર્મ, જાતિ કે વંશની.
ત્યારબાદ આવીએ ઉંમરના સવાલ પર. UPSC સિવિલ સેવાની પરીક્ષા માટે સ્પષ્ટ કહે છે કે તેના માટે લઘુતમ ઉંમર 21 વર્ષ છે, જ્યારે મહત્તમ ઉંમર 32 વર્ષ છે. જોકે તેમાં માત્ર અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC), શારીરિક રીતે અક્ષમ અને પૂર્વ સૈનિકોની ઉંમરમાં છૂટ છે.
એસસી અને એસટી સમુદાય માટે મહત્તમ ઉંમર 37 વર્ષ, ઓબીસી સમુદાય માટે મહત્તમ ઉંમર 36 વર્ષ અને શારીરિક રીતે અક્ષમ માટે ઉંમર 42 વર્ષ છે. આ સિવાય સિવિલ સેવાની મુખ્ય પરીક્ષા સુધી તમારે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.
તેમાં ક્યાંય પણ મુસલમાન કે કોઈ અન્ય સમુદાયનું નામ નથી. તેનો મતલબ એ થયો કે ઉંમરનું ધોરણ સમુદાયને આધારે છે, ન કે ધર્મના આધારે.
મુસલમાનોને વધુ મોકા મળે છે?
સોશિયલ મીડિયામાં એવો દાવો કરાઈ રહ્યો છે કે મુસલમાનોને યુપીએસસીની પરીક્ષામાં 9 વાર મોકો મળે છે.
આ દાવાને સાચો માનીએ એ પહેલાં યુપીએસસીની નોટિસ વાંચીએ જે સ્પષ્ટ કહે છે કે ઉમેદવારો માટે 6 તક છે, જ્યારે એસસી, એસટી સમુદાયો અને શારીરિક રીતે અક્ષમ ઉમેદવારો માટે પરીક્ષા માટે કોઈ સીમા નથી.
તેમજ ઓબીસી સમુદાયમાં આવતા ઉમેદવાર 9 વાર આ પરીક્ષા આપી શકે છે. તેનો મતલબ કે યુપીએસસી કોઈ ધર્મને આધારે તક આપતી નથી. માત્ર મુસલમાનોને 9 વાર પરીક્ષા આપવાની છૂટનો દાવો ખોટો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમજ સિવિલ સેવાની મુખ્ય પરીક્ષા માટે 26 વૈકલ્પિક વિષયોમાં ક્યાંય પણ ઇસ્લામિક સ્ટડીઝનો વિષય નથી. ભોપાલમાં સિવિલ સર્વિસિસનું કોચિંગ આપતા લક્ષ્મી શરણ મિશ્રા કહે છે કે ઇસ્લામિક સ્ટડીઝ વિષયવાળી વાત સાવ ખોટી છે.
તેઓ કહે છે, "યુપીએસસીમાં કોઈ ઇસ્લામિક સ્ટડીઝનો વિષય નથી. ઉર્દૂ સાહિત્ય વિષયમાં સાહિત્યથી સંબંધિત સવાલ હોય છે, ન કે મુસલમાનો સાથેના. તમને જાણીને નવાઈ લાગશે કે ઇતિહાસમાં મુઘલકાળના પણ કોઈ સવાલ પૂછાતા નથી."
"આજે મુસલમાનોનો ઇતિહાસ જ પૂછાતો નથી અને કહેવાય છે કે મુસલમાનોનું આ બધું વાંચીને સિલેક્શન થઈ રહ્યું છે."
સોશિયલ મીડિયામાં મુસલમાનોને ઇન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપવાનો દાવો પણ કરવામાં આવે છે.
તેના પર લક્ષ્મી શરણ મિશ્રા કહે છે, "એવું કદાચ ક્યારેય બન્યું નથી કે કોઈ મુસલમાને ઇન્ટરવ્યૂ બોર્ડની અધ્યક્ષતા કરી હોય. બધા બોર્ડના સભ્યોનું સમાન માર્કિંગ થાય છે. ઇન્ટરવ્યૂના 275 નંબર હોય છે, જ્યારે પસંદગી મુખ્ય પરીક્ષાના નંબરોને આધારે થાય છે, જેના કુલ માર્કસ 1750 છે."
ઉર્દૂ માધ્યમથી ફાયદો મળી રહ્યો છે?
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા દાવાઓમાં એક દાવો એ પણ છે કે મુસલમાન ઉમેદવારો ઉર્દૂ સાહિત્ય અને માધ્યમના જોરે પણ સિવિલ સેવાઓમાં વધુ આવી રહ્યા છે.
ઉર્દૂ માધ્યમની વાત કરીએ તો આઈએએસની ટ્રેનિંગ આપતા લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી, મસૂરીના 2019ના 94મા ફાઉન્ડેશન કોર્સમાં 326 ટ્રેઇની આઈએએસ હતા.
આ ટ્રેઇની આઈએએસની સિવિલ સેવાના માધ્યમ પર નજર નાખીએ તો, ખબર પડે છે કે 315નું અંગ્રેજી, 8નું હિન્દી અને 1-1નું ગુજરાતી, કન્નડ અને મરાઠી માધ્યમ હતું. એટલે કે તેમાંથી ઉર્દૂ માધ્યમના કોઈ આઈએએસ નહોતા.
આ રીતે અમે 2018, 2017 અને 2016ના ફાઉન્ડેશન કોર્સના ટ્રેઇનીઓનાં માધ્યમ જોયાં તો ખબર પડી કે કોઈનું માધ્યમ ઉર્દૂ નહોતું. તેમજ ઉર્દૂ સાહિત્યવાળાને વધુ સફળતા મળે તેવી વાત પણ સોશિયલ મીડિયામાં કહેવાઈ રહી છે.
ભારતની આઠમી અનુસૂચિમાં સામેલ 22 ભાષાઓને મુખ્ય પરીક્ષામાં વૈકલ્પિક વિષયના રૂપમાં લઈ શકાય છે.
UPSCએ એક આંકડો જાહેર કર્યો છે, જેમાં બતાવ્યું છે કે કયા ભાષા સાહિત્યને મુખ્ય પરીક્ષામાં કેટલા લોકોએ વૈકલ્પિક વિષયના રૂપમાં લીધું છે.
2017માં 256 લોકોએ હિન્દી સાહિત્ય, 114 લોકોએ કન્નડ, 111એ મલયાલમ અને 106 લોકોએ તમિળ સાહિત્ય પસંદ કર્યું હતું.
તો ઉર્દૂની વાત કરીએ તો માત્ર 26 ઉમેદવારોએ તેને વિષયન રૂપમાં પસંદ કરી હતી. વર્ષ 2018માં ઉર્દૂ સાહિત્યને વૈકલ્પિક વિષયના રૂપમાં લેનારા માત્ર 16 ઉમેદવારો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ભાષા સાહિત્ય વિષય પર લક્ષ્મી શરણ મિશ્રા કહે છે, "ભાષા સાહિત્યના વિકલ્પિક વિષયને બહુ બધા પેરામિટરને ધ્યાનમાં રાખીને ઉમેદાવારો પસંદ કરે છે. તેની શરૂઆત પાલી ભાષાથી થઈ હતી. કારણ એ હતું કે પાલી ભાષાનો સિલેબસ બહુ નાનો હતો અને તેના જાણકાર પણ ઓછા હતા."
"બાદમાં દક્ષિણ ભારતના વિદ્યાર્થીઓને કારણે દક્ષિણ ભારતીય ભાષાઓનો દબદબો સિવિલ સેવા પરીક્ષામાં વધ્યો. કન્નડના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો મળ્યો અને ગત એક દશકમાં સૌથી વધુ લાભ સંસ્કૃત સાહિત્યના વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો છે."
"ઉર્દૂ અને સિંધી સાહિત્ય આજકાલ ઝડપથી ઊભરતા વિષયો છે, પરંતુ તેને લેનારા વિદ્યાર્થીઓ બહુ ઓછા છે અને તે એ વિદ્યાર્થીઓ છે, જેમને વિશ્વાસ છે કે આ વિષયની પરીક્ષા તેઓ આરામથી પાસ કરી નાખશે. મુસ્લિમ ઉમેદવારો જે સફળ થઈ રહ્યા છે, તેમાંથી 80 ટકા ઉર્દૂ વિષયો લેતા નથી."
ઉર્દૂ સાહિત્યની સફળતાનો દર વધતો કેમ દેખાઈ રહ્યો છે?
આ સવાલ પર લક્ષ્મી શરણ મિશ્રા કહે છે, "માની લો કે રાજનીતિક વિજ્ઞાન દસ હજાર વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે, પરંતુ તેમાં કેટલાક વિદ્યાર્થીઓ જ સફળ થઈ રહ્યા છે અને ઉર્દૂ વિષય કેટલાક લોકો લઈ રહ્યા છે અને મોટા ભાગના પાસ થઈ રહ્યા છે તો સફળતાનો દર ઉર્દૂનો જ વધુ થયો."
તો આવો લક્ષ્મી શરણ મિશ્રાની વાતને આ રીતે સમજીએ. 2017માં હિન્દી સાહિત્યમાં 265 ઉમેદવારો પરીક્ષા આપી હતી અને 19 પાસ થયેલા, જ્યારે ઉર્દૂમાં 26 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને માત્ર પાંચ પાસ થયા.
તેમાં હિન્દી સાહિત્યનો સફળતાનો દર 7.1 ટકા છે, જ્યારે ઉર્દૂ સાહિત્યની સફળતાનો દર 19.2 ટકા છે. તેનો અર્થ એ થયો કે આંકડાઓ ઘૂમાવીને લોકોને ભ્રમમાં નાખવામાં આવે છે.
માત્ર મુસલમાનોને મળી રહ્યું છે મફતમાં કોચિંગ?
સોશિયલ મીડિયામાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે મુસલમાનોને સિવિલ સેવા પરીક્ષાની તૈયારી સરકાર મફતમાં કરાવી રહી છે, જોકે એવું નથી.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય સમેત ઘણાં અન્ય મંત્રાલયો છે જે સિવિલ સેવા પરીક્ષાની ઘણી કોચિંગ યોજનાઓમાં પૈસા આપે છે અને કોચિંગ પણ કરાવે છે અને આ મુસલમાનો માટે નહીં, પણ મહિલાઓ, અલ્પસંખ્યકો, એસસી, એસટી અને ઓબીસી સમુદાય માટે હોય છે.
હાલમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓને પોતાની પસંદની કોચિંગ સંસ્થાઓમાં કોચિંગ માટે સ્કીમ શરૂ કરી છે, જેમાં પૈસા મંત્રાલય આપશે અને શિષ્યવૃત્તિ પણ આપશે.
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, જામિયા હમદર્દ વિશ્વવિદ્યાલય અને ઝકાત ફાઉન્ડેશન જેવી ઘણી બિનસરકારી સંસ્થાઓ સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરાવી છે. આ બધી અલ્પસંખ્યક, મહિલાઓ, આર્થિક રીતે પછાત, એસસી અને એસટી સમુદાયના વિદ્યાર્થીઓ માટે કોચિંગ ચલાવે છે.
હવે સવાલ એ ઊઠે છે કે શું માત્ર મુસ્લિમ લોકો સાથે જોડાયેલા સંગઠન જ સિવિલ સેવા પરીક્ષાનું કોચિંગ ચલાવે છે?
લક્ષ્મી શરણ મિશ્રા કહે છે કે આ વખતે સિવિલ સેવાનાં પરિણામોમાં જૈન સમુદાયના ઘણા ઉમેદવારો સફળ થયા છે, તો શું એવું કહી દેવાનું કે યુપીએસસી જૈન ધર્મનું સમર્થન કરી રહી છે.
"જૈન ધર્મની એક સંસ્થા છે, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન, જેની પાસે 1,000 કરોડ રૂપિયાનું ફંડ છે. આ ફંડ હેઠળ આ સંગઠન જયપુર, ઇન્દોર, દિલ્હી, ચેન્નાઈમાં આવાસીય કોચિંગ સેન્ટર ખોલી રહી છે, જ્યાં જૈન સમુદાયનાં બાળકોને ત્રણ-ચાર વર્ષ માટે મફતમાં કોચિંગ આપવામાં આવે છે."
"મધ્યપ્રદેશ પીએસસીમાં જૈન ધર્મના ઉમેદવારોની મોટી સંખ્યામાં પસંદગી થાય છે અને તેની સફળતાનો દર 20-25 ટકા છે."
"દરેક સમુદાય અને રાજ્ય પણ ઇચ્છે છે કે સિવિલ સેવામાં તેમના લોકો પહોંચે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશને સિવિલ સેવા પરીક્ષાનું કોચિંગ શરૂ કરી કર્યું હતું જેથી ગુજરાતીઓ સિવિલ સેવામાં વધુ પહોંચી શકે."
"મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બ્લૉક લેવલ પર કોચિંગ શરૂ કર્યું હતું. આરએસએસની સંકલ્પ સંસ્થા અંગે સૌ કોઈ જાણે છે, જે તૈયારી કરાવે છે. દરેક ધર્મ, દરેક જાતિ, દરેક સમુદાય સિવિલ સેવાઓમાં પોતાનું પ્રતિનિધિત્વ વધે તેની કોશિશ કરી રહ્યું છે."
યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં મુસલમાનોની સફળતાો દર બહુ ઓછો રહ્યો છે. આ વર્ષે જાહેર થયેલાં સિવિલ સેવા પરીક્ષા-2019નાં પરિણામોમાં કુલ 829માંથી 42 મુસ્લિમ ઉમેદવારોએ સફળતા મેળવી છે, જે માત્ર પાંચ ટકા છે, જ્યારે દેશમાં મુસલમાનોની જનસંખ્યા 15 ટકા છે.
2018માં 28, 2017 અને 2016માં 50-50 ઉમેદવારોએ આ પરીક્ષામાં સફળતા મેળવી હતી.
બીબીસી હિન્દીની ફૅક્ટ ચેકની તપાસમાં એ જાણવા મળ્યું છે કે યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષામાં મુસલમાનોને ખાસ છૂટ આપવાનો દાવો સાવ ખોટો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો