એક હાથમાં રાઇફલ અને બીજા હાથમાં બાઇબલ: બ્રાઝિલની નાર્કો ગૅંગ જે પોતાને 'ઇશ્વરના સૈનિક' માને છે
- લેેખક, લેબો ડિસેકો, ગ્લોબલ રિલિજન કૉરસ્પૉન્ડન્ટ અને જુલિયા કારનીરો
- પદ, બીબીસી ન્યૂઝ
બ્રાઝિલના રિયો-ડી-જેનેરોમાં જ્યારે પોલીસ કોકેઇન અને ચરસને વધુ પ્રમાણમાં પકડે છે, ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે તેના પૅકેટ્સમાં ધાર્મિક નિશાન "સ્ટાર ઑફ ડૅવિડ" છાપેલું મળતું હોય છે.
યહુદીઓના આ પવિત્ર નિશાનને આસ્થા સાથે કોઈ સબંધ નથી.
આ થોડા એવા પેંટેકોસ્ટલ ખ્રિસ્તી લોકોના આસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જે અનુસાર ઇઝરાયલમાં યહુદીઓના પાછા ફરશે ત્યારે ઈસુ ખ્રિસ્ત બીજીવાર પ્રગટ થશે.
રિયોમાં ડ્રગ્સનો ધંધો કરવાવાળી શક્તિશાળી ગૅંગનું નામ "પ્યૉર થર્ડ કમાન્ડ" છે.
આ ગૅંગ પોતાના વિરોધીઓને 'ગુમ' કરવા માટે જાણીતી છે. ગૅંગની ધાર્મિક આસ્થા ઍવેંજિકલ ખ્રિસ્તી મતને હિસાબે ખૂબ કટ્ટર સમજવામાં આવે છે.
'ઍવેંજિકલ ડ્રગ ડીલર્સ' નામનું પુસ્તક લખનાર ધર્મશાસ્ત્રી વિવિયન કોસ્ટા અનુસાર આ જૂથના વડાએ 'ઇશ્વર તરફથી મળેલ જ્ઞાન' બાદ શહેરના ઉત્તર ભાગમાં પાંચ વિસ્તારોમાં કબ્જો કરી લીધો હતો.
આ ગૅંગના પ્રમુખે પોતાની જગ્યાને 'ઇઝરાયલ કૉમ્પ્લેક્સ' એવું નામ આપ્યું હતું
વિવિયન કોસ્ટા કહે છે કે આ ગૅંગના લોકો પોતાને ઇશ્વરના 'અપરાધના સૈનિક' માને છે ઈસુ ખ્રિસ્તને આ વિસ્તારોના 'માલિક' જેના પર તેઓએ કબ્જો કરેલો છે.
ઘણા લોકો તેમને 'નાર્કો પેંટેકૉસ્ટલ' પણ કહે છે.
રાઇફલ અને બાઇબલ
પાસ્ટર ડિએગો નાસિમેંટો પાસે અપરાધની દુનિયા તેમજ ચર્ચ બંન્નેનો અનુભવ છે. તેઓ જણાવે છે કે તેણે ખ્રિસ્તી ધર્મ એક બંદૂકધારીગૅંગસ્ટરના કહેવાથી સ્વીકાર્યો હતો.
નાસિમેંટોને જોઈને એ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે કોઈ છોકરડા જેવો દેખાતો અને હંમેશા ખુશ રહેનારો 42 વર્ષીય શખ્સ એક સમયે ગુનાહિત ગૅંગ 'રૅડ કમાન્ડ' સાથે જોડાયેલો હતો.
ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે નાસિમેંટોએ ચાર વર્ષ જેલમાં વીતાવ્યા હતા. તે છતાં તે અપરાધની દુનિયાથી દૂર થયો ન હતો.
જ્યારે કોકેઇનના નશાના કારણે તેને ગૅંગમાંથી બહાર કરી દેવામાં આવ્યો, ત્યારે તેણે અપરાધ જગતને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો.
તે જણાવે છે "મેં મારા પરિવારને ગુમાવ્યો છે અને લગભગ એક વર્ષ સુધી રસ્તા પર જ પડ્યોપાથર્યો રહેતો હતો. "મેં કોકેઇન ખરીદવા માટે મારા ઘરનો સામાન પણ વેચી દીધો હતો."
તે સમયે શહેરના વિલા કૅનેડી વિસ્તારમાં સક્રિય ડ્રગ્સના એક મોટા ડીલરે તેનો સંપર્ક કર્યો હતો.
નાસિમેંટોએ જણાવ્યું હતું કે, "તેમણે મને ધર્મનો અભ્યાસ કરાવવાની શરુઆત કરી દીધી અને કહ્યું આ બધાથી બહાર નીકળવાનો રસ્તો એ છે"
"તેમણે મને કહ્યું કે મારા માટે એક રસ્તો હજુ પણ છે કે હું ઈસુનો સ્વીકાર કરી લઉં."
પાસ્ટર નાસીમેંટો હજુ પણ ગુનેગારો સાથે સમય વીતાવે છે, પરંતુ આ સમય તે જેલમાં પસાર કરે છે જ્યાં તે બીજાઓને સાચા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરે છે.
તેનું પોતાનું જીવન પણ એક ગુનેગારે બદલ્યું હતું, પરંતુ નાસિમેંટો 'ધાર્મિક ગુનેગાર'ને યોગ્ય શબ્દ નથી માનતા.
તે જણાવે છે, "હું તેને બસ સામાન્ય લોકોની જેમ જોઉં છું જે ખોટા રસ્તા પર જઈ રહ્યાં છે, પરંતુ તેને ઇશ્વરનો પણ ડર છે અને તેઓ જાણે છે કે ઇશ્વર જ તેમના જીવનની રક્ષા કરી શકે છે."
"ઍવેંજિકલ અને અપરાધીઓની ઓળખ તમે ભેળવી શકતા નથી. જો કોઈ વ્યક્તિ ઇસુને સ્વીકાર કરી લે છે અને પવિત્ર આદેશને માને છે તો તે ક્યારેય ડ્રગ્સનો વેપાર ન કરે."
ડરના પડછાયા વચ્ચે જીવન
પેટેકોસ્ટલ ખ્રિસ્તી સમુદાય આ દશકના અંત સુધી બ્રાઝિલમાં કૅથલિક સમુદાયને પાછળ છોડીને વસ્તીના હિસાબે સૌથી મોટો ધર્મ સમુહ બની જશે.
અલગ-અલગ ગેંગના પ્રભાવ વાળા વિસ્તારોમાં લોકો વધારે રુચિ ધરાવે છે. કેટલીક ગેંગ તાકતવર થવા માટે પણ આસ્થાને અજમાવી રહી છે.
ગુનેગારો પર આરોપ છે કે તેઓ આફ્રિન મૂળના બ્રાઝિલીયન સમુદાય સાથે હિંસા કરી રહ્યાં છે.
રિયોમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર ક્રિસ્ટીના વિટાલનું કહેવું છે કે, "શહેરના ગરીબ સમુદાયો લાંબા સમયથી ગુનેગારોના ઘેરાવ વચ્ચે જીવન વીતાવી રહ્યાં છે અને હવે તેમની ધાર્મિક સ્વતંત્રતા પણ પ્રભાવિત થઈ રહી છે."
તેમનું કહેવું છે કે, "'ઇઝરાયલ કૉમ્પ્લેક્સ'માં અન્ય ધર્મમાં આસ્થા ધરાવતા લોકો જાહેરમાં તેમના વિશે વાત કરી શકતા નથી."
વિટાલે જણાવ્યું કે, "આજુબાજુના વિસ્તારોમાં પણ આફ્રિકન મૂળના બ્રાઝિલ સમુદાયના ધર્મસ્થળ બંધ કરી દેવામાં આવ્યાં છે. થોડા અપરાધિક તત્વો ઘણીવાર પોતાની દિવાલો પર 'ઈસુ આ જગ્યાના ઇશ્વર છે' તેવું લખી દે છે."
ડૉક્ટર રીટા સલીમ રિયોની પોલીસમાં જાતિ અને અસહિષ્ણુતા સબંધિત ગુનાને લગતા વિભાગના પ્રમુખ છે. તેમનું માનવું છે ડ્રગ્સ ગૅંગની ધમકીઓ અને હુમલાઓના દુરગામી પરિણામ હોય છે.
"આ મામલા ખૂૂૂબ ગંભીર છે કેમ કે તેમની પાછળ એક ગુનાહિત જૂથ કે તેના પ્રમુખ હોય છે. સમગ્ર વિસ્તારમાં તેમનો ડર હોય છે."
તેઓ જણાવે છે 'ઇઝરાયલ કૉમ્પલેક્સ'માં કથિત ગેંગ લીડરનું ધરપકડ વૉરંટ જાહેર થયું હતું. તે લીડર પર આરોપ છે કે તેના આદેશ પર હથિયારબંધ લોકોએ આફ્રિકન મૂળના બ્રાઝિલ લોકોના ધર્મસ્થળો પર હુમલો કર્યો હતો.
નિયો ક્રુસેડ
ધાર્મિક વૈવિધ્ય વિશેષજ્ઞ માર્સિયો ડી જગુન અનુસાર રિયોમાં ધાર્મિક કટ્ટરતાના કિસ્સા ઈ.સ.2000ના દશકની શરુઆતમાં બહાર આવ્યા હતા અને તાજેતરના વર્ષોમાં આ સમસ્યા અનેક ગણી વધી ગઈ છે.
જગુન કંડોમ્બલ ધર્મના ગુરુ છે. તેઓ જણાવે છે કે, "આ રાષ્ટ્રીય સ્તરની સમસ્યા બની ગઈ છે અને બ્રાઝિલના બીજા શહેરોમાં પણ હુમલાઓ થઈ રહ્યાં છે."
તેઓ આને 'નિયો ક્રૂસેડનું નામ આપે છે. તેમના અનુસાર, "આ હુમલાથી ધાર્મિક અને જાતીય શોષણ થાય છે. ગુનેગારો આફ્રિકી ધર્મોને અનૈતિક કહે છે અને દાવા કરે છે કે તે ઇશ્વરના નામ પર જુઠાણાં સામે લડી રહ્યાં છે."
ધાર્મિક મામલાઓના વિશેષજ્ઞ વિવિયન કોસ્ટા કહે છે કે બ્રાઝિલમાં ધર્મ અને ગુન્હાનું મળવું એ કોઈ નવી વાત નથી.
ભૂતકાળમાં અપરાધી આફ્રિકી મૂળના બ્રાઝિલી દેવતાઓ અને કૅથલિક સંતો પાસે સુરક્ષા માંગતા.
તેઓ જણાવે છે, "જો અમે રૅડ કમાન્ડ કે થર્ડ કમાન્ડની શરુઆત પર નજર દોડાવીએ તો આફ્રો અને કૅથલિક ધર્મ શરુઆતથી જ અહીં છે. જેથી તેને નાર્કો પેંટેકૉસ્ટલ કહેવાય છે એટલે કે અપરાધ અને ધર્મનો પારંપરિક સંબંધ."
ધર્મ અને અપરાધના મેળવડાને ભલે ગમે તે નામ આપવામાં આવે પરંતુ હકીકત છે કે તેનાથી બ્રાઝિલના બંધારણમાં આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન થાય છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)