ઉંમરની સાથે શરીરની ગંધ કેમ બદલાય છે?

શરીરની ગંધ

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, નવેલિયા વૅલે
  • પદ, બીબીસી

આજે તમારા માટે એક નાની ચૅલેન્જ છે. શું તમે તમારી પાસે બેઠેલી કોઈ વ્યક્તિની ઉંમર માત્ર તમારી સૂંઘવાની ક્ષમતાનો ઉપયોગ કરીને જાણી શકો છો?

તે વ્યક્તિએ કોઈ પર્ફ્યૂમ નહીં લગાવ્યું હોય, પરંતુ તેની પોતાના શરીરની ખાસ ગંધ હશે, જેનાથી તમારે તેની ઉંમર વિશે જણાવવાનું રહેશે.

આ ચૅલેન્જ મને સોશિયલ મીડિયા પર નથી મળી, પરંતુ, મને એક એવી શોધ જરૂર મળી છે, જેનાથી એ સાબિત થાય છે કે આપણે કોઈ પણ વ્યક્તિની ઉંમર તેમની પ્રાકૃતિક ગંધ દ્વારા કઈ રીતે જાણી શકીએ છીએ.

આપણા શરીરમાંથી આવતી સુગંધ હંમેશા એકસમાન નથી હોતી, પરંતુ, તે આપણા સમગ્ર જીવનના અલગ અલગ પડાવે બદલાતી રહે છે; અને તેમાં જે ફેરફાર થાય છે તે ફક્ત આપણા પ્રાકૃતિક જીવન વિશે જ નથી જણાવતી, પરંતુ તે સામાજિક અને વિકાસાત્મક વલણ વિશે પણ જણાવે છે.

વૉટ્સઍપ

માતાપિતાના પ્રેમને મજબૂત કરનારી બાળકની સુગંધ

માતાપિતા એ સુગંધને ખૂબ સારી રીતે જાણે છે જે તેમનાં પોતાનાં બાળકોમાંથી આવતી હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માતાપિતા એ સુગંધને ખૂબ સારી રીતે જાણે છે જે તેમનાં પોતાનાં બાળકોમાંથી આવતી હોય છે

સામાન્ય રીતે, બાળપણમાં પરસેવાની ગ્રંથિઓ ઓછી સક્રિય હોવાથી અને ચામડીની માઇક્રોબાયોમના‌ લીધે આપણા શરીરની ગંધ ઓછી હોય છે.

તેમ છતાં, માતાપિતા તે સુગંધને સારી રીતે ઓળખે છે, જે બીજાં બાળકોની સરખામણીમાં તેમનાં પોતાનાં બાળકોમાંથી આવતી હોય છે.

માતા પિતાની પોતાનાં બાળકોને તેમના શરીરની ગંધથી ઓળખી લેવાની ક્ષમતા એવા સમયે ઘટી જાય છે જ્યારે તેમના સંતાનનું બાળપણ વીતી જાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માતાપિતાની પોતાનાં બાળકોને તેમના શરીરની ગંધથી ઓળખી લેવાની ક્ષમતા એવા સમયે ઘટી જાય છે જ્યારે તેમના સંતાનનું બાળપણ વીતી જાય છે

આ સુગંધ માતાપિતામાં સુખદ અને એક ઓળખીતી ભાવનાત્મક લાગણી જન્માવે છે અને બાળકની સાથે ખુશી અને પ્રેમની ભાવનાઓને સક્રિય કરીને માતાપિતાના તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે.

પરંતુ, પ્રસવ પછી ડિપ્રેશન અનુભવનારી માતાઓ બાળકોમાંથી આવતી પ્રભાવક સુગંધની અસરથી વંચિત રહે છે.

સંપૂર્ણ વ્યાવહારિક વિકાસાત્મક દૃષ્ટિએ જોવામાં આવે તો, બાળકોમાંથી આવતી ખાસ સુગંધ એટલી બધી પ્રભાવક હોય છે કે માતાપિતાને પોતાની આવનારી પેઢી માટે પૈસા ખર્ચ કરવા માટે પણ પ્રેરિત કરે છે.

યુવાન વયે વ્યક્તિની સુગંધ

દરેક માણસના શરીરમાં તેની ખાસ પ્રકારની દુર્ગંધ હોય છે, જોકે, તેમાં સમયસમયાંતરે ફેરફાર થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દરેક માણસના શરીરમાં તેની ખાસ પ્રકારની દુર્ગંધ હોય છે, જોકે, તેમાં સમયસમયાંતરે ફેરફાર થાય છે

યુવાનીની શરૂઆતમાં વ્યક્તિના શરીરમાંથી આવતી સુગંધમાં અગત્યના ફેરફાર થાય છે.

આ ફેરફાર સેક્સ હૉર્મોન્સ‌ બનવાના કારણે થાય છે અને તે પરસેવો લાવનાર એક્રાઇન ગ્લૅન્ડ અને ચામડીની મહત્ત્વપૂર્ણ ગ્રંથિ સેબેસિયસને સક્રિય કરે છે.

પરસેવો લાવનાર મોટા ભાગની ગ્રંથિઓ પાણી અને ક્ષાર બહાર કાઢે છે, જ્યારે ઍપોક્રાઇન ગ્લૅન્ડ (બગલ અને નાભિથી નીચેના વાળ સંબંધિત) પ્રોટીન અને અન્ય વસા પર આધારિત ગરમી બહાર કાઢે છે.

આમાંની દરેક ગ્રંથિ દરેક માણસના શરીરમાં એક સુગંધ ઉત્પન્ન કરે છે.

આપણા શરીરની અંદર રહેલા લિપિડ અને સીબમ જેવા પદાર્થ આ જ ગ્રન્થિઓમાંથી નીકળે છે.

પરંતુ, બૅક્ટેરિયાના સંપર્કથી આપણી સુગંધ એક દુર્ગંધમાં બદલાઈ જાય છે, અને આ રીતે કેટલાક યુવકોનો પરસેવો તેમના શરીરની પોતીકી સુગંધ સાથે ભળીને ગંધ બનાવી દે છે.

પોતાનાં બાળકોને શરીરની ગંધથી ઓળખવાની માતા અને પિતા—બંનેની ક્ષમતા એવા સમયે ઓછી થઈ જાય છે જ્યારે તેમના સંતાનનું બાળપણ પૂરું થઈ જાય છે અને બાળક યુવાનીમાં પ્રવેશ કરે છે.

ઓળખમાં મદદરૂપ

એ વાત સાચી કે માણસના શરીરની સુગંધ તેના વિશેની માહિતી મેળવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એ વાત સાચી કે માણસના શરીરની સુગંધ તેના વિશેની માહિતી મેળવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે

સેબેસિયસ ગ્લૅન્ડના સ્રાવ યુવાવસ્થામાં પરાકાષ્ઠાએ પહોંચી જાય છે.

જોકે, યુવાવસ્થાની તુલનામાં આધેડ થવા સુધીમાં તેની સક્રિયતા ઘટી જાય છે, પરંતુ, દરેક માણસમાં તેના શરીરની ખાસ દુર્ગંધ જળવાયેલી રહે છે.

આ ઘણી બધી બાબતો પર નિર્ભર રહે છે, જેમ કે, ભોજન, તણાવ, હોર્મોન અથવા ચામડીના માઇક્રોબાયોમ.

પરંતુ, જો આપણે અનુભવવાની ક્ષમતા ન ધરાવતા હોઈએ તો, જીવનમાં દરેક તબક્કે બદલાતી ગંધનો શો ફાયદો?

સાચી વાત તો એ છે કે, માણસની ગંધ તેના વિશેની માહિતી મેળવવામાં ખૂબ અસરકારક છે, ખાસ કરીને એવા સમયે જ્યારે અંધારામાં અથવા ઘોંઘાટિયા વાતાવરણમાં કે પછી બીજા કોઈ કારણે જેમાં સ્પષ્ટ સાંભળવાનું કે જોવાનું મુશ્કેલ હોય.

બીજા સજીવોની જેમ શરીરની દુર્ગંધ સાથીની પસંદગી, સંબંધની ઓળખ અથવા લૈંગિક ફરક જાણવામાં મદદ કરે છે.

વધતી ઉંમરે શરીરની ગંધનું શું થાય છે?

ચાળીસની ઉંમર પછી ચામડીમાં થોડાક ફૅટી ઍસિડ જેવા કે, ઓમેગા7 અને પલમાઇટોલિક ઍસિડના કાર્ય કરવાની પ્રક્રિયા બદલાઈ જાય છે, જે શરીરની ગંદને બદલે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાળીસની ઉંમર પછી ચામડીમાં થોડાક ફૅટી ઍસિડ જેવા કે, ઓમેગા7 અને પલમાઇટોલિક ઍસિડના કાર્ય કરવાની પ્રક્રિયા બદલાઈ જાય છે, જે શરીરની ગંદને બદલે છે

ઉંમર વધવાની સાથે કરચલીઓ અને કોલૅજનની ઊણપ આપણી ચામડીમાં પરસેવો અને સેબેસિયસ ગ્લૅન્ડની સક્રિયતાને ધીમી કરી નાખે છે.

તેની ઊણપથી ઘરડા લોકોમાં શરીરનું તાપમાન જાળવી રાખવાનું મુશ્કેલ થઈ જાય છે.

જ્યાં સુધી સેબેસિયસ ગ્લૅન્ડનો સંબંધ છે, ઉંમર વધવાની સાથે માત્ર તેનો સ્રાવ ઓછો થઈ જાય છે એટલું જ નહીં, પરંતુ તેના ઉત્પાદનમાં પણ ફેરફાર થાય છે; જેના કારણે ઍન્ટિઑક્સિડન્ટ કમ્પાઉન્ડ જેવા વિટામિન–ઇ અથવા સ્કોલિનની માત્રા ઓછી થઈ જાય છે.

ચામડીની કોશિકાઓમાંથી ઍન્ટિઑક્સિડન્ટનું ઉત્પાદન ઘટી જવાના કારણે ઑક્સિડેશનની પ્રક્રિયા વધી જાય છે. તેનાથી ઘરડા લોકોમાં તે ગંધ ઉત્પન્ન થાય છે, જેને જાપાની કેરિશો કહે છે.

આ રીતે 40 વર્ષની ઉંમર પછી ચામડીમાં અમુક ફૅટી ઍસિડ, જેવા કે, ઓમેગા7 અને પલમાઇટોલિક ઍસિડના કાર્યની પ્રક્રિયા બદલાઈ જાય છે, જે શરીરની ગંધને બદલી નાખે છે.

જો કેટલાક લોકો માટે આ ગંધ અપ્રિય છે, તો બીજી બાજુ આપણામાંના મોટા ભાગના લોકો તેને દાદા-દાદી અને માતાપિતાની સારી યાદો સાથે સાંકળે છે. બાળપણની જેમ વૃદ્ધોની દેખરેખ રાખવામાં પણ આનાથી મદદ મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.