ગલ્ફના દેશોમાં પાકિસ્તાની ભિખારીઓની સંખ્યામાં વધારો, પાકિસ્તાનીઓ માટે યુએઈના વિઝા મેળવવામાં મુશ્કેલીઓ વધી
પાકિસ્તાનના લોકોની ઘણા સમયથી ફરિયાદ છે કે યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) પાકિસ્તાનીઓને વિઝા નથી આપતું.
યુએઈએ પાકિસ્તાનીઓને વિઝા આપવા સામે કોઈ સત્તાવાર પ્રતિબંધ નથી મૂક્યો, પરંતુ વિઝાની અરજીઓ મોટા પાયે રિજેક્ટ થઈ રહી છે.
પાકિસ્તાન માટે યુએઈ એક મહત્ત્વનો દેશ છે કારણ કે અહીં લગભગ 18 લાખ પાકિસ્તાનીઓ કામ કરે છે. યુએઈમાં રહીને કામ કરતા પાકિસ્તાનીઓ જે નાણાં મોકલે તે પાકિસ્તાનના અર્થતંત્ર માટે જીવાદોરી જેવું કામ કરે છે. ચાલુ વર્ષમાં યુએઈમાં વસતા પાકિસ્તાનીઓએ લગભગ 1.5 અબજ ડૉલર સ્વદેશ મોકલ્યા હતા.
હવે પરિસ્થિતિ બદલાઈ છે. યુએઈ આજકાલ પાકિસ્તાનના કામદારોને આવકારતું નથી. એટલું જ નહીં, વિઝા આપવામાં પણ ઘણા પ્રતિબંધો લગાવ્યા છે.
યુએઈના આ વલણના કારણે પાકિસ્તાન સરકાર પણ ચિંતિત છે. 23 ડિસેમ્બરે સેનેટ ઑફ પાકિસ્તાનના સત્તાવાર ઍક્સ એકાઉન્ટ પરથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અંગે એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવાયું હતું કે સેનેટ સ્ટેન્ડિંગ કમિટીએ યુએઈનાં વિઝા નિયંત્રણો વિશે વાત કરી છે.
પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ જિયો ટીવી અનુસાર સોમવારે પાકિસ્તાનના ડાયરેક્ટર ઑફ બ્યૂરો ઑફ ઇમિગ્રેશન મોહમ્મદ તૈયબે જણાવ્યું હતું કે પાકિસ્તાનીઓએ યુએઈ જતા અગાઉ એક પોલીસ વૅરિફિકેશન રિપોર્ટ આપવો પડશે.
તૈયબે જણાવ્યું કે જે એજન્ટો યુએઈ મોકલવાનું કામ કરે છે, તેમને આની સૂચના આપવામાં આવી છે.
'પાકિસ્તાનના ભિખારીઓની સંખ્યા વધી'
આ અગાઉ સોમવારે સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાન સરકારે યુએઈની જેલોમાં પૂરાયેલા 4,700 પાકિસ્તાનીઓના પાસપૉર્ટ બ્લૉક કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી અખબાર ડૉન અનુસાર પોલીસ વૅરિફિકેશનનો નિયમ એટલા માટે લાદવામાં આવ્યો છે, કારણ કે યુએઈએ પાકિસ્તાની ભિખારીઓની વધતી સંખ્યા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં યુએઈએ બિનસત્તાવાર રીતે પાકિસ્તાનીઓને વિઝા આપવા પર ઘણાં બધાં નિયંત્રણો લાદી દીધાં હતાં.
'ડૉન' અખબાર મુજબ એફઆઈએના અધિકારીઓએ કહ્યું છે કે "પાકિસ્તાનના સંભવિત ભિખારીઓ પર્યટક તરીકે મધ્ય-પૂર્વના દેશોમાં જાય છે."
પાકિસ્તાની અધિકારીઓએ પણ વિદેશમાં પાકિસ્તાની ભિખારીઓની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનના એક ટોચના અધિકારીએ સેનેટની સ્થાયી સમિતિને જણાવ્યું હતું કે વિદેશમાં ધરપકડ કરાયેલા 90 ટકા ભિખારીઓ પાકિસ્તાની મૂળના છે.
પાકિસ્તાનના ટ્રાવેલ એજન્ટોએ ડૉનને જણાવ્યું હતું કે યુએઈએ એવા પાકિસ્તાનીઓની વિઝા અરજીઓ નકારવાનું શરૂ કરી દીધું હતું જેમના બૅન્કના ખાતામાં પૂરતું ભંડોળ નહોતું અને જેઓ યુએઈ જવા પાછળનું યોગ્ય કારણ આપી શક્યા ન હતા. ડૉન અનુસાર મોહમ્મદ તૈયબે કહ્યું કે કોઈ પણ પાકિસ્તાની પોલીસ વૅરિફિકેશન વગર વિઝા માટે અરજી કરી શકશે નહીં.
સેનેટ ઑફ પાકિસ્તાનની ફેસબુક પોસ્ટમાં સમિતિના અધ્યક્ષ સેનેટર ઝિશાન ખાનઝાદાએ જણાવ્યું કે યુએઈના વિઝા પ્રતિબંધની ફરિયાદોને ઉકેલવા માટે વધુ પગલાં લેવાની જરૂર છે.
ઝિશાને એમ પણ કહ્યું કે યુએઈના ટ્રાવેલ એજન્ટ્સ કહે છે કે વિઝા અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો સોંપવા છતાં વિઝા નથી મળી રહ્યા.
સેક્રેટરી ઑફ ઓવરસિઝ પાકિસ્તાની અરશદ મહમૂદે કહ્યું કે અકુશળ કામદારો યુએઈના વિઝા મેળવવામાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના લોકોની ફરિયાદ છે કે યુએઈ ભારતીયો પર આ પ્રકારનાં નિયંત્રણો લાદતું નથી.
યુએઈમાં ભારતના 35 લાખથી વધુ લોકો રહે છે. આ વર્ષે વિદેશમાં વસતા ભારતીયોએ 124 અબજ ડૉલરની કમાણી કરીને નાણાં વતન મોકલ્યાં હતાં અને તેમાં એકલા યુએઈમાં રહેતા ભારતીયોનું યોગદાન 18 ટકા હતું.
યુએઈ ભારતીયો પર વિઝા નિયંત્રણો કેમ નથી તેનું કારણ પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક નજમ સેઠીએ સમા ટીવીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
નજમ સેઠીએ કહ્યું હતું કે, "દુબઈના લોકોએ મને કહ્યું હતું કે ભારતીયો પાકિસ્તાનીઓ કરતાં વધુ કામ કરે છે અને તેઓ ધાર્મિક પણ નથી હોતા. પાકિસ્તાનીઓ હંમેશા ધર્મને આગળ રાખે છે. ભારતના લોકો પાસે સારું શિક્ષણ છે અને તેઓ ઝઘડાળુ પણ નથી. ભારતીયો માટે કામને વધુ મહત્ત્વ આપે છે અને ધર્મને પછી જુએ છે."
યુએઈ પાકિસ્તાનીઓને વિઝા કેમ નથી આપી રહ્યું?
યુએઈમાં પાકિસ્તાની દૂતાવાસના ઍક્સ એકાઉન્ટમાંથી આ વર્ષે 12 ઑક્ટોબરે એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં પાકિસ્તાનના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમિઝી મીડિયા સાથે વાત કરતા કહે છે કે, "પાકિસ્તાનીઓને વિઝા નથી મળતા તે મુદ્દાને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિઝા મેળવવા માટે પાકિસ્તાનીઓ પાસે રિટર્ન ટિકિટ, હૉટલ બુકિંગ અને 3,000 દિરહામ પણ હોવા જોઈએ. જેમને જોતા જ લાગે કે તેમની પાસે વર્ક વિઝા નથી અને પર્યટન માટે પણ નથી જઈ રહ્યા, પરંતુ બીજા કોઈ કામ માટે જાય છે, તેમના પર પ્રતિબંધ મૂકવો જોઈએ."
પાકિસ્તાની રાજદૂતે કહ્યું હતું કે, "તમે જ્યાં રહો છો તે દેશના કાયદાનું તમારે સન્માન કરવું પડે. હું હંમેશા પાકિસ્તાનીઓને કહું છું કે સ્થાનિક કાયદાઓનો આદર કરો અને અહીં માત્ર કામ કરવા પર ધ્યાન આપો."
પાકિસ્તાની મીડિયામાં પણ યુએઈના વિઝા ન મળવાને લઈને ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે.
યુએઈમાં પાકિસ્તાનના રાજદૂત ફૈઝલ નિયાઝ તિર્મીઝીએ તાજેતરમાં 'જિયો ન્યૂઝ'ને જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક મહિનાથી વિઝાને લઈને સમસ્યાઓ છે અને ઘણા લોકો વિઝાની રાહ જોઈ રહ્યા છે."
તેમણે કહ્યું કે, "વધતી ગુનાખોરી અને અન્ય કેટલાક વિવાદોને કારણે વિઝા પર સખતાઈ લાદવામાં આવી છે. ત્યારબાદ અમે આ મામલો યુએઈ સમક્ષ ઉઠાવ્યો છે."
પાકિસ્તાનના રાજદૂતે કહ્યું કે, "યુએઈમાં 50થી 55 ટકા લોકો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છે. અહીંની સ્થાનિક વસતી માત્ર 12 ટકા છે અને બહારના લોકોની વસતી 88 ટકા છે. યુએઈમાં ઘણા લોકો ગેરકાયદે રહે છે. અમે લોકોને અપીલ કરી છે કે આવી કોઈ વ્યક્તિ હોય તો તેમણે પોતાનાં ડૉક્યુમેન્ટ્સ વ્યવસ્થિત કરાવી લેવાં જોઈએ. આ માટે 31મી ઑક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે."
તેમણે કહ્યું કે, "યુએઈમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વસતી ખૂબ ઝડપથી વધી છે. આ એક કારણ હોઈ શકે છે. આ સિવાય પ્રદેશમાં થોડું અસંતુલન પણ છે. આ પ્રકારનાં ઘણાં કારણો છે."
ફૈઝલ નિયાઝે કહ્યું કે, "યુએઈએ અમને કહ્યું છે કે અહીં કેટલાક દેશોના લોકોની સંખ્યા વધુ પડતી છે. આપણે તેને વ્યવસ્થિત કરવી પડશે."
આ ઉપરાંત વિઝા ન મળવાના બીજા કેટલાંક કારણો પણ છે. જેમાં ભીખ માંગવા આવતા લોકો અને રાજકીય રીતે સક્રિય લોકોનો સમાવેશ થાય છે.
જિયો ન્યૂઝ અનુસાર યુએઈ જતા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
યુએઈમાં પાકિસ્તાનના રાજદૂતે આના વિશે કહ્યું કે, "કમનસીબે આ પણ સમસ્યાઓ છે જેના કારણે વિઝામાં મુશ્કેલી નડી રહી છે."
તેમણે કહ્યું કે, "લોકો અહીં આવે છે અને પછી યુએઈની આંતરિક નીતિઓની ટીકા શરૂ કરી દે છે. આ બધી બાબતોને યુએઈમાં ચલાવી લેવામાં આવતી નથી. કમનસીબે પાકિસ્તાન અને અન્ય કેટલાક દેશોના લોકોએ અહીં વિરોધપ્રદર્શનો કર્યાં હતાં. ત્યાર પછી બધાને યુએઈમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે."
પાકિસ્તાનના રાજદૂતે જણાવ્યું હતું કે, "યુએઈમાં પાકિસ્તાનીઓની વસ્તી બીજા નંબરે સૌથી વધુ છે, પરંતુ જેલમાં સૌથી વધુ લોકો પાકિસ્તાનના છે. આ ચિંતાનો વિષય છે."
પાકિસ્તાનના રાજદૂતે પાકિસ્તાનના લોકોના પહેરવેશ વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "પાકિસ્તાનથી લોકો જ્યારે યુએઈ આવે, ત્યારે તેમનો પહેરવેશ અહીંના મુજબ નથી હોતો. તે અહીંના કલ્ચર જેવું નથી હોતું. આ ઉપરાંત લોકો અહીં વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શૅર કરવા લાગે છે. યુએઈમાં આ બધું પસંદ કરવામાં નથી આવતું."
તેમણે કહ્યું કે, "પાકિસ્તાનના વ્યાવસાયિક લોકો કરતાં વધુ મજૂર વર્ગ વધારે યુએઈ જાય છે, જેના કારણે અહીં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેથી હવે મજૂરોના બદલે કુશળ કામદારોની જરૂર છે."
પાકિસ્તાન ઉપરાંત ભારત અને બાંગ્લાદેશના લોકો સામે સખતાઈના મામલે પાકિસ્તાની રાજદૂતે કહ્યું, "બાંગ્લાદેશના લોકો માટે સખતાઈ વધી ગઈ છે, પરંતુ પાકિસ્તાન સામે યુએઈ સરકાર જેટલી કડક છે એટલી ભારત સામે સખત નથી."
તેમણે કહ્યું, "આ ઉપરાંત મધ્ય એશિયાના કેટલાક દેશો સામે પણ સખતાઈ કરવામાં આવી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન