'ભારતીય સૈનિકોનું અપમાન ન કરવું જોઈએ' રાહુલ ગાંધીએ સૈનિકો માટે 'પીટાઈ' શબ્દ વાપરતા વિદેશ મંત્રીએ આપ્યો જવાબ
ભારતના વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે સોમવારે રાજ્યસભામાં અરુણાચલ પ્રદેશમાં ચીનના કથિત અતિક્રમણ અંગે ચર્ચા કરાવવાની માગ ફગાવાયા બાદ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે, આપણા સૈનિકો યાંગત્સેમાં 13 હજાર ફીટની ઊંચાઈ પર ઊભા છે અને સરહદની રક્ષા કરી રહ્યા છે. તેમનું સન્માન કરવું જોઈએ અને તેમના વખાણ કરવા જોઈએ. જયશંકરે હાલમાં ભારતીય સેના અંગેના કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી હતી જેમાં રાહુલ ગાંધીએ 'પીટાઈ' શબ્દ વાપર્યો હતો. જયશંકરે કહ્યું કે ભારતીય સૈનિકો માટે આવા શબ્દ ન વાપરવા જોઈએ.
જયશંકરે કહ્યું કે, “અમને રાજકીય ટીકા સામે કોઈ વાંધો નથી પરંતુ આપણે આપણા જવાનોનું અપમાન ન કરવું જોઈએ.મેં સાંભળ્યું છે કે મારે પણ મારી સમજણ વધારવાની જરૂર છે. જ્યારે હું જોવું છું કે કોણ સલાહ આપી રહ્યું છે, હું તેમનું સન્માન કરું છું.”
ગત અઠવાડિયે એક પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ તવાંગમાં ઘર્ષણ અંગે કહ્યું હતું કે , “આપણા જવાન સરહદ પર માર ખાઈ રહ્યા છે.”
કેન્દ્ર સરકાર પર ચીનની સરહદ પર તણાવને ઘટાડવા માટે યોગ્ય પગલાં ન લેવાના વિપક્ષના આરોપ વિશે જયશંકરે કહ્યું કે, “ જો અમે ચીન વિશે ન વિચારતા હોત તો કોઈ સરહદ પર ભારતીય સેના મોકલી? જો અમે ચીન વિશે ન વિચારતા હોત તો અમે શા માટે ચીન પર તણાવ ઘટાડવા અને પાછળ ખસવા માટે દબાણ કરી રહ્યા છીએ? અમે કેમ જાહેરમાં કહી રહ્યા છીએ કે અમારા સંબંધ સામાન્ય નથી?”