24 કલાક પાણી પૂરું પાડતું ગુજરાતનું પ્રથમ શહેર બનશે પાટનગર - BBC TOP NEWS
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના પ્રસંગે મંગળવારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગર માટે 24 કલાક વૉટર સપ્લાય પ્રોજેક્ટનું ઈ-ઉદ્ઘાટન કરાયું હતું.
આ કાર્યક્રમમમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હાજરી આપી હતી.
અહેવાલમાં રજૂ કરાયેલી માહિતી અનુસાર 229 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરના નાગરિકોને 24 કલાક નળવાળું પાણી મળી રહેશે.
આ પ્રોજેક્ટ અંગે વાત કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “ગાંધીનગરના લોકોની રોજિંદી પાણી માટેની જરૂરિયાત આશરે 150 લિટર છે. આ આયોજનમાં જરૂરિયાતને પહોંચી વળવાની પૂરતી યોજના ઘડાઈ છે.”
વિપક્ષ અને ખેડૂતોના વિરોધ બાદ પણ લોકસભામાં બે બિલ પસાર
ધ ટ્રિબ્યુન ઇન્ડિયા ડોટ કૉમના એક અહેવાલ અનુસાર સમગ્ર દેશમાં ખેડૂતોનાં વિરોધપ્રદર્શન બાદ પણ ચાલુ લોકસભાસત્રમાં વધુ બે કૃષિસંબંધિત બિલો પસાર કરી દેવાયા છે.
નોંધનીય છે કે NDA સરકારના સાથી પક્ષ શિરોમણિ અકાલી દળે આ બિલોનો વિરોધ કર્યો હતો. જે બાદ અકાલી દળનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ કૅબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.
નોંધનીય છે કે કૉંગ્રેસ સહિતના તમામ વિપક્ષી દળોએ આ બંને બિલોને ‘ખેડૂતવિરોધી’ ગણાવ્યા હતા.
ગુરુવારે ગૃહની કાર્યવાહી દરમિયાન ‘ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રમોશન ઍન્ડ ફેસિલિટેશન) બિલ, 2011’ અને ‘ફાર્મર્સ (ઍમ્પાવરમેન્ટ ઍન્ટ પ્રોટેક્શન) ઍગ્રિમૅન્ટ ઑન પ્રાઇસ અસ્યૉરન્સ ઍન્ડ ફાર્મ સર્વિસ બિલ, 2020.’ પાસ કરાયા હતા.
અમદાવાદના ડૉક્ટરો હડતાળ પર કેમ ઊતર્યા?
શહેરની SVP હૉસ્પિટલમાં કોરોનાકાળમાં ફરજ બજાવી રહેલા અનેક રેસિડન્ટ ડૉક્ટરો ગુરુવારે સવારે ટૂંકાગાળાની હડતાળ પર ગયા હતા.
કોરોના સામેની લડતમાં ખડેપગ રહેનાર SVPના ડૉક્ટરના પિતાને કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ ન થવા દેવાતાં વિવાદ સર્જાયો હતો.
અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર વિવાદ સર્જાયાના બે કલાક બાદ જ ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી હડતાળ સમેટી લેવાઈ હતી.
મળી રહેલી માહિતી અનુસાર દર્દી SVPમાં થર્ડ યર રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉક્ટરના પિતા હતા.
આથી એક રેસિડન્ટ ડૉક્ટરના પરિવારજનને દાખલ ન કરવાના સમાચાર વહેતા થયાની સાથે જ રોષે ભરાયેલા ડૉક્ટરોએ હડતાળ પાડી દીધી હતી. જે બાદમાં સમેટી લેવાઈ.
LAC પર પેટ્રોલિંગ કરતાં ભારતીય દળોને કોઈ નહીં અટકાવી શકે : રાજનાથ સિંહ
ગુરુવારે રાજ્યસભામાં ચીનવિવાદ અંગે વાત કરતાં દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ચીનની કથની અને કરનીમાં ફરક હોવાની વાત પર ભાર મૂક્યો હતો.
ઇન્ડિય એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર આ નિવેદનમાં કડક વલણ અખત્યાર કરતાં જણાવ્યું હતું કે, “પોતાના હિતમાં કોઈ મોટું અને કડક પગલું ભરવાથી ભારત પીછેહઠ નહીં કરે.”
“લદાખમાં આવેલી લાઇન ઑફ એક્ય્યુઅલ કંટ્રોલ એટલે કે LAC Kels ભારતીય દળોના પરંપરાગત અને વિગતવાર પેટ્રોલિંગને વિશ્વની કોઈ તાકાત નહીં રોકી શકે.”
બૉર્ડર પર ચીન સાથેની પરિસ્થિતિ અંગે લોકસભામાં નિવેદન આપ્યાનાં બે દિવસ બાદ રાજ્યસભાને સંબોંધતી વખતે રાજનાથ સિંહે કહ્યું હતું કે સરકાર 130 કરોડ દેશવાસીઓને એ વાતની ખાતરી આપે છે કે અમે ભારતનું શિશ નહી ઝૂકવા દઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો