અમેરિકાના લૉસ એંજલસમાં ભીષણ દાવાનળ, એક લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી, 50 અબજ ડૉલરના નુકસાનનો અંદાજ
ગત મંગળવારથી અમેરિકાના લૉસ એંજલસમાં કેટલાક પરા વિસ્તારોમાં ફાટી નીકળેલ ભારે દાવાનળથી સ્થાનિકો અને સરકાર માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે.
દાવાનળને કારણે હજારો લોકોને પોતાનાં ઘરો છોડવાની ફરજ પડી છે.
અગ્નિશામકદળના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખૂબ જ ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિને સાન્ટા એના પવનો અને અત્યંત સૂકા હવામાનની સ્થિતિએ વધુ વિકટ બનાવી દીધી હતી. અધિકારીઓના જણાવ્યાનુસાર હાલ આગ પર કાબૂ મેળવવાની કોઈ શક્યતા દેખાઈ નથી રહી.
નોંધનીય છે કે લૉસ એંજલસમાં સૌથી પહેલા મંગળવારે સ્થાનિક સમયાનુસાર સવારના સાડા દસ વાગ્યાની આસપાસ દાવાનળ ફાટી નીકળ્યાના સમાચાર મળ્યા હતા. પેલિસેડ્સ આગમાં 16 હજાર હેક્ટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.
આ સિવાય અન્ય ત્રણ ક્લસ્ટરમાં ફાટી નીકળેલ આગને ઇટન, હર્સ્ટ અને વુડલી, ઓલિવાસ અને હોલીવૂડ હિલ્સ ફાયર નામ અપાયાં છે.
નોંધનીય છે કે પેલિસેડ્સ ફાયર જ્યાં ફાટી નીકળ્યો એ સ્થળોની આસપાસ હોલીવૂડની હસ્તીઓનાં ઘરો આવેલાં છે, જે આગમાં પ્રભાવિત થયાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આમ, કુલ ચાર સ્થળે ફાટી નીકળેલી આગમાં હજારો એકર વિસ્તારમાં રહેતા હજારો લોકો પ્રભાવિત થયા છે. આ દાવાનળમાં અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુ થયાંના તેમજ એક હજાર સ્ટ્રક્ચર બળીને ખાખ થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે.
ચાર સ્થળે લાગેલી આગમાં પેલિસેડ્સ ખાતેની આગ અધિકારીઓના મત પ્રમાણે લૉસ એંજલસના ઇતિહાસમાં લાગેલી અત્યાર સુધી સૌથી ભયાનક અને નુકસાનકારક આગ સાબિત થઈ છે.
આ તમામ સ્થળોએ આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામકદળના કર્મચારીઓ હાલ પાણીની તંગી પણ અનુભવી રહ્યા છે.
હવામાનની માહિતી આપતી એજન્સી ઍક્યૂવેધરે અંદાજો મૂક્યો છે કે આ દાવાનળને કારણે કૅલિફોર્નિયામાં 52 અબજ ડૉલરથી 57 અબજ ડૉલર સુધીનું નુકસાન થયું હોય શકે છે.
એક માહિતી પ્રમાણે અત્યારસુધીમાં એક લાખ 37 હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન