ઇસ્લામિક બૅન્કઃ વ્યાજ વસૂલ્યા વિના કઈ રીતે કમાણી કરે છે?
- લેેખક, એંજલ બર્મુડ્ઝ
- પદ, બીબીસી સંવાદદાતા
કોઈ પણ પરંપરાગત બૅન્કમાં નાણાકીય વ્યવહાર કરતી વખતે વ્યાજનો દર બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ઇસ્લામિક બૅન્કિંગમાં વ્યાજ જેવું કંઈ હોતું જ નથી.
બચતકર્તા અને રોકાણકારો જ્યારે પરંપરાગત બૅન્કમાં જાય, ત્યારે તેમને એ જાણવામાં રસ હોય છે કે તેઓ જે રકમ જમા કરશે તેના પર કેટલું વ્યાજ મળશે. જ્યારે લોન લેનારાઓને એ જાણવું હોય છે કે તેમણે કેટલું વ્યાજ ભરવું પડશે.
જોકે, ઇસ્લામિક બૅન્કમાં વ્યાજ લેવામાં પણ નથી આવતું, અને ચૂકવાતું પણ નથી. હકીકતમાં તેમાં વ્યાજની મનાઈ હોય છે.
આ પ્રકારની સંસ્થાઓ શરિયાના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે જે મુસ્લિમોના જીવનનું નિયમન કરતા કાયદા છે.
તેમાંથી બીજા સિદ્ધાંતો પણ અલગ તરી આવે છે. જેમકે પૈસાથી કોઈ નુકસાન થવું ન જોઈએ.
યુકેની સેન્ટ્રલ બૅન્ક અને પશ્ચિમી નાણાકીય સંસ્થાઓ પૈકીની એક બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે, "તેના કારણે ઇસ્લામિક નાણાકીય સેવાઓ આલ્કોહૉલ, તમાકુ કે જુગાર જેવી ચીજોમાં રોકાણ કરતી નથી." બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે તાજેતરમાં ઇસ્લામિક ફાઇનાન્સ માટે પોતાના દરવાજા ખોલ્યાં છે.
પરંતુ વ્યાજ વસૂલવા પર પ્રતિબંધ મૂકવાનું કારણ શું છે?
નાણાં અને વાસ્તવિક અર્થતંત્ર આઈઈ યુનિવર્સિટી (સ્પેન) ખાતે ઇસ્લામિક ફાઇનાન્સના પ્રોફેસર સેલિયા ડી અંકા જણાવે છે કે માત્ર ઇસ્લામમાં વ્યાજની મનાઈ છે એવું નથી, પશ્ચિમમાં પણ તેનાં મૂળ રહેલાં છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે, "યહુદી-ખ્રિસ્તી અને ઇસ્લામિક બંને પરંપરાઓમાં વ્યાજની મનાઈ હતી. સ્પેન અને ફ્રાંસ જેવા દેશોમાં હજુ પણ બેફામ વ્યાજખોરી વિરુદ્ધ કાયદા છે. આ ત્રણેય ધર્મમાં વધુ પડતા વ્યાજ પર હંમેશાંથી પ્રતિબંધ રહ્યો છે. પરંતુ કેટલા વ્યાજને વધારે પડતું વ્યાજ કહેવાય? મુસ્લિમો માટે કોઈ પણ પ્રકારનું વ્યાજ વધુ પડતું કહેવાય. તેથી બધા વ્યાજ પર પ્રતિબંધ છે."
ડી એન્કા કહે છે કે પશ્ચિમી પરંપરામાં પણ વ્યાજ પર પ્રતિબંધ હતો જેને વર્ષો સુધી આકાર આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ દુનિયાના ઘણા ભાગોમાં ઊંચી વ્યાજખોરી સામે કાયદા ઘડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઇસ્લામિક બૅન્કિંગમાં એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે કે વાસ્તવિક અર્થતંત્રને લગતી પ્રવૃત્તિમાંથી નાણાકીય લાભ મળે.
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પોતાની વેબસાઈટ પર લખે છે, "ઇસ્લામિક ફાઇનાન્સ એવા ભરોસા પર આધારિત છે કે પૈસાની પોતાની કોઈ કિંમત હોવી ન જોઈએ. તે માત્ર એવી ચીજવસ્તુઓ અને સેવાના આદાનપ્રદાનનું માધ્યમ છે જેની એક કિંમત હોય છે."
"બીજા શબ્દોમાં કહીએ તો પૈસાથી પૈસા કમાવાનું શક્ય હોવું ન જોઈએ. તેનો અર્થ એ થયો કે શક્ય હોય ત્યાં સુધી વ્યાજ વસૂલવાનું કે ચૂકવવાનું ટાળવું જોઈએ."
ડી એન્કા જણાવે છે કે સેન્ટ થૉમસ ઍક્વિનાસ જેવી ખ્રિસ્તી ધર્મની મહત્ત્વની હસ્તીઓના કિસ્સામાં પણ વ્યાજની મનાઈનો સિદ્ધાંત જોવા મળે છે.
મૅક્સિકોના પ્રોફેસર અને સંશોધનકર્તા હૅક્ટર ઝાગલ અરેગુઈનના શબ્દોમાં કહીએ તો, "સેન્ટો ટૉમસ સ્વીકારે છે કે દરેક વસ્તુનો પોતાનો હેતુ અને એક વિનિમય મૂલ્ય હોય છે. જોકે, તેઓ પૈસાને એક વિનિમયની વસ્તુ તરીકે માને છે જેનું વર્તમાન મૂલ્ય મધ્યસ્થતા વગર આગળ નથી વધી શકતું અને તે કામ પાર પાડવાની ભૂમિકા ભજવે છે."
ઇસ્લામિક સંસ્કૃતિમાં જે રૂપિયો વાસ્તવિક અર્થતંત્રમાંથી ન આવતો હોય, પરંતુ કોઈ પણ મહેનત કર્યા વગર, સટ્ટાખોરીમાંથી આવ્યો હોય, તેની પણ મનાઈ છે.
વ્યાજની મનાઈ છે, નફો કરવાની નહીં
ઇસ્લામિક બૅન્કો વ્યાજ નથી વસૂલતી. તેથી તેણે કામકાજની અલગ પદ્ધતિ અપનાવવી પડે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે તે ખોટ ખાઈને અથવા નફો કર્યા વગર કામ કરી શકે છે.
ડી એન્કા કહે છે, "વ્યાજ એક વસ્તુ છે અને નફો બીજી વસ્તુ છે. ઇસ્લામિક બૅન્કિંગમાં નફાની ચોક્કસપણે હિમાયત કરવામાં આવે છે. આ ઉપરાંત ઈસ્લામિક દુનિયામાં એક વાણિજ્ય પરંપરા છે, તે હંમેશાં વ્યાપાર સાથે નિકટતાથી સંકળાયેલ છે. ઉદાહરણ તરીકે મધ્યકાલિન યુગમાં તે કારવાં સાથે સંકળાયેલ હતી."
"અને જ્યારે નફાની વાત આવે ત્યારે તેમાં પ્રમાણભાનની નૈતિકતા નથી હોતી, જે કદાચ કૅથલિકમાં હોય છે. આપણે નફા વિશે વાત કરીએ છીએ અને જેટલો વધુ નફો, એટલું સારું. પરંતુ આ નફો નિયમો આધારિત હોવો જોઈએ."
ઉદાહરણ તરીકે બૅન્કો વૅન્ચર કૅપિટલની પદ્ધતિથી કૉમર્શિયલ ખરીદી અને વેચાણની કામગીરી અથવા ઉત્પાદક પ્રોજેક્ટને ફાઈનાન્સ કરી શકે છે. એટલે કે તેમાં જે નફો અથવા નુકસાન થાય તેમાં સંસ્થાની ભાગીદારી રહેશે.
ડી એન્કા જણાવે છે, "બૅન્ક કોઈ પ્રોજેક્ટમાં પોતાની મૂડી રોકી શકે છે અને તેમાં ઉત્પાદન થાય તેમ નફો મળે છે, અથવા તો છેલ્લે નફાની વહેંચણી થાય છે. આ વિતરણ 50-50 ટકા હોવું જરૂરી નથી. તે 80-20ના ગુણોત્તરમાં પણ હોઈ શકે અથવા તેનાથી ઊંધું પણ હોઈ શકે. તેનો આધાર કોણે કેટલું યોગદાન આપ્યું તેના પર રહેલો છે."
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ મુજબ, "ઇસ્લામિક ફાઈનાન્સમાં ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી નફો અને જોખમમાં ભાગીદારી હોવી જોઈએ. પછી તે બે વ્યક્તિ વચ્ચે હોય, એક વ્યક્તિ અને એક કંપની વચ્ચે હોય, કે પછી બે કંપનીઓ વચ્ચે હોય."
સામાન્ય વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં પણ આ જ સિદ્ધાંત લાગુ થાય છે.
ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ કોઈ ઇસ્લામિક બૅન્કમાં બચત ખાતું ખોલે છે, તો તેમને ત્યાં જમા કરેલી મૂડી પર વ્યાજ નહીં મળે. પરંતુ બૅન્કે તે ભંડોળનું જ્યાં રોકાણ કર્યું હોય, તેમાંથી જે નફો મળે, તેમાં ખાતેદારને નફામાં હિસ્સો મળી શકે છે.
જે લોકોને ઘર ખરીદવા માટે બૅન્ક પાસેથી ઋણ લેવાની જરૂર પડે છે, તેમના કિસ્સામાં આવું કરવાના ઘણા સંભવિત રસ્તા છે તેમ ડી એન્કા જણાવે છે.
1. બૅન્ક સંપત્તિ ખરીદે છે અને પછી વ્યક્તિ સંપત્તિની રકમ ચૂકવે નહીં ત્યાં સુધી બૅન્ક તેને ભાડાં પર આપી દે છે.
2. સંસ્થા અને વ્યક્તિ ભાગીદારીમાં ઘર ખરીદે છે. ત્યાર પછી ગ્રાહક તેને ભાડે આપી દે છે અને બૅન્કને તે ભાડામાંથી મળતા નફાનો એક હિસ્સો ત્યાં સુધી આપે છે. એક નિશ્ચિત થયેલા સમય સુધી આ ચાલે છે અને પછી તે વ્યક્તિ ઘરની એકમાત્ર માલિક બને છે.
3. બૅન્ક ઘર ખરીદે છે અને પોતાના ખર્ચ અને નફાને કવર કરવા માટે કમિશન ઉમેરીને તે વ્યક્તિને ફરીથી ઊંચી કિંમતે વેચે છે.
છેલ્લે જણાવેલી પદ્ધતિને ઘણા પશ્ચિમી દેશોમાં લાગુ કરવાનું ઘણાં કારણોથી મુશ્કેલ છે. કારણ કે જે જગ્યાએ સેલ્સ ટૅક્સ લાગે છે, ત્યાં તેમણે બેવડા વેરાનો બોજ ઉપાડવો પડી શકે છે. (બૅન્ક મકાન ખરીદે અને વ્યક્તિ બૅન્ક પાસેથી મકાન ખરીદે ત્યારે બે વખત ટૅક્સ લાગે છે.) તેના કારણે ફાઇનલ કિંમત ઘણી વધી જાય છે.
જોકે, ડી એન્કા જણાવે છે કે યુકે જેવી કેટલીક જગ્યાઓ પર કાનૂની ઍડ્જસ્ટમૅન્ટ કરવામાં આવ્યું છે જેથી માત્ર એક વખત ટૅક્સ ચૂકવવો પડે. તેમાં એ વાતને ધ્યાનમાં રખાય છે કે બૅન્ક માત્ર ઋણ આપવા માટે એક મધ્યસ્થી તરીકે કામ કરે છે.
એક વિકસતું સૅક્ટર
ઇસ્લામિક ફાઇનાન્સ પ્રાચીન શરિયા સિદ્ધાંતો મુજબ કામ કરે છે. પરંતુ ડી એન્કા કહે છે કે ઇસ્લામિક બૅન્કિંગ વાસ્તવમાં પ્રમાણમાં નવી અને આધુનિક પ્રણાલી છે.
નિષ્ણાતો કહે છે કે, "ઇસ્લામિક બૅન્કોનો વિકાસ 1950 અને 1960ના દાયકામાં પાકિસ્તાન અને ઇજિપ્તમાં કેટલાક પ્રયાસ સાથે થયો હતો. પરંતુ 1970માં ઑઇલ માર્કેટની તેજી પછી તેનો ખાસ વિકાસ થયો હતો."
"એવા ઘણા લોકો છે જેમની પાસે પુષ્કળ મૂડી છે અને તેઓ ઇસ્લામિક પદ્ધતિથી, વ્યાજ વગર પોતાની મૂડીનું સંચાલન કરવા માટે મૅનેજરોને જણાવે છે."
આ રીતે તેમને લાગે છે કે આ એક એવી ચળવળ છે જે લોકોની આવશ્યકતાઓથી પ્રેરિત થઈને નીચેથી ઉપર તરફ જાબૅય છે.
તેઓ કહે છે, "એવા લોકો તરફથી પુષ્કળ માંગ હતી જેઓ ઇસ્લામિક મૂલ્યો મુજબ પોતાનાં નાણાં રોકવા અને કમાવા માગતા હતા. તેથી આ એક એવો ઉદ્યોગ છે જે તે માંગનો જવાબ આપવા માટે સાધનો પૂરા પાડવા માટે સક્ષમ છે."
નિષ્ણાતોના કહેવા પ્રમાણે શરિયાનું પાલન થાય તેવી નાણાકીય સેવાઓની વૃદ્ધિ થવાથી દુનિયામાં બૅન્કિંગના સ્તરને આગળ વધારવામાં મદદ મળી છે.
તેઓ કહે છે, "ઇસ્લામિક બૅન્કોમાં મોટા ભાગની બૅન્કો પરંપરાગત છે. તેના કારણે જ એક મોટો વર્ગ એવો છે જે ક્યારેય બૅન્કો સુધી જવા માગતો ન હતો અથવા બૅન્કિંગ સેવાઓ મેળવતો ન હતો, કારણ કે આ બૅન્કો તેમના ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધ કામ કરતી હતી."
તેઓ કહે છે કે આ કારણથી જ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં મોટી સંખ્યામાં લોકો બૅન્કિંગ સુવિધા વગરના હતા. પરંતુ હવે ઇસ્લામિક બૅન્કિંગના કારણે આવા લોકોની સંખ્યા ઘટી રહી છે.
2022ના આંકડા પ્રમાણે વિશ્વભરમાં ઈસ્લામિક સિદ્ધાંતો મુજબ સંચાલિત નાણાકીય સંપત્તિનું મૂલ્ય લગભગ 4.5 ટ્રિલિયન અમેરિકન ડૉલર જેટલું હતું અને 2027 સુધીમાં તે વધીને 6.7 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાની શક્યતા છે. આ આંકડા ચાલુ વર્ષે સ્પેન સ્થિત ઇસ્લામિક ફાઇનાન્સના સંગઠન એસસીઆઈઈએફ-કાસા અરબ દ્વારા જાહેર કરાયા છે.
તેમાંથી 70 ટકા કરતાં વધારે સંપત્તિનું સંચાલન ઇસ્લામિક બૅન્કિંગના માધ્યમથી કરવામાં આવે છે જે પહેલેથી 77 દેશોમાં હાજરી ધરાવે છે.
મોટા ભાગની ઇસ્લામિક નાણાકીય સંપત્તિ આરબ દેશોની સહયોગ પરિષદના સભ્ય દેશો (53.60 ટકા) ખાતે કેન્દ્રિત છે. ત્યાર પછી દક્ષિણ પૂર્વ એશિયા (23.30 ટકા), મધ્ય-પૂર્વ અને દક્ષિણ એશિયા (18.60 ટકા) દેશોમાં આવેલ છે. તેમાં આફ્રિકા અને યુરોપ પણ જોવા મળે છે. પરંતુ તેમની સંપત્તિનું પ્રમાણ અનુક્રમે માત્ર 2.7 ટકા અને 1.7 ટકા છે.
આ રિપોર્ટમાં લેટિન અમેરિકાનો ઉલ્લેખ નથી.
કન્સલ્ટિંગ કંપની દીનાર સ્ટાન્ડર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા "ઇસ્લામિક અર્થતંત્રની વૈશ્વિક પરિસ્થિતિના અહેવાલ 2023-2024" મુજબ મૅક્સિકો સુકુક (શરિયા નિયમોનું પાલન કરતા એક પ્રકારના બોન્ડ) બહાર પાડવાની વિચારણા કરે છે. એટલે કે તે ઇસ્લામિક ફાઇનાન્સના વિશ્વમાં પ્રવેશ કરી શકે છે.
જોકે, લેટિન અમેરિકામાં ટૂંક સમયમાં કોઈ ઇસ્લામિક બૅન્ક શરૂ થાય તેવી શક્યતા પાંખી છે.
આઈઈ યુનિવર્સિટીમાં ઇસ્લામિક ફાઇનાન્સ અને ઈકૉનૉમિક્સના પ્રોફેસર અને આઈઈ યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર ઇસ્લામિક ઈકોનોમિક્સ ઍન્ડ ફાઇનાન્સના બોર્ડ મેમ્બર ગોન્ઝાલો રોડ્રીગ્સ મારિન કહે છે, "લેટિન અમેરિકામાં કોઈ ઇસ્લામિક બેન્ક નથી અને આવું થવાની આશા પણ નથી."
તેઓ જણાવે છે કે આ પ્રદેશમાં આ પ્રકારની નાણાકીય સંસ્થાઓ સ્થાપિત થવાની શક્યતા ઓછી છે અને તેનાં બે મુખ્ય કારણો છે.
તેઓ કહે છે, "એક તરફ આ પ્રદેશમાં એટલી મુસ્લિમ વસતી નથી કે ઇસ્લામિક બૅન્ક સ્થાપિત કરવા માટે જરૂરી ડિમાન્ડ પેદા કરી શકાય. બીજું, ઇસ્લામિક બૅન્કોની કામગીરી શરૂ કરવા માટે વિશિષ્ટ કાયદાકીય ઍડ્જસ્ટમૅન્ટની જરૂર પડે છે અને તેના માટે રાજકીય ઇચ્છાશક્તિની જરૂર પડે છે. તેમાં નાગરિકોને આ અનુકૂલન સમજાવવાનો પ્રયાસ કરવો પડશે. લેટિન અમેરિકાના રાજકીય પક્ષોના એજન્ડામાં આ વાત સામેલ નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન