ચીને જ્યારે ભારતીય સૈન્ય પર ઘેટાં ચોરવાનો આરોપ લગાવ્યો અને વાજપેયી ગાડર લઈને ચીની દૂતાવાસે પહોંચી ગયા

દિલ્હી પોલીસના જવાનો મૂકપ્રેક્ષક બની રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી પોલીસના જવાનો મૂકપ્રેક્ષક બની રહ્યા
  • લેેખક, જયદીપ વસંત
  • પદ, બીબીસી ગુજરાતી માટે

2022ના ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં અરૂણાચલ  પ્રદેશમાં ભારત-ચીનની સરહદ બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણના અહેવાલ આવ્યા હતા, જેમાં બંને પક્ષે ઈજા પહોંચી હતી.

આ મામલે બંને દેશોનાં વિદેશ મંત્રાલયોએ મહદંશે માહિતી આપવાની જ ભૂમિકા ભજવી, જેના કારણે કૂટનીતિનાં કડવાં પ્રકરણોમાં વધુ એક અધ્યાય ઉમેરાતા રહી ગયો. જોકે, એશિયાના બે મોટા દેશો વચ્ચે હંમેશાં આવું નથી બન્યું.

2024ની વાત કરીએ તો બંને દેશોના અધિકારીઓની મુલાકાત પછી ભારત-ચીન સંબંધો સુધર્યાં હોવાનું બંને દેશો સંકેતો આપી રહ્યા છે.

પરંતુ 1962માં ચીન સામેના યુદ્ધમાં પરાજય પછીના પાંચ વર્ષ  દરમિયાન અનેક એવા મુકામ આવ્યા કે જ્યારે બંને દેશો વચ્ચે કૂટનીતિક તણાવ વધી જવા પામ્યો હતો.

એક તબક્કે તો દેશોના રાજદૂતોની સામ-સામે અપમાનજનક રીતે હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયીએ પણ ઘેટા લઈને ઝંપલાવ્યું હતું, જેમનો 25 ડિસેમ્બરે જન્મદિવસ છે.

ડ્રૅગનનું હથિયાર ઘેટાં

2003માં વાજપેયીએ બીજિંગની મુલાકાત લીધી, ત્યારે પણ સરહદ પર તણાવ ઊભો થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2003માં વાજપેયીએ બીજિંગની મુલાકાત લીધી

ઑગસ્ટ-1965માં પાકિસ્તાની સેના, અર્ધલશ્કરી દળો તથા અન્ય સશસ્ત્રબળોમાંથી ચુનંદા સૈનિકોને સાદા વેશમાં ભારતમાં મોકલવામાં આવ્યા હતા. તેને 'ઑપરેશન ગિબ્રાલ્ટર' એવું નામ આપવામાં આવ્યું હતું. આ સૈનિકો ભારતમાં ઘૂસી અને હાહાકાર મચાવે અને ભારતીય સૈનિકો તથા સૈન્યમથકોને નિશાન બનાવે.

બે મહિનામાં ભારતીય સેનાએ આ યોજનાને નિષ્ફળ બનાવી દીધી, પરંતુ ઘૂસણખોરોને કાબૂમાં કરવા માટે ભારતીય સૈનિકોએ ખૂબ જ મહેનત કરવી પડી હતી. આજ અરસામાં ચીને પૂર્વનો મોરચો ખોલ્યો હતો.

ચીન દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો કે સિક્કીમમાં ભારતીય સેનાએ ઘેટાં ચોરી લીધાં છે. એ સમયે ભારતના ચીન ડૅસ્કના અંડર સૅક્રેટરી અને નિવૃત્ત ઇન્ડિયન ફોરેન સર્વિસ ઑફિસર કિશન રાણા તેમના પુસ્તક 'ડિપ્લૉમસી ઍટ ધ કટિંગ ઍજ'માં (84-85) લખે છે :

'ચીને આરોપ મૂક્યો હતો કે ભારતીય સેનાએ 800 ઘેટાં અને 59 યાક ચોરી લીધાં છે. જો 72 કલાકમાં તેને પરત કરવામાં ન આવે તો 'ગંભીર પરિણામો' આવશે, એવી ચેતવણી આપવામાં આવી હતી. જોકે, આ ગંભીર પરિણામો શું હશે તેના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પાછળથી એ ડેડલાઇનને 48 કલાક માટે લંબાવવામાં આવી હતી.'

'એ સમયે કેઆર નારાયણન (જેઓ આગળ જતાં ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા) ચીન ડેસ્કના ડાયરેક્ટર હતા. તેમણે રાત્રે બે વાગ્યે ચીનના 'ચાર્જ દ અફેયર્સ'ને મળવા બોલાવ્યા. એ  સમયે જ ચીને આપેલી મુદ્દત પૂરી થઈ રહી હતી.'

'સામાન્ય રીતે વિદેશ મંત્રાલયની બહાર સશસ્ત્ર પહેરેદારો ન રહેતા, પરંતુ એ રાતે ગોઠવવામાં આવ્યા હતા. રાત્રે દોઢ વાગ્યે તેમને સૂચના આપવામાં આવી હતી કે રાત્રે બે વાગ્યે ચીનના વિદેશ મંત્રાલયના અધિકારીઓને અંદર આવવા દેવામાં આવે. એ બેઠક સવારે ત્રણ વાગ્યા અને 40 મિનિટ સુધી ચાલી. તેમાં પરસ્પર આરોપ-પ્રતિઆરોપ થયા, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો.'

રાણા લખે છે કે ભારતીય સેના, ખુદ વડા પ્રધાન તથા અન્ય કેટલાકને લાગતું હતું કે ચીન કોઈને કોઈ વાહિયાત બહાના હેઠળ તિબેટનો સૈન્યમોરચો ખોલવા માગે છે, પરંતુ અમને કોઈને અંદાજ નહતો કે પૅકિંગમાં (હાલનું બીજિંગ) બધા 'સાંસ્કૃતિક ક્રાંતિ'ની વાતો કરવામાં વ્યસ્ત હતા અને વિદેશમાં શું થાય, તે જોવાની ત્યાં કોઈને ફુરસદ પણ ન હતી.

વાજપેયીનું સાધન ઘેટાં

1967માં ચીન સાથેની અથડામણ દરમિયાન મૃત્યુ પામેલા ભારતીય સૈનિકોના પાર્થિવદેહોને ભારત લાવવામાં આવ્યા, તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1967માં ચીન સાથેની અથડામણ દરમિયાન મૃત્યુ પામેલા ભારતીય સૈનિકોના પાર્થિવદેહોને ભારત લાવવામાં આવ્યા

નિવૃત્ત સૈન્યઅધિકારી મેજર પ્રોબાલ દાસગુપ્તાએ 1967માં ભારત-ચીન વચ્ચેની સશસ્ત્ર લડાઈઓના પાયામાં રહેલી ઘટનાઓ, એ લડાઈ તથા તેનાં પરિણામોની ત્રિવિધ છણાવટ કરતું પુસ્તક 'વૉટરશૅડ 1967' લખ્યું છે. જેના ત્રીજા પ્રકરણમાં તેમણે ચીનના ઘેટાચોરીના આરોપો વિશે વાત કરી છે. મેજર (રિટાયર્ડ) પ્રોબલ લખે છે :

29 મેના (1965) રોજ ચીનના કબજાવાળા તિબેટમાંથી બે મહિલા તક જોઈને સરહદ પાર કરીને સિક્કિમ પહોંચી ગઈ હતી. અહીં તેમણે તિબેટમાં પ્રવર્તમાન દુષ્કર પરિસ્થિતિ વિશે પોલીસને ફરિયાદમાં જણાવ્યું. જોકે, ચીનનું કહેવું હતું કે ભારતે ચાર ગાડરિયાં સહિત ઘેટા-યાકનું અપહરણ કર્યું છે. ભારતીય મીડિયામાં ચીનના આરોપોને વ્યાપક સ્થાન મળ્યું.

ભારતના વિદેશમંત્રાલયે સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે 'જો કોઈ સરહદ પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશ્યું છે, તો તેઓ પરત ફરવા માટે સ્વતંત્ર છે.'

24મી સપ્ટેમ્બરે ભારતીય જનસંઘના સંસદસભ્ય અટલ બિહારી વાજપેયીએ ચીનના ઘેટાચોરીના આરોપોનો અલગ રીતે જવાબ આપવાનું નક્કી કર્યું. તેઓ 800 ઘેટાં અને દેખાવકારોને નવી દિલ્હીમાં ચીનની ઍમ્બેસી ખાતે દોરી ગયા. 'અમને ખાઈ જાવ, પરંતુ વિશ્વને બચાવી લો !' જેવા પ્લાકાર્ડને કારણે ભારતમાં તહેનાત ચીનના અધિકારીઓ ખૂબ જ નારાજ થયા હતા. ચીનના વિદેશમંત્રાલય દ્વારા કડક શબ્દની નોટ મોકલવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું :

'ભારત એવું દેખાડવા માગે છે કે અમુક ઘેટાં અને યાક માટે ચીન વિશ્વયુદ્ધ શરૂ કરવા માગે છે. વાસ્તવમાં ચીન-સિક્કિમ સરહદ પરથી અપહ્યત કરાયેલાં ઢોર-ઢાંખર, ગાડર તથા દબાણ કરાયેલી જમીન ભારતે પરત કરી દેવી જોઈએ. ભારતીય સૈનિકો અમારા સતર્ક સૈનિકોથી બચી નહીં શકે.'

હળવી રીતે ચીનને જવાબ આપવાનો વાજપેયીનો દાવ બંને દેશો વચ્ચે કૂટનીતિક ચડભડમાં પરિણામ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે પણ વળતો જવાબ આપ્યો અને લખ્યું કે 'દેખાવો ઉપર ટિપ્પણી કરીને ચીન ભારતની આંતરિક બાબતોમાં દખલ દઈ રહ્યું છે. ચીનમાં રાજકીય સ્વતંત્રતા નથી, પરંતુ ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.'

38 વર્ષ પછી વર્ષ 2003માં વાજપેયી ભારતના વડા પ્રધાન હતા અને તેમણે ચીનની રાજધાની બીજિંગની મુલાકાત લીધી હતી. એ સમયે પણ દેશની સરહદ ઉપર બંને દેશોની વચ્ચે ઘર્ષણના અહેવાલ આવ્યા હતા.

પૅકિંગમાં થયો આઘાત

સપ્ટેમ્બર-1967માં  દિલ્હી ખાતે સિક્કિમના તત્કાલીન રાજા-રાણીને ઍરપૉર્ટ પર આવકારી રહેલાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર-1967માં  દિલ્હી ખાતે સિક્કિમનાં તત્કાલીન રાજા-રાણીને ઍરપૉર્ટ પર આવકારી રહેલાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધી

મેજર દાસગુપ્તાએ તેમના પુસ્તકના છઠ્ઠા પ્રકરણમાં બંને દેશ વચ્ચેના વધુ એક ડિપ્લૉમેટિક તણાવ વિશે લખે છે. ભારતીય વિદેશસેવાના અધિકારી કૃષ્ણન રઘુનાથ તથા તેમના સહકર્મી પી. વિજય 4 જૂન, 1967ના દિવસે વેસ્ટર્ન હિલ્સમાં 'સ્લિપિંગ બુદ્ધા'ની પ્રતિમા જોવા માટે ગયા. રઘુનાથ વર્ષ 1962ની બૅચના વિદેશસેવાના અધિકારી હતા.

તેઓ રસ્તામાં એક જગ્યાએ ખંડેર જેવા જૂના મંદિરની તસવીર લઈ રહ્યા હતા, ત્યારે તેમને ચીનના ગાર્ડ્સે અટકાવ્યા અને પ્રતિબંધિત સ્થળની તસવીર લેવાનો આરોપ મૂક્યો. રઘુનાથે સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ રાજદૂત છે અને જાસૂસી કરવાનો તેમનો ઈરાદો ન હતો. તેમને જાસૂસીના આરોપોમાં પકડી લેવામાં આવ્યા.

રઘુનાથને મળેલી ડિપ્લૉમેટિક ઇમ્યુનિટી તત્કાળ ખતમ કરી દેવામાં આવી અને પી. વિજય પદભાર સંભાળે તે પહેલાં જ તેમને 'પર્સોના નૉન ગ્રાટા' (અવાંછિત વ્યક્તિ) જાહેર કરી દેવામાં આવ્યા.13 જૂનના રોજ પૅકિંગ મ્યુનિસિપલ પીપલ્સ હાયર કૉર્ટમાં ભારતના રાજદ્વારીઓ સામે જાસૂસીનો ખટલો ચલાવવામાં આવ્યો.

લગભગ 15 હજાર લોકો આ કેસ જોવા ઊમટી પડ્યા હતા. અદાલતે કે. રઘુનાથને તત્કાલ દેશ છોડી દેવાનો આદેશ આપ્યો, જ્યારે પી. વિજયને ત્રણ દિવસની મુદ્દત આપવામાં આવી હતી. ભારતીય અખબાર ધ હિંદુએ 'પૅકિંગ ઍરપૉર્ટ પર ભારતીય રાજદ્વારીઓ સાથે દુર્વ્યવહાર'ના મથાળા સાથે અહેવાલ છાપ્યો.

'બંને અધિકારીઓ અંગે અલગ-અલગ આદેશ હોવા છતાં બંને બીજા દિવસે સવારે પૅકિંગ ઍરપૉર્ટ પર લઈ જવામાં આવ્યા. જ્યાં મોટી સંખ્યામાં લોકો રાજદૂતોનું અપમાન કરવા માટે ઊભા હતા. રેડ ગાર્ડ્સે રાજદ્વારીઓને લાત-મુક્કા માર્યાં. જ્યારે ભારતીય દૂતાવાસના કર્મચારીઓએ ઘેરો ઘાલીને બંને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો.'

'રેડગાર્ડ્સની વચ્ચેથી રઘુનાથ પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પર થૂંકવર્ષા પણ થઈ. વિજયને બોચીએથી પકડીને પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ધક્કામુક્કીમાં તેમનાં જૂતાં ફાટી ગયાં અને માત્ર મોજામાં તેમણે  પ્રવાસ ખેડવો પડ્યો.'

જ્યારે આ રાજદૂતો દિલ્હીના પાલમ ઍરપૉર્ટ પર પહોંચ્યા, ત્યારે ભારતીય જનસંઘના કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું, જાણે કે તેઓ કોઈ જંગ જીતીને આવ્યા હોય.

દિલ્હીમાં થયો પ્રત્યાઘાત

નહેરૂ

યુવા વડાં પ્રધાન ઇંદિરા ગાંધી પર તત્કાળ કંઇક કરી દેખાડવાનું દબાણ વધી ગયું હતું. વર્તમાન બીજિંગ ખાતેના ભારતીય રાજદૂતાલયે ચીનના વિદેશ મંત્રાલયને પત્ર લખીને પોતાના અધિકારીઓ સાથે કરવામાં આવેલા વ્યવહાર અંગે વાંધો વ્યક્ત કર્યો અને બંનેની કથિત સ્વીકારોકત્તિને રેકર્ડ કરીને તેનો ભારતના વિરોધમાં પ્રૉપગૅન્ડા તરીકે ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂક્યો.

વળતી કાર્યવાહી કરતા દિલ્હી ખાતે ચીનના રાજદૂતાલયમાં પ્રથમ સચિવ ચેન લૂ-ચિહ ઉપર જાસૂસી તથા અનિચ્છનિય પ્રવૃત્તિ કરવાનો આરોપ મૂક્યો. તેમની ડિપ્લૉમેટિક ઇમ્યુનિટી છિનવી લેવામાં આવી.

ભારતે ખટલો ન ચલાવ્યો અને તેમને તત્કાળ દેશ છોડી જવાનું કહેવામાં આવ્યું. એ પછી ભારતે દિલ્હી ખાતેના ચીનના રાજદૂતાલયમાં તૃતીય સચિવ તરીકે તહેનાત સી ચેંગ-હાઓને પણ 'અવાંછિત વ્યક્તિ' જાહેર કર્યા અને તેમને 72 કલાકમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું.

પ્રોબાલ તેમના પુસ્તકમાં લખે છે કે સમગ્ર ઘટનાક્રમને કારણે ભારતીયોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. બીજા દિવસે ચીનના રાજદૂતાલયની બહાર ભીડ એકઠી થઈ ગઈ. બારીના કાચ તોડી નાખવામાં આવ્યા, ગૅરેજમાં આગ લગાડી દેવામાં આવી અને ચીનના ઝંડા ફાડી નાખવામાં આવ્યા.

આને કારણે ચીનની ઍમ્બેસીના સાત કર્મચારી ઘાયલ થયા, જેમને સારવાર માટે દિલ્હીની વિલિંગ્ટન હૉસ્પિટલમાં (હાલની રામ મનોહર લોહિયા હૉસ્પિટલ ) દાખલ કરવામાં આવ્યા.

જેવા સાથે તેવા

દિલ્હી ઍરપૉર્ટ ખાતે પણ કૂટનીતિક સંગ્રામનો એક અધ્યાય ભજવાયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી ઍરપૉર્ટ ખાતે પણ કૂટનીતિક સંગ્રામનો એક અધ્યાય ભજવાયો હતો

દિલ્હીમાં જે કંઈ બન્યું, તેના અપેક્ષા મુજબ જ દિલ્હીમાં પણ પડઘા ઝીલાયા. ચીનની સરકારે બીજિંગ ખાતે ભારતના 'શા દ અફેયર્સ' રામ સાઠેને જણાવવામાં આવ્યું કે ભારતીય દૂતાવાસમાં કામ કરનારાઓની સુરક્ષાની ખાતરી આપી શકાય તેમ નથી.

રાજદૂતાલયના પરિસરને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યું અને બારીઓના કાચ તોડી નાખવામાં આવ્યા. બાળકો અને મહિલાઓ સહિત 63 જણાં અંદર બંધક જેવી સ્થિતિમાં હતાં. ભારતીય રાજદૂતાલયમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની આપૂર્તિ અટકાવી દેવામાં આવી હતી.

તત્કાલીન પૅકિંગ ખાતેના પશ્ચિમી દેશોના અધિકારીઓએ ભારતીય રાજદૂતાલયમાં ફસાયેલાઓને મદદ કરવા માટેનો પ્રયાસ કર્યો,પરંતુ રેડ ગાર્ડ્સ અને પોલીસે જમવાનું અંદર સુધી પહોંચવા ન દીધું. રાજદૂતાલયમાં કામ કરનારાને ત્યાં પહોંચવા ન દીધા.

એ સમયે નીતિ નિયોજન સમિતિના અધ્યક્ષ અને આગળ જતાં ભારતીય વિદેશસચિવ બનેલા જગત એસ. મહેતાએ તેમના પુસ્તક 'ધ ટ્રિસ્ટ બિટ્રેઇડ'માં લખ્યું, "મેં ચીનના મિશન પ્રમુખને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા અને કહ્યું કે જો 24 કલાકની અંદર પૅકિંગ ખાતે ભારતીય રાજદુતાલયનો ઘેરો ખોલવામાં ન આવ્યો તો તમે જેવું અમારી સાથે કર્યું, એવું જ અમે તમારી સાથે કરીશું."

ભારતે ચીનના રાજદુતાલયની બહાર સશસ્ત્ર સૈનિકોને મોકલી દીધા. ચીનના રાજદ્વારીઓને બહાર નહીં નીકળવાના નિર્દેશ આપવામાં આવ્યા. આ સિવાય ત્યાં કામ કરતા ભારતીય કર્મચારીઓને પણ અંદર જવા દેવામાં ન આવ્યા.

મહેતા લખે છે કે ચીને તેના ઘાયલ કર્મચારીઓને બહાર કાઢવા માટે નવી દિલ્હી વિશેષ વિમાન પૂર્વ પાકિસ્તાનના (હાલનું બાંગ્લાદેશ) રસ્તે મોકલવાનું કહ્યું. જો ભારતના વિમાનને બીજિંગ ઊતરવા દેવામાં આવે તો ચીનના વિમાનને ભારતમાં ઊતરવા દેવાની મંજૂરી આપવાની વાત ભારતે કહી. આ માટે દિલ્હી ખાતેના ચીનના રાજદુતાલયને બદલે સીધો જ ચીનના વિદેશ મંત્રાલયને 'અનકોડૅડ ટેલિગ્રામ' મોકલવામાં આવ્યો.

મહેતા તેમના પુસ્તકમાં લખે છે, 'ભારતીય વાયુદળના મુખ્યાલયને જણાવવામાં આવ્યું કે જો ચીનનું વિમાન ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો લડાકુ વિમાનો મારફત તેને અલ્લાહબાદ લઈ જવામાં આવે અને કોઈ પણ સંજોગોમાં તેને દિલ્હીમાં ઉતરવા દેવામાં ન આવે.'

'મેં આ અંગે વિદેશસચિવ પીએસ ઝાને વાકેફ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળતા ન મળી. મોડીરાત્રે સંરક્ષણમંત્રી સ્વર્ણસિંહે મને ફોન કર્યો. તેમનું કહેવું હતુ કે મારા આ પગલાથી બંને દેશ વચ્ચે યુદ્ધ શરૂ થઈ શકે છે. આવો નિર્ણય લેવાનો મને કોઈ અધિકાર ન હતો અને માત્ર મંત્રીમંડળ જ આવો નિર્ણય લઈ શકે.'

'મેં તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો કે ચીન ભારતની વાયુસીમાનો ભંગ નહીં કરે એવું મને લાગે છે. મારી અપેક્ષા મુજબ જ વિમાન અહીં ન આવ્યું. જો દિલ્હી પહોંચ્યું હોત તો અમારી પાસે 'પ્લાન-બી' પણ હતો. અમે તેને ઇંધણ આપ્યું ન હોત, જેથી તે પરત ન ફરી શક્યું હોત.'

આમ છતાં દિલ્હીનું ઍરપૉર્ટ એક કૂટનીતિક સંગ્રામનો અખાડો બનવાનું જ હતું.

બે પડછંદ પોલીસવાળા

બે દિવસ પછી ભારતના વિદેશ મંત્રાલયને ગુપ્ત રીતે માહિતી મળી કે ચીને તેના બે રાજદૂતો માટે દિલ્હીથી કાઠમાંડુ જતી 'ઍર નેપાલ'ની ફ્લાઇટમાં બે ટિકિટ બુક કરાવી છે. નેપાળના માર્ગે તેમને ચીન પરત લઈ જવાની યોજના હતી.

જગત મહેતા લખે છે, 'અમને માહિતી મળી હતી કે મિશનપ્રમુખની ગાડીમાં બેસીને બંને દિલ્હીના પાલમ ઍરપૉર્ટ ખાતે પહોંચશે. ગુપ્ત રીતે હું પણ ત્યાં પહોંચી ગયો. આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ અવાંછિત રાજદૂતને જવા દીધો, જ્યારે બીજા રાજદૂતને ઍરપૉર્ટ પર અટકાવી દીધો. જેના ઉપર જાસૂસીના આરોપ લાગ્યા હતા, તે રાજદૂતને ઍરપૉર્ટમાં એક ખૂણામાં લઈ જવામાં આવ્યા.'

'જ્યારે બધા મુસાફરો પ્લૅનનમાં બેસી ગયા, ત્યારે બે ઊંચાપડછંદ પોલીસવાળાઓની વચ્ચે રનવે સુધી એ રાજદૂતને ચલાવવામાં આવ્યા. પૂર્વાયોજન પ્રમાણે જ સમગ્ર ઘટનાક્રમની તસવીરો લેવામાં આવી અને તેને આંતરરાષ્ટ્રીય પ્રેસને મોકલવામાં આવી. એ પછી જ તેને વિમાનમાં બેસવા દેવાયા. બીજા દિવસે ભારતીય મીડિયામાં પોલીસવાળા સાથે ચીનના જાસૂસની તસવીર છપાઈ. કૉમ્યુનિસ્ટ પાર્ટી સહિત દેશના સંસદસભ્યોને લાગ્યું કે દેશના સન્માનની રક્ષા થઈ.'

ટૂંક સમયમાં બીજિંગ ખાતે ભારતીય રાજદુતાલયનો ઘેરો હઠી ગયો અને તેમને રાજદૂતાલયના પરિસરની બહાર નીકળવાની છૂટ આપવામાં આવી. ભારતે સશસ્ત્ર સૈનિકોનો ઘેરો હઠાવી લીધો અને તેમની અવરજવર શક્ય બની છતાં ભારત સરકારે તેમની સુરક્ષાની ખાતરી આપી ન હતી.

બંને દેશ વચ્ચે કૂટનીતિક તણાવ ઊભો થયો હતો, પરંતુ તે તત્કાળ સશસ્ત્ર અથડામણમાં પલટાયો ન હતો. એજ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થનારી અથડામણ માટેનો પાયો ચોક્કસ નખાઈ ગયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.