નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયી વચ્ચે લોકપ્રિય નેતા તરીકે કઈ સમાનતા અને કેટલા વિરોધાભાસ છે?
- લેેખક, એન. પી. ઉલ્લેખ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
અટલ બિહારી વાજપેયી ત્રણ વખત વડા પ્રધાન બન્યા હતા. 1996માં પહેલીવાર તેઓ માત્ર 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા હતા. બીજી વખત તેઓ 1998માં વડા પ્રધાન બન્યા હતા, પરંતુ એ સરકાર 13 મહિના ચાલી હતી, જ્યારે ત્રીજી વખત તેઓ 1999થી 2004 સુધી વડા પ્રધાન રહ્યા હતા.
તેમનો જન્મ 1924ની 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં થયો હતો. તેમનું નિધન 2018ની 16 ઑગસ્ટે થયું હતું.
અટલ બિહારી વાજપેયી વિશે લોકો કહે છે કે તેઓ બહુ સારા માણસ હતા, પરંતુ ખોટા પક્ષમાં હતા. પરંતુ વાસ્તવમાં આવું નથી.
રૉબિન જેફ્રી જેવા વિદ્વાનો અને સ્વતંત્ર રાજકીય વિશ્લેષકો જ નહીં, પરંતુ રાજકારણમાં વાજપેયીના સમકાલીન લોકો પણ તેમના વિશે આવું જ માને છે.
તેઓ 1960ના દાયકાના વાજપેયીને યાદ કરીને જણાવે છે કે એ દિવસોમાં વાજપેયી પણ તેજ-તર્રાર હિન્દુત્વવાદી નેતા હતા. એ સમયગાળામાં વાજપેયી ઘણીવાર મુસ્લિમ વિરોધી આકરાં નિવેદનો આપતા હતા.
રાષ્ટ્રવાદ
અટલ બિહારી વાજપેયી એક એવું વ્યક્તિત્વ હતા, જેમને આરએસએસની પાઠશાળામાં અને એ પહેલાં આર્ય સમાજ જેવી સંસ્થાઓમાં તાલીમ મળી હતી.
આત્યંતિક રાષ્ટ્રવાદ વ્યક્ત કરવાની આદત વાજપેયીએ ક્યારેય છોડી ન હતી.
જોકે, દિલ્હી અને ભારતીય સંસદના રાજકારણમાં સામેલ થયા એ પછી તેમણે તેમની આત્યંતિક રાષ્ટ્રવાદની છબીને ઝાંખી પડવા દીધી હતી.
આપણે યાદ રાખવું જોઈએ કે કોઈપણ રાજકીય નેતા સંસદને પ્રભાવિત કરે છે તેના કરતાં એ રાજકારણીનું વ્યક્તિત્વ ઘડવામાં સંસદ વધુ પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે.
અટલ બિહારી વાજપેયી સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ બિન-કૉંગ્રેસી વડા પ્રધાન હતા. વાજપેયી આજે જે 'લુટિયન્સ ઝોન'ને રાજકીય ગાળ ગણવામાં આવે છે તેની ઉપજ હતા.
સાંસદ તરીકે તેઓ 1957થી 2004 સુધી લુટિયન્સ ઝોનનું રાજકીય જીવન જીવ્યા હતા.
હા, એ સમયગાળા દરમિયાન તેઓ 1962 અને 1984માં બે વખત ચૂંટણી હારી પણ ગયા હતા. તેમ છતાં રાજ્યસભાના રસ્તે તેઓ સંસદમાં પહોંચ્યા હતા.
યુવા અટલ
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યંત પાકટ વયે એટલે કે 63 વર્ષે દિલ્હીની સંસદીય રાજનીતિમાં પ્રવેશ્યા હતા.
મોદીની સરખામણીએ વાજપેયી તો આયુષ્યના ત્રીજા દાયકામાં જ રાષ્ટ્રીય રાજનીતિના કેન્દ્રમાં એટલે કે દિલ્હી પહોંચી ગયા હતા.
નરેન્દ્ર મોદી તેમની રાજકીય કારકિર્દીના મોટા સમયગાળામાં એક રાજ્ય સ્તરીય નેતા હતા અને તેમણે મુખ્ય મંત્રી તરીકે લગભગ 13 વર્ષ કામ કર્યું છે.
બીજી તરફ વાજપેયી યુવાવસ્થામાં જ દિલ્હીની દિલકશ બૌદ્ધિક તથા કુલીન લોકોની મંડળીનો હિસ્સો બની ગયા હતા.
અટલ બિહારી વાજપેયી 1953માં પહેલીવાર લોકસભાની પેટાચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમાં હારી ગયા હતા. ચાર વર્ષ બાદ 1957ની સંસદીય ચૂંટણીમાં વાજપેયીએ બલરામપુર, મથુરા અને લખનૌ એમ ત્રણ બેઠકો પરથી નસીબ અજમાવ્યું હતું.
નરેન્દ્ર મોદી અને વાજપેયીની સરખામણી કરીએ તો બન્નેએ પ્રારંભિક જીવનમાં આરએસએસની શાખાઓમાં તેની વિચારધારાની તાલીમ મેળવી હતી.
નરેન્દ્ર મોદીના પિતા ચા વેચતા હતા, જ્યારે વાજપેયીના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. બન્ને નેતાઓએ રાજકારણમાં પોતાનું સ્થાન ભાષણની શાનદાર કળાને કારણે બનાવ્યું છે.
નરેન્દ્ર મોદી અને વાજપેયીની બોલવાની શૈલી અલગ છે, પરંતુ બન્નેએ મુસ્લિમો વિરુદ્ધના આકરા વલણથી જ પોતાની રાજકીય જમીન તૈયાર કરી છે.
વાજપેયીએ અલગ જ દૌરમાં રાજનીતિ શરૂ કરી હતી. એ ભારતના ઇતિહાસમાં શાનદાર સંસદીય પરંપરાનો સમય હતો.
મોદી અને વાજપેયીઃ સમાન વિચારધારા, અલગ અભિગમ
એ સમયની સંસદીય રાજનીતિના મોટાભાગના પાત્રો અત્યંત ઉદારમતવાદી હતા.
દેશમાં કાયદા ઘડતી સર્વોચ્ચ સંસ્થા એટલે સંસદે વાજપેયીને એમની રાજકીય કારકિર્દીની શરૂઆતના દિવસોમાં જ પોતાના પક્ષની નબળાઈઓને સમજવા અને તેના નિરાકરણનો મંચ ઉપલબ્ધ કરાવ્યો હતો.
હકીકત એ છે કે વાજપેયી તેમના વિદ્યાર્થી જીવનમાં ડાબેરી વિચારધારા તરફ પણ આકર્ષાયા હતા. ગત સદીના પાંચમા દાયકા સુધી સામ્યવાદ વિશ્વની પ્રમુખ રાજકીય વિચારધારાઓ પૈકીનો એક હતો.
1945માં હિટલરની આગેવાની હેઠળના જર્મનીની વિશ્વયુદ્ધમાં હાર પછી દુનિયાના ઘણા યુવાઓ સામ્યવાદથી અત્યંત પ્રભાવિત થયા હતા. આ કારણસર જ વાજપેયી પણ માનસિક રીતે પરિવર્તન માટે તૈયાર હતા.
સંસદના પ્રભાવશાળી નેતાઓના ખુલ્લા મિજાજની પણ વાજપેયી પર ઊંડી અસર થઈ હતી. દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના તેમના કટ્ટર વિરોધીઓ પ્રત્યેના સહિષ્ણુ અને દયાળુ વલણની વાજપેયી પર ઊંડી અસર થઈ હતી. નેહરુના વિરોધીઓમાં વાજપેયી પણ સામેલ હતા.
સંઘની પશ્ચાદભૂમિમાંથી આવતા એક કટ્ટર યુવા નેતા વાજપેયી સહિષ્ણુ રાજનીતિના માર્ગે આગળ વધ્યા તેનું કારણ આ જ છે.
વાજપેયી ઉદારવાદી પણ હતા અને હિન્દુત્વવાદી પણ
અટલ બિહારી વાજપેયી ટૂંક સમયમાં જ બે નૌકા પર સવાર થવાની રાજનીતિ કરવા લાગ્યા હતા. એક તરફ તેઓ નેહરુના ઉદારવાદના ટેકેદાર હતા અને બીજી તરફ તેઓ આરએસએસના હિન્દુત્વવાદી રાજકારણના સમર્થક પણ હતા.
તેમણે એવું માત્ર રાજકીય લાભ માટે કર્યું હતું કે પછી તેનું કોઈ અલગ કારણ હતું એ આપણે જાણતા નથી. એ સમય કૉંગ્રેસના રાજકીય દબદબાનો હતો.
એ સ્થિતિમાં વાજપેયીને કદાચ આ પદ્ધતિ યોગ્ય લાગી હશે, જેના દ્વારા તેઓ સંઘની વિચારધારા સાથે સહમત ન હોય એવા લોકોને પોતાના પક્ષમાં લાવી શકે.
અલબત, વાજપેયીના પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે ભારતીયોના એક મોટા વર્ગને જમણેરી રાજનીતિ ગમવા લાગી હતી.
વાજપેયીને એ વાતનું શ્રેય જરૂર આપવું જોઈએ કે તેઓ રાજકારણમાં તમામ પ્રકારના પ્રયોગો માટે તૈયાર હતા.
તેમણે ભારતીય રાજકારણમાં આત્યંતિક રાષ્ટ્રવાદની હિમાયત પણ કરી હતી અને બીજેપીને કૉંગ્રેસના લોકતાંત્રિક વિકલ્પ તરીકે પ્રસ્તુત પણ કર્યો હતો.
વાજપેયીએ 1979માં એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે હિંદુત્વને બદલે ભારતીયતાના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ભારતીયતા એક છત્ર હતું, જેની હેઠળ આવીને વિવિધ ધર્મના લોકો એક નવા રાજકીય પ્રયોગને સમર્થન આપી શકતા હતા.
એ સમયે આરએસએસને ખબર હતી કે વાજપેયીનો ચહેરો કેટલો મહત્ત્વનો છે. અથવા આરએસએસના વિચારક ગોવિંદાચાર્યે પછીના દિવસોમાં કહ્યું હતું તેમ, "વાજપેયી એક મુખવટો હતા."
સંઘ પરિવારને તેમના જેવા મુખવટાની સખત જરૂર હતી, જેથી તેઓ હિન્દુવાદી રાષ્ટ્રવાદી પક્ષના નેતા બની શકે, કારણ કે આજની સરખામણીએ ત્યારે બીજેપીની સ્વીકાર્યતા બહુ ઓછી હતી.
તેમણે અનેક વખત ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં
વાજપેયી સંઘની કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારાને સમર્પિત રહ્યા હતા, એવું કહેનારા ઘણા લોકો છે. તેમણે રામ મંદિરના આંદોલનથી પોતાને બહુ ચતુરાઈપૂર્વક દૂર રાખ્યા હતા.
એ પછી 2002માં વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે ગુજરાતમાં રમખાણો થયાં હતાં.
કેટલાક ઇતિહાસકારો માને છે કે તમામ રાજકીય પક્ષોમાં તેમના મિત્રો હોવાથી વાજપેયી તેમના કટ્ટર હિંદુત્વ સંબંધી વલણની ટીકાથી બચી ગયા હતા.
તેઓ સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા હતા. ઉચ્ચ જ્ઞાતિના હોવું વાજપેયીને ટીકાથી બચાવવાની ઢાલ બની ગયું હતું.
વાજપેયીએ કટ્ટર હિંદુત્વના રાજકારણમાં પણ સૈરસપાટા કર્યા હતા એ વાત સાચી, પરંતુ વાજપેયી પહેલાં જનસંઘમાં અને પછી બીજેપીમાં હિન્દુ રાષ્ટ્રવાદી ચળવળનો ઉદારવાદી ચહેરો પણ બની રહ્યા હતા.
વાજપેયીએ 1983માં આસામનાં નેલ્લીનાં રમખાણો પહેલાં "બહારના લોકો" વિશે અત્યંત ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું કહેવાય છે.
એ માટે વાજપેયીએ 1990ના દાયકામાં લોકસભામાં રાજકીય હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. એ પહેલાં 1970ની 14, મેના રોજ વાજપેયીને મુસ્લિમો વિરુદ્ધના તેમના આકરા નિવેદનો માટે તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ લોકસભામાં પડકાર્યા હતા.
એ વર્ષે ભીવંડીમાં રમખાણો થયાં પછી વાજપેયીએ સંસદમાં કહ્યું હતું કે મુસ્લિમો દિવસેને દિવસે વધુ સાંપ્રદાયિક બની રહ્યા છે. તેનું પરિણામ એ છે કે મુસ્લિમોના આક્રમક વલણનો જવાબ હિંદુઓ પણ આક્રમકતાથી આપી રહ્યા છે.
ઇંદિરા ગાંધીએ વાજપેયીનો વિરોધ એમ કહીને કર્યો હતો કે રમખાણો પાછળ જનસંઘ અને આરએસએસનો હાથ છે. તેને કારણે સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ રહ્યું છે.
ઇંદિરા ગાંધીએ પીઠાસીન અધિકારીને વિનંતી પણ કરી હતી કે વાજપેયીએ સંસદમાં આપેલા નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં ન આવે, કારણ કે તેમના નિવેદનથી "આત્યંતિક ફાસીવાદની વિચારસરણી" ઉઘાડી પડી છે.
ઇંદિરા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે વાજપેયીની રાજકીય વાસ્તવિકતા સામે આવવાથી તેઓ ખુશ છે.
'જમીન સમતળ કરવી જરૂરી છે'
એ પછી 1992ની પાંચમી ડિસેમ્બરે વાજપેયી લખનૌના અમીનાબાદમાં આરએસએસના કારસેવકોને મળ્યા હતા.
કારસેવકોની ઉત્સાહી ભીડને સંબોધન કરતાં તેમણે અયોધ્યામાં પૂજા માટે "જમીન સમતળ કરવાની જરૂર છે," એવું કહ્યું હતું.
આના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ સમાજના વિવિધ વર્ગના લોકો માટે અલગ-અલગ રીતે વાતો કરતા હતા. આનાથી તેમની ચતુરાઈભરી રાજનીતિ પણ છતી થાય છે અને કોઈની સાથે સંઘર્ષ ન ઇચ્છવાની તેમની આદત પણ દેખાય થાય છે.
પાંચમી ડિસેમ્બરે ભાષણ આપ્યા બાદ તેઓ લખનૌથી રવાના થયા હતા. અયોધ્યા ગયા ન હતા. 1992ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું.
લખનૌથી પાછા ફરવાના તેમના પગલાને તેમના રાજકીય વિરોધીઓ ચતુરાઇભરી ચાલ માને છે, જેથી તેમની મધ્યમમાર્ગી છબી યથાવત રહે.
વાજપેયીની નરમપંથી છબી સંઘ માટે બહુ ઉપયોગી થઈ. વિવાદાસ્પદ માળખું તોડી પાડવામાં આવ્યું પછી બીજેપીના મોટાભાગના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ઘણા રાજ્યોમાં બીજેપીની સરકારોને બરતરફ કરવામાં આવી હતી ત્યારે વાજપેયીએ પક્ષ માટે મસીહાની ભૂમિકા ભજવી હતી.
એ પછીના દિવસોમાં વાજપેયીના નેતૃત્વ હેઠળ બીજેપીએ "લોકશાહીની હત્યા" વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
જોકે, કારકિર્દીના આખરી દિવસોમાં વાજપેયીને પક્ષની અંદરથી જ પડકારો મળવા લાગ્યા હતા. પક્ષના યુવા નેતાઓ વાજપેયીને નેહરુના બોગીમૅન કહેવા લાગ્યા હતા.
'મોદીને હઠાવવાનું નક્કી કરી લીધું હતું'
ગુજરાતમાં 2002નાં મુસ્લિમ વિરોધી રમખાણો બાદ વાજપેયીએ એપ્રિલ, 2002માં ગોવામાં યોજાયેલી બીજેપીની બેઠકમાં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રીપદ છોડી દેવું જોઈએ, પરંતુ અડવાણી, નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ વાજપેયીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
બીજેપીની બેઠક શરૂ થતાની સાથે જ નરેન્દ્ર મોદીએ અત્યંત નાટકીય રીતે રાજીનામું આપવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ બેઠકમાં ઉપસ્થિત લોકોએ નરેન્દ્ર મોદીના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
દિલ્હીથી ગોવા જતી વખતે વાજપેયીએ નરેન્દ્ર મોદીને હઠાવવાનો નિર્ણય કરી લીધો હતો, જેથી તેઓ તેમના સહયોગીઓની નારાજગીને દૂર કરી શકે અને તેમની ઉદારવાદી છબીને પણ બચાવી શકે.
જોકે, પક્ષની બેઠકમાં નરેન્દ્ર મોદીના સમર્થનનું વાતાવરણ જોઈને તેમણે પોતાના ઇરાદાને દફનાવી દીધો હતો.
પક્ષના આક્રમક સાથીઓને રાજી કરવા માટે વાજપેયીએ તે બેઠકના છેલ્લા દિવસે મુસ્લિમો વિશે ખરાબ વાતો પણ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે મુસ્લિમો અન્ય સમુદાયના લોકો સાથે રહી શકતા નથી.
તેમ છતાં લોકોના મનમાં કવિ-હૃદય વાજપેયીની છબી યથાવત રહી હતી. અગાઉના અને હાલના કટ્ટર હિન્દુત્વવાદી નેતાઓથી વિપરીત વાજપેયી એવા વડા પ્રધાન હતા, જેમને જનતાના મોટા વર્ગનો પ્રેમ અને આદર મળ્યો હતો.
આમ થવાનું કારણ એ હતું કે વાજપેયી રાજકારણના અનુભવી ખેલાડી હતી. તેઓ રાજનીતિમાં પ્રેમ અને લાગણીના મહત્ત્વથી વાકેફ હતા તેમજ જરૂર પડ્યે તેઓ સારી રીતે પ્રેમ અને લાગણી દર્શાવતા પણ હતા.
ભાષણની કળાને કારણે મળ્યો પ્રેમ
વકૃત્વની કુશળતાને લીધે વાજપેયીને કાશ્મીરમાં ઘણા લોકો સૂફી સંત કહેતા હતા. તેમણે લોકો સાથે સંબંધ સ્થાપિત કર્યો હતો.
તેનું મોટું કારણ એ હતું કે જે વિચારધારામાં તેમનો ઉછેર થયો હતો એ આંદોલનની સ્વીકાર્યતા વધારી હતી, પરંતુ પોતાની વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે વાજપેયીએ તેમના રાજકીય વિરોધીઓના નુસખાઓનો અમલ કર્યો હતો.
વાજપેયીને તેમના કટ્ટર વિરોધીઓ પણ વખાણતા હતા, તે નવી નવાઈની વાત ન હોવી જોઈએ. વાજપેયીના પ્રશંસકોમાં સામ્યવાદીઓ અને સી. એન. અન્નાદુરાઈ જેવા શક્તિશાળી તામિલ નેતાઓ પણ સામેલ હતા.
1965માં સંસદમાં ભાષાના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અન્નાદુરાઈએ કહ્યું હતું, "અમે હિંદીનો વિરોધ શા માટે કરીએ છીએ? હું એ સ્પષ્ટ શબ્દોમાં સમજાવવા માગુ છું. અમે કોઈ ભાષાની વિરુદ્ધ નથી. ખાસ કરીને મારા મિત્ર વાજપેયીને બોલતા સાંભળું છું ત્યારે લાગે છે કે હિંદી ખૂબ જ મધુર ભાષા છે."
હવે લોકસભામાં બહુમતીને કારણે બીજેપી બહુ આક્રમક બની ગઈ છે અને નવા-નવા પ્રદેશોમાં વિસ્તરી રહી છે ત્યારે વાજપેયી એક રાષ્ટ્રીય પ્રતિક બની ગયા છે, જ્યારે કે વાજપેયી બ્રાન્ડની રાજનીતિને તેમના પક્ષની નવી પેઢીએ તિલાંજલિ આપી દીધી છે.
એક અન્ય મોરચે પણ વાજપેયીની બેજોડ સિદ્ધિઓનો કોઈ જવાબ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર કહે છે કે જૂના સમયમાં પશ્ચિમી દેશો ભારત સાથેના સંબંધ બાબતે ખચકાતા હતા, પણ એ હવે ભૂતકાળની વાત બની ગઈ છે.
હકીકત એ છે કે વાજપેયી સત્તામાં હતા ત્યારથી જ પશ્ચિમી દેશોનો આ ખચકાટ દૂર થવા લાગ્યો હતો.
તેમણે આર્થિક ઉદારીકરણને વેગ આપ્યો હતો. વાજપેયી દેશમાં મોબાઇલ ક્રાંતિના જનક હતા. તેમણે પાકિસ્તાન અને અન્ય દેશો સાથે સંબંધ સુધારવા સતત પ્રયાસો કર્યા હતા.
જોકે, વડા પ્રધાન તરીકે તેમની સૌથી મોટી સિદ્ધિ દેશમાં મોટા પાયે માળખાકીય વિકાસ દ્વારા રાષ્ટ્રનું પુનર્નિમાણ હતું.
કદાચ વાજપેયી નસીબદાર હતા કે તેઓ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતા. તેઓ નસીબદાર હતા, કારણ કે તેમને પૂર્ણ જીવન મળ્યું હતું.
દેશની જનતાનો એક મોટો વર્ગ વાજપેયીના અંતિમ દિવસો સુધી તેમનો પ્રશંસક રહ્યો હતો.
આજે વાજપેયીના રાજકીય વારસદારોની કથની અને કરણી તેમનાથી બિલકુલ અલગ છે ત્યારે વાજપેયીની આભામાં અગાઉ કરતાં પણ વધારો થયો છે.
(આ લેખ પ્રથમવાર 2018ની 20 ઑગસ્ટે પ્રકાશિત કરવામાં આવ્યો હતો)
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)