જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે વડા પ્રધાન મોદીનાં વખાણ કરતાં શું કહ્યું?- ન્યૂઝ અપડેટ
જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતાં. સોમવારે જમ્મુ કાશ્મીરમાં જેડ મોડ સુરંગના ઉદ્ઘાટન પર તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતાં.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે વડા પ્રધાન મોદીને કહ્યું કે, "તમે તમારી વાત પર અડગ રહ્યા અને ચાર મહિનાની અંદર તમે જમ્મુ કાશ્મીરમાં વ્યવસ્થા કરાવડાવી. જમ્મુ કાશ્મીરમાં તમે લોકોને મત આફવા, પોતાની સરકાર ચૂંટવાનો અધિકાર આપ્યો છે."
"અને આજે પરિણામ સ્વરૂપે મુખ્ય મંત્રી તરીકે હું આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. તમે ચૂંટણી યોજાવી, તેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને સૌથી મોટી વાત એ છે કે ક્યાંય કોઈ ધાંધલીની કોઈ ફરિયાદ ન આવી, ક્યાંય પણ વટીવટીતંત્રના દુરુપયોગની કોઈ ફરિયાદ ન આવી, એક પણ પોલિંગ બૂથમાં રિપોલની જરૂર પડી નહીં."
અબ્દુલ્લાહે કહ્યું કે, "લોકો ઘણી વખત મને પૂછે છે કે જમ્મુ કાશ્મીરને રિયાસતનો દરજ્જો ક્યારે મળશે અને હું લોકોને કહું છું કે વડા પ્રધાન સાહબે ચાર મહિનામાં ચૂંટણીનો પોતાનો વાયદો પૂરો કર્યો છે. મારું દિલ કહે છે કે બહુ જલદી જ વડા પ્રધાન સાહેબ પોતાનો ત્રીજો વાયદો, જે યોગ દિવસ પર તેમણે જમ્મુ કાશ્મીરના લોકોને આપ્યો હતો, તે પૂરો કરશે."
તેમણે કહ્યું, "પણ આજે ખુશીના અવસર પર વડા પ્રધાન સાહેબ, હું તમારો આભાર માનું છું કે તમે આવી ઠંડીમાં અમારી વચ્ચે આવ્યા."
જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં આ સુરંગ સામરિક રૂપથી ભારત માટે બહુ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર જેડ મોડ સુરંગનું નિર્માણ 2,400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યો છે.
સેનાધ્યક્ષે કહ્યું કે ચીન સરહદે સ્થિતિ સંવેદનશીલ છતાં સ્થિર, પાકિસ્તાન વિશે શું કહ્યું?
ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ નૉર્થ-ઇસ્ટની સ્થિતિ વિશે માહિતી આપી છે.
પોતાની વાર્ષિક પત્રકાર પરિષદમાં ભારતીય સેનાના જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું છે કે ભારત-ચીન સરહદે સ્થિતિ 'સંવેદનશીલ પરંતુ સ્થિર' છે.
તેમણે જણાવ્યું, "અમે મજબૂત ગોઠવણ કરી છે. કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ."
જનરલ દ્વિવેદીએ પાકિસ્તાન વિશે જણાવ્યું કે, "નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ જારી છે. પરંતુ તે તરફથી ઘૂસણખોરી ચાલુ છે. પાકિસ્તાનમાં આતંકવાદનું માળખું હજુ પણ હાજર છે જે સરહદની આ બાજુએ આતંકવાદને સમર્થન કરે છે."
તેમણે કહ્યું કે, "ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 60 ટકા પાકિસ્તાની હતા."
પોતાની વાર્ષિક પ્રેસ-કૉન્ફરન્સમાં આર્મીના વડાએ જણાવ્યું કે મણિપુરમાં સુરક્ષા દળોના પ્રયાસો અને સક્રિય સરકારી પહેલથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે.
જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે નૉર્થ-ઇસ્ટ અને મણિપુરની પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરી રહી છે.
તેમણે જણાવ્યું કે "હિંસાની કેટલીક ઘટનાઓ હજુ પણ બની રહી છે. શાંતિ અને સદભાવના સ્થાપિત કરવાના નક્કર પ્રયાસો ચાલુ છે."
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મ્યાનમાર અને ભારત સરહદ વિશે જણાવ્યું કે, "મ્યાનમારમાં ફેલાયેલી અશાંતિને ધ્યાનમાં રાખીને સીમા પર દેખરેખ વધારી દેવાઈ છે."
જમ્મુ-કાશ્મીર: સોનમર્ગમાં જેડ મોડ ટનલનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું, શું છે ખાસ?
જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટનલ સામરિક રીતે ભારત માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
વડા પ્રધાન મોદીની યાત્રાને ધ્યાનમાં રાખતા અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ હતી. વડા પ્રધાન મોદી સોનમર્ગથી પહેલા આવેલા શુટકડી નામના સ્થળે આ ટનલનું ઉદ્ઘાટન કર્યું.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર જેડ મોડ ટનલનું નિર્માણ 2,400 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે.
શ્રીનગરથી લેહને જોડતી આ ટનલની લંબાઈ સાડા છ કિલોમીટર છે. આ નૅશનલ હાઇવેનો ભાગ છે. જેડ મોડ ટનલના ઉદ્ઘાટનથી સોનમર્ગ પર્યટન માટે આખું વર્ષ ખુલ્લું રહેશે.
લૉસ એંજલસમાં આગને કારણે મૃતકોની સંખ્યા વધીને 24 થઈ
અમેરિકાના લૉસ એંજલસમાં ફાયર ફાઇટર્સના હવાલાથી મળેલી માહિતી પ્રમાણે ત્રણ જગ્યાએ હજુ પણ આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે.
અહીં કુલ છ જગ્યાએ આગ ફાટી હતી. જે પૈકી કેટલીક જગ્યાઓએ આગને બુઝાવી શકાઈ નથી.
આગને કારણે મરનારાની સંખ્યા વધીને 24 થઈ છે અને 16 લોકો ગુમ થયાની ફરિયાદ છે.
ખાનગી હવામાન સંસ્થા ઍક્યૂવેધરે અનુમાન લગાવ્યું છે કે આ આગને કારણે લગભગ 250 અબજ ડૉલરથી લઈને 275 અબજ ડૉલરનું નુકસાન થયાનો અંદાજો છે.
આ આગ અહીં હજારો ઘરને ખાખમાં ભેળવી ચૂકી છે. લાખો લોકોએ આગને કારણે સુરક્ષિત જગ્યાએ જવાની ફરજ પડી છે.
ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકો મામલે બાઇડને નેતન્યાહૂ સાથે કરી વાતચીત
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને છોડવા મામલે ચાલી રહેલી વાતચીત મામલે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાતચીત કરી છે.
આ વાતચીત ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પહેલાં કોઈ સમજૂતી સુધી પહોંચવાનો છેલ્લો પ્રયાસ છે.
વ્હાઇટ હાઉસ અનુસાર ફોન પર વાતચીતમાં દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડને હમાસે તરફથી બંધક બનાવાયેલા લોકોને છોડવા અને તુરત યુદ્ધવિરામ પર જોર આપ્યું છે.
આ વાતચીત નેતન્યાહૂના એ નિવેદન બાદ થઈ, જેમાં નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ વાતચીત માટે એક વિશેષ પ્રતિનિધિમંડળને કતાર મોકલી રહ્યા છે.
શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યપૂર્વના દૂતે ટ્રમ્પના શપથગ્રહણ પહેલા સમજૂતિ પર પહોંચવાના ઉદ્દેશથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ કહી ચૂક્યા છે કે તેમના રાષ્ટ્રપતિ કાર્યાલય પહોંચવા પહેલાં જો બંધકોને છોડવામાં નહીં આવ્યા તો "તબાહી મચી જશે."
મલાલા યુસૂફઝઈ : તાલિબાન મહિલાઓને માણસજાત નથી ગણતું
નોબલ પુરસ્કાર વિજેતા મલલા યુસૂફઝઈએ મુસ્લિમ નેતાઓને અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે તાબિબાન દ્વારા બનાવવામાં આવી રહેલી નીતિઓને પડકારવાનો આગ્રહ કર્યો છે.
મલાલાએ કહ્યું છે, "સીધા શબ્દોમાં કહું તો અફઘાનિસ્તાનમાં તાલિબાન મહિલાઓને માણસજાત નથી ગણતું."
તેમણે આ વાત પાકિસ્તાન તરફથી ઇસ્લામિક દેશોમાં છોકરીઓનાં શિક્ષણ માટે આયોજિત એક સંમેલનમાં કરી.
મલાલાએ મુસ્લિમ નેતાઓને કહ્યું કે "તાલિબાનની નીતિઓમાં કંઈ પણ ઇસ્લામિક નથી."
તાલિબાન પોતાની નીતિઓના માધ્યમથી મહિલાઓને ભણવા પર અને કામ કરવા પર રોક લગાવી રહ્યું છે.
27 વર્ષનાં મલાલાને યુવતીઓને શિક્ષણ આપવા મામલે બોલવાને કારણે 15 વર્ષની ઉંમરમાં ગોળી મારવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન