પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાને બચાવવા ઝઝૂમી રહેલા આ લોકો કોણ છે?
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
ભાગલા પછી ભારત અને પાકિસ્તાન એમ બે દેશ થયા. એક દેશ માટે મોહનદાસ કરમચંદ ગાંધી સર્વસ્વ હતા, તો બીજા દેશ માટે મોહમ્મદ અલી ઝીણા. ઇતિહાસમાં એ લખાયું કે બંને દેશોના મુખ્ય નેતાઓ ગુજરાતી હતા.
1947ના વિભાજન પછી લાખો લોકો ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત હિજરત કરી ગયા. તેમાં ગુજરાતથી પાકિસ્તાન ગયા હોય તેવા પણ લાખો લોકો હતા.
એ લોકો ત્યાં વસી ગયા, પણ તેમનામાં રહેલું ગુજરાતીપણું એ કદાચ આજેય ત્યાં અકબંધ છે.
તાજેતરમાં ગુજરાતી મૂળના લોકોએ કરાચી પ્રેસ ક્લબ ખાતે 'ગુજરાતી બચાવો તેહરીક' (તેહરીકનો અર્થ થાય આંદોલન કે ચળવળ) હેઠળ વિરોધપ્રદર્શન કર્યું હતું. તેના કારણે પાકિસ્તાનમાં રહેતા ગુજરાતીભાષી લોકો ફરીથી ચર્ચામાં આવ્યા હતા.
તેમણે પાકિસ્તાનની વસતીગણતરીની પ્રક્રિયામાં અને સર્વેના ફૉર્મમાં ગુજરાતી ભાષાની સંપૂર્ણ ઉપેક્ષા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
તેમનું કહેવું છે કે છેલ્લી અનેક વસતીગણતરીમાં સરકારે ગુજરાતી ભાષાની કોલમ જ કાઢી નાખી છે, એટલે ગુજરાતી બોલતા લોકોની ગણના પણ ઉર્દૂ કે અન્ય ભાષાઓમાં થાય છે અને ગુજરાતી ભાષા બોલનારા લાખો લોકોની અવગણના થાય છે.
ગુજરાતી ભાષા શીખવતી સરકારી અને ખાનગી શાળાઓ પણ પાકિસ્તાનમાં બંધ થઈ ગઈ છે.
ત્યારે બીબીસી ગુજરાતીએ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતીભાષી લોકોને પાકિસ્તાનમાં કેવી સમસ્યાઓ નડી રહી છે?
ગુજરાતીભાષી શાળાઓની સ્થિતિ કેવી છે અને પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે? ગુજરાતી સંસ્કૃતિ આજે પણ ત્યાં કેવી રીતે ફેલાયેલી જોવા મળે છે?
તાજેતરમાં વિરોધપ્રદર્શન કેમ થયું?
વસ્તી પ્રમાણે જોઇએ તો પાકિસ્તાનના સૌથી મોટા શહેર એવા કરાચીમાં જ ગુજરાતીભાષી લોકોની સૌથી વધુ વસ્તી જોવા મળે છે.
તાજેતરમાં કરાચી પ્રેસ ક્લબ ખાતે અનેક લોકોએ ગુજરાતી ભાષાની થઈ રહેલી અવગણનાને લઇને વિરોધપ્રદર્શન કર્યું હતું. આ વિરોધપ્રદર્શન 'ગુજરાતી બચાવો તેહરીક'ના નેજા તળે થયું હતું.
'ગુજરાતી બચાઓ તેહરીક'ના ઇન્ફર્મેશન ઑફિસર બાવા હૈદર ખોજા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "પાકિસ્તાનમાં છેલ્લી છથી સાત વસતીગણતરી થઈ તેમાં ગુજરાતી ભાષા બોલનારા લોકોનો ઉલ્લેખ નથી."
"માતૃભાષા ગુજરાતીની કોલમ જ વસતીગણતરીના ફૉર્મમાંથી હવે કાઢી નાખવામાં આવી છે. આથી ગુજરાતી ભાષા બોલનારા લોકો, કે માતૃભાષા જેમની ગુજરાતી છે એવા લોકોનો કોઈ અધિકૃત ડેટા હવે નીકળતો નથી."
"આથી, સરકાર સુધી વાત પહોંચાડવા માટે અમે 'ગુજરાતી બચાઓ તેહરીક' હેઠળ વિરોધપ્રદર્શન કર્યું હતું."
તેઓ કહે છે, "પાકિસ્તાનમાં હવે કોઈ સરકારી કે ખાનગી શાળા બચી નથી કે જેમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ આપવામાં આવતું હોય. સમયાંતરે ગુજરાતી શાળાઓને ઉર્દૂ ભાષાએ ઑવરટેક કરી લીધી."
"જોકે, અમારા સંગઠન થકી 3-4 સરકારી શાળાઓ અને અન્ય કૉમ્યુનિટી સ્કૂલ્સ સાથે અમારી વાતચીત ચાલે છે અને અમને આશા છે કે સરકાર પણ ફરીથી કેટલીક શાળાઓમાં ગુજરાતી ભણાવવાનું શરૂ કરશે."
"હાલમાં અમે અમારા સ્તરે કેટલાંક ગ્રૂપમાં લોકોને ગુજરાતી શીખવી રહ્યા છીએ. આ કામમાં અમને ગુજરાતી હિન્દુઓનો ઘણો સહકાર છે."
ગુજરાતી બચાઓ તેહરીકના સ્થાપર સૈયદ અબ્દુલ રહેમાનનું કહેવું છે કે, "અમે પહેલી વાર મોટું વિરોધપ્રદર્શન કર્યું છે અને હુકૂમત સુધી અવાજ પહોંચાડવાની કોશિશ કરી છે."
"અમને આશા છે કે ગુજરાતી માટે તેઓ કંઈક પગલાં ભરશે. બે મહિના પછી અમે મોટું ઝૂલુસ કે પ્રદર્શન પણ કરવાના છીએ."
પાકિસ્તાનમાં ગુજરાતી કોને લખતાં-વાંચતા આવડે છે?
88 વર્ષીય બશીર મોહમ્મદ મુન્શીનો જન્મ ભાગલા પહેલાં જૂનાગઢમાં થયો હતો અને ભાગલા પછી તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
મોહમ્મદ મુન્શી ચાલીસ વર્ષથી પાકિસ્તાનના ગુજરાતી અખબારોમાં તેમના લેખ લખે છે અને 'મિલ્લત' અખબારમાં સહતંત્રી પદે સેવા આપી ચૂક્યા છે તથા કરાચીમાં રહે છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ પોતાના જન્મસ્થળ અને વતનની યાદમાં સરી પડે છે.
'ઈ ભાઈ માતૃભાષાનો ચસકો તો જાય જ નહીં ને ભાઈ...ઈ તો છે જ એવું...' એમ કહેતાં 'બશીરચાચા' પોતાના અસલ કાઠિયાવાડી લહેકામાં વાત માંડે છે.
તેઓ કહે છે, "પાકિસ્તાનમાં ગુજરાતી લોકો, એટલે કે ગુજરાતીભાષી લોકોમાં હવે છેક ત્રીજી કે ચોથી પેઢી આવી ગઈ છે. હાલમાં જે પરિવારો છે એમાં વડીલો જ બચ્યા છે કે જેઓ ગુજરાતી લખવું, વાંચવું અને બોલવાનું જાણે છે."
"અનેક ઘરમાં ગુજરાતી બોલાય છે, પણ લખતાં-વાંચતાં આવડતું નથી. જો કોઈને વાંચતાં આવડે, તો કદાચ એમને લખતાં ન આવડતું હોય એવું બને છે."
બાવા હૈદર ખોજા કહે છે, "હાલમાં પાકિસ્તાનની વાત કરીએ તો ગુજરાતથી અહીં આવેલા લોકોમાં જે સિનિયર સિટીઝન્સ છે એ જ ગુજરાતી ભાષા લખી, વાંચી અને બોલી જાણે છે. યુવાનો ગુજરાતી બોલી શકે છે પણ લખી શકતા નથી."
"પરંતુ 2019થી અમે આ મૂવમેન્ટ શરૂ કરી અને હવે ધીમે-ધીમે લોકો અમારી વાત સાંભળતા થયા છે. 2020થી અમે જે વર્ગો શરૂ કર્યા તેમાં નૉન-ગુજરાતી લોકો પણ શીખવા માટે આવવા લાગ્યા હતા."
"હાલમાં રાજકીય પક્ષો પણ તેમના પ્રચાર-પ્રસારમાં ગુજરાતી ભાષા વાપરતા થયા છે."
હાલમાં પાકિસ્તાનમાં ગુજરાતીભાષી લોકો કેટલા?
બશીરચાચા હાલના પાકિસ્તાનમાં ગુજરાતીઓ કેવી રીતે પહોંચ્યા તેના વિશે વાત કરતાં કહે છે, "ભાગલા સમયે ગુજરાતમાંથી મોટાપાયે હિજરત થઈ અને જૂનાગઢના, કાઠિયાવાડના વોહરાઓ, આગાખાનીઓ અને અમુક હિન્દુઓ પણ પાકિસ્તાન ગયા."
"વડોદરા, ગોધરા, સુરત, અમદાવાદ અને ભરૂચ-હાંસોટના ઘાંચીઓ પણ મોટા પ્રમાણમાં પાકિસ્તાન ગયા. હાલમાં ન્યૂ કરાચીમાં સૌથી વધુ ગુજરાતીભાષી લોકો રહે છે અને કરાચી પછી તેમની વધુ વસ્તી હૈદરાબાદ, મીરપુર ખાસ અને શક્કરગઢમાં છે."
જોકે, કરાચીમાં તથા પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં હાલ કેટલા ગુજરાતીઓ વસે છે તેનો સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી.
પરંતુ 1951માં થયેલી પાકિસ્તાનની વસતીગણતરી અનુસાર પાકિસ્તાનની 7.56 કરોડની વસ્તીમાંથી 2,28,492 લોકો ગુજરાતીભાષી હતા.
જેમાંથી 1,27,555 લોકો કરાચીમાં રહેતા હતા. એ સમયે કરાચીની વસ્તી 11.22 લાખ હતી.
વિવિધ અહેવાલોને આધારે એ વાત ફલિત થાય છે કે વર્ષ 1971માં કરાચીમાં ગુજરાતીભાષી લોકોની અંદાજિત વસ્તી 35 લાખ હતી.
ત્યારબાદ 1981થી લઇને આજ સુધીની વસ્તીગણતરીમાં ગુજરાતીભાષી લોકોની કોલમ જ ન હોવાથી કોઈ અધિકૃત આંકડો મળતો નથી.
કરાચીની હાલની અંદાજિત વસ્તી 2 કરોડ છે અને તેના આધારે વિશ્લેષકોનું માનવું છે કે માત્ર કરાચીમાં જ ઓછામાં ઓછા 40 લાખ એવા લોકો રહે છે જેમની માતૃભાષા ગુજરાતી છે.
હાલમાં પાકિસ્તાનમાં ગુજરાતીભાષી લોકોમાં મુખ્યત્વે ઇસ્માઇલી વોહરા, ખોજા, દાઉદી વોહરા, ચરોતરના સુન્ની વોહરા, કચ્છી મેમણ, કાઠિયાવાડી મેમણ, આગાખાનીઓ અને હિન્દુ દલિતોનો સમાવેશ થાય છે.
આર્થિક-સામાજિક માળખું
પણ શું પાકિસ્તાનમાં રહેતા ગુજરાતીભાષી લોકો પણ ધંધામાં એટલા જ પાવરધા છે કે પછી એ નોકરી કરે છે? તેમની આર્થિક સમૃદ્ધિ કેવી છે?
બશીર મુન્શી કહે છે, "ભાગલા સમયે મોટાભાગના હિંદુ વેપારીઓ ભારતભણી હિજરત કરી ગયા અને સામે પક્ષે હજારો મુસ્લિમો ગુજરાતથી પાકિસ્તાન આવ્યા."
"તેમાંથી વોહરા ગુજરાતીઓ વેપારીઓ છે અને પૈસે-ટકે પાકિસ્તાનમાં તેઓ સમૃદ્ધ ગણાય છે. કચ્છ નિવાસી આગાખાનીઓ આવ્યા એ પણ હાલમાં સમૃદ્ધ છે."
"કુતિયાણા, જૂનાગઢ, ધોરાજી, જેતપુર, કાઠિયાવાડનાં તો એ સમયે ગામો ખાલી થઈ ગયાં હતાં અને મોટી સંખ્યામાં મેમણો પાકિસ્તાન આવ્યા. તેઓ હજુ વેપારમાં છે."
તેઓ કહે છે, "સુરત, અમદાવાદ, ભરૂચ અને વડોદરાથી જે લોકો આવ્યા એ ટીંબરના, લાકડાના કારોબારમાં છે અને એ કારોબારમાં તેમનું એકહથ્થુ વર્ચસ્વ છે. તમે અહીંના ટીમ્બર માર્કેટમાં જાઓ તો ચારેકોર તમને ગુજરાતી જ સંભળાય."
"જ્યારે હિંદુઓ મોટાભાગના દલિત હિંદુઓ છે, જેમાંથી કેટલાક સરકારી નોકરો છે, પણ તેમની આર્થિક સ્થિતિ સારી નથી."
ગુજરાતી જર્નાલિસ્ટ ઍસોસિયેશનના અગ્રણી યાસીન મર્ચન્ટનું પણ કહેવું છે કે ગુજરાતીભાષી લોકોની મોટાભાગની વસ્તી ધંધામાં છે, નોકરી બહુ ઓછા લોકો કરે છે.
'ગુજરાત' અને 'ગુજરાતી સંસ્કૃતિ'નો પ્રભાવ
ગુજરાતી સંસ્કૃતિ, રહેણીકરણીના મૂળ એ કઈ રીતે હજુ પાકિસ્તાનમાં ઊંડા છે એ જાણવું રસપ્રદ છે.
બશીરચાચા કહે છે, "મારા ઘરની બાજુમાં જ સ્વામિનારાયણ મંદિર છે. અહીં ગુજરાતી થાળી મળતી હતી. કરાચીમાં કેટલીક હોટલો પણ હતી કે જ્યાં શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી મળતી હતી."
"ગુજરાતથી આવેલા લોકોની હજુ અહીં મીઠાઈની દુકાનો પણ છે. મને યાદ આવે ત્યારે હું ફાફડા-જલેબી, ગાંઠિયા અને મોહનથાળ મંગાવું છું. બધું જ અહીં મળે છે."
"દિવાળી, હોળી અને નવરાત્રીના તહેવારો આ મંદિરમાં ઊજવવામાં આવે છે, જેમાં મુસ્લિમોને પણ આમંત્રણ આપવામાં આવે છે. પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ પણ તાજેતરમાં પૂજાપાઠમાં ભાગ લીધો હતો."
"પાકિસ્તાનમાં પીર પથાની દરગાહે હિંદુઓનો મેળો યોજાય છે. તેમાં કબીરપંથીઓ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લે છે."
બાવા હૈદર ખોજાના મત પ્રમાણે, "પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા હજુ સુધી ટકી રહી છે તેનું કારણ ગુજરાતી ફિલ્મો પણ છે. છેલ્લાં દસ વર્ષમાં આવેલી 'છેલ્લો દિવસ', 'ગુજ્જુભાઈ ધી ગ્રૅટ' જેવી ફિલ્મો અહીંના લોકોએ ખૂબ જોઈ છે, સોશિયલ મીડિયાનો પણ પ્રભાવ છે."
"આ સિવાય 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' જેવાં ધારાવાહિકોનો પણ અહીંના લોકો પર મોટો પ્રભાવ છે. ઘણી બિલ્ડિંગો પર આજે પણ ગુજરાતી ભાષામાં બોર્ડ અને જાહેરાતો જોવાં મળે છે. હવે માતૃભાષા દિવસને અનુલક્ષીને પણ ઘણા કાર્યક્રમો થવા લાગ્યા છે."
ગુજરાતી જર્નાલિસ્ટ ઍસોસિયેશનના અગ્રણી યાસીન મર્ચન્ટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "આજે પણ શિયાળો આવે તો અમારે ત્યાં બાજરાનાં રોટલા અને લસણ જમવામાં અચૂક દેખાય છે."
"મેસૂબ, ચૂરમાના લાડવા, બુંદીના લાડવા બધું જ મળે છે. પરંતુ ગુજરાતી ભાષાની જેમ જ ગુજરાતી પહેરવેશ, ખાણીપીણી, સંસ્કૃતિ એ મોટી ઉંમરના લોકોમાં જ જોવા મળે છે."
દાયકાઓ સુધી ગુજરાતી મુશાયરાઓ એ કરાચીમાં ખૂબ સામાન્ય વાત હતી અને મોટા પ્રમાણમાં તેનું આયોજન થતું રહ્યું છે.
પાકિસ્તાનથી પ્રગટ થતાં ગુજરાતી અખબારો
પાકિસ્તાનથી હાલમાં ગુજરાતી ભાષામાં બે અખબારો પ્રગટ થાય છે. 'મિલ્લત ગુજરાતી' અને 'ડેઇલી વતન' એમ બે અખબારો છે, પરંતુ બંને ક્યાં સુધી ટકી શકશે એ મોટો સવાલ છે.
'મિલ્લત ગુજરાતી' અખબાર માતરના ફખ્ર માતરીએ શરૂ કર્યું હતું. વિભાજન પહેલાં તે ગુજરાતમાં અઠવાડિક તરીકે પ્રગટ થતું હતું.
વિભાજન બાદ 1948માં તેમણે પાકિસ્તાનથી પણ એ અખબાર પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. હાલમાં શીમાઇલા માતરી દાઉદ તેમનાં તંત્રી છે.
પાકિસ્તાનમાં ચાલતાં અખબારો વિશે વાત કરતાં બશીર મુન્શીએ કહ્યું હતું કે, "હાલમાં 'મિલ્લત' અને 'વતન' એમ બે ગુજરાતી અખબારો છપાય છે. પરંતુ તેમની કોપીઓ ઘટીને 1000 જેટલી થઈ ગઈ છે."
"હવે મિલ્લત માત્ર ચાર પાનાનું છપાય છે, એમાં પણ વાચકોને આકર્ષવા બે પાનાં ઉર્દૂમાં છાપવામાં આવે છે. એક સમય હતો કે મિલ્લતની કોપીઓ ભારત, આફ્રિકા, મિડલ ઇસ્ટના દેશોમાં પણ જતી હતી."
'ગુજરાતી બચાવો તહેરીક'નું પ્રદાન
ગુજરાતી બચાઓ તેહરીકના સ્થાપક સૈયદ અબ્દુલ રહેમાનના પિતા ભાવનગરથી ભાગલા પછી પાકિસ્તાન આવ્યા હતા.
તેઓ કહે છે, "મને પણ શાળામાં ગુજરાતી ભાષા શીખવા મળી ન હતી, પરંતુ આસપાસના લોકોને કાઠિયાવાડીમાં વાતો કરતા જોઈને મને એમ થતું કે આ તો આપણો વારસો છે...એ ખતમ થઈ રહ્યો છે. હું આપમેળે ગુજરાતી શીખ્યો."
"એક વખત મેમણ સમાજની એક વ્યક્તિએ તેમના ધંધાનું બોર્ડ ગુજરાતીમાં લખ્યું હતું. પછી થોડા સમયમાં તેમણે એ બોર્ડ કાઢી નાખ્યું."
"મેં તેમને કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે, 'યે ગુજરાતી-ગુજરાતી છોડો, અબ પાકિસ્તાની બનો' ત્યારે મને એમ થયું કે લોકો તો આપણો મૂળ વારસો ભૂલી રહ્યા છે."
સૈયદ રહેમાન કહે છે, "2019માં અમે ગુજરાતી બચાવો તહેરીકની સ્થાપના કરી, પણ કોઈ જમાતોએ અમને મચક ન આપી કે કોઈપણ પ્રકારનું સમર્થન ન આપ્યું."
"મેમણો કહેતા કે, 'અમારી ભાષા, મેમણી ભાષા...', કચ્છીઓ કહેતા કે, 'અમારી ભાષા, કચ્છી ભાષા...'- પણ હકીકતમાં તો એ બોલી છે, ભાષા તો ગુજરાતી છે."
"કોઈનું સમર્થન ન મળ્યું. મેમણોએ તેમની ગુજરાતી શાળાઓ બંધ કરી દીધી. તેઓ પૈસાદાર, વગદાર ખરા, પણ આ બાબતોમાંથી સાઇડલાઇન થઈ ગયા."
તેઓ કહે છે કે, "અંતે અમને મુસ્લિમ મંસૂરી જમાતે ગુજરાતી વર્ગો ચલાવવા માટે જગ્યા આપી. અમને ખુશી છે કે અમે અત્યાર સુધીમાં કુલ 2000 લોકોને ગુજરાતી ભાષા લખતાં-વાંચતાં શીખવી છે."
"છેલ્લાં ચાર વર્ષથી અમે વિવિધ કાર્યક્રમો કરીને માતૃભાષા દિવસ ઊજવીએ છીએ. 40 વર્ષ પછી અમે કરાચીમાં હિંદુઓ પાસે રાસ-ગરબાનો કાર્યક્રમ આયોજિત કરાવ્યો અને અમે સૌએ ભાગ લીધો. અમારી કમિટીમાં પણ ચાર હિંદુઓ અને છ મુસ્લિમો છે."
ઇતિહાસ તરફ નજર નાખતા બશીર મુન્શી કહે છે, "કરાચીને આધુનિક બનાવવામાં પારસી ગુજરાતીઓનો ફાળો મુખ્ય છે. વોહરાઓની અને પારસીઓની શાળામાં ગુજરાતી ભણાવવામાં આવતું હતું."
"હવે કરાચીમાં પારસીઓની વસ્તી પણ 1800થી 1900 જ રહી ગઈ છે. શાળાઓમાં ગુજરાતી શીખવવાનું તદ્દન બંધ થઈ ગયું છે. જોકે, અમે વ્યક્તિગત પ્રયત્નો ખૂબ કરી રહ્યા છીએ."
બીબીસીએ પાકિસ્તાન ઑથોરિટીનો ગુજરાતી ભાષાની શાળાઓ મામલે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમનો જવાબ આવ્યે આ અહેવાલ અપડેટ કરવામાં આવશે.
પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાનું ભવિષ્ય
બશીર મુન્શી વર્લ્ડ ગુજરાતી ઑર્ગેનાઇઝેશનના પાકિસ્તાન ચેપ્ટરના પ્રમુખ પણ છે. 88 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતી ભાષાનાં પુસ્તકોની લાઇબ્રેરી બનાવવા માટે મથામણ કરી રહ્યા છે. તેમની પાસે સેંકડો ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ પણ છે.
તેઓ કહે છે, "પહેલાં કરાચીમાં હિલાલ ગુજરાતી લાઇબ્રેરી હતી, ત્યાં જઈને મેં ખૂબ ગુજરાતી પુસ્તકો વાંચ્યાં હતાં. જે બંધ થઈ ગઈ."
"હવે મારે એક ગુજરાતી લાઇબ્રેરી બનાવવી છે, જેના માટે મેં પુસ્તકો એકઠાં કરી રાખ્યાં છે, પણ આ કામ એટલું સહેલું નથી."
"ગુજરાતી ભાષાને બચાવવા માટે આપણે નવી પેઢીને 60 વર્ષ પહેલાંનું ગુજરાત શું હતું એ બતાવવું પડશે."
યાસીન મરચન્ટ કહે છે કે, "હાલની પરિસ્થિતિ એવી છે કે પીઢ લોકો, વડીલો ગુજરાતી સંસ્કૃતિને ટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ નવી પેઢી માટે આ મુશ્કેલ દેખાઈ રહ્યું છે."
તેઓ કહે છે કે, "શરૂઆતમાં અમે 30 લોકોનો ગુજરાતી વર્ગ ચલાવતા હતા. ધીમે-ધીમે ગુજરાતી શીખવા આવનારની સંખ્યા ઘટી ગઈ અને કેટલાંક વર્ષો પછી પાંચ જ લોકોનો વર્ગ ચાલતો હતો, પરંતુ હવે અમે નવેસરથી નવા વર્ગો ખોલવા જઈ રહ્યા છે."
"ત્રણેક સરકારી શાળામાં પણ ગુજરાતી ભણાવવાનું શરૂ થશે તેવી અમને આશા છે. અમે પ્રદર્શન કર્યું છે, પરંતુ અમને સરકારનો કોઈ રિસ્પૉન્સ મળ્યો નથી."
સૈયદ રહેમાન કહે છે, "ગુજરાતી હિંદુઓ પાક્કા ગુજરાતી છે, મને તેમનાથી ખૂબ આશા છે. મેમણો પણ આગળ આવશે તો ગુજરાતી ભાષા માટે કંઈક સારું કરી શકાશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન