રફી@100: 'મારા જેવા હજારો આવશે, પણ બીજો રફી નહીં આવે', એવું મન્ના ડેએ શા માટે કહ્યું હતું?

મોહમ્મદ રફી

ઇમેજ સ્રોત, OM BOOKS

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ રફીનો જન્મ 24મી ડિસેમ્બર, 1924ના રોજ અમૃતસરમાં થયો હતો
  • લેેખક, વંદના
  • પદ, સીનિયર ન્યૂઝ એડિટર, બીબીસી ન્યૂઝ

બરફીલા પહાડોમાં દિલ ખોલીને પ્રેમ અભિવ્યક્ત કરતા શમ્મી કપૂર 'યાહૂ...ચાહે કોઈ મુજે જંગલી કહે' ગીત માટે કોઈ ગાયકનો અવાજ ઇચ્છતા હતા ત્યારે એ અલ્લડપણું મોહમ્મદ રફીના અવાજમાં મળ્યું હતું.

'યે ઇશ્ક ઇશ્ક હૈ, ઇશ્ક ઇશ્ક.. આઝાદ હૈ, હિન્દુ, ન મુસલમાન હૈ ઇશ્ક'- આ કવ્વાલી પ્રેમના આધ્યાત્મિક સ્વરૂપે મોહમ્મદ રફીએ જ ગાઈ હતી. આ એ જ રફી છે જેમના "મન તડપત હરી દરસન કો આજ" ગીતને ભક્તિ માટે યાદ કરવામાં આવે છે. ગુરુ દત્ત સ્ક્રીન પર ભારતની વાસ્તવિકતા અને સરકાર એમ બન્નેથી કંટાળી ગયા ત્યારે એ રફી જ હતા, જેમણે ગાયું હતું- 'જિન્હે નાઝ હૈ હિન્દ પર, વો કહાં હૈ.'

આ બધાં ગીતો મોહમ્મદ રફીની ગાયકીના જૂજ રંગ છે. આ વર્ષ મોહમ્મદ રફીની જન્મશતાબ્દીનું છે.

એક સમય એવો હતો જ્યારે ફિલ્મોનાં હિટ ગીતો એટલે મોહમ્મદ રફી એવો અર્થ થતો હતો. તેમના અવસાનનાં વર્ષો પછી પણ લોકો તેમના અવાજ અને હૈયું જીતી લેવાની શૈલીના કિસ્સા સંભળાવતા થાકતા નથી.

સુજાતા દેવના પુસ્તક 'મોહમ્મદ રફી – એ ગોલ્ડન વૉઇસ'માં શમ્મી કપૂર યાદ કરે છે, "અમારે, તારીફ કરું ક્યા ઉસકી ગીત રેકૉર્ડ કરવાનું હતું. હું આખી રાત ઊંઘી શક્યો ન હતો. હું ઇચ્છતો હતો કે 'તારીફ કરું ક્યા ઉસકી' શબ્દોનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે અને પછી ગીત પૂરું થાય, પરંતુ સંગીતકાર ઓ. પી. નૈયરને મારી સલાહ ગમી નહીં."

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

"મને નિરાશ જોઈને રફીએ ઓ. પી. નૈયરને કહ્યું, 'પાપાજી, આપ કમ્પોઝર હો, મેં ગાયક હૂં, પરંતુ પડદા પર તો શમ્મી કપૂરે જ ઍક્ટિંગ કરવાની છે. તેમને કરવા દો. સારું નહીં લાગે તો આપણે ફરીથી કરી લઇશું'. મેં જે રીતે વિચાર્યું હતું એવી જ રીતે રફી સાહેબે ગાયું."

શમ્મી કપૂર કહે છે, "ઓ. પી. નૈયરે ગીત જોયું ત્યારે મને વળગી પડ્યા હતા અને આશિર્વાદ આપ્યા હતા. રફી સાહેબે તેમના શરારતી, પરંતુ નરમ અવાજમાં કહ્યુઃ 'અબ બાત બની ના'? રફી સાહેબ ચપટી વગાડતાં દિલ જીતી લેતા હતા. હું મોહમ્મદ રફી વિના અધૂરો છું."

'રફી મિયાં, તુમને કિતના ખૂબસૂરત ગાયા હૈ'

રફીની જન્મશતાબ્દી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મન્ના ડે

વિખ્યાત ગાયક મન્ના ડેનો એક બહુ જૂનો ઇન્ટરવ્યૂ મને કાયમ યાદ આવે છે. એ ઇન્ટરવ્યૂમાં પત્રકાર રાજીવ શુક્લાના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "રફી સાહેબ, નંબર વન હતા. મારાથી બહેતર. હું મારી સરખામણી માત્ર રફી સાથે કરું છું. જે રીતે તેઓ ગાતા હતા, ભાગ્યે જ કોઈ ગાઈ શકે. રફી ન હોત તો હું તેમની જગ્યા લઈ શક્યો હોત. અમે બન્ને એવા ગાયક હતા, જે તમામ પ્રકારનાં ગીતો ગાઈ શકતા હતા."

પાર્શ્વગાયક તરીકે મુકેશ અને કિશોર કુમાર ફિલ્મોમાં છવાયેલા હતા એ સમયમાં મોહમ્મદ રફીએ ગીતો ગાયાં હતાં. જોકે, એ બધા સાથે તેમનો સંબંધ મૂલ્યવાન હતો.

મુકેશના પુત્ર નીતિન મુકેશે બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "બધાનો સંબંધ બહુ સુંદર હતો. 'રફી મિયાં, તુમને યે ગીત ઇતના ખૂબસૂરત ગાયા હૈ. કાશ, મૈં ભી તુમ્હારી તરહ ગા સકતા', એમ મુકેશજી ફોન ઉઠાવીને રફી સાહેબને કહેતા ત્યારે મને આશ્ચર્ય થતું હતું. ક્યારેક રફી સાહેબનો ફોન આવતો હતો કે મુકેશ તુમને કિતના સુંદર ગાયા."

જ્યારે રફીએ કહ્યું, 'મારા ગળામાં મીઠાશ ભરી દો'

રફી, સંગીત, ફિલ્મ

ઇમેજ સ્રોત, TRANQUE BAR

ઇમેજ કૅપ્શન, જવાહરલાલ નહેરૂ સાથે મોહમ્મદ રફી

આટલા પ્રતિભાવંત હોવા છતાં રિયાઝ અને ખુદને બહેતર બનાવવા માટે રફી કેટલા તલપાપડ હતા તેનો એક કિસ્સો સંગીતકાર ખય્યામ અલગ-અલગ ઠેકાણે અનેક વખત જણાવી ચૂક્યા છે.

ખય્યામે કહ્યું હતું, "રફી મને વારંવાર ભોજન માટે આમંત્રણ આપતા હતા. મને સવાલ થતો કે હકીકત શું છે. પછી રફી સાહેબે મને વિનંતી કરીઃ 'તમે મારા અવાજમાં મિઠાશ ભરી દો'. રફી તેમની લોકપ્રિયતાની ચરમસીમા પર હતા ત્યારેની આ વાત છે. હું દિગ્મૂઢ થઈ ગયો હતો. વાસ્તવમાં, રફી એ દિવસોમાં હાઈ પિચવાળાં ગીતો ગાતાં હતાં."

ખય્યામ કહે છે, "મેં તેમની સામે કેટલીક શરતો મૂકી હતી. જેમ કે, ભૂલી જાઓ કે તમે મહાન ગાયક છો. રિહર્સલ વખતે તમારી આસપાસ કોઈ નહીં હોય. એ દરમિયાન તમે કોઈની સાથે ફોન પર વાત પણ નહીં કરો. રફી સાહેબે પૂરી તન્મયતાથી મારી પાસે તાલીમ લીધી. તેનું પરિણામ એ આવ્યું કે 'ગજબ કિયા, તેરે વાદે પે ઐતબાર કિયા' ગઝલ તેમણે ગાઈ ત્યારે જે મીઠાશ રફીને જોઈતી હતી તે તેમને મળી."

'રફી મિયાં, ક્યા મૈંને મ્યુઝિક સ્કૂલ ખોલ રખ્ખા હૈ...'

રફીની જન્મશતાબ્દી

ઇમેજ સ્રોત, OM BOOKS

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ રફીને શરૂઆતમાં વર્ષ 1944ની ફિલ્મ 'પહેલે આપ'માં કોરસ ગાવાની તક મળી હતી

ગાયકી ઉપરાંત લોકો મોહમ્મદ રફીની જે બાબત માટે પ્રશંસા કરે છે એ હતી તેમની શાંત અને વિનમ્ર શૈલી.

સુજાતા દેવના પુસ્તકમાં સંગીતકાર અમર હલ્દીપુર કહે છે, "સંગીતકાર સી. રામચંદ્ર 1967-68માં રફી સાહેબ સાથે એક ગીત રેકૉર્ડ કરતા હતા, પરંતુ રફીજીથી વારંવાર ભૂલો થતી હતી. અનેકવાર રેકૉર્ડિંગ કરવું પડ્યું. સી. રામચંદ્ર ગુસ્સે થઈ ગયા અને કહ્યું: રફી મિયાં, ક્યા હો રહા હૈ. મૈંને ક્યા મ્યુઝિક સ્કૂલ ખોલ રખ્ખા હૈ. જો ગાના દિયા હૈ, વો યાદ કીજિએ ઔર ગાઈએ."

અમર હલ્દીપુર કહે છે, "રફીજીએ માફીના સ્વરમાં કહ્યું હતું, માફ કરજો. આ ગીત મારા દિમાગમાં બરાબર ગોઠવાતું નથી. હું હમણા કરું છું. સંગીતકારને સંતોષ ન થયો ત્યાં સુધી તેઓ ગાતા રહ્યા હતા. પછી તેઓ સાજીંદાઓ પાસે ગયા હતા અને બધાની માફી માંગી હતી. આવી વિનમ્રતાને કારણે તેઓ બધાને ગમતા હતા."

જ્યારે ચીને વગાડ્યાં રફીનાં ગીતો

લતા મંગેશકર અને મોહમ્મદ રફી

ઇમેજ સ્રોત, TRANQUE BAR

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર અને મોહમ્મદ રફી

મોહમ્મદ રફીનાં ગીતોની લોકપ્રિયતાનો અંદાજ એક ભૂતપૂર્વ સૈનિકના કિસ્સામાંથી પણ જાણવા મળે છે. એ કિસ્સો તેમણે 2020માં અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલી મુલાકાતમાં સંભળાવ્યો હતો.

1962નું યુદ્ધ લડી ચૂકેલા ભારતીય સૈનિક ફુનચોક તાશીએ કહ્યું હતું, "ગલવાન વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. ચીનના સૈનિકો ત્યાં મોટા લાઉડ સ્પીકર લગાવીને હિન્દીમાં ઘોષણા કરતા હતા કે આ જગ્યા તમારી કે અમારી નથી. તમે પાછા ચાલ્યા જાઓ. અમે પણ પાછા જઈએ છીએ. એ પછી રફીનું ગીત 'તુમસા નહીં દેખા' જોર-જોરથી વગાડતા હતા. લતા મંગેશકરે ગાયેલું 'તન ડોલે, મેરા મન ડોલે' ગીત પણ દિવસો સુધી તેમણે વગાડ્યું હતું. ભારતીય સૈનિકો પાછા ચાલ્યા જાય એટલા માટે તેઓ આવું કરતા હતા. જોકે, અમે એ જગ્યા છોડી ન હતી."

રફી વાળ કાપવાનું કામ કરતા હતા

રફી

ઇમેજ સ્રોત, OM BOOKS

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ રફીની વિનમ્રતાને કારણે સાથીઓમાં તેઓ લોકપ્રિય હતા

હવે રફીના બાળપણની થોડી વાતો કરીએ.

તેમનો જન્મ 1924ની 24 ડિસેમ્બરે અમૃતસર પાસેના કોટલા સુલ્તાન સિંહમાં અલ્લાહરખી અને હાજી અલી મોહમ્મદના ઘરે થયો હતો. તેમનું હુલામણું નામ ફીકો હતું.

હાજી અલી મોહમ્મદ ઉત્તમ રસોઇયા હતા. તેઓ 1926માં લાહોર ચાલ્યા ગયા હતા. ફીફો કોટલા સુલ્તાન સિંહની સ્કૂલમાં જ અભ્યાસ કરતા રહ્યા.

બાર વર્ષના થયા પછી રફી તેમના પરિવારના બાકીના સભ્યો સાથે લાહોર પહોંચ્યા હતા. એ પછી રફી ક્યારેય સ્કૂલે ગયા નહીં. તેમણે તેમના મોટાભાઈ સાથે વાળ કાપવાનું કામ શરૂ કરી દીધું હતું.

રફી સંગીતના દિવાના હતા, પણ તેમના પિતા સંગીતની સખત વિરુદ્ધ હતા. આ કારણસર રફી છાને ખૂણે ગાતા હતા. એક કિસ્સો બહુ વિખ્યાત છે.

લાહોરમાં એકતારો બજાવતો એક ફકીર આવતો હતો. તેને ગાતો સાંભળીને રફી તેમની પાછળ-પાછળ ચાલ્યા જતા હતા. રફી હઝરત દાતા ગંજ બખ્શની દરગાહ પર વારંવાર જતા હતા.

વીડિયો કૅપ્શન, જ્યારે મોહમ્મદ રફીએ કિશોર કુમાર માટે ગાયું ગીત, જાણો મજેદાર વાતો 'બીબીસી બાલ્કની'માં

એક વખત ઑલ ઇન્ડિયા રેડિયોના અધિકારી જીવનલાલ મટ્ટો લાહોરના નૂર મહોલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે તેમણે અત્યંત કર્ણમંજૂલ અવાજ સાંભળ્યો હતો. તેઓ એ અવાજનો પીછો કરતા કરતા એક દુકાનમાં ગયા હતા, જ્યાં રફી કોઈના વાળ કાપતા હતા. રફીની ગાયકીથી ખુશ થયેલા તે અધિકારીએ રફીને રેડિયોમાં કામ કરવાની તક આપી.

એક વખત લાહોરમાં એ સમયના વિખ્યાત ગાયક કે એલ સાયગલના કાર્યક્રમમાં વીજળી ગૂલ થઈ ગઈ. વીજ પૂરવઠો પૂર્વવત થાય ત્યાં સુધી સમય પસાર કરવા અને લોકોને જકડી રાખવા માટે યુવા રફી મંચ પર આવ્યા. એ મહેફિલમાં મોજુદ સંગીતકાર શ્યામ સુંદર રફીના ગીતથી એટલા પ્રભાવીત થયા કે તેમને મુંબઈ આવવાની સલાહ આપીને ચાલ્યા ગયા.

રફી ગાતા રહ્યા, પગમાંથી લોહી નીકળતું રહ્યું

મોહમ્મદ રફી

ઇમેજ સ્રોત, OM BOOKS

ઇમેજ કૅપ્શન, પત્ની બિલકીસ સાથે મોહમ્મદ રફી

પરિવારમાં પિતા સિવાયના બાકીના તમામ સભ્યો રફીના કૌશલ્યને સમજતા હતા. તેમને લાગ્યું કે રફીનું ભવિષ્ય મુંબઈમાં છે. રફી મુંબઈ ચાલ્યા ગયા. એ પછી સંઘર્ષની શરૂઆત થઈ. સંગીતકાર શ્યામ સુંદરે રફી પાસે પંજાબી ફિલ્મ ગુલબલોચ માટે ગીત ગવડાવ્યું.

રફીને શરૂઆતમાં 1944માં 'પહેલે આપ' અને પછી 'ગાંવ કી ગોરી' ફિલ્મોમાં ગીતો ગાવાની તક મળી. પહેલા આપ ફિલ્મમાં કોરસમાં ગાવાનું હતું. સૈનિકોના કદમતાલની માફક ગાયકોએ પણ કદમતાલ કરવાની હતી. એવું ગીત હતું.

રેકૉર્ડિંગ પછી નૌશાદે જોયું તો રફીના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. કારણ પૂછ્યું ત્યારે રફીએ જણાવ્યું હતું કે તેમના બૂટ વધારે પડતા ટાઇટ છે. ગીત ચાલતું હતું એટલે તેમણે કશું કહ્યું ન હતું.

મોહમ્મદ રફીની ખ્યાતિ અને સફળતાની વાત સંગીતકાર નૌશાદના ઉલ્લેખ વિના અધૂરી છે. નૌશાદ અને રફીએ બૈજુ બાવરા, કોહિનૂર, મધર ઇન્ડિયા, મુગલ-એ-આઝમ, આન, ગંગા જમુના, મેરે મહેબૂબ, રામ ઔર શ્યામ અને પાકિઝા જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

નૌશાદના પુત્ર રાજુના કહેવા મુજબ, "નૌશાદજી રફીને કલાકો સુધી રિયાઝ કરાવતા હતા અને રફીજી કલાકો સુધી રિયાઝ કરતા હતા. નૌશાદ તેમને હસતા-હસતા કહેતા કે હવે જાઓ, બીજા ગીતોની પ્રૅક્ટિસ કરો, અન્યથા તમે ક્યારેય શ્રીમંત નહીં બની શકો."

આ સંબંધ માત્ર સંગીતનો ન હતો. રફી સાહેબની દીકરીઓના નિકાહ પણ નૌશાદે જ કરાવ્યા હતા.

જ્યારે રફીને રિટેક માટે કરવામાં આવ્યું...

કિશોરકુમાર અને રફી

ઇમેજ સ્રોત, OM BOOKS

ઇમેજ કૅપ્શન, કિશોરકુમાર અને મોહમ્મદ રફી

વિનમ્ર સ્વભાવના રફી ક્યારેય નારાજ થતા જ ન હતા એવું નથી, પરંતુ તેનો અંદાઝ પણ અલગ હતો.

'મોહમ્મદ રફી – એ ગોલ્ડન વૉઇસ' પુસ્તકમાં વરિષ્ઠ સંગીતકાર ઓમીએ પોતાની સ્મૃતિ વર્ણવી છે. તેમણે કહ્યું છે, "રફી એકવાર મારાથી નારાજ થઈ ગયા હતા, એવું ભાગ્યે જ બનતું હતું. 1973માં ધર્મા ફિલ્મની કવ્વાલી રાઝ કી બાત કહ દૂં તો...નું રેકૉર્ડિંગ હતું. હું રિટેક કરવા ઇચ્છતો હતો. રફી સાહેબ થોડા નારાજ થઈ ગયા અને બોલ્યાઃ શું કહી રહ્યા છો? રફી સાહેબ પાસેથી આવું સાંભળવું અસામાન્ય હતું. મેં થોડી કડકાઈ કરીને કહ્યુઃ ઠીક છે. પૅક અપ. રફી સાહેબ એક શબ્દ કહ્યા વિના ચાલ્યા ગયા."

ઓમીના કહેવા મુજબ, "બીજા દિવસે સવારે છ વાગ્યે ઘંટડી વાગી. સામે રફી સાહેબ હતા. તેમણે પંજાબીમાં કહ્યુઃ મેં તમને નારાજ કર્યા. ચાલો, કાલવાળી કવ્વાલી સાંભળીએ. હું અમેરિકાથી સ્પીકર લાવ્યો છું. તેના પર સાંભળીએ. સાંભળ્યા પછી રફીજીએ વિનમ્રતાથી પૂછ્યુઃ ફરીથી રેકૉર્ડ કરવી છે?"

"હું તેમને ભેટી પડ્યો અને કહ્યું કે ખાન તમારું સ્પીકર લઈ જાઓ. હું તેમને ખાન કહેતો હતો. તેમણે મને કહ્યુઃ આ સ્પીકર તમારા માટે છે. રફીજીની ફી ત્રણ હજાર રૂપિયા હતી અને સ્પીકરની કિંમત 20,000 રૂપિયા. આ હતા રફી સાહેબ."

રફીની કારકિર્દીમાં આવ્યો નબળો સમય

રફીની કારકિર્દીમાં નબળો સમય પણ આવ્યો

ઇમેજ સ્રોત, OM BOOKS

ઇમેજ કૅપ્શન, રફીની કારકિર્દીમાં નબળો સમય પણ આવ્યો

સફળ હોવા છતાં રફીના જીવનમાં પડકારો ન હતા એવું નથી. રફી સાહેબ વિશે 'દાસ્તાન-એ-રફી' નામની દસ્તાવેજી ફિલ્મ બની છે.

એ ડૉક્યુમેન્ટ્રીમાં સંગીતકાર મદન મોહનના પુત્ર સંજીવ કોહલી કહે છે, "ગાયકીમાં વૈવિધ્ય ક્યારેક અડચણ બની જતું હોય છે. એવું 60ના દાયકામાં જંગલી ફિલ્મ સંબંધે રફી સાથે થયું હતું. તેઓ બાર-બાર દેખો..જેવાં ગીતો ગાતાં હતાં. પોતાની સ્ટાઇલ બનાવી રહ્યા હતા, પરંતુ એક વખત મદન મોહને રફી સાહેબને કહ્યું હતું કે તમે હવે યાહૂ જેવું ગીત ગાશો તો હું રેકૉર્ડિંગ કૅન્સલ કરી નાખીશ. તમે પહેલાં એ મૂડમાંથી નીકળી જાઓ. મારું ગીત ગંભીર છે. મારે તેમાં ઓછી અદાયગી જોઈએ છીએ."

મોહમ્મદ રફીએ કારકિર્દીમાં ટોચ જોઈ હતી તો એક સમય એવો પણ આવ્યો હતો કે જેમાં અધોગતિ દેખાવા લાગી હતી. આ વાત 70ના દાયકાની શરૂઆતની છે.

એ વખતે રફી હજ કરીને પાછા આવ્યા હતા. ત્યાં કોઈએ એમને કહ્યું હતું કે સંગીતને તેમના ધર્મમાં કોઈ સ્થાન નથી. એ પછી રફીએ થોડા સમય માટે ગાવાનું છોડી દીધું હતું.

તેઓ દિલીપ કુમાર અને શમ્મી કપૂર જેવા દિગ્ગજ અભિનેતાઓ માટે ગાતા હતા. તેઓ ધીરે-ધીરે સમેટાઈ રહ્યા હતા. એ રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનનો સમય હતો. જે સંગીતકાર અને ગીતકાર રફી માટે ગીત-સંગીત રચતા હતા એ પૈકીના ઘણાનું અવસાન થયું હતું. એસ. ડી. બર્મનનું સ્થાન આર. ડી. બર્મન જેવા નવી પેઢીના સંગીતકાર લઈ રહ્યા હતા. તેઓ નવા પ્રકારના સંગીત અને કિશોર કુમાર જેવા ગાયકો સાથે કામ કરવા લાગ્યા હતા.

એ વખતે ઘણા લોકોએ કહ્યું હતું કે રફીનો યુગ આથમી ગયો.

ઋષિ કપૂરનો અવાજ બનીને પાછા ફર્યા રફી

કારકિર્દીમાં આવેલી થોડી પડતીને રફી સાહેબે પોતાના પર સવાર થવા દીધી ન હતી. અનેક સંગીતકારોએ પણ તેમને સાથ આપ્યો હતો. લૈલા-મજનુ ફિલ્મનું સંગીત તૈયાર થઈ રહ્યું હતું ત્યારે મદન મોહને જીદ પકડી હતી કે અભિનેતા ઋષિ કપૂર માટે રફી જ ગીતો ગાશે. અન્યથા તેઓ એ ફિલ્મ નહીં કરે.

1976માં લૈલા મજનુ રિલીઝ થઈ ત્યારે રફીએ ગાયેલા તેનાં ગીતો સુપર હીટ સાબિત થયાં હતાં. જોકે, એ પહેલાં મદન મોહનનું અવસાન થયું હતું.

1977માં રફીનું ગીત 'ક્યા હુઆ તેરા વાદા' આવ્યું. એ ગીત માટે તેમને નૅશનલ ઍવૉર્ડ પણ મળ્યો હતો. 1977માં યુવાન ઋષિ કપૂર માટે રફીએ મનમોહન દેસાઈની ફિલ્મ 'અમર, અકબર એન્થની'માં "પરદા હૈ પરદા" કવ્વાલી ગાઈ હતી. એ પણ બહુ મશહૂર થઈ હતી.

રાજ કપૂર માટે ગાઈ ચૂકેલા રફીને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલે નવા ઍક્ટર ઋષિ કપૂર માટે કેમ પસંદ કર્યા હશે એ વાતનું બધાને આશ્ચર્ય થતું હતું, પરંતુ એ ગીતોથી રફીએ જોરદાર વાપસી કરી હતી.

લક્ષ્મીકાંત-પ્યારેલાલે તેમની પહેલી ફિલ્મ 'પારસમણિ' પણ રફી સાથે જ કરી હતી. યોગાનુયોગે લક્ષ્મીકાંત-પ્યારેલાલની 1980ની ફિલ્મ 'આસપાસ'માં મોહમ્મદ રફીએ તેમનું છેલ્લું ગીત ગાયું હતુઃ તેરે આને કી આસ હૈ દોસ્ત, શામ ક્યૂં ફિર ઉદાસ હૈ દોસ્ત.

'હું ટોચ પર હોઉં ત્યારે અલ્લાહ મને ઉઠાવી લે...'

રફીની જન્મશતાબ્દી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ રફીના પિતા સંગીતના વિરોધી હતા
મોહમ્મદ રફીની જન્મશતાબ્દી

સમયાંતરે આવેલા ગાયકો પર મોહમ્મદ રફીની અસર રહી છે. તેમાં સોનુ નિગમ પણ સામેલ છે.

બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં સોનુ નિગમે કહ્યું હતું, "હું મુંબઈ ગાયક બનવા આવ્યો ત્યારે રફી સાહેબ જેવા અવાજમાં અને તેમના જેવું ગાવાના પ્રયાસ કરતો હતો. મોહમ્મદ રફી સાહેબ મારા માટે ભગવાન છે. મેં તેમને ક્યારેય જોયા નથી, પરંતુ તેમનામાંથી પ્રેરણા લઈને અને તેમના ગીતો સાંભળીને ગાતો રહ્યો છું. પછી મેં મારી સ્ટાઇલ બનાવી."

મોહમ્મદ રફીનાં પુત્રી નસરીનના જણાવ્યા મુજબ, "રફી સાહેબ કાયમ કહેતા કે હું અલ્લાહને એવી દુઆ કરું છું કે હું ટોચ પર હોઉં ત્યારે મને ઉઠાવી લે. તેમની દુઆનો સ્વીકાર થયો. 1980માં તેઓ ટોચ પર હતા ત્યારે તેમનું અવસાન થયું હતું."

મન્ના ડે અને મોહમ્મદ રફી એક વખત સાથે સ્ટેજ શો કરતા હતા. એ વખતે મન્ના ડેએ મંચ પરથી કહ્યું હતું, "દોસ્તો, આ યુગમાં હજારો મન્ના ડે આવશે, પણ વધુ એક મોહમ્મદ રફી ક્યારેય નહીં હોય."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.