મોહન ભાગવતના મંદિર-મસ્જિદવાળા નિવેદન અંગે થયેલો વિવાદ ભાજપ-સંઘ વચ્ચે 'મતભેદ' તરફ ઇશારો કરે છે?
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
"રામમંદિરની સાથે હિંદુઓની શ્રદ્ધા જોડાયેલી છે. પરંતુ રામમંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાઓ પર આ પ્રકારના મુદ્દા ઉઠાવીને હિંદુઓના નેતા બની શકે છે. આ સ્વીકાર્ય નથી."
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે આ વાત એવા સમયે કહી છે જ્યારે દેશમાં મંદિર-મસ્જિદનાં કેટલાંય નવાં પ્રકરણ લખાઈ રહ્યાં છે.
ઉપાસનાસ્થળનો કાયદા ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે દેશમાં સંભલ, મથુરા, અજમેર અને કાશી સહિત ઘણી જગ્યાઓએ રહેલી મસ્જિદોના સ્થાને પ્રાચીન સમયમાં મંદિરો હોવાના દાવા કરાઈ રહ્યા છે.
19 ડિસેમ્બર, ગુરુવારે મોહન ભાગવતે 'હિંદુસેવા મહોત્સવ'ના ઉદ્ઘાટન વખતે દેશના હાલના માહોલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ફરી એક વખત મંદિર-મસ્જિદના પ્રકરણને બંધ કરવાની વાત કરી છે.
તેમણે કહ્યું, "તિરસ્કાર અને દુશ્મની માટે દરરોજ નવું પ્રકરણ શરૂ કરવું એ યોગ્ય નથી, આવું ન ચાલી શકે."
મોહન ભાગવતના નિવેદન પછી રાજકીય વર્તુળોમાં ખેંચતાણ શરૂ થઈ છે. એટલું જ નહીં, કેટલાક સાધુસંતોએ પણ તેની સામે મોરચો માંડ્યો છે.
મોહન ભાગવતના આ ભાષણનો શું અર્થ નીકળે છે? શું તેઓ સંઘ કૅડરને તેમની દિશા બદલવાની સલાહ આપી રહ્યા છે?
ઘણા સાધુ-સંતોએ સવાલ ઉઠાવ્યા
મોહન ભાગવતના નિવેદન પર સ્વામી રામભદ્રાચાર્યએ સવાલો ઉઠાવ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "આ મોહન ભાગવતનું અંગત નિવેદન હોઈ શકે છે. આ તમામનું નિવેદન નથી. તેઓ કોઈ એક સંસ્થાના વડા હોઈ શકે છે, તેઓ હિંદુ ધર્મના વડા નથી કે આપણે તેની વાત માનતા રહીએ. તેઓ અમારી ઉપર નથી, અમે તેમની ઉપર છીએ."
રામભદ્રાચાર્યએ કહ્યું કે, "તેઓ હિંદુ ધર્મની વ્યવસ્થાના ઠેકેદાર નથી. હિંદુ ધર્મની વ્યવસ્થા હિંદુ ધર્મના આચાર્યોના હાથમાં છે. તેમના હાથમાં નથી. તેઓ કોઈ પણ એક સંસ્થાના પ્રમુખ બની શકે છે. અમારા વડા નથી. તેઓ સમગ્ર ભારતના પ્રતિનિધિ નથી."
મોહન ભાગવતના નિવેદન બાદ જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પણ નારાજ થયા છે.
એબીપી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જે લોકો આજે કહી રહ્યા છે કે દરેક જગ્યાએ શોધખોળ ન કરવી જોઈએ, આ લોકોએ તો આખી વાત વધારી છે અને તેના આધારે સત્તા મેળવી છે. હવે સત્તામાં આવ્યા પછી તકલીફ પડી રહી છે."
અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "હવે તેઓ કહે છે કે બ્રેક લગાવો. તમને જ્યારે જરૂર પડે ત્યારે તમે ગાડીનું એક્સિલેટર દબાવો અને તમને જરૂર લાગે ત્યારે બ્રેક લગાવો. આ તો સગવડની વાત થઈ ગઈ. ન્યાયની પ્રક્રિયામાં સગવડ જોવામાં નથી આવતી. તેમાં સત્ય જોવામાં આવે છે."
તેઓ કહે છે, "અમે ઇચ્છીએ છીએ કે જેના વિશે આવી બાબતો સામે આવી રહી છે, તેના પર વિચાર કરવામાં આવે. આના માટે એક ઑથૉરિટી જ બનાવી દેવી જોઈએ જે ઝડપથી વિચાર કરે અને પુરાવા જોઈને સત્ય શોધીને તેને સુધારે."
બાબા રામદેવે પણ આ મામલે પોતાનો મત આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, "હુમલાખોરોએ આવીને આપણાં મંદિરો, ધર્મસ્થળો, સનાતનનાં ગૌરવ ચિહ્નોને નષ્ટ કર્યાં છે તથા આ દેશને નુકસાન પહોંચાડ્યું છે તે હકીકત છે."
બાબા રામદેવે કહ્યું કે તીર્થસ્થળો અને દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનારાઓને સજા કરવાનું કામ ન્યાયતંત્રનું છે. પરંતુ જેમણે આ પાપ કર્યું છે તેમને તેનું ફળ મળવું જોઈએ.
'દિલ્હીના આશીર્વાદ'
સંઘના પ્રમુખે મસ્લિમોને સાથે રાખીને ચાલવાની અને મસ્જિદોમાં મંદિર ન શોધવાની સલાહ આપી હોય, એવું આ પહેલી વખત નથી.
વર્ષ 2022માં મોહન ભાગવતે નાગપુરમાં કહ્યું હતું કે, "ઇતિહાસ એવી વસ્તુ છે જેને આપણે બદલી શકતા નથી. આજના હિંદુઓએ કે આજના મુસ્લિમોએ ઇતિહાસ નથી બનાવ્યો. તે સમયે એવું બન્યું હતું... દરેક મસ્જિદમાં શિવલિંગ શા માટે શોધવું... હવે આપણે કોઈ આંદોલન કરવું નથી."
વર્ષ 2024માં મોહન ભાગવતે લોકસભાનાં પરિણામોના કારણોનું વિશ્લેષણ કરતાં એક નિવેદન આપ્યું હતું. તે સમયે પણ તેમણે ભાજપના કથિત અહંકારને લઈને આમ કહ્યું હતું તેમ માનવામાં આવે છે.
તેમણે કહ્યું હતું, "જે મર્યાદાનું પાલન કરીને કામ કરે છે, ગર્વ કરે છે, પરંતુ અહંકાર નથી કરતા, તેઓ વાસ્તવમાં સેવક તરીકે ઓળખાવાના હકદાર છે."
પરંતુ આ વખતે રાજકીય વિશ્લેષકો આ નિવેદનને અલગ રીતે જુએ છે. દાયકાઓથી આરએસએસને નજીકથી જોતા વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે કે આ વખતે તેમણે એક વાક્ય ઉમેર્યું છે કે રામમંદિર પછી લોકો રાજકારણ કરીને હિંદુઓના નેતા બનવા માંગે છે.
શરદ ગુપ્તા કહે છે, "આ ટીકા ભાજપના નેતાઓના ઇશારે થઈ રહી છે, જેઓ નરેન્દ્ર મોદી પર કોઈ પરોક્ષ રીતે કટાક્ષ કરે તે પણ સહન કરી શકતા નથી."
વરિષ્ઠ પત્રકાર અશોક વાનખેડે પણ આવું જ કહે છે. તેમણે કહ્યું કે, "જે રીતે કથાકારો અને ધાર્મિક નેતાઓ મોહન ભાગવતના નિવેદન સાથે અસહમત છે. સોશિયલ મીડિયા પર અંધ ભક્તો તેમને સંઘ છોડવા માટે કહી રહ્યા છે. આ બધું દિલ્હીના આશીર્વાદ વગર શક્ય નથી."
તેઓ કહે છે, "નરેન્દ્ર મોદીએ આવું કહ્યું હોત તો શું તેમની આવી જ ટીકા થઈ હોત? મોહન ભાગવત સામે ખુલ્લેઆમ એક મોરચો ખોલવામાં આવ્યો છે તે સ્પષ્ટ છે. આ દિલ્હીના સત્તાધીશો અને મોહન ભાગવત વચ્ચેની સીધી લડાઈ છે."
બીજી તરફ વરિષ્ઠ પત્રકાર અને આરએસએસ પર પુસ્તક લખનાર વિજય ત્રિવેદીનું કહેવું છે કે મોહન ભાગવતનાં નિવેદનોનો અર્થ એ થયો કે આ સમયે દેશમાં જે ચાલી રહ્યું છે તે તેમને પસંદ નથી.
તેઓ કહે છે, "નરેન્દ્ર મોદી સાથે તેમની કોઈ લડાઈ હોય એવું નથી લાગતું. તેમના નિવેદન પર શંકા કરવી એ ખોટું છે. આ માત્ર આજની વાત નથી, પરંતુ તેઓ લાંબા સમયથી કહે છે કે હિંદુઓ-મુસ્લિમોને સાથે રાખીને ચાલવાની જરૂર છે."
ત્રિવેદી કહે છે, "તેઓ સારા દેખાવા માટે આવા નિવેદન આપે છે એવું પણ નથી. તેમની વાતો એવા બધા લોકો માટે છે જેઓ સામાજિક સમાનતાને બગાડવાની કોશિશ કરે છે."
સંઘનો પ્રભાવ
2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટી અને સંઘ વચ્ચે મતભેદો સામે આવ્યા હતા.
શરૂઆતના કેટલાક તબક્કા પછી પ્રચાર દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "ભાજપને હવે સંઘની જરૂર નથી."
વરિષ્ઠ પત્રકાર અશોક વાનખેડેનું કહેવું છે કે જેપી નડ્ડાના આ નિવેદન પછી મોહન ભાગવત આક્રમક બની ગયા હતા.
તેઓ કહે છે, "સંગઠન પર હંમેશાં સંઘનું વર્ચસ રહ્યું છે. અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે પણ આવું જ હતું, પરંતુ હવે સ્થિતિ ઇંદિરા ગાંધીની કૉંગ્રેસ જેવી થઈ ગઈ છે. સત્તા અને સંગઠન એક જ વ્યક્તિના હાથમાં છે જેનાથી સંઘને વાંધો છે. સંઘને બીક છે કે તેમના હાથમાંથી બધું છટકી ન જાય."
વાનખેડે માને છે કે સરસંઘચાલકનું ભાષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને ઘણાં વિચારવિમર્શ અને વ્યૂહરચના પછી જ વાત કહેવામાં આવે છે.
બીજી તરફ વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે કે સંઘમાં પણ એવા ઘણા લોકો છે જે મોહન ભાગવતને બદલે નરેન્દ્ર મોદીની પડખે ઊભા છે.
તેમનું માનવું છે કે સંઘ પર મોહન ભાગવતની પકડ પણ નબળી પડી રહી છે, કારણ કે હવે તેઓ સંઘની વિચારધારાને આગળ વધારવામાં કેટલા સક્ષમ રહ્યા છે તે અંગે સવાલ થઈ રહ્યા છે.
ગુપ્તા કહે છે, "પાંચજન્ય એ સંઘનું મુખપત્ર છે. આ વખતના તંત્રીલેખમાં એવું કહેવાયું છે કે જ્યાં પણ હિંદુ ધર્મનાં પ્રતીકો છુપાયેલાં છે, જ્યાં હિંદુ મંદિરો તોડી પાડવામાં આવ્યાં છે, તે બધાંને પાછાં મેળવવાની જરૂર છે. સંઘનું પોતાનું મુખપત્ર પોતાના જ પ્રમુખની વિરુદ્ધ હોય ત્યારે તેને શું કહેવું?
સંઘના વડાના નિવેદનની અસર પડશે?
સવાલ એ છે કે શું સરસંઘચાલકના આવાં નિવેદનોની સપાટી પર કોઈ અસર પડશે? શું સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ મોહન ભાગવતને સાંભળી રહી છે?
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીનું કહેવું છે કે સંઘના વડાનું નિવેદન એ ફતવો નથી કે જેને દરેક વ્યક્તિ સ્વીકારવા માંડે.
ત્રિવેદી કહે છે કે, "દેશમાં સંઘના સ્વયંસેવકોની સંખ્યા એક કરોડની આસપાસ છે, જ્યારે હિંદુઓની વસ્તી લગભગ 80 કરોડ છે. આવી સ્થિતિમાં આપણે માની લઈએ છીએ કે દરેક હિંદુ સંઘ સાથે જોડાયેલો છે, પરંતુ એવું નથી હોતું. તેથી મોહન ભાગવતનાં નિવેદનોની સીધી અસર સપાટી પર દેખાય એ જરૂરી નથી."
જ્યારે શરદ ગુપ્તા કહે છે કે સંઘ અને ભાજપે મળીને એક એવી સેના બનાવી છે, જે હવે ચાર્જ થઈ ગઈ છે. તેને ડિસ્ચાર્જ કરવી સરળ નથી.
તેઓ કહે છે, "હિંદુત્વ એ વાઘ છે જેના પર ચડવું અને તેની સવારી કરવી સરળ છે, પરંતુ નીચે ઊતરવું ખૂબ મુશ્કેલ છે. બંનેએ મળીને આખા દેશને હિંદુત્વની લહેરમાં ધકેલી દીધો છે અને હવે નીચે ઊતરી શકતા નથી. તેઓ જે પ્રયાસ કરી રહ્યા છે તેમાં ટીકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે જેમાંથી મોહન ભાગવત પણ બચી શકતા નથી."
કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, "મોહન ભાગવતનું નિવેદન આરએસએસની ખતરનાક કાર્યપ્રણાલી દર્શાવે છે. તેમનાં વાતો અને વર્તનમાં જમીન-આસમાનનું અંતર છે."
"આરએસએસની કામ કરવાની પદ્ધતિ આઝાદી સમયે હતી તેના કરતાં આજે પણ વધુ ખતરનાક છે. તેઓ જે કહે છે તેનાથી વિપરીત કરે છે."
તેમણે લખ્યું, "જો મોહન ભાગવતને લાગે છે કે મંદિર-મસ્જિદનો મુદ્દો ઉઠાવીને નેતાગીરી કરવી અયોગ્ય છે, તો તેમણે જણાવવું જોઈએ કે તેમનો સંઘ આવા નેતાઓને કેમ સંરક્ષણ આપે છે? શું આરએસએસ-ભાજપમાં મોહન ભાગવતની વાત માનવામાં આવતી નથી?"
"તેઓ ખરેખર પોતાના નિવેદનમાં પ્રામાણિક હોય તો જાહેરમાં કહો કે ભવિષ્યમાં સંઘ ક્યારેય એવા નેતાઓને સમર્થન નહીં આપે જેઓ સામાજિક ભાઈચારાને જોખમમાં મૂકતા હોય."
"પરંતુ તેઓ નહીં કહે, કારણ કે મંદિર-મસ્જિદ સંઘના ઇશારે જ થઈ રહ્યું છે. એવા ઘણા કેસ છે જેમાં વિભાજનકારી મુદ્દાને ઉશ્કેરીને રમખાણો કરાવનારાઓનું આરએસએસ સાથે જોડાણ નીકળે છે. તેઓ બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અથવા ભાજપ સાથે જોડાયેલા હોય છે અને સંઘ તેમને વકીલ અપાવવાથી લઈને કેસ લડવા સુધી તમામ મદદ કરે છે."
તેમણે લખ્યું છે, "સ્પષ્ટ છે - ભાગવતનું નિવેદન માત્ર સમાજને ગેરમાર્ગે દોરવા માટે છે. તેમને લાગે છે કે આવી વાતો કરવાથી સંઘના પાપ ધોવાઈ જશે અને તેમની છબિ સુધરશે, પરંતુ તેમની વાસ્તવિકતા દેશની સામે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન