પેશાબનો રંગ તમારા સ્વાસ્થ્ય વિશે શું જણાવે છે? કેવો રંગ થાય ત્યારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ?

પેશાબ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, ડેન બૉમગાર્ડ્ટ
  • પદ, ધી કન્વર્સેશન*

લાલ, પીળો, ગુલાબી અને લીલો. તમારા પેશાબનો રંગ મેઘધનુષ જેવો પણ હોઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભૂખરો કે જાંબુડિયો, નારંગી કે લીલા રંગનો પણ પેશાબ થઈ શકે છે.

એટલું જ નહીં, આ સિવાય પણ પેશાબના અનેક રંગો હોઈ શકે છે જે સામાન્ય રીતે જોવા નથી મળતા.

પેશાબના માધ્યમથી આપણું શરીર ગંદકી કે કચરાને બહાર કાઢે છે.

તેમાં શરીરમાં પ્રોટીન, માંસપેશીઓ અને લાલ લોહીની કોશિકાઓના અપઘટનથી બનેલો નાઈટ્રોજનનો કચરો પણ સામેલ હોય છે. એ સિવાય વિટામિન્સ, આપણે લીધેલી દવાઓ તથા અનેક વસ્તુઓ પેશાબ વાટે બહાર નીકળે છે.

પરંતુ એવી અનેક ચીજો હોય છે જે આપણા પેશાબમાં ન હોવી જોઈએ. આથી જ જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ ત્યારે આપણને તેઓ મહત્ત્વનો સવાલ પૂછે છે કે 'તમારા પેશાબનો રંગ કેવો છે?'

લાલ

બીબીસી ગુજરાતી

જો પેશાબનો રંગ લાલ હોય તો સામાન્ય રીતે તેનો મતલબ એવો થાય છે કે તેમાં લોહી આવી રહ્યું છે.

જ્યારે પેશાબ સાથે જોડાયેલા શરીરના તંત્રમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થઈ હોય ત્યારે આમ થાય છે.

કિડની, બ્લૅડર, પ્રોસ્ટેટ અને પેશાબની નળીઓ સાથે જોડાયેલી કોઈ પણ ટ્યૂબમાં જ્યારે રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોય ત્યારે પેશાબનો રંગ લાલ થઈ શકે છે.

પેશાબના રસ્તે નીકળતું લોહી કેવું દેખાશે એ અનેક વાતો પર નિર્ભર કરે છે. પેશાબમાં લોહીની માત્રા કેટલી છે, એ કેટલો તાજો છે અને ક્યારે તેનું સૅમ્પલ લેવામાં આવ્યું છે - આ બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે.

જો રક્તસ્ત્રાવ વધુ માત્રામાં થઈ રહ્યો હોય તો એ શક્ય છે કે પેશાબનો રંગ ઘાટો રેડ વાઇન જેવો પણ હોઈ શકે.

આ રક્તસ્ત્રાવનાં અનેક કારણો હોઈ શકે છે- જેમ કે કિડનીમાં પથરી, કૅન્સર, ટ્રૉમા, યુરિનરી ટ્રેક્માં ઇન્ફૅક્શન વગેરે.

જરૂરથી વધુ બીટ ખાવાને કારણે પણ પેશાબનો રંગ લાલ થઈ શકે છે.

નારંગી અને પીળો

પેશાબ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

નિશંકપણે આપણે એ જાણીએ છીએ કે સામાન્ય પરિસ્થિતિઓમાં આપણો પેશાબનો પીળો રંગ અનેક શેડ્સમાં હોય છે. પેશાબનો રંગ વધુ પીળો છે કે ઓછો પીળો એ તમે કેટલું પાણી પીવો છો તેના પર નિર્ભર કરે છે.

જેમ-જેમ પાણીની કમી થતી જશે એમ પેશાબનો રંગ ઘાટો પીળો થતો જશે અને ક્યારેક ક્યારેક તે નારંગી જેવો થઈ જશે.

જો તમે સારા પ્રમાણમાં પ્રવાહી પદાર્થોનું સેવન કરો છો તો પેશાબ ફીકા પીળા રંગનો થઈ જશે.

જે ચીજ પેશાબને પીળા રંગનો બનાવે છે તેને યુરોબિલિન કહે છે. યુરોબિલિનના નિર્માણની પ્રક્રિયા શરીરમાં હાજર જૂની લાલ રક્તકોશિકાઓના વિઘટનથી શરૂ થાય છે.

આ એ રક્તકોશિકાઓ છે જે હવે તેના સૌથી સારા સ્વરૂપમાં નથી રહી અને તેમને શરીરની સિસ્ટમમાંથી બહાર કરવી જરૂરી હોય છે.

આ પ્રક્રિયામાં એક કમ્પાઉન્ડ બને છે જેને બિલિરુબિન કહે છે. એ કેટલીક હદ સુધી પેશાબના રસ્તે અને ક્યારેક આંતરડાના રસ્તે શરીરની બહાર નીકળી જાય છે.

આપણું લિવર આ બિલિરૂબિનનો ઉપયોગ પિત્તનિર્માણમાં કરે છે.

આ પિત્ત શરીરમાં ચરબીના પાચન અને વિઘટન માટે મહત્ત્વપૂર્ણ છે.

પિત્ત આંતરડામાં રહે છે અને મળ મારફતે બહાર નીકળે છે. આ પિત્તને કારણે જ મળનો ભૂરો રંગ થાય છે.

જ્યારે પિત્ત આંતરડામાં પહોંચી શકતું નથી તો કદાચ પિત્તાશય અથવા પિત્ત નલિકાને રોકવાનું કૅન્સર હોઈ શકે છે. બિલીરૂબિન રક્ત વાહિનીઓમાં ફરી જાય છે અને પેશાબ દ્વારા તેનું વિસર્જન થાય છે.

આને કારણે, તેનો રંગ ઘાટો થવા લાગે છે. એટલે કે નારંગી અથવા ભૂરા રંગનો પેશાબ થાય છે. જો બિલીરૂબિનનું પ્રમાણ વધી જાય તો ત્વચાનો રંગ પણ પીળો થવા લાગે છે.

શરીરની આ સ્થિતિને 'ઓબ્સ્ટ્રક્ટિવ કમળો' એટલે કે એક પ્રકારનો કમળો કહેવાય છે.

ઍન્ટિબાયૉટિક રિફૅમ્પિસિન સહિતની કેટલીક દવાઓ પણ પેશાબને નારંગી કરી શકે છે.

લીલો અને ભૂરો

પેશાબ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

લીલો અને ભૂરો પેશાબ ક્યારેક જ જોવા મળે છે. જો તમને પેશાબનો રંગ લીલો અને ભૂરો દેખાય તો તમને નવાઈ લાગશે.

ખાવાપીવાની કોઈ વસ્તુમાં કે જેને રંગ આપવા માટે લીલા કે ભૂરા રંગનો ઉપયોગ થયો હોય છે તેના કારણે પણ પેશાબનો રંગ લીલો કે ભૂરો હોઈ શકે છે. પરંતુ આવું ત્યારે જ થાય છે જ્યારે આવા પદાર્થોનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે.

ઍનેસ્થેટિક્સ, વિટામિન્સ, ઍન્ટિહિસ્ટામાઈન્સ જેવી કેટલીક દવાઓને કારણે પણ પેશાબનો રંગ લીલો કે ભૂરો હોઈ શકે છે.

એક રસપ્રદ તથ્ય એ પણ છે કે કેટલાંક જીવાણુઓ પણ એવા કમ્પાઉન્ડ બનાવે છે કે જેનો રંગ લીલો હોય છે.

સુડોમોનાસ એરુજિનોસા નામનો બૅક્ટેરિયા ભૂરા-લીલા રંગનું પાયોસાયનિન દ્રવ્ય બનાવે છે.

પેશાબમાં સંક્રમણની પણ એક દુર્લભ અવસ્થા હોય છે. એવી સ્થિતિમાં વ્યક્તિને પેશાબ કરતી વખતે બળતરા અને દુ:ખાવો થાય છે.

જાંબલી રંગ

પેશાબનો રંગ ભૂખરો કે જાંબલી થઈ જાય એવું ક્યારેક જ બને છે. તેનું એક સંભવિત કારણ પૉર્ફિરિયા છે.

આ એક આનુવાંશિક બીમારી છે જે ચામડી અને નર્વ સિસ્ટમ પર અસર પાડે છે.

તેનું એક બીજું કારણ પર્પલ યુરિન બેગ સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારી છે જે પેશાબમાં સંક્રમણને લીધે થાય છે.

આ એક એવી સ્થિતિ છે જેમાં જે કૅથેટરવાળા દર્દીમાં રહેલા બૅક્ટેરિયા એ પેશાબને જાંબલી રંગમાં બદલી નાખે છે

ગુલાબી રંગ

ફરી એકવાર આપણે લોહી અને બીટ પર પાછા ફરીએ.

થોડી માત્રામાં બીટનું સેવન કરવાથી પેશાબનો રંગ ઘેરા લાલને બદલે ગુલાબી થઈ શકે છે.

જ્યારે આવું થાય છે, ત્યારે પેશાબના ડૉકટરો તેની તુલના રૉઝ વાઇન સાથે કરે છે.

અન્ય રંગો

પેશાબ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પેશાબ આ સિવાય પણ અન્ય રંગોનો પણ હોઈ શકે છે જે મેઘધનુષનો ભાગ નથી. કેટલાકનો રંગ ઘાટો હોય છે જેમ કે ભૂરો અને કાળો. ડૉક્ટરો તેની તુલના કોકાકોલા સાથે કરે છે.

ક્યારેક ક્યારેક માંસપેશીઓ વિઘટિત થઈને માયોગ્લોબિન નામના કમ્પાઉન્ડમાં બદલાય ત્યારે પણ આવું થાય છે. તેનું કારણ વધુ પરિશ્રમ કે કેટલીક દવાઓ પણ હોઈ શકે છે.

આવો રંગ બિલિરૂબિનને કારણે પણ થઈ શકે છે. બિલિરૂબિન પેશાબને એટલો ઘટ્ટ બનાવી દે છે કે તે નારંગીના બદલે ભૂરો દેખાવા લાગે છે. પરંતુ આવું લોહીને કારણે પણ થઈ શકે છે.

ગુદામાં સોજો આવવાથી રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે જે યુરિનરી ટ્રેકના માધ્યમથી આગળ વધીને મૂત્ર લાલથી ભૂરા રંગમાં બદલાઈ જાય છે.

પેશાબ રંગહીન પણ હોય છે. પેશાબ ઘટ્ટ પીળા રંગનો ન હોવો જોઈએ. પરંતુ વધુ પાતળો પેશાબ કોઈ બીમારીનું કારણ પણ હોઈ શકે છે. તે ડાયાબિટીસ કે વધુ દારૂના સેવનથી પણ થઈ શકે છે.

આમ, આપણા પેશાબના અનેક અલગ-અલગ રંગ હોઈ શકે છે અને તે અલગ-અલગ પ્રકારની પરેશાનીનું કારણ હોઈ શકે છે.

પેશાબના રંગ બદલવાના કારણોને સમજીને તમે એ નક્કી કરી શકો છો કે તમારે પાણી પીવાની જરૂર છે કે ડૉક્ટરને મળવાની.

*ડેન બૉમગાર્ડ્ટ યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલમાં ફિઝિયોલૉજી, ફાર્માકોલૉજી અને ન્યૂરોસાયન્સના પ્રોફેસર છે. ધી કન્વર્સેશન પર તમે તેમનો મૂળ લેખ અહીં વાંચી શકો છો.