અમિત શાહને લઈને કૅનેડાના મંત્રીના દાવા અને રાજદૂતો પર રખાતી નજર અંગે ભારતે શું કહ્યું?
કૅનેડાના નાયબ વિદેશ મંત્રીના એ દાવા પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે કૅનેડાના નાગરિકોને ધમકી આપવાના કે તેમની હત્યા કરવાના અભિયાનને ભારત સરકારના એક વરિષ્ઠ મંત્રીએ મંજૂરી આપી હતી.
નાયબ વિદેશ મંત્રી ડેવિડ મૉરિસને ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નામ આપ્યું અને સ્વીકાર કર્યો કે તેમણે જ અમિત શાહનું નામ અમેરિકન અખબારને લીક કર્યું હતું.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ પર લગાવાયેલા આરોપોને તેમણે ‘નિરાધાર’ ગણાવ્યા.
અગાઉ કૅનેડા તરફથી લગાવાયેલા આરોપોને અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યૂ મિલરે પણ ‘ચિંતાજનક’ ગણાવ્યા હતા.
ભારતે શું આપી પ્રતિક્રિયા?
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં કૅનેડાના ઉપ વિદેશ મંત્રીના ભારતીય ગૃહ મંત્રી અમિત શાહ પર લગાવેલા આરોપોને નિરાધાર ગણાવ્યા.
તેમણે કહ્યું, “અમે કાલે કૅનેડા સાથે જોડાયેલા નવા મામલામાં કૅનેડાના દૂતાવાસના પ્રતિનિધિને સમન્સ બજાવ્યું હતું. તેમને એક રાજનાયિક નોટ તેમને સોંપવામાં આવી જેમાં 29 ઑક્ટોબર, 2024ના રોજ ઓટાવામાં સાર્વજનિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા પર સ્થાયી સમિતિની કાર્યવાહીનો સંદર્ભ આપવામાં આવ્યો.”
“આ નોટમાં ભારત સરકારે કૅનેડાના નાયબ વિદેશ મંત્રી ડેવિડ મૉરિસન દ્વારા સમિતિ સામે ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી સામે કરવામાં આવેલી અયોગ્ય અને નિરાધાર ટિપ્પણીઓ પર જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે.”
તેમણે કહ્યું કે આ પહેલાં પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કૅનેડાના અધિકારીઓ જાણીજોઈને ભારતની છબી ખરાબ કરવાના અને અન્ય દેશોને પ્રભાવિત કરવાની એક રણનીતિ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મીડિયામાં નિરાધાર આરોપોને લીક કરે છે.
તેમના મત પ્રમાણે, “આ પ્રકારની ગેરજવાબદાર વર્તણૂક દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર અસર છોડશે.”
ઉલ્લેખનીય છે કે મંગળવારે કૅનેડામાં નાગરિક અને સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષા કમિટીની સુનાવણી ચાલી રહી હતી. જેમાં કૅનેડાના નાયબ વિદેશ મંત્રી ડેવિડ મૉરિસને કહ્યું હતું કે તેમણે અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટને ભારતના ગૃહ મંત્રી અમિત શાહનું નામ લીક કર્યું હતું.
ડેવિડ મૉરિસને દેશની નાગરિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા કમિટીને જણાવ્યું કે ભારત સરકારના એક વરિષ્ઠ મંત્રીએ કૅનેડાના નાગરિકોને ધમકી આપવાના કે તેમની હત્યા કરવાના અભિયાનને મંજૂરી આપી હતી.
‘કૅનેડા કરે છે ભારતીય રાજદૂતોની નિગરાની’
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે કૅનેડા સરકાર ભારતના રાજદૂતોની ઑડિયો-વીડિયો મારફતે નિગરાની કરી રહી છે.
રણધીર જયસ્વાલે જણાવ્યું કે કૅનેડા સરકારે વાણિજ્ય દૂતાવાસના કેટલાક અધિકારીઓને સૂચિત કર્યું હતું કે તેમની ઑડિયો અને વીડિયોની નિગરાની કરવામાં આવી રહી છે અને તે ચાલતી રહેશે.
તેમણે કહ્યું, “તેમની વાતચીતમાં પણ દખલ કરવામાં આવી. અમે તેનો કૅનેડા સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો કારણકે આ પ્રકારની કાર્યવાહીને અમે રાજનીતિદક્ષ અને વાણિજ્યદૂત સમજૂતિનું ઉલ્લંઘન માનીએ છીએ.”
તેમણે કહ્યું કે તકનીકી બાબતોનો હવાલો આપીને કૅનેડાની સરકાર એ તથ્યને યોગ્ય નહીં સાબિત કરી શકે જેમાં તેઓ ઉત્પીડન અને ધમકીના કામમાં સામેલ હોય. તેમણે કહ્યું કે અમારા રાજદૂતો પહેલાંથી જ ઉગ્રવાદ અને હિંસાના માહોલમાં કામ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું, “કૅનેડાની સરકારની આ કાર્યવાહી સ્થિતિને વધુ બગાડી રહી છે અને સ્થાપિત રાજનાયિક માપદંડો અને પ્રથાઓને અનુરૂપ નથી.”
ગત વર્ષે જૂનમાં ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની કૅનેડાના વાનકૂંવરમાં હત્યા કરી દેવામાં આવી હતી. કૅનેડાના વડા પ્રધાને આ હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ આરોપોને લઈને ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધો એટલા વણસી ગયા કે બંને દેશોએ એકબીજાના રાજનાયકોને હાંકી કાઢ્યા.
આ મામલો ત્યારે ગરમ થયો જ્યારે અમેરિકામાં શિખ અલગતાવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નૂની અમેરિકામાં હત્યાના ષડયંત્રને બેનકાબ કર્યાનો દાવો કરવામાં આવ્યો.
કૅનેડાનું કહેવું છે કે બંને મામલાઓ એક જ ષડયંત્રનો હિસ્સો છે.
પન્નૂ પાસે અમેરિકા ઉપરાંત કૅનેડાની નાગરિકતા પણ છે.
તેઓ નિજ્જરના સહયોગી રહી ચૂક્યા છે.
પન્નૂ ન્યૂ યૉર્કમાં રહે છે અને શિખ ફૉર જસ્ટિસ નામની સંસ્થાના સ્થાપક છે તથા વકીલ પણ છે. ભારત સરકારે તેમને વર્ષ 2020માં ‘આતંકવાદી’ ઘોષિત કર્યા હતા.
શું છે સમગ્ર મામલો?
મંગળવારે કૅનેડામાં નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણીમાં કૅનેડાના નાયબ વિદેશમંત્રી ડેવિડ મૉરિસને સ્વીકાર્યું હતું કે તેમણે અમેરિકન અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટ'ને ભારતના ગૃહ મંત્રી અમિત શાહનું નામ લીક કર્યું હતું.
ડેવિડ મૉરિસને દેશની નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને જણાવ્યું હતું કે ભારત સરકારના એક વરિષ્ઠ મંત્રીએ કૅનેડિયન નાગરિકોને ધમકી આપવા અથવા તો તેમને મારી નાખવાના અભિયાનને મંજૂરી આપી હતી.
જ્યારે નિજ્જરની હત્યાના સમાચાર પહેલીવાર વૉશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયા ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વિદેશ મંત્રાલયે અખબારના અહેવાલ પર નિવેદન જારી કરીને કહ્યું હતું કે, "અહેવાલ ગંભીર બાબત પર અયોગ્ય અને પાયાવિહોણા આરોપો લગાવી રહ્યો છે."
કૅનેડા સરકારે કહ્યું હતું કે ભારતીય એજન્ટો તેમના દેશમાં થતા ગુનાઓમાં સામેલ છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૅથ્યૂ મિલરે પણ આ મામલે કહ્યું હતું, “કૅનેડા સરકાર દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો ચિંતાજનક છે.”
મિલરે મંત્રાલયની દૈનિક પ્રેસ બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકા આ મુદ્દે કૅનેડાની સરકાર સાથે પરામર્શ કરવાનું ચાલુ રાખશે.
આ દરમિયાન ગુરુવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ફોન પર વાત કરી હતી.
અહેવાલો અનુસાર, સરહદ વિવાદ પર ચીન સાથે ભારતની ચાલી રહેલી વાતચીત પૂર્ણ થઈ ગઈ છે અને તેના એક દિવસ પછી જ ડોભાલ અને સુલિવાન વચ્ચે વાતચીત થઈ.
વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક સ્તરે સ્થિરતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત વિશે વાત કરી અને આ ક્ષેત્રમાં સુરક્ષા વિકાસ અંગે ચર્ચા કરી.
તેઓએ દ્વિપક્ષીય ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિનું સ્વાગત કર્યું, જેમાં ઇનિશિયેટિવ ઑન ક્રિટીકલ ઍન્ડ ઇમર્જિંગ ટૅક્નૉલૉજી (ICET) ઇન્ટરનેશનલ અને હિંદ મહાસાગર સંવાદનો સમાવેશ થાય છે.
તાજેતરમાં, પીએમ મોદીની મુલાકાત પહેલાં અમેરિકાના ટોચના અધિકારીઓએ ખાલિસ્તાન તરફી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. સપ્ટેમ્બરમાં પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં અમેરિકાના આ વલણની ટીકા થઈ હતી.
ન્યૂઝ એજન્સી રૉયટર્સના રિપોર્ટ અનુસાર, 19 સપ્ટેમ્બરે અમેરિકાના ટોચના અધિકારીઓ વ્હાઇટ હાઉસમાં શીખ કાર્યકર્તાઓને મળ્યા હતા.
આ પછી એવું બન્યું હતું કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વડા પ્રધાન મોદીના યુએસ પ્રવાસમાં તેમની સાથે ગયા ન હતા. સામાન્ય રીતે તેઓ સાથે રહેતા હોય છે. ત્યારે પણ આ મુદ્દો ખૂબ ચર્ચામાં હતો.
ભારત અને કૅનેડા બંને અમેરિકાના સહયોગી રહ્યા છે. પરંતુ આ મામલે અમેરિકા હાલ કૅનેડાનો સાથ આપતું નજરે પડે છે.
અમેરિકાએ હાલમાં જ 19 જેટલી ભારતીય કંપનીઓ અને બે નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે આ કંપનીઓએ યુક્રેનમાં રશિયાના યુદ્ધ પ્રયાસોમાં મદદ કરવાનું કામ કર્યું છે.
તેના પર ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છ કે આ કંપનીઓએ ભારતના કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. આ મામલે વધુ સ્પષ્ટતા માટે ભારત અમેરિકાના સંપર્કમાં છે.