SCO સમિટઃ પુતિન અને શી જિંનપિંગ આવ્યા પણ પીએમ મોદી કેમ ન ગયા?
- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા
શાંઘાઇ સહયોગ સંગઠન એટલે કે એસસીઓ સમિટ ત્રીજી અને ચોથી જુલાઈના રોજ કઝાકિસ્તાનમાં યોજાઈ રહી છે.
એસીઓમાં ચીન, પાકિસ્તાન, રશિયા અને ભારત સહિત નવ સભ્ય દેશો છે. એસીઓને એક મોટું પ્રાદેશિક સંગઠન માનવામાં આવે છે.
કઝાકિસ્તાનમાં યોજાનારી એસીઓની 24મી બેઠકમાં સભ્ય દેશોના રાષ્ટ્રપ્રમુખો સામેલ થઈ રહ્યા છે. પરંતુ ભારત તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજરી નથી આપવાના.
આ બેઠકમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર કઝાકિસ્તાનના પાટનગર અસ્તાના પહોંચી ગયા છે.
એસસીઓની બેઠકમાં એસ. જયશંકર ભારતનું નેતૃત્વ કરશે.
આ બેઠકમાં છેલ્લા 20 વર્ષમાં એસસીઓનાં કામની સમીક્ષા કરવામાં આવશે અને એકબીજા સાથે સહયોગ વધારવા ઉપર ચર્ચા કરવામાં આવશે.
વિદેશ મંત્રાલય અનુસાર એસસીઓ સમિટમાં ભારતની પ્રાથમિકતા વડા પ્રધાનની 'સિક્યોર એસીઓ' વિઝન પર આધારિત હશે. સમિટમાં ભારત સુરક્ષા, અર્થવ્યવસ્થા, સહકાર, સંપર્ક, એકતા, સાર્વભૌમત્વનું સન્માન, પ્રાદેશિક એકીકરણ અને પર્યાવરણ સંરક્ષણ પર વધુ ભાર મૂકશે.
એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ કઝાકિસ્તાન પહોંચી ગયા છે.
પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કઝાકિસ્તાન નહીં જવાનો નિર્ણય કર્યો છે. હવે તેની પાછળનું કારણ શું હોઈ શકે છે?
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
નરેન્દ્ર મોદી કેમ ન ગયા?
જેએનયુમાં સેન્ટર ફૉર સેન્ટ્રલ એશિયા ઍન્ડ રશિયન સ્ટડીઝના પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત સંજય પાંડે પાસેથી બીબીસીએ આ સમજવાનો પ્રયાસ કર્યો.
બીબીસી સાથેની વાતચીતમાં પ્રોફેસર સંજય પાંડે કહે છે કે, "નવી સરકારનું ગઠન થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્યસ્ત થઈ ગયા છે. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે ગયા વર્ષે ભારત એસસીઓનું અધ્યક્ષ હતું ત્યારે વર્ચુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાંકને ક્યાંક તેનાથી એવો અર્થ કાઢી શકાય કે એસસીઓ ભારતની પ્રાથમિકતા નથી."
કઝાકિસ્તાન ન જવાના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ શી જિંનપિંગ અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે એક જ મંચ પર આવવાની જરૂર નહીં પડે.
લાંબા સમયથી ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારતના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
આવતા અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે જવાના છે જ્યાં તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે એસસીઓ સમિટમાં વડા પ્રધાનની ગેરહાજરીથી મધ્ય એશિયાઈ દેશોના નેતાઓ નિરાશ થઈ શકે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ બીજી બેઠક છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ નેતાઓની નિર્ધારિત બેઠક રદ કરવામાં આવી હોય.
2022ની સાલમાં કોવિડ19ના કારણે આ નેતાઓ ભારતની પ્રજાસત્તાક દિવસની ઊજવણમાં દિલ્હી આવી શક્યા નહોતા.
ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "સંસદ સત્રના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ સમિટમાં ભાગ નથી લઈ રહ્યા. જુલાઈમાં રશિયાની મુલાકાત લઈને તેઓ તેની ભરપાઈ કરશે."
શું મોદી ભવિષ્યમાં પણ એસસીઓથી દૂર રહેશે?
સાલ 2023માં ભારતે એસસીઓ સમિટને વર્ચ્યુઅલ કરાવડાવી હતી.
એસસીઓની સમિટની આગામી બેઠક આ વર્ષના અંતમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. સાલ 2025માં આ બેઠક ચીનમાં યોજાશે.
આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બંને સમિટમાં સામેલ થશે કે કેમ તેના પર સવાલ છે.
પ્રોફેસર સંજય પાંડે કહે છે કે, "જો એસસીઓ વિશે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે આ જૂથ ચીન અને કેટલીક હદે રશિયા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. હાલના સમયમાં આ બંને દેશોના સંબંધો અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે સારા નથી. ભારતના નિર્ણયને આ પરિપ્રેક્ષ્યમાં પણ જોઈ શકાય છે."
આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ નિક્કી એશિયા વેબસાઇટ પર એક લેખ લખ્યો છે.
આ લેખમાં બ્રહ્મા ચેલાની કહે છે કે, "એસસીઓમાં પોતાની ભાગીદારી પર ભારત પુનર્વિચાર કરી રહ્યું છે. આ સંગઠનની ઓળખ પશ્ચિમ વિરોધી જૂથ તરીકે રહી છે. જ્યારે વડા પ્રધાન મોદી વિદેશ નીતિના મામલામાં પશ્ચિમ તરફ ઝોક ધરાવે છે."
ચેલાની લખે છે કે, "ભારત સિવાય એસસીઓના તમામ સભ્ય દેશો ચીનના બૅલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો ભાગ છે. ભારત આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું છે. આ સંગઠનમાં એકમાત્ર ભારત જ સંપૂર્ણ લોકશાહી ધરાવતો દેશ છે. એસીઓમાં ચીનની વધતી ભૂમિકા પણ ભારતને અસ્વસ્થ કરી રહી છે."
સંસદ સત્રને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમિટમાં ભાગ ન લેવા પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.
પરંતુ બ્રહ્મા ચેલાની કહે છે કે, "અધિકારીઓ એવું કહેશે કે સંસદ સત્રના કારણે વડા પ્રધાન કઝાકિસ્તાન ગયા નથી પરંતુ ભૂતકાળમાં વડા પ્રધાન ચાલુ સંસદના સત્ર દરમિયાન વિદેશ ગયા છે. એક રીતે ભારત આ સંગઠનમાં ફિટ બેસતું નથી. મોદીને ભારતના સૌથી વધુ અમેરિકા તરફી વડા પ્રધાન તરીકે જોવામાં આવે છે જ્યારે એસસીઓની છબી પશ્ચિમ વિરોધી છે."
એસીઓમાં ભારત ક્યાં?
સાલ 2017માં ભારત અને પાકિસ્તાન એસસીઓના પૂર્ણ-સમયના સભ્યો બન્યા હતા. હાલમાં આ સંગઠનમાં નવ સભ્યો છે.
સભ્ય દેશોમાં ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.
અગાઉ એપ્રિલ 1996માં શાંઘાઈમાં યોજાયેલી બેઠકમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાને એકબીજાના વંશીય અને ધાર્મિક ઘર્ષણનો મુકાબલો કરવા માટે સહકાર આપવા પર સંમત થયા હતા. ત્યારે આ સંગઠન શાંઘાઈ-ફાઈવ તરીકે ઓળખાતું હતું.
પ્રોફેસર સંજય પાંડે કહે છે કે, "ભારત સમજણપૂર્વક એસસીઓનું સભ્ય બન્યું હતું. પરંતુ હવે ભારત આ સંગઠનને વધુ મહત્ત્વ આપતું નથી. આગામી સમયમાં રશિયામાં બ્રિક્સ સમિટ યોજાવાની છે. વડા પ્રધાન ત્યાં જશે તેવી આશા છે. બ્રિક્સ એક એવું જૂથ છે જ્યાં રશિયા અને ચીન સિવાય ઘણા એવા દેશો છે જેમની પોતાની ઓળખ અને સ્વતંત્ર વિદેશ નીતિ છે, જેમ કે દક્ષિણ આફ્રિકા.''
તેઓ વધુમાં જણાવે છે કે, "એસસીઓનું સભ્યપદ એ વાત યાદ અપાવે છે કે ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે. જો તે અમેરિકા સાથે ક્વાડમાં રહી શકે છે તો તે રશિયા અને ચીન સાથે એસસીઓમાં પણ રહેશે.''
બ્રહ્મા ચેલાની પોતાના લેખમાં લખે છે કે, “હકીકત એ છે કે એસસીઓના સભ્યપદથી ભારતને માત્ર કેટલાક વ્યૂહાત્મક લાભો મળ્યા છે. ભારતની વિદેશ નીતિની સ્વતંત્રતા દર્શાવવા માટે એસસીઓ સભ્યપદ સાંકેતિક મહત્ત્વ ધરાવે છે.''
ચીનની આગેવાની હેઠળનું જૂથ અને ભારતની અસહજતા
સપ્ટેમ્બર 2023માં ભારતમાં જ્યારે G-20ની કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ ભારત આવ્યા નહોતા.
અગાઉ ઑગસ્ટ 2023માં જ્યારે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું ત્યારે તેમાં જિંનપિંગ અને મોદી સામસામે આવી ગયા હતા પરંતુ બંને વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થઈ નહોતી.
ગયા વર્ષે જ્યારે ભારત એસસીઓની અધ્યક્ષતા કરી રહ્યું હતું ત્યારે તેણે આ સમિટ ઑનલાઈન કરાવી હતી.
શું ભારત ચીનના નેતૃત્વવાળા જૂથોથી થોડું અસહજ છે?
પ્રોફેસર સંજય પાંડે કહે છે કે, "ભારત અસહજ તો છે પરંતુ તે આ જૂથમાં બની રહેશે કારણ કે આ જૂથ પશ્ચિમ વિરોધી રહે પણ ભારત વિરોધી ન બનવું જોઈએ. ભારતની વાત ત્યાં સુધી પહોંચતી રહેવી જોઈએ. એસસીઓમાં એવા ઘણા દેશો છે જેમની સાથે ભારતના સારા સંબંધો છે અને તે આ સંબંધો જાળવી રાખશે. ભારત ઇચ્છશે કે આ દેશો ભારત વિરોધી જૂથનો ભાગ ન બને. ભારત તેની સાથે જોડાયેલું રહેશે પરંતુ તેની પર સંપૂર્ણપણે પોતાનું ધ્યાન કેન્દ્રિત નહીં કરે.
"જિંનપિંગ દિલ્હી ન આવ્યા તે ભારત માટે સારું હતું. તેના કારણે ચીન G-20ના કેન્દ્રમાં નહોતું પરંતુ ભારત જોવા મળ્યું હતું. મને નથી લાગતું કે વડા પ્રધાનના નિર્ણયને જિનપિંગના G-20માં ભાગ ન લેવાના પ્રતિભાવ તરીકે જોવી જોઈએ."
બ્રિક્સ હોય કે એસસીઓ - રશિયા, ચીન અને ભારત ત્રણેય તેનો ભાગ છે. રશિયા સાથે ભારતના સારા સંબંધો છે.
તો શું રશિયા ભારત અને ચીનને મિત્ર બનાવી શકે છે?
પ્રોફેસર સંજય પાંડે જવાબ આપતા કહે છે કે, “એવું કહેવાય છે કે ડોકલામ વિવાદ દરમિયાન રશિયાએ ચીન સાથે વાત કરી હતી. રશિયાએ ચીનને કહ્યું હતું કે આનો કોઈ ઉકેલ લાવવો જોઈએ. આટલું હોવા છતાં પણ રશિયા ઈચ્છે છે કે ચીન અને ભારતના સંબંધો સારા રહે જેથી રશિયાને આ બંને દેશો સાથે સંબંધો જાળવવામાં કોઈ મુશ્કેલી ન પડે. યુક્રેન યુદ્ધ પછી રશિયા ચીન પર વધુ નિર્ભર બની રહ્યું છે. એટલા માટે હવે રશિયા તે પ્રકારની ભૂમિકા નથી ભજવી શકતું."