ગુજરાતમાં ઠંડી : કૉલ્ડ વૅવ એટલે શું? શીતલહેર ક્યારે-ક્યારે આવે?
હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડી જોવા મળી રહી છે અને થોડા દિવસ પહેલાં કેટલાંક શહેરોમાં 'શીત લહેર' કે 'કૉલ્ડ વૅવ'ની પરિસ્થિતિ જોવા મળી હતી.
સામાન્ય રીતે જે વિસ્તારમાં શીત લહેર ચાલી રહી હોય, ત્યાંના લોકો અને વિશેષ કરીને સંવેનશીલ વર્ગજૂથના લોકો જરૂરી આરોગ્યલક્ષી કાળજી લે તે ઇચ્છનીય છે.
ભારતમાં સામાન્ય રીતે ચાર મહિના જેટલી કૉલ્ડ વૅવની સિઝન ચાલતી હોય છે, તેમાં પણ ત્રણ મહિનાના ગાળા દરમિયાન ભારે અસર જોવા મળે છે.
ગુજરાતના હવામાનનો છેલ્લાં અમુક વર્ષોનો ડેટા જોતા કૉલ્ડવૅવ અમુક દિવસથી લઈને અમુક અઠવાડિયાં સુધી જોવા મળી શકે છે.
શું છે કૉલ્ડ વૅવ ?
કૉલ્ડ વૅવને સામાન્ય બોલચાલમાં 'શીતલહેર' કે 'ભારે ઠંડીના દિવસો' તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં આ સંદર્ભે વર્ગીકરણ કરવાનું તથા ચેતવણી આપવાનું કામ હવામાન ખાતા કે ઇન્ડિયન મિટિયૉરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) દ્વારા બહાર પાડવામાં આવે છે.
આઈએમડીની વ્યાખ્યા પ્રમાણે, વાતાવરણમાં ચોક્કસ પ્રકારનો ઘટાડો થાય અથવા તો હવામાનનો પારો ચોક્કસ આંકને સ્પર્શે ત્યારે શીત લહેર કહેવામાં આવે છે. જેમ કે :
- જમીન પરના હવામાન મથક હેઠળના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જાય
- પહાડી વિસ્તારમાં તાપમાનનો પારો ઝીરો ડિગ્રીથી નીચે જાય
- તાપમાનમાં સરેરાશ કરતાં 4.5થી 6.4 ડિગ્રી જેટલું નીચે ઊતરે
- જમીની વિસ્તારમાં તાપમાનનો પારો ચાર ડિગ્રીને સ્પર્શે
- દરિયાકિનારાના હવામાન મથકના સરેરાશ તાપમાનમાં 4.5 ડિગ્રી કે એથી વધુનો ઘટાડો નોંધાય
- દરિયાકિનારાના વિસ્તરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી કે એથી નીચે ગગડે
આ સિવાય જો જમીની વિસ્તારમાં તપામાન સરેરાશ કરતાં 6.5થી વધુ ઘટે અથવા તો બે ડિગ્રીથી નીચે જાય ત્યારે તેને 'સિવિયર કૉલ્ડ વૅવ' કે 'ભારે શીતલહેર' તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં સામાન્ય રીતે નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન શીત લહેર જોવા મળે છે.
છતાં ડિઝાસ્ટરના ડેટાને જોવામાં આવે તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાના અંતભાગ કે માર્ચ મહિનાની શરૂઆત સુધીમાં જે ઠંડી પડે છે, તેના કારણે જાનમાલનું મહત્તમ નુકસાન થતું હોય છે.
શીત લહેરની શરીર પર અસર
શીત લહેરને કારણે વૃદ્ધો, સગર્ભા મહિલા, બાળકો, એક કરતાં વધુ બીમારી ધરાવનારા લોકો જેવા સંવેદનશીલ લોકોને વધુ પડતી અસર થઈ શકે છે એટલે તેમને સવિશેષ કાળજી રાખવાની ભલામણ કરવામાં આવે છે.
શીત લહેરને કારણે વ્યક્તિને શરદી થવાથી લઈને ઠંડી લાગી શકે છે.
આઈએમડી દ્વારા 'ડિઝાસ્ટ્રસ વૅધર ઇવેન્ટ્સ' નામનો વાર્ષિકઅહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે.
જેના ડેટા મુજબ વર્ષ 1978થી 2014 દરમિયાન 606 જેટલી શીત લહેર નોંધાઈ હતી, જેમાં આઠ હજાર 520 લોકો મૃત્યુ પામ્યા હતા, જે 230ની વાર્ષિક સરેરાશ સૂચવે છે.
આ ડેટા અનુસાર આ ગાળા દરમિયાન મહિલાઓ અને બાળકોની સરખામણીમાં શીત લહેરને કારણે પુરુષોનાં વધુ મૃત્યુ થયાં હતાં.
જેમાંથી 75 ટકા મૃત્યુ બિહાર (44 ટકા) અને ઉત્તર પ્રદેશમાં (31 ટકા) થયાં હતાં.
અરૂણાચલ પ્રદેશ, આસામ, ગોવા, કર્ણાટક, કેરળ, મણિપુર, મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ, તામિલનાડુ અને ત્રિપુરામાં શીતલહેર કે તેના કારણે મૃત્યુની ઘટનાઓ નહોતી નોંધાઈ.
આ સિવાય શ્વાસનળીમાં સોજો, શ્વાચ્છોશ્વાસ સંબંધિત બીમારી થઈ શકે છે. સામાન્ય રીતે શિયાળાના દિવસો દરમિયાન સૂર્યપ્રકાશ ઓછો હોય છે એટલે આ દિવસો દરમિયાન હાડકાં, સાંધા-સ્નાયુમાં દુખાવા તથા ચામડીસંબંધિત બીમારીઓ થઈ શકે છે.
ઘરવિહોણાં લોકોને પણ શીત લહેરની માઠી અસર થઈ શકે છે, જેમને 'રૈન બસેરા' કે 'રાત્રિ રોકાણ ઘર' જેવાં સ્થળોએ આશ્રય આપવામાં આવે છે.
શીત લહેરની સામાજિક અસરો
ભારતમાં શીતલહેર તથા તેનું નિયમન સંદર્ભે નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી દ્વારા અભ્યાસ બહાર પાડવામાં આવ્યો હતો. જેના તારણ મુજબ:
શીત લહેરને કારણે ઊભા પાક તથા પશુપાલનને અસર થતી હોય છે. કૃષિલક્ષી ઉત્પાદન તથા ખાદ્યાન્ન ઉત્પાદન તથા સપ્લાયને અસર થાય છે. કૃષિલક્ષી પ્રવૃત્તિઓ ધીમી પડી જાય છે.
આ સિવાય ધુમ્મસને કારણે મેદાની વિસ્તારોમાં પરિવહનને અસર પહોંચતી હોય છે અને ઠંડીને કારણે પહાડી વિસ્તારોમાં પરિવહનનાં સંસાધનો ક્ષતિગ્રસ્ત થતાં હોય છે. માર્ગ અને ઇમારતોને નુકસાન પહોંચે છે, પાઇપલાઇનો ફાટી જાય છે તથા વીજપુરવઠો પણ ખોરવાઈ જાય છે.
આ અભ્યાસપત્રમાં નાગરિકોને શીત લહેર વિશે 'ચોક્કસ, સમસયર અને પૂરતી' માહિતી આપવાની હિમાયત કરવામાં આવી છે.
શીત લહેર પહેલાં સંલગ્ન વિભાગો, એજન્સીઓ અને સંસ્થાઓ મળીને જરૂરિયાતમંદોને ઓળખી કાઢે તથા તેમના માટે આશ્રયસ્થાનો ઊભા કરીને 'તાત્કાલિક અને અસરકારક' પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન