ગુજરાત : અમરેલીના 'લેટરકાંડ'થી ચર્ચામાં આવેલા અને પરેશ ધાનાણીને હરાવનાર ભાજપના કૌશિક વેકરિયા કોણ છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- Twitter,
અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે થયેલા વિવાદ બાદ થયેલી પોલીસ ફરિયાદમાં એક પાટીદાર યુવતીને આરોપી બનાવ્યાં બાદ કથિતપણે તેમનું જાહેરમાં 'સરઘસ' કાઢવાનો વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે.
હકીકતમાં આ મામલાની શરૂઆત એક પત્રથી થઈ હતી જેમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો થયા હતા.
આ પત્ર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લૅટરપેડ પર લખાયો હોવાથી વિવાદ વધુ વકર્યો હતો.
જોકે, એવા દાવાઓ થયા હતા કે આ લેટર 'નકલી' હતો, પરંતુ તેના કારણે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા આજકાલ ચર્ચામાં છે.
અમરેલી જિલ્લામાં એક સમયે ગામડામાં રહીને ખેતી કરતા અને એક સામાન્ય માણસ તરીકે જીવન જીવતા કૌશિક વેકરિયા ગુજરાતના રાજકારણમાં કેવી રીતે આવ્યા અને અમરેલીમાં તેમની રાજકીય છબિ કેવી છે?
અમરેલીમાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણીનો દબદબો ખતમ કર્યો
2002ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની લહેરમાં ગુજરાતની મોટા ભાગની કૉંગ્રેસના દબદબાવાળી બેઠકો ભાજપ તરફ ગઈ હતી, તે સમયે અમરેલી વિધાનસભામાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યાર બાદ 2012 અને 2017માં પણ અમરેલી વિધાનસભામાં કૉંગ્રેસની બોલબાલા રહી હતી, જેનું મુખ્ય કારણ અમરેલીના કૉંગ્રેસના પાટીદાર નેતા પરેશ ધાનાણી હતા, જેઓ વિધાનસભાના વિપક્ષના નેતા પણ બન્યા હતા.
આ સમય દરમિયાન અમરેલીમાં કૉંગ્રેસ પાસે અનેક પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંયાયતો હતી, જે ધીમેધીમે પાર્ટીના હાથમાંથી સરકતી ગઈ.
રાજકીય નિષ્ણાતો તેના પાછળ ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાગીરીને જશ આપે છે, અને તેમાંય ખાસ કરીને કૌશિક વેકરિયાને, જેમણે ભાજપના કાર્યકર્તાઓની સંખ્યામાં સતત વધારો કર્યો હતો.
2022માં વેકરિયાએ પરેશ ધાનાણીને પચાસ હજારની સરસાઈથી હરાવ્યા તે પહેલાં ધાનાણી ભાજપના દિગ્ગજ નેતાઓ જેવા કે દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા, બાવકુ ઉંધાડને ચૂંટણીમાં હરાવી ચૂક્યા હતા. પણ 2022માં પરેશ ધાનાણી કૌશિક વેકરિયા સામે હારી ગયા હતા.
'અમરેલીમાં ભાજપને જીતતો કર્યો'
વેકરિયાના નજીકના એક નેતા નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "તેમણે (કૌશિક વેકરિયા) ટૂંક સમય માટે દિલીપ સંઘાણીની ઑફિસમાં નોકરી કરી છે, જેમાં તેઓ સિનિયર નેતાની નજરમાં આવ્યા હતા અને કાર્યકર્તાઓ માટે તેમની કામગીરીને કારણે તેઓ ધારાસભ્ય સુધીની સફર સહેલાઈથી કરી શક્યા હતા."
કૌશિક વેકરિયાએ પોતાની રાજકીય કારકિર્દી એક સરપંચ તરીકે શરૂ કરી હતી. અમરેલીના નાનકડા દેવરાજિયા ગામના તેઓ સરપંચ બન્યા બાદ ભાજપમાં વધુ સક્રિય થયા હતા.
એવું કહેવાય છે કે તેમના કારણે આ ગામ ગુજરાતના 'સ્માર્ટ ગામ' તરીકે ઓળખાય છે, જેમાં મફતમાં આરઓનું પાણી, પાકા સિમેન્ટના રોડ, આખા ગામમાં સીસીટીવી કૅમેરા, મફતમાં વાઇ-ફાઇ વગેરે જેવી સેવાઓ ગામવાસીઓને મળે છે.
તેમની સાથે આ ગામમાં કામ કરતા ભાજપના એક કાર્યકર્તા આસિત પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "ખૂબ જ નીચેથી શરૂ કરેલી તેમની રાજકીય કારકિર્દી જિલ્લાના સૌથી ઊંચા હોદ્દા સુધી પહોંચી છે, તેનું કારણ તેમનો લોકસંપર્ક અને કામની તત્પરતા છે."
આસિત પટેલ કહે છે કે, "તેમના સમયમાં અમરેલી જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને તેનું પરિણામ આપણે વિવિધ ચૂંટણીઓમાં જોઈ લીધું છે."
તેઓ વધુમાં કહે છે કે, "સૌથી પહેલા તેઓ સરપંચ, પછી તાલુકાના મહામંત્રી, જિલ્લા સ્તરના મહામંત્રી અને જિલ્લા પ્રમુખ બન્યા. તેમની આ સફરમાં તેમણે અનેક નવા કાર્યકર્તાઓને ભાજપ સાથે જોડ્યા હતા, જેના પરિણામે તેમને 2022ની વિધાનસભામાં ચૂંટણી લડવાની તક મળી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને હરાવ્યા બાદ તેઓ ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક બન્યા."
એક સમયે અમરેલીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તેમજ ધારાસભ્ય પણ કૉંગ્રેસ પક્ષના હતા, જ્યારે આજે તે બધું ફેરવાઈ ગયું છે અને દરેક સ્તરે ભાજપની સત્તા છે.
તાલુકા પંચાયતથી માંડીને સાંસદ સુધી, ભાજપે અમરેલી જિલ્લામાં છેલ્લાં અમુક વર્ષોમાં એક મોટો કૂદકો લગાવ્યો છે, તેવું ઘણા રાજકીય નિષ્ણાતો માને છે.
સૌરાષ્ટ્રના રાજકારણને નજીકથી સમજનારા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યનું માનવું છે કે "કૌશિક વેકરિયા જમીન સાથે જોડાયેલા નેતા છે. એક સમયે જ્યારે ભાજપમાં જૂના નેતાઓ હતા, એ સમયે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીમાં ભાજપની યુવા નેતાગીરી ઊભી થઈ હતી, જેમાં કૌશિક વેકરિયા મોખરે હતા."
તેમનું માનવું છે કે સૌરાષ્ટ્રની રાજકારણમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે સત્તા પક્ષની સામે તમે થાવ, વિરોધ કરો છતાં, જે માણસ સત્તામાં હોય એની જીત થતી હોય છે. ક્ષત્રિય આંદોલન એનું ઉત્તમ ઉદાહરણ છે.
ગંભીર આરોપોથી કૌશિક વેકરિયાની છબી ખરડાઈ?
એક તરફ કૌશિક વેકરિયાની આ અપવાદરૂપ રાજકીય કારકિર્દી છે અને બીજી બાજુ કથિત ખોટા પત્રમાં તેમના પર લાગેલા આરોપો છે.
એક પત્રમાં તેમના પર આરોપો મૂકવામાં આવ્યા છે કે, તેઓ ભાજપના કાર્યકર્તાઓની ઉપેક્ષા કરીને કૉંગ્રેસથી ભાજપમાં આવેલા લોકોને વધારે મહત્ત્વ આપે છે, જેનાથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે.
જોકે, પોલીસે આ પત્ર લખનારા સામે પોલીસ ફરિયાદ કરીને તેમને પકડી લીધા છે.
બીબીસીએ એવા ઘણા લોકો સાથે વાત કરી કે જેઓ આ પત્ર વિશે વાત કરી રહ્યા છે. જેમ કે ભાજપના એક સિનિયર નેતા બીબીસી ગુજરાતી સાથે પોતાનું નામ ન આપવાની શરતે કહે છે કે, "અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચારનો મુદ્દો તો આ પત્ર પહેલાંથી જ ચાલતો હતો. પરંતુ આ પત્ર બાદ લોકોને તેના વિશે વધારે ખબર પડી છે. દારૂનો વ્યવસાય વધ્યો છે, રેતી ખનન બેરોકટોક ચાલે છે, છતાંય વેકરિયા સહિત કોઈ પણ ચૂંટાયેલા નેતાએ તેની સામે અવાજ નથી ઉઠાવ્યો કે તેને રોકવાનો પ્રયાસ નથી કર્યો, આ બધું શું સૂચવે છે?"
આ નેતાએ વધુમાં કહ્યું કે, "આ પત્ર બાદ વેકરિયાની છબીમાં ફરક પડ્યો છે, કારણ કે તેમની પર લાગેલા આરોપો ખૂબ ગંભીર છે અને કાર્યકર્તાઓમાં પણ તેમની ઇમેજ ખરાબ થઈ છે. તેમણે હજી સુધી સામે આવીને પોતાનો પક્ષ મૂક્યો નથી."
તો જગદીશ આચાર્ય કહે છે કે થોડા દિવસો આ વિવાદ ચાલશે, પણ એનાથી કૌશિક વેકરિયાની છબિને કોઈ નુકસાન થાય કે અસર થાય તેવું લાગતું નથી.
બીબીસી ગુજરાતીએ આ તમામ મુદ્દા અને આરોપો પર વેકરિયા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ લખાય છે ત્યાં સુધી તેમણે મોકલેલા મૅસેજનો પણ કોઈ જવાબ આપ્યો નથી.
પત્ર બાબતે પોલીસ ફરિયાદ બાદ, પાયલ ગોટી અને ભાજપના યુવા મોરચાના પૂર્વ નેતા મનીષ વઘાસિયા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપો હતા કે આ ખોટો પત્ર આ ચારેય લોકોએ મળીને વેકરિયાને બદનામ કરવા માટે લખ્યો છે.
આ આખી ઘટના વિશે બીબીસી ગુજરાતીએ અમરેલીના ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ ભાવનગર અને જૂનાગઢના ભાજપના ભૂતપૂર્વ પ્રભારી ડૉ. ભરત કાનાબાર સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, "આ ખૂબ જ દુ:ખદ ઘટના છે કે જેમાં એક મહિલાને આવી રીતે પરેશાન કરવામાં આવી છે. આના કારણે લોકોમાં ખૂબ વધારે રોષ જોવા મળી રહ્યો છે, જેની અવળી અસર પડી શકે છે. મને લાગે છે કે આખી વાતને બિનજરૂરી જટિલ બનાવી દેવામાં આવી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન