કૅનેડા : ટ્રુડોના રાજીનામા બાદ વડા પ્રધાનપદની રેસમાં સામેલ દેશનાં 'પ્રથમ હિંદુ મંત્રી' કોણ છે?

અનિતા આનંદ, રાજકારણ, કૅનેડા, હિન્દુ મંત્રી, જસ્ટિન ટ્રુડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતાપદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે આગામી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ દેશના વડા પ્રધાનપદ પર રહેશે.

મતલબ કે હવે તેમની પાર્ટીએ સામાન્ય ચૂંટણી પહેલાં નવો નેતા પસંદ કરવો પડશે.

જોકે ચૂંટણી અંગેના સર્વેમાં તેમની પાર્ટી હાર તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ટ્રુડોના રાજીનામાની સાથે જ દેશના વડા પ્રધાન અને લિબરલ પાર્ટીના નેતાપદના દાવેદારોનાં નામ સામે આવી રહ્યાં છે.

આમાં ભૂતપૂર્વ નાયબ વડાં પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલૅન્ડથી માંડીને વિદેશમંત્રી મેલાની જોલીનાં નામ સામેલ છે.

એવાં સાત નામ ચાલી રહ્યાં છે કે જે દેશના આગામી વડા પ્રધાન બની શકે. આ નામોમાં સૌથી રસપ્રદ નામ કૅનેડાનાં પરિવહનમંત્રી અનિતા આનંદનું છે.

કોણ છે અનિતા આનંદ?

અનિતા આનંદ, રાજકારણ, કૅનેડા, હિન્દુ મંત્રી, જસ્ટિન ટ્રુડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય મૂળનાં અનિતા આનંદનાં માતાપિતા 60ના દાયકામાં નાઇજીરિયાથી કૅનેડા આવી નોવા સ્કોશિયામાં સ્થાયી થયાં હતાં.

અનિતાનાં માતાપિતા વ્યવસાયે ડૉક્ટર હતાં. તેમની બે બીજી બહેનો છે. તેઓ ઑક્સફર્ડ અને ક્વીન્સ યુનિવર્સિટીમાં સ્નાતક થયાં અને ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. આ સિવાય તેમણે ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર્સ પણ કર્યું છે.

આ પછી તેમણે ટોરન્ટો યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. આ સાથે તેમણે યેલ, ક્વીન્સ અને વેસ્ટર્ન યુનિવર્સિટીમાં પણ કાયદાનું શિક્ષણ આપ્યું છે.

અનિતાને લિબરલ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના જૂથમાં સૌથી મહત્ત્વાકાંક્ષી સભ્યોમાંથી એક માનવામાં આવે છે.

57 વર્ષનાં અનિતાની વર્ષ 2019માં રાજકારણમાં ઍન્ટ્રી થઈ હતી. તે ટોરન્ટોની બહાર આવેલા ઓકવિલેથી સાંસદ તરીકે ચૂંટાયાં હતાં. નવેમ્બર 2019 થી ઑક્ટોબર 2021 સુધી તેઓ જાહેર સેવાઓ અને ખરીદીના મામલાનાં મંત્રી હતાં.

પ્રથમ હિંદુ મહિલા સાંસદ

અનિતા આનંદ, રાજકારણ, કૅનેડા, હિન્દુ મંત્રી, જસ્ટિન ટ્રુડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અનિતા પોતાની વેબ પ્રોફાઇલ પર પોતાને પ્રથમ હિંદુ મહિલા સાંસદ તરીકે વર્ણવે છે. તેઓ એમ પણ કહે છે કે તે કૅનેડાનાં પ્રથમ હિંદુ કૅબિનેટ મંત્રી છે.

સાંસદ તરીકે ચૂંટાયા બાદ તરત જ તેઓ મંત્રી બન્યાં અને તેમણે કોવિડ રોગચાળાના પડકારનો સામનો કરવો પડ્યો. આ સમય દરમિયાન તેમને રસી અને પીપીઈ કિટને સુરક્ષિત રાખવાના મિશનની જવાબદારી સોંપવામાં આવી હતી.

અનિતા આનંદનું કામ જોઈને વર્ષ 2021માં તેમને સંરક્ષણ મંત્રાલયની કમાન સોંપવામાં આવી હતી. આ સમય દરમિયાન તેમણે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને સહાય પૂરી પાડવામાં કૅનેડા સામેના પડકારોનું નેતૃત્વ કર્યું.

આ ઉપરાંત અનિતાને કૅનેડિયન સશસ્ત્ર દળોમાં જાતીય દુર્વ્યહવાર જેવા સંકટમાંથી પણ પસાર થવું પડ્યું હતું.

એકાએક અનિતા આનંદને સંરક્ષણ મંત્રાલયમાંથી હઠાવીને ટ્રેઝરી બોર્ડમાં મોકલી દેવામાં આવ્યાં. આ નિર્ણયને અનિતા આનંદના હોદ્દો ઘટાડવાના નિર્ણય તરીકે પણ જોવામાં આવ્યો, પરંતુ ટીકાકારો આને અનિતા આનંદની પાર્ટીનું નેતૃત્વ કરવાની તેમની મહત્ત્વાકાંક્ષાની સજા તરીકે મૂલવે છે.

ડિસેમ્બરમાં કૅબિનેટ ફેરબદલ પછી તેમના મંત્રાલયમાં ફરી એક વાર ફેરફાર કરવામાં આવ્યો. આ વખતે તેમને પરિવહનમંત્રી અને આંતરિક વેપારની જવાબદારી સોંપવામાં આવી.

આ ચહેરા પણ મેદાનમાં છે

અનિતા આનંદ, રાજકારણ, કૅનેડા, હિન્દુ મંત્રી, જસ્ટિન ટ્રુડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પૂર્વ ઉપવડાં પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલૅન્ડએ ટ્રુડો સાથેના મતભેદ પછી રાજીનામું આપી દીધું હતું

અનિતા આનંદ ભલે લિબરલ પાર્ટીના નેતાની રેસમાં હોય પરંતુ આ રેસમાં તેઓ ટૉપ પર નથી.

કૅનેડાનાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલૅન્ડને આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. ટોરન્ટોનાં સાંસદ ક્રિસ્ટિયા ટ્રુડોની ટીમનો અત્યાર સુધીનો સૌથી જાણીતો ચહેરો છે.

તે પાર્ટીના આંતરિક વર્તુળના વરિષ્ઠ નેતાઓમાં પણ સૌથી વધુ વિશ્વાસપાત્ર છે. વડા પ્રધાન કાર્યાલય સાથે થયેલા મતભેદને કારણે તેમણે ડિસેમ્બરમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ક્રિસ્ટિયાએ સાર્વજનિક કરેલા તેમના રાજીનામામાં ટ્રુડોની ટીકા કરી હતી. તે બાદ તેમનાં પર દબાણ આવ્યું હતું અને તેમની વિદાય નિશ્ચિત હતી.

પશ્ચિમના પ્રાંત આલ્બર્ટામાં યુક્રેનિયન માતાના ઘરે જન્મેલાં ક્રિસ્ટિયા 56 વર્ષનાં છે અને રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ પત્રકાર હતાં.

તેઓ 2013માં સંસદમાં પહોંચ્યાં અને બે વર્ષ બાદ ટ્રુડો કૅબિનેટમાં સામેલ થયાં.

વિદેશમંત્રી તરીકે તેમણે કૅનેડાને યુનાઇટેડ સ્ટેટ્સ અને મૅક્સિકો સાથે મુક્ત વેપાર કરારની વાટાઘાટામાં મદદ કરી. આ પછી તેમને નાયબ વડાં પ્રધાનપદ અને નાણા મંત્રાલયનું સોંપવામાં આવ્યું.

તેઓ કૅનેડાનાં પ્રથમ એવાં મહિલા હતાં જેમણે આ પદ સંભાળ્યું હતું. તેમણે કોવિડ રોગચાળા દરમિયાન કૅનેડાના નાણાકીય હાલતની પણ દેખરેખ રાખી હતી.

શા માટે પૂર્વ બૅંકરની ચર્ચા થઈ રહી છે?

અનિતા આનંદ, રાજકારણ, કૅનેડા, હિન્દુ મંત્રી, જસ્ટિન ટ્રુડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 59 વર્ષીય માર્ક કાર્ની ટ્રુડોના વિશેષ સલાહકાર રહી ચૂક્યા છે

લાંબા સમયથી ટ્રુડો બૅંક ઑફ કૅનેડા અને બૅંક ઑફ ઇંગ્લૅન્ડના વડા રહી ચૂકેલા માર્ક કાર્નીને નાણામંત્રી બનાવવા માંગતા હતા.

ટ્રુડોએ જુલાઈ 2024 માં નાટો પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમની હાજરી ખૂબ ઉપયોગી થઈ પડશે. ખાસ કરીને એવા સમયે જ્યારે કૅનેડિયનોને રાજકારણમાં સારા લોકોની સખત જરૂર છે.

59 વર્ષીય માર્ક કાર્ની ટ્રુડોના ખાસ સલાહકાર રહી ચૂક્યા છે. જોકે તેમણે આજ સુધી કોઈ જાહેર હોદ્દો સંભાળ્યો નથી. તેઓ મજબૂત આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવે છે.

અર્થતંત્રની સાથે સાથે તેઓ પર્યાવરણીય બાબતો પર પણ ઊંડી પકડ ધરાવે છે, કારણ કે તેઓ ક્લાઇમેટ ઍક્શન પર સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત પણ રહી ચૂક્યા છે.

આ બે ચહેરા બાદ અનિતા આનંદ ત્રીજા સ્થાન પર છે કે જે દેશમાં ટોચના સ્થાને પહોંચી શકે. જ્યારે અનિતા બાદ પૂર્વ બિઝનેસમૅન અને કેન્દ્રીય મંત્રી ફ્રાંસ્વા ફિલિપ શૈપેનનું નામ પણ ચર્ચામાં છે.

54 વર્ષીય શૈપેન 2015માં સાંસદ બન્યા હતા. આ પછી તેમણે આંતરરાષ્ટ્રીય વેપાર અને વિદેશ મંત્રાલય સંભાળ્યું અને હાલમાં તેઓ વિજ્ઞાન અને ઉદ્યોગવિભાગ સંભાળી રહ્યા છે.

રેસમાં પ્રખ્યાત ચહેરો

અનિતા આનંદ, રાજકારણ, કૅનેડા, હિન્દુ મંત્રી, જસ્ટિન ટ્રુડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડાનાં વિદેશમંત્રી મેલાની જોલી પણ રેસમાં છે

ટ્રુડો પછી 2021 થી વિશ્વ મંચ પર કૅનેડાનું સૌથી વધુ પ્રતિનિધિત્વ કરતો ચહેરો એ મેલાની જોલીનો છે.

45 વર્ષીય મેલાની જોલી રશિયા-યુક્રેન યુદ્ધ પછી કૅનેડાનું સમર્થન દર્શાવવા માટે ઘણી વખત યુક્રેનનો પ્રવાસ કરી ચૂક્યાં છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ બાદ એ ક્ષેત્રમાંથી કૅનેડિયન નાગરિકોને બહાર કાઢવામાં માટે તેમણે જૉર્ડનનો પ્રવાસ કર્યો.

કૅનેડાની સામે આવેલી વિદેશનીતિના મોટા પડકારો દરમિયાન જોલી જ કેન્દ્રમાં રહ્યાં હતાં. ટ્રુડો પછી શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ ભારત સાથેની રાજદ્વારી સંકટ વખતે પણ જવાબ આપનારાં તેઓ ટ્રુડો પછી એકમાત્ર વ્યક્તિ હતાં.

ટ્રુડોની નજીકના અને વિશ્વાસુ સાથી ડોમિનિક લાબ્લાંકેને પણ આ રેસમાં સામેલ માનવામાં આવે છે.

57 વર્ષીય ડોમિનિક ટ્રુડો સાથે ખૂબ જ ગાઢ મિત્રતા ધરાવે છે અને મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવા માટે જાણીતા છે. નાણામંત્રી ફ્રીલૅન્ડના ચોંકાવનારા રાજીનામા બાદ જ તેમણે જ આ પદ સંભાળ્યું હતું.

નવેમ્બરમાં માર-એ-લાગો ખાતે ટ્રુડોની ટ્રમ્પ સાથે બેઠક ગોઠવવામાં લાબ્લાંકે મોટી ભૂમિકા ભજવી હતી.

બ્રિટિશ કોલંબિયાનાં ભૂતપૂર્વ પ્રિમિયર ક્રિસ્ટી ક્લાર્ક પણ આ રેસમાં હોવાનું માનવામાં આવે છે.

59 વર્ષીય ક્રિસ્ટીએ ઑક્ટોબરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે તે લિબરલ પાર્ટીના ભવિષ્યનો ભાગ બનવા માંગે છે.

તેમણે 2011 થી 2017 સુધી કૅનેડાના દૂર પશ્ચિમી પ્રાંતનું સંચાલન કર્યું હતું. તે સમય દરમિયાન બ્રિટિશ કોલંબિયાના ઊર્ ઉદ્યોગનો વિકાસ કરતી વખતે પર્યાવરણીય પ્રાથમિકતાઓ વચ્ચે સંતુલન જાળવવા માટે પણ તેમની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.