'ચૂંટણીના અમુક દસ્તાવેજો હવે સામાન્ય લોકો નહીં જોઈ શકે' - ચૂંટણીપંચના નિર્ણય પછી કેમ સવાલ ઉઠી રહ્યા છે?
- લેેખક, અંશુલ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્ર સરકારે ચૂંટણીપંચની એક ભલામણને લાગુ કરી તેના કારણે કૉંગ્રેસ સહિતના વિરોધપક્ષો તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
હકીકતમાં કેન્દ્ર સરકારે ચૂંટણી આચારસંહિતામાં સુધારા કર્યા છે અને ચૂંટણીના કેટલાક દસ્તાવેજોને સામાન્ય જનતા સુધી પહોંચતા અટકાવ્યા છે.
ભારત સરકારના ન્યાય મંત્રાલયે શુક્રવારે ચૂંટણીપંચની ભલામણના આધારે સીસીટીવી કૅમેરા અને વેબકાસ્ટિંગના ફૂટેજને જાહેર કરવા પર મનાઈ ફરમાવી છે.
બીબીસીએ આ મામલે ભાજપના કેટલાક રાષ્ટ્રીય પ્રવક્તાઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.
કૉંગ્રેસે આ પગલાંને બંધારણ અને લોકશાહી પર હુમલા સમાન ગણાવ્યો છે.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઍક્સ પર લખ્યું હતું કે, "મોદી સરકાર દ્વારા ચૂંટણીપંચની સ્વતંત્રતા ઘટાડવાના પ્રયાસો એ બંધારણ અને લોકશાહી પર સીધો હુમલો છે અને અમે તેમની સુરક્ષા માટે દરેક પગલાં લઈશું."
અગાઉના નિયમો કેવા હતા?
આ સુધારા અગાઉ ચૂંટણી સંચાલનના નિયમો, 1961ના નિયમ 93(2)(અ)માં એવું લખવામાં આવ્યું હતું કે 'ચૂંટણી સંબંધિત અન્ય તમામ દસ્તાવેજો જાહેર ચકાસણી માટે ઉપલબ્ધ રહેશે.'
સુધારા પછી આ નિયમમાં જણાવાયું છે કે 'ચૂંટણી સંબંધિત આ નિયમોમાં ઉલ્લેખિત અન્ય તમામ દસ્તાવેજો જાહેર ચકાસણી માટે ઉપલબ્ધ રહેશે.'
આ ફેરફારના કારણે ચૂંટણી નિયમોની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ માત્ર ચૂંટણી પત્રો (જેમ કે નામાંકન પત્રો વગેરે) જ જાહેર ચકાસણી માટે ઉપલબ્ધ રહેશે.
ઉમેદવારો માટે ફોર્મ 17-સી જેવા દસ્તાવેજો ઉપલબ્ધ રહેશે, પરંતુ ચૂંટણી સંબંધિત ઇલેક્ટ્રોનિક રેકૉર્ડ્સ અને સીસીટીવી ફૂટેજ જાહેરમાં ઉપલબ્ધ નહીં રહે.
અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં ચૂંટણી પંચના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.
ચૂંટણીપંચના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે ઇન્ડિયન ઍક્સપ્રેસને જણાવ્યું હતું કે, "પોલિંગ બૂથની અંદરના સીસીટીવી ફૂટેજના દુરુપયોગને રોકવા માટે નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે."
"સીસીટીવી ફૂટેજ જાહેર કરવાથી જમ્મુ અને કાશ્મીર, નક્સલ અસરગ્રસ્ત વિસ્તારો જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ગંભીર પરિણામો આવી શકે છે, જ્યાં ગુપ્તતા જાળવવી મહત્ત્વપૂર્ણ છે."
"મતદારોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. તમામ ચૂંટણી પત્રો અને દસ્તાવેજ જાહેર ચકાસણી માટે ઉપલબ્ધ છે."
સુધારા અગાઉ હાઈકોર્ટનો આદેશ
સુધારાના થોડા દિવસો પહેલાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નવમી ડિસેમ્બરે ચૂંટણીપંચને આદેશ આપ્યો હતો કે વકીલ મહમૂદ પ્રાચાને હરિયાણા વિધાનસભા ચૂંટણી સંબંધિત જરૂરી દસ્તાવેજો આપવામાં આવે.
મહમૂદ પ્રાચાએ હરિયાણા વિધાનસભાની ચૂંટણી સંબંધિત વિડિયોગ્રાફી, સીસીટીવી ફૂટેજ અને ફૉર્મ 17-સીની નકલો પ્રદાન કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
અરજીમાં જણાવાયું હતું કે રિટર્નિંગ ઑફિસર માટેની હેન્ડબુકમાં એવી જોગવાઈ છે કે ઉમેદવાર અથવા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવે ત્યારે આવી વીડિયોગ્રાફી ઉપલબ્ધ કરાવવી જોઈએ.
આ અરજીનો વિરોધ કરતા ચૂંટણીપંચના વકીલે કોર્ટમાં દલીલ કરી કે મહેમૂદ પ્રાચા હરિયાણાના રહેવાસી નથી અને તેઓ કોઈ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી પણ નથી લડ્યા. આવી સ્થિતિમાં તેમની માંગ યોગ્ય નથી.
પ્રાચા વતી એવું કહેવામાં આવ્યું કે ચૂંટણી સંચાલનના નિયમ, 1961 મુજબ ઉમેદવાર અને અન્ય વ્યક્તિ વચ્ચે માત્ર એટલો ફરક છે કે ઉમેદવારને દસ્તાવેજો મફતમાં આપવાના હોય છે, જ્યારે અન્ય કોઈપણ વ્યક્તિએ તેના માટે નિશ્ચિત ફી ચૂકવવાની હોય છે.
પ્રાચાના વકીલે કહ્યું હતું કે, તેઓ નિર્ધારિત રકમની ચૂકવણી કરવા માટે તૈયાર અને ઇચ્છુક છે.
આ મામલે જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજે જણાવ્યું કે ચૂંટણીપંચ છ અઠવાડિયાંની અંદર જરૂરી દસ્તાવેજ ઉપલબ્ધ કરાવે.
આ હુકમનાં બે અઠવાડિયાંની અંદર જ કેન્દ્ર સરકારે ચૂંટણીપંચની ભલામણો લાગુ કરી દીધી. નવા ઘટનાક્રમ વિશે વકીલ મહમૂદ પ્રાચાનું કહેવું છે કે તેઓ આ કેસને આગળ સુધી લઈ જશે.
નિષ્ણાતો શું કહે છે?
વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્માનું કહેવું છે કે આ સુધારો ચૂંટણીપંચની કામગીરી સામે વધુ એક પ્રશ્ન ઊભો કરે છે.
વિનોદ શર્મા કહે છે, "હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે અરજદારને સંબંધિત ડેટા આપવામાં આવે અને આ આદેશ અપાયાના થોડા દિવસો પછી આ સુધારો કરવામાં આવ્યો હતો."
"તેનું ટાઇમિંગ જ સવાલો ઉભા કરે છે અને આ સુધારો સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો નથી."
ચૂંટણીપંચના નિયમો અને નિર્ણયો પર લોકો સતત સવાલ ઉઠાવી રહ્યા છે અને હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પણ ચૂંટણીપંચ આરોપો અને વિવાદોમાં ઘેરાયું હતું.
તે વખતે ચૂંટણીપંચ પર મતદાન સંબંધિત ડેટા જાહેર કરવામાં મોડું કરવાનો આરોપ લાગ્યો હતો. મતદાનની ટકાવારી અંગે પણ વિવાદ થયો હતો.
લોકસભાની ચૂંટણીમાં કુલ મતોની સંખ્યાને બદલે મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવી હતી.
જોકે, ચૂંટણીપંચે આ આરોપો વિશે કહ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા પહેલેથી નક્કી હોય છે અને તેને અધવચ્ચેથી બદલી શકાતી નથી.
આ ઉપરાંત ઈવીએમ અને પોસ્ટલ બેલેટને લગતા સવાલો પણ સતત ઉઠતા રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તા હાલના સુધારાને લોકોના ભરોસા સાથે સાંકળે છે.
શરદ ગુપ્તા કહે છે, "સુધારાની સાથે તેના પાછળનું કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી. તેના કારણે ચૂંટણીપંચમાં લોકોનો ભરોસો ઘટશે."
"આ મુદ્દાને તેને છોડી દેવાની જરૂર હતી, ખાસ કરીને એવા સમયે જ્યારે ચૂંટણી પંચ સામે ઈવીએમને લઈને સવાલો પેદા થઈ રહ્યા છે."
શું આ નિર્ણયથી ચૂંટણીપંચની પારદર્શિતા પર કોઈ અસર પડશે?
આ સવાલના જવાબમાં વિનોદ શર્મા કહે છે, "ચૂંટણી કમિશનરે લોકપ્રતિનિધિત્વના કાયદા હેઠળ કામ કરવું જોઈએ, પરંતુ ભૂતકાળમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે તેઓ તેના હેઠળ કામ નહોતા કરતા તેવું લાગે છે."
"ઘણી વખત તેઓ વિરોધપક્ષોને સમય પણ નથી આપતા. ચૂંટણી યોજવા માટે દેશની સૌથી મોટી સંસ્થામાં આવા સુધારા કરવામાં આવે ત્યારે તમે તેને શું કહો?"
શરદ ગુપ્તાનું કહેવું છે કે, સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોય અને તમે તેને જાહેર ન કરો, ત્યારે લોકોના મનમાં શંકા ઉદભવે તે સ્વભાવિક છે.
તમે ફૂટેજ નહીં આપો તો લોકો પારદર્શિતા પર સવાલ ઉઠાવશે.
કૉંગ્રેસ, ભાજપ અને વિરોધ પક્ષોએ શું કહ્યું?
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ચૂંટણીપંચની પારદર્શિતા અંગે સવાલ ઉઠાવ્યા છે.
જયરામ રમેશે લખ્યું છે, "ભ્રષ્ટાચાર અને અનૈતિક પ્રથાઓને દૂર કરવામાં પારદર્શિતા સૌથી વધુ મદદરૂપ થાય છે અને માહિતી આ પ્રક્રિયામાં ભરોસાને પુનઃસ્થાપિત કરે છે."
"પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ તર્ક સાથે સંમત થઈને ચૂંટણી પંચને તમામ માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જનતા સાથે આમ કરવું એ કાયદાકીય રીતે પણ જરૂરી છે."
"પરંતુ ચૂંટણીપંચ આ નિર્ણયનું પાલન કરવાને બદલે કઈ માહિતી આપી શકાય તેની યાદીને ટૂંકી કરવામાં ઉતાવળ કરે છે. ચૂંટણી પંચ પારદર્શિતાથી આટલું ડરે કેમ છે?"
જયરામ રમેશનું કહેવું છે કે ચૂંટણીપંચના આ નિર્ણયને ટૂંક સમયમાં કોર્ટમાં પડકારવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું હતું કે, આનો અર્થ એવો થયો કે કંઈક તો ગરબડ છે.
તૃણમૂલ કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ જવાહર સરકારે સવાલ કર્યો કે મોદી સરકાર શું છુપાવી રહી છે?
જવાહર સરકારે ઍક્સ પર લખ્યું હતું કે, "ચૂંટણીના નિયમોમાં અચાનક ફેરફાર કરીને લોકોને ચૂંટણીના રેકૉર્ડ્સ અને ડેટા વિશે પૂછપરછ કરવાથી કેમ અટકાવી દેવાયા?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન