સુરત : પૂર્વ પત્નીના ચારિત્ર્ય અંગે ‘શંકાશીલ’ પતિએ ‘ચેપી પ્રવાહી’નું ઇન્જેક્શન મારી હુમલો કર્યો, પછી શું થયું?
- સુરતના રાંદેર પોલીસમથકમાં પૂર્વ પત્નીના ચારિત્ર્ય પર ‘શંકા’ રાખતાં પતિએ ‘ચેપી પ્રવાહીવાળા’ ઇન્જેક્શન વડે હુમલો કર્યાનો મામલો આવ્યો હતો
- ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરાઈ છે
- હુમલા બાદ ફરિયાદી પૂર્વ પત્નીએ અચાનક ‘અશક્તિ, ચક્કર અને ઘેન’ની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો
લગ્ન... સામાન્યપણે બે વ્યક્તિઓ વચ્ચે સ્થપાતો ‘લાગણીભર્યો’ આ સંબંધ ઘણી વાર પતિ-પત્નીને ‘કડવા ઝેર’ સમું બની જાય છે.
કંઈક આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં પૂર્વ પત્નીએ તેમના પતિ પર ‘ઘેન ચડે એવું - ચેપી પ્રવાહીવાળું ઇન્જેક્શન આપી’ હુમલો કર્યાનો આરોપ મૂક્યો છે.
પૂર્વપત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેમના પતિ “શંકરે 25 ડિસેમ્બરે મળવા માટે ફોન કર્યો હતો”, જે બાદ તેઓ બંને ‘બાઇક પર ફરવા ગયાં હતાં, જ્યાં તેણે સાંજે સાત વાગ્યે અંધારાનો લાભ લઈ ડાબા થાપાના ભાગે ઇન્જેક્શન મારી દીધું હતું.’
આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ ઇન્જેક્શનમાં અપાયેલ પ્રવાહીની તપાસ થઈ રહી છે.
સ્થાનિક અહેવાલો અનુસાર આ સમગ્ર ઘટનામાં આરોપી પૂર્વ પતિએ તેમનાં પૂર્વ પત્નીને ‘એચઆઈવીગ્રસ્ત લોહી’ ઇન્જેક્શન થકી આપી દીધું છે.
જોકે, ઘટના અંગે માહિતી આપતાં પોલીસ અધિકારીએ આ વાતને રદિયો આપ્યો હતો. અને સમગ્ર ગુના સંદર્ભે તપાસ હજુ ચાલુ હોવાની વાત કરી હતી.
નોંધનીય છે કે આ મામલાના આરોપી પૂર્વ પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયત્ન કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
બનાવ સંદર્ભે નોંધાયેલી ફરિયાદ મુજબ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં 25 ડિસેમ્બરના રોજ સાંજના સાત વાગ્યે આરોપી શંકરભાઈ કામલેએ તેમનાં પૂર્વ પત્ની પર હુમલો કર્યો હતો.
હુમલામાં તેમણે તેમનાં પૂર્વ પત્નીને ‘ઘેન ચડે એવું – ચેપી પ્રવાહીવાળું’ ઇન્જેક્શન માર્યું હતું. હુમલો કર્યા બાદ પૂર્વ પત્નીએ પ્રતિકાર કરતાં આરોપી નાસી છૂટ્યા હતા.
ફરિયાદમાં નોંધાવેલ વિગતો અનુસાર બંને સ્ત્રી-પુરુષના બે માસ અગાઉ જ છૂટાછેડા થયા હતા. બંનેનાં બે બાળકો પણ છે.
ગત 25 ડિસેમ્બરે આરોપી શંકરે પૂર્વ પત્નીને ફોન કરીને તેમને ‘મળવા બોલાવ્યાં’ હતાં.
બંને ‘મોટર સાઇકલ પર ફર્યાં’ અને ‘પરફ્યૂમ તેમજ અન્ય સામાનની ખરીદી કરી હતી.’
તે બાદ બંને ‘ફરતાંફરતાં રાંદેર વિસ્તારની એક ખુલ્લી જગ્યાએ ગયાં.’
આ સ્થળે જ આરોપી પૂર્વ પતિએ ‘અંધારાનો લાભ લઈ’ ફરિયાદી પત્નીને ‘ડાબા થાપે’ ઇન્જેક્શન આપી દીધું હતું.
જે બાદ ફરિયાદી મહિલાને તરત ‘અશક્તિ, ચક્કર અને આંખો ઘેરાવા’ની સમસ્યા થવા લાગી હતી.
આ સમગ્ર ઘટના સામે આવતાં સ્થાનિક મીડિયા સંસ્થાઓના અહેવાલમાં જણાવાયું હતું કે ‘હુમલાખોર’ પૂર્વ પતિએ તેમનાં પૂર્વ પત્નીને ‘એચઆઇવી ગ્રસ્ત લોહી’ ઇન્જેક્શન થકી આપી દીધું હતું.
પોલીસે શું કહ્યું?
આ ઘટના અંગે આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) બી. એમ. ચૌધરીએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, “ફરિયાદી અને આરોપી બંનેના બે માસ પહેલાં જ છૂટાછેડા થયા હતા, બંને 25 ડિસેમ્બરે એકબીજાને મળ્યાં હતાં. આ દરમિયાન આરોપીએ લાગ જોઈને મહિલા પર હુમલો કરીને તેને પ્રવાહીયુક્ત ઇન્જેક્શન આપવાની ફરિયાદ નોંધાઈ છે.”
જ્યારે તેમને પુછાયું કે ઇન્જેક્શનમાં ‘એચઆઇવીગ્રસ્ત લોહી’ હોવાની વાત સાચી છે કે કેમ? તો પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “આવી કોઈ વાત હજુ કાગળ પર નથી આવી.”
એસીપી ચૌધરીએ આગળ જણાવ્યું હતું કે, “આ સમગ્ર ઘટના અંગે હજુ તપાસ ચાલી રહી છે, ઇન્જેક્શનના પ્રવાહી અને ઇન્જેક્શનની ખરીદીનું ચોક્કસ સ્થળ તપાસ થયા બાદ જ સામે આવશે.”
તેમણે આગળ જણાવ્યું હતું કે, “આરોપીએ ઇન્જેક્શન સિવિલ હૉસ્પિટલથી ખરીદ્યુ હતું, પરંતુ તે કયા વિભાગમાંથી ખરીદાયું છે તે હજુ તપાસમાં બહાર આવશે.”
નોંધનીય છે કે સમગ્ર ઘટના મામલે મહિલાની ફરિયાદ બાદ રાંદેર પોલીસમથકમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 328, 270 અને 324 અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.