ગુજરાત : ખ્યાતિ હૉસ્પિટલ કૌભાંડથી PMJAYમાં ચાલતાં મોટાં કૌભાંડોનો પટારો ખૂલી ગયો છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- Twitter,
પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના હેઠળ હજારો ખોટાં કાર્ડ બનાવીને ગુજરાતની વિવિધ હૉસ્પિટલોએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ તપાસનો રેલો અમદાવાદ સહિત ગુજરાતની અનેક હૉસ્પિટલો સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જોકે, પોલીસની તપાસ હજી સુધી કોઈ પણ સરકારી અધિકારી સુધી પહોંચી શકી નથી, પરંતુ PMJAYનું કામ કરતી એજન્સી તેમજ વીમા કંપની સુધી તપાસ પહોંચી છે.
ખ્યાતિ હૉસ્પિટલ કૌભાંડમાં હજી સુધી પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે તથા હજુ કેટલાક લોકોની ધરપકડ થવાની શક્યતાઓ રહેલી છે.
પોલીસે તાજેતરમાં ખ્યાતિ હૉસ્પિટલમાં ભાગીદાર રાજશ્રી કોઠારીની ધરપકડ કરીને તેમનાં 10 દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે.
ખ્યાતિ હૉસ્પિટલના કથિત કૌભાંડના સંદર્ભમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે, જેની તપાસ હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
જોકે, હવે આ પોલીસ તપાસ ખ્ચાતિ હૉસ્પિટલથી આગળ વધીને અન્ય હૉસ્પિટલો સુધી સુધી પણ પહોંચી શકે છે, તેવું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરતાં જણાવ્યું હતું.
મેડિકલ કૅમ્પનું આયોજન અને PMJAY હેઠળ મફત સારવારનું કૌભાંડ
પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખ્યાતિ હૉસ્પિટલમાં થયેલાં કૌંભાડ પાછળ આખું નેટવર્ક કામ કરતું હતું.
જો બોરીસણા ગામની જ વાત કરવામાં આવે તો, જે દર્દીઓ પાસે PMJAY કાર્ડ હતું તેમની વધુ તપાસ કરીને, સર્જરીની પરવાનગી લેવા માટે PMJAY વિભાગમાં મોકલવામાં આવ્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ પોતાનું નામ ન છાપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "PMJAY વિભાગમાં 60 લોકોનો સ્ટાફ છે, જેમાં માત્ર 10 નિષ્ણાત ડૉક્ટર છે."
"એક શિફ્ટમાં દરેક ડૉક્ટરે આશરે 58 થી 60 જેટલા દર્દીઓની ફાઇલો ચકાસીને તેને મંજૂરી આપવાની હોય છે. ડૉક્ટર દરેક પેશન્ટની ફાઇલ સારી રીતે વાંચી શકે તે શક્ય લાગતું નથી, માટે પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે."
જે લોકો પાસે PMJAY કાર્ડ ન હોય તેવા દર્દીઓને ખ્યાતિ હૉસ્પિટલ બીજે જવા દેતી નહોતી.
આવા લોકો માટે તત્કાળ PMJAY કાર્ડ બની જાય તે માટેનું નેટવર્ક ચાલતું હતું અને પોલીસે તેનું પગેરું દાબ્યું છે. ખ્યાતિ હૉસ્પિટલમાં આ કામગીરી ચિરાગ રાજપૂતે સંભાળેલી હતી.
"આ પ્રકારના કૅમ્પ યોજીને લોકોને હૉસ્પિટલ સુધી લાવવાનું પ્લાનિંગ રાજપૂતનું હતું અને તેની પાછળ કાર્તિક પટેલનો દોરીસંચાર હતો. જે લોકોના PMJAY કાર્ડ ન હોય તેવા લોકોનાં આવાં કાર્ડ રાજપૂત માત્ર રૂ. 1,500થી 2,000 માં બનાવી આપતો."
ખ્યાતિ હૉસ્પિટલના દર્દીઓ માટે અમદાવાદના અમદુપુરામાં રહેતા નિમેષ ડોડિયા દ્વારા PMJAY કાર્ડ બનાવી આપવામાં આવતા.
ડોડિયાની જેમ અલગઅલગ લોકો અમદાવાદ, સુરત, ભાવનગર અને બિહારમાં પણ આ પ્રકારનાં કાર્ડ બનાવી આપતા હતા.
"આ માટે વિવિધ કાગળો ન હોય તો પણ ગમે તેમ કરીને PMJAY કાર્ડ બનાવી આપવામાં આવતું હતું. આ પ્રકારના ઘણાં કાર્ડ પોલીસે હાલમાં કબ્જે લીધાં છે."
પોલીસે બહાર પાડેલી પ્રેસ વિજ્ઞપ્તી પ્રમાણે, રાજપૂત તમામ કારગીરી કાર્તિક પટેલના કહેવા પ્રમાણે કરતા હતા, જેઓ આ હૉસ્પિટલના ચૅરમૅન છે. પોલીસ હજી સુધી પટેલની ધરપકડ કરી શકી નથી.
ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, રાજપૂત અગાઉ અન્ય એક મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં કામ કરતા હતા, તે સમયે ખ્યાતિ હૉસ્પિટલમાં અન્ય એક નિષ્ણાત ડૉક્ટરની ભાગીદારી હતી.
જોકે, રાજપૂત જ્યારે ખ્યાતિ હૉસ્પિટલમાં માર્કેટિંગ હેડ તરીકે આવ્યા એ પછી એક ભાગીદાર છૂટા થઈ ગયા, કારણ કે તેમને રાજપૂત તથા અન્ય લોકોની કામ કરવાની પદ્ધતિ તેમને ગમી ન હતી.
ત્યારબાદ હૉસ્પિટલમાં રાજશ્રી કોઠારીને 3.60 ટકાના ભાગીદાર તરીકે અને પછી કાર્તિક પટેલને લાવવામાં આવ્યાં હતાં.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું, "અમારી તપાસમાં અમને જાણવા મળ્યું છે કે જે કુલ દર્દીઓ ખ્યાતિ હૉસ્પિટલમાં આવતા હતા, તેમાંથી લગભગ 75 ટકા દર્દીઓ વિવિધ કૅમ્પ મારફતે આવતા હતા તથા માત્ર 25 ટકા જેટલા દર્દીઓ જ ખરેખર OPD મારફતે આવ્યા હતા."
"એટલે કે, રાજપૂત અને તેના લોકો દ્વારા ચલાવવામાં આવતા કૅમ્પ થકી મોટા પ્રમાણમાં લોકોને અહીં લાવવામાં આવતા હતા."
કોણ-કોણ છે પોલીસની નજરમાં?
આ સમગ્ર મામલામાં પોલીસે ખ્યાતિ હૉસ્પિટલ ઉપરાંત સરકારી એજન્સી કે જેને કાર્ડ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે તે ઍન્સર કૉમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, જે વીમા કંપની પૈસા પૂરા પાડવાનું કામ કરે છે, તે કંપનીના અધિકારીઓ ઉપરાંત અન્ય કેટલીક હૉસ્પિટલો પણ હાલમાં પોલીસની નજરમાં છે.
અધિકારીએ કહ્યું, "જેમકે, બજાજ ઇન્શ્યોરન્સ કંપની વીમાની રકમની ચૂકવણી કરતી હતી. અમે તેમના અધિકારીઓની પણ પૂછપરછ કરી છે અને જરુર પડ્યે તેમને ફરીથી બોલાવીશું."
પોલીસ તપાસમાં હજી સુધી કોઈ પણ સરકારી અધિકારીનું નામ નથી આવ્યું. આના વિશે બીબીસી ગુજરાતીએ વિવિધ ઉચ્ચ અધિકારીઓને સવાલ કર્યા, તો તેમણે તપાસના આ તબક્કે આ બાબતે વધુ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
આ તમામ ઘટનાક્રમ વિશે બીબીસી ગુજરાતીએ ખ્યાતિ હૉસ્પિટલના અધિકારીઓ સાથે ફોન પર, રૂબરૂમાં, તેમજ ઈ-મેલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો જવાબ મળ્યે અહેવાલમાં અપડેટ કરીને તેમનો પક્ષ રજૂ કરવામાં આવશે.
શું છે કથિત કૌભાંડ?
ખ્યાતિ હૉસ્પિટલે તા. 11 નવેમ્બર, 2024ના રોજ કડી તાલુકાના બોરીસણા ગામમાં મેડિકલ કૅમ્પ યોજ્યો હતો. જેમાંથી ઘણાં લોકોને અમદાવાદસ્થિત ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં વધુ સારવાર માટે બોલાવવામાં આવ્યાં હતા.
તેમાંથી 19 દર્દીઓની વધુ સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન નાગર સેનમા (70) અને મહેશ બારોટ (50)નાં મૃત્યુ થઈ ગયાં હતાં.
ત્યારબાદ હોબાળો થતા પોલીસે વિવિધ ત્રણ પોલીસ ફરિયાદો નોંધી છે. પોલીસે આ કેસમાં હજુ સુધી ખ્યાતી હૉસ્પિટલના સીઈઓ રાહુલ જૈન, વિઝિટિંગ કાર્ડિયૉલૉજિસ્ટ ડૉ. પ્રશાંત વજિરાની, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનાં ચાર લોકો, તેમજ ડૉ.સંજય પટોલિયા સહિત આઠેક આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની એક પ્રેસ નોટ પ્રમાણે, તા. 1 સપ્ટેમ્બર 2021થી 4 નવેમ્બર 2024 દરમિયાન ખ્યાતિ હૉસ્પિટલમાં કુલ 8,534 સર્જરી કરવામાં આવી હતી. જેમાંથી 112 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું છે કે, "એ વાત ખાસ સમજવા જેવી છે કે આ તમામ 112 મોત, ઍન્જિયોગ્રાફી તથા ઍન્જિયોપ્લાસ્ટી સમયે મૃત્યુ પામ્યા છે."
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મેડીકલક્ષેત્રે તપાસ કરતી સમયે, નિષ્ણાત ડૉક્ટરના અભિપ્રાય વગર પોલીસ તપાસ આગળ ન વધી શકે માટે પોલીસે હજી સુધી તેમાં બીજા ડૉક્ટર્સનાં નામ જાહેર કર્યાં નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન