એ દેશ જ્યાં ખૂબ ભણેલા લોકો ડ્રાઇવર અને પટાવાળાની નોકરી કરે છે, 'જેવા ભણી લો એવા તમે બેકાર થઈ જાઓ છો'

ચીન બેરોજગારી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • લેેખક, સ્ટીફન મૅક્ડોનેલ
  • પદ, બીબીસી સંવાદદાતા, ચીન

ચીનમાં હવે માધ્યમીક શાળામાં નાનાં-મોટાં કામો કરતો યુવાન પણ ફિઝિક્સમાં માસ્ટર ડીગ્રી ધરાવતો હોય છે. સફાઇ કર્મચારી એન્વાયરમેન્ટલ પ્લાનિંગ ભણેલો છે, ડિલિવરી ડ્રાઇવર ફિલૉસૉફી ભણેલો હોય છે અને ચીનની પ્રતિષ્ઠત વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી થયેલો યુવાન પોલીસ સહાયકની નોકરી માટે અરજી કરી રહ્યો છે.

સંઘર્ષ કરતાં અર્થતંત્રનાં આ બધા કિસ્સાઓ સાચા છે અને આવા બીજા અનેક શોધવા મુશ્કેલ નથી.

સન ઝાન કહે છે કે, " ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ ક્ષેત્રે કામ કરવાનું મારું સપનું હતું" હાલમાં તે દક્ષિણ નાનજિંગમાં શહેરમાં હોટ પોટ રેસ્ટોરાંમાં વેઇટર તરીકે તેની શિફ્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે.

25 વર્ષનો આ યુવાન હાલમા જ ફાઇનાન્સની માસ્ટર ડીગ્રી સાથે ગ્રૅજ્યુએટ થયો છે. એને એવી આશા હતી કે તે સારી નોકરી કરી ખૂબ રૂપિયા કમાશે. પરંતુ તે ઉમેરે છે કે મારે આવી નોકરી કરવી પડે છે જેનાં પરિણામો કંઇ વધારે સારાં નથી દેખાતાં.

દર વર્ષે ચીનમાં લાખો યુવાનોને વિશ્વવિદ્યાલયોમાંથી બહાર પડે છે. પરંતુ ચીનમાં તેમને માટે યોગ્ય નોકરીઓ નથી.

રીયલ એસ્ટેટ અને મૅન્યુફૅક્ચરિંગ જેવાં માતબર ક્ષેત્રોમાં અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે.

ચીન, બેરોજગારી, યુવાનો, અર્થતંત્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ચીનમાં બેરોજગારી કેટલી?

ચીન, બેરોજગારી, યુવાનો, અર્થતંત્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Rachel Yu

ઇમેજ કૅપ્શન, 25 વર્ષીય સુન ઝાન ફાઇનાન્સમાં ગ્રૅજ્યુએટ થયા છે અને તેઓ હવે વેઇટર તરીકે કામ કરે છે

બેરોજગારીનો આંકડો 20 ટકા જેટલો છે. પરંતુ હાલમાં તેને ગણવાની નવી પદ્ધતિ અપનાવાઇ છે જેનાથી આંકડો ઓછો લાગે. તો પણ ઑગષ્ટ 2024માં 18.8 ટકા હતો જે નવેમ્બરમાં ઘટીને 16.1 ટકા જેટલો થયો છે.

કેટલાય યુવાનો જે ભણ્યા હોય અથવા ડીગ્રી હોય તે ક્ષેત્રમાં કામ નથી મેળવી શકતા. તેઓ તેમની યોગ્યતા કરતા નીચેનાં કામો કરવા મજબૂર બન્યા છે. જેના લીધે તેમને કુટુંબ અને મિત્રો તરફથી મેણાં સાંભળવાં પડે છે.

જ્યારે સુન ઝાન વેઇટર બન્યો ત્યારે તેનાં માતાપિતાને એ વાત બિલકુલ નહોતી ગમી.

તે કહે છે, "મારા કુટુંબનો મત મારા માટે ઘણો મહત્ત્વનો છે. કારણ કે હું ઘણાં વર્ષો સુધી ભણ્યો અને મેં સારી શાળાઓમાં અભ્યાસ કર્યો હતો."

ઝાનનું કુટુંબ તેની નોકરીને કારણે શરમ અનુભવી રહ્યું છે. તેમનું એવું માનવું હતું કે તેણે સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્ન કરવો જોઇતો હતો. પરંતુ ઝેન કહે છે, "આ મારી પસંદ છે."

જો કે તેની પાસે એક ખાનગી પ્લાન પણ છે. તે રેસ્ટોરાંમાં વેઇટર તરીકે નોકરી કરી ધંધાને જાણવા માંગે છે. પછી તે પોતાની રેસ્ટોરાં ખોલવા માંગે છે.

તે કહે છે કે જો હું ધંધો કરવામાં સફળ થઇશ તો મારા કુટુંબના લોકોની ટીકા આપોઆપ બંધ થઇ જશે.

યુવાનો પાસે ફાઇનાન્સ, ફિલૉસૉફી જેવી મોટી ડિગ્રીઓ

ચીન, બેરોજગારી, યુવાનો, અર્થતંત્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/RachelYu

ઇમેજ કૅપ્શન, 29 વર્ષીય વુ ડાન કહે છે કે તેમને ફાઇનાન્સના ક્ષેત્રમાં સારી નોકરી મળી નથી

હૉંગ કૉંગની સિટી યુનિવર્સિટીના ઝાંગ જૂન કહે છે, "ચીનના મુખ્ય વિસ્તારમાં નોકરી મેળવવા માટેની સ્થિતિ ઘણી પડકારજનક છે. મારું માનવું છે કે આના લીધે ઘણાં યુવાઓએ તેમની અપેક્ષા ઓછી કરવી પડશે."

ઘણાં વિદ્યાર્થીઓ ઊંચી પદવીઓ લે છે કે જેનાથી તેમની કારકિર્દી વધારે સારી રીતે ઘડાય. પરંતુ નોકરીનાં બજારની હકીકત તેમને નાસીપાસ કરે છે.

શાંઘાઇના સ્પૉર્ટ્સ મસાજ ક્લિનિકમાં ટ્રેઇની એવા 29 વર્ષનાં વુ ડેન કહે છે, "નોકરીનું બજાર ખરેખર ખૂબ પડકારજનક છે."

તેઓ ઉમેરે છે, "મારી સાથે માસ્ટર ડીગ્રીમાં ભણતા ઘણાં યુવાનો નોકરી મેળવવા માટે બજારમાં ગયા પરંતુ એમાંથી બહુ ઓછાને જ સફળતા મળી."

"હૉંગ કૉંગની સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સની ડીગ્રી લીધા બાદ મારે પણ અહીં કામ કરવું પડશે તેવું મેં ક્યારેય નહોતું વિચાર્યું."

આ પહેલાં તેઓ શાંઘાઇની ફ્યૂચર ટ્રેડિંગ કંપનીમાં કામ કરતાં હતાં જ્યાં તેઓ ઍગ્રિકલ્ચરલ પ્રોડક્ટ્સનાં નિષ્ણાત હતાં.

જ્યારે તેઓ હૉંગ કૉંગથી ભણીને પરત ચીન આવ્યાં ત્યારે તેમને પ્રાઇવેટ ઇક્વિટી ફાર્મમાં કામ કરવું હતું. તેની પાસે કેટલીક ઑફરો પણ હતી પરંતુ તેમને નોકરીની શરતો માન્ય નોહતી.

એટલે તેમણે આ કોઇ ઑફરો ના લીધી અને સ્પૉર્ટ્સ મેડિસિન ક્લિનિકમાં કામ લીધું.

આ નિર્ણય તેમના કુટુંબના લોકોને જરાય પસંદ ના પડ્યો.

તેઓ કહે છે, "મારા કુટુંબીજનોએ વિચાર્યુ કે મારી પાસે પહેલાં સારી નોકરી તો હતી. અને મારી શૈક્ષણિક લાયકાત પણ સારી છે. તેઓ સમજી જ ના શક્યા કે મેં આ કેમ લીધું. જેમાં શારીરીક શ્રમ હોય અને વળતર ઓછું હોય."

તેઓ સ્વીકારે છે કે શાંઘાઇમાં તેમને જે મળે છે તે પગાર પર ટકવું સહેલું નથી.

જોકે, તેમનું કહેવું હતું કે તેમનો પાર્ટનર ઘર ધરાવે છે.

ટૅક્નૉલૉજી સેક્ટરમાં છટણીઓ

તેમણે લીધેલો નિર્ણય કારકિર્દીના રસ્તા પર આગળ જવામાં કોણ તેમને મદદ કરી શકે તે અંગે તેઓ અજાણ હતાં. પરંતુ તેમનાં માતા જ્યારે તેમને મળવા આવ્યાં હતાં ત્યારે તેમણે તેમની દુ:ખતી કમરનો ઇલાજ કર્યો હતો. જેનાથી તેમનાં માતાનાં દર્દમાં ઘણો ઘટાડો થયો હતો.

એક સમયની આ ફાઇનાન્સની વિદ્યાર્થિની કહે છે કે ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં કામ કરવાનું તેને ગમતે નહીં.

તેઓ કહે છે કે તેમને સ્પૉર્ટ્સની ઇજાઓમાં રસ છે. તેને તેની નોકરી ગમે છે અને એક દિવસ તેઓ પોતાનું ક્લિનિક ખોલશે.

પ્રોફેસર ઝાંગ કહે છે, "ચીનના વિદ્યાર્થીઓને સારી નોકરી અંગેની ધારણા બદલવાની ફરજ પાડવામાં આવી રહી છે."

તેઓ કહે છે, "ચીનની ઘણી ટૅક કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે. જે ચીનના વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ છે."

તેઓ એમ પણ કહે છે, "અર્થતંત્રનાં નોંધપાત્ર ક્ષેત્રો કે જે એક સમયે સ્નાતકો માટે મોટી રોજગારીનું નિર્માણ કરતાં હતાં. તે હવે સાવ વિષમ પરિસ્થિતિનું કામ જ ઑફર કરી રહ્યાં છે. યોગ્ય તકો તો આ ક્ષેત્રમાંથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઇ છે."

ફિલ્મી દુનિયા તરફ વળ્યા યુવાનો

ચીન, બેરોજગારી, યુવાનો, અર્થતંત્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા યુવાન સ્નાતકો હૅંગેડિયન જવા લાગ્યા છે અને ફિલ્મોમાં ઍક્સ્ટ્રા કલાકારોનો રોલ ભજવી રહ્યા છે

ભવિષ્યમાં શું કરી શકાય તેનો વિચાર કરતા યુવાનો બેરોજગાર સ્નાતકો હવે ફિલ્મ અને ટેલિવિઝન તરફ વળ્યા છે.

શાંઘાઇની બાજુમાં ફિલ્મ નિર્માણ માટે જાણીતા શહેર હેંગડિયાનમાં આ યુવાનોએ ધામા નાંખ્યા છે. કારણ કે, મોટા બજેટની ફિલ્મમાં ઘણાં ઍકસ્ટ્રા કલાકારોની જરૂર પડતી હોય છે. હવે આ સ્નાતકો આ પ્રકારનાં કામો શોધી રહ્યા છે.

ઇલેક્ટ્રૉનિક ઇન્ફર્મેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર અને એક નાટકમાં બૉડીગાર્ડની ભૂમિકા ભજવતા વુ ક્ષિધાંઈ કહે છે કે, "હું મુખ્યત્વે નાયકની બાજુમાં ઊભો રહું છું. જો કે મારી પાસે બોલવાની કોઈ લાઇનો નથી હોતી."

26 વર્ષના આ યુવાન હસતા હસતા કહે છે કે મારા સારા દેખાવના લીધે મને આ ઍક્સ્ટ્રા કલાકારનું કામ મળ્યું છે.

તેઓ કહે છે,"ઘણાં લોકો થોડો સમય માટે આ ફિલ્મનગરીમાં જાય છે. મારા માટે પણ આ થોડા સમયની સુવિધા છે જ્યાં સુધી મને કાયમી નોકરી ના મળી જાય."

તેઓ એમ પણ કહે છે, "હું વધારે પૈસા નથી કમાતો. પરંતુ હું આરામમાં છું અને મુક્ત પણ."

લી કે જેઓ તેનું આખુ નામ આપવાની ના પાડે છે અને કહે છે, "આ ચીનની સ્થિતિ છે. ખરું ને ? જે ઘડીએ તમે સ્નાતક થાવ તે સમયે જ તમે બેરોજગાર બની જાઓ છો."

તેઓ ફિલ્મ ડિરેક્શન અને સ્ક્રીનરાઇટીંગમાં સ્નાતક છે. એમણે પણ થોડા મહિના માટે ઍકસ્ટ્રા કલાકાર તરીકે કામ કર્યું હતું.

તેઓ ઉમેરે છે, "હું અહીંયા કામની શોધ માટે આવ્યો હતો. હાલમાં હું જુવાન છું પરંતુ જ્યારે મારી ઉંમર થશે ત્યારે કોઇ કાયમી નોકરી મળી જશે."

જોકે, ઘણાં એવું પણ વિચારે છે કે તેમને ક્યારેય કાયમી નોકરી નહીં મળે તો છેવટે ના વિચારેલું કોઇ પણ કામ કરવું પડશે.

ચીનનું અર્થતંત્ર કઇ દિશામાં જશે તે અંગેના વિશ્વાસનો અભાવનો અર્થ એ છે કે આ યુવાનો તેમના ભવિષ્ય બાબતે અજાણ છે.

વુ ડેન કહે છે, "તેમના મિત્રો કે જે નોકરી કરે છે તે પણ ભ્રમિત છે."

તે કહે છે, "તેઓ મૂંઝવણમાં છે અને અનુભવે છે કે ભવિષ્ય તદ્દન અસ્પષ્ટ છે. જેઓ નોકરીઓ ધરાવે છે તેઓ તેનાથી સંતુષ્ટ નથી. તેઓ જાણતા નથી કે તેઓ આ હોદ્દા પર કેટલા સમય સુધી રહી શકશે. અને જો તેઓ તેમની વર્તમાન નોકરી ગુમાવે તો તેઓ બીજું શું કરી શકે છે?"

તેઓ ઉમેરે છે, "હું પ્રવાહ સાથે જઇશ અને એ બાબતનું પૃથ્થકરણ કરીશ કે હું ખરેખર શું કરવા માંગુ છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.