ભારતીય આદિવાસીઓ, જે બ્રિટનમાં રહેલી તેમના પૂર્વજોની ખોપરીઓ પાછી માગે છે
- લેેખક, નિયાઝ ફારુકી
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
ગયા મહિને એલેન કોન્યાકને એ જાણીને આઘાત લાગ્યો કે ઈશાન ભારતના રાજ્ય નાગાલૅન્ડની 19મી સદીની એક ખોપરીની યુકેમાં હરાજી થવાની છે.
યુરોપીયન સંસ્થાનવાદી વહીવટકર્તાઓ નાગાલૅન્ડમાંથી હજારો વસ્તુઓ લઈ ગયા હતા જેમાં નાગા આદિવાસીની શિંગડાવાળી ખોપરી પણ સામેલ હતી.
એલેન કોન્યાક એ નાગા ફોરમ ફૉર રેકોન્સિલિયેશન (એનએફઆર)નાં સભ્ય છે, જે આ માનવ અવશેષોને સ્વદેશ લાવવાના પ્રયાસો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે હરાજીના સમાચારથી તેઓ વ્યથિત થઈ ગયાં હતાં.
તેઓ કહે છે, "21મી સદીમાં લોકો હજુ પણ અમારા પૂર્વજોના અવશેષોની હરાજી કરી રહ્યા છે, તે જોવું આઘાતજનક હતું. આ ખૂબ જ સંવેદનાહીન અને દુઃખદાયક હતું."
યુકેસ્થિત એન્ટિક સેન્ટર, ધ સ્વાન એટ ટેટ્સવર્થ દ્વારા આ ખોપરી હરાજી પર મૂકવામાં આવી હતી. એન્ટિક સેન્ટરે પોતાના "ક્યુરિયસ કલેક્ટર સેલ"ના ભાગ રૂપે હરાજીની જાહેરાત કરી હતી જેમાં ચીજોની કિંમત 3500 પાઉન્ડથી 4000 પાઉન્ડ (3.73 લાખથી 4.26 લાખ રૂપિયા) વચ્ચે છે. આ ખોપરી બેલ્જિયન કલેક્શનમાંથી છે અને તેની સાથે સાઉથ અમેરિકાના જીવારો સમુદાયના માથા અને વેસ્ટ આફ્રિકાના ઈકોઈ લોકોની ખોપરીઓની યાદી પણ આપેલી છે.
નાગા સમુદાયના અભ્યાસુઓ અને નિષ્ણાતોએ આ હરાજીનો વિરોધ કર્યો હતો. નાગાલૅન્ડના મુખ્ય મંત્રીએ ભારતીય વિદેશ મંત્રાલયને એક પત્ર લખીને આ કૃત્યને "અમાનવીય" અને "અમારી પ્રજા પર સતત વસાહતી હિંસા" તરીકે ગણાવ્યું હતું.
આક્રોશને ધ્યાનમાં રાખીને ઑક્શન હાઉસે આ હરાજી તો અટકાવી દીધી, પરંતુ આ ઘટનાથી નાગા લોકો માટે હિંસક ભૂતકાળની યાદો ફરી જીવંત થઈ ગઈ. તેમણે વિદેશમાં સંગ્રહિત અથવા પ્રદર્શિત પૂર્વજોના અવશેષોને પોતાના વતનમાં પાછા લાવવાની માગણી શરૂ કરી.
બ્રિટનમાં નાગા સમુદાયની 50 હજાર ચીજવસ્તુઓ
વિદ્વાનો સૂચવે છે કે આમાંથી કેટલાક માનવ અવશેષો વિનિમયની વસ્તુઓ અથવા ભેટ-સોગાદો હતી, પરંતુ બીજી ચીજો તેમના માલિકોની સંમતિ વિના લેવામાં આવી હોય તે શક્ય છે.
નાગા સંસ્કૃતિના વિદ્વાન આલોકકુમાર કાનુન્ગોના અંદાજ મુજબ કે યુકેનાં જાહેર સંગ્રહાલયો અને ખાનગી કલેક્શનમાં જ નાગા સમુદાયની લગભગ 50,000 ચીજવસ્તુ છે.
ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના પિટ રિવર્સ મ્યુઝિયમ (પીઆરએમ)માં નાગા સમુદાયની ચીજોનો સૌથી મોટો સંગ્રહ છે. તેમાં નાગાલૅન્ડમાંથી લવાયેલી લગભગ 6,550 વસ્તુઓ સચવાયેલી છે, જેમાં 41 માનવ અવશેષોનો પણ સમાવેશ થાય છે. મ્યુઝિયમમાં બ્રિટિશ ભારતનાં અન્ય કેટલાંક રાજ્યોમાંથી લવાયેલા માનવ અવશેષો પણ છે.
પરંતુ નિષ્ણાતો કહે છે કે તાજેતરનાં વર્ષોમાં માનવ અવશેષોનાં સંગ્રહ, વેચાણ અને પ્રદર્શન અંગે નીતિમત્તાને લઈને પ્રશ્નો ઊઠી રહ્યા છે, તેથી ઘણા સંગ્રાહકો પોતાના અભિગમ વિશે પુનર્વિચાર કરી રહ્યા છે.
કાનુન્ગો કહે છે કે મ્યુઝિયમો માટે માનવ અવશેષો "સફેદ હાથી" જેવા બની ગયા છે.
તેઓ કહે છે કે, "આ હવે એવી વસ્તુ નથી કે જેનો તેના માલિકો દ્વારા નિકાલ કરી શકાય અથવા તેના પર કબજો કરી શકાય. તેનાથી ટૂરિસ્ટનાં નાણાં નથી મળતાં. હવે નાગા લોકોને 'અસંસ્કારી' તરીકે રજૂ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. તાજેતરમાં ભાવનાત્મક અને રાજકીય રીતે એક મોટો મુદ્દો બની ગયો છે."
તેથી મ્યુઝિયમોએ ન્યૂઝીલૅન્ડના માઓરી આદિવાસીઓ, તાઇવાનના મુડાન યોદ્ધાઓ, ઑસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ અને હવાઈના મૂળ નિવાસીઓના માનવ અવશેષો પરત કરવાનું શરૂ કર્યું છે.
પીઆરએમએ 2019માં બીબીસીને જણાવ્યું કે તેણે આવી 22 ચીજવસ્તુઓ પરત કરી છે.
મ્યુઝિયમનું શું કહેવું છે?
મ્યુઝિયમના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે આ આંકડો હવે વધીને 35 સુધી પહોંચી ગયો છે. "અત્યાર સુધીમાં આ તમામ વસ્તુઓ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, અમેરિકા અને કૅનેડાને પરત કરવામાં આવી છે."
મ્યુઝિયમે 2020માં નૈતિક સમીક્ષાના ભાગ રૂપે નાગા સમુદાયના કંકાલ જાહેર પ્રદર્શનમાંથી દૂર કરીને સ્ટોરેજમાં રાખી દીધા હતા. એનએફઆરએ પ્રથમ વખત આ ચીજોને સ્વદેશ પરત લાવવાની માગ કરી, ત્યારે આવું કરાયું હતું.
મ્યુઝિયમે જણાવ્યું હતું કે નાગા વંશજો તરફથી હજુ સુધી ઔપચારિક માગણી કરવામાં નથી આવી. માનવ અવશેષો પરત કરવાની પ્રક્રિયામાં "કેસની જટિલતાને આધારે 18 મહિનાથી લઈને ઘણાં વર્ષોનો સમય લાગી શકે છે".
માનવ અવશેષોને પરત મોકલવા એ કલાકૃતિઓ પરત કરવા કરતાં વધુ જટિલ છે. આ ચીજવસ્તુઓ નૈતિક રીતે મેળવવામાં આવી હતી કે કેમ તે નક્કી કરવા, વંશજોની ઓળખ કરવા અને માનવ અવશેષોની હેરાફેરી પરના જટિલ આંતરરાષ્ટ્રીય નિયમોના કારણે તેમાંથી રસ્તો કાઢવા વ્યાપક સંશોધન કરવું પડે છે.
નાગા ફોરમે આ ચીજો પાછી મેળવવા માટે માનવશાસ્ત્રીઓ ડોલી કિકોન અને આર્કોટોંગ લોંગકુમારની આગેવાનીમાં રિકવર, રિસ્ટોર અને ડિકોલોનાઇઝ નામે એક જૂથની રચના કરી છે.
લોંગકુમારે કહ્યું કે, "આ થોડું ડિટેક્ટિવ વર્ક જેવું છે" તેમણે કહ્યું, "આપણે માહિતીનાં વિવિધ સ્તરોમાંથી તપાસ કરવી પડશે અને સંગ્રહના ચોક્કસ પ્રકાર અને તે ક્યાંથી છે તે જાણવા માટે આખી વાત સમજવી પડશે."
નાગા સમુદાયના પીઢ લોકોને પણ જાણ નહોતી કે તેમના પૂર્વજોના અવશેષો વિદેશમાં છે
પરંતુ નાગા લોકો માટે આ માત્ર લૉજિસ્ટિકલ પ્રક્રિયા નથી. કોન્યાકે કહ્યું, "અમે માનવ અવશેષો સાથે કામ કરી રહ્યા છીએ. તે એક આંતરરાષ્ટ્રીય અને કાનૂની પ્રક્રિયા છે, પરંતુ અમારા માટે તે આધ્યાત્મિક પણ છે."
આ જૂથ ગામડાંમાં પ્રવાસ કરે છે, નાગા સમુદાયના વડીલોને મળે છે, પ્રવચનો ગોઠવે છે અને જાગૃતિ ફેલાવવા માટે કૉમિક પુસ્તકો અને વીડિયો જેવી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરે છે.
તેઓ સ્વદેશ મોકલેલા અવશેષોની અંતિમક્રિયા જેવા વિષયો પર સર્વસંમતિ બનાવવા પણ પ્રયાસ કરી રહ્યા છે. મોટા ભાગના નાગા લોકો હવે ખ્રિસ્તી ધર્મ પાળે છે, પરંતુ તેમના પૂર્વજો જીવવાદી હતા જેઓ જન્મ અને મૃત્યુને લગતી અલગ વિધિ અનુસરતા હતા.
જૂથને જાણવા મળ્યું કે નાગા સમુદાયના પીઢ લોકો પણ જાણતા ન હતા કે કે તેમના પૂર્વજોના અવશેષો વિદેશમાં રહેલા છે. માનવશાસ્ત્રી અને પુરાતત્વવિદ્ તિયાતોશી જમીરે કહ્યું કે એક વૃદ્ધે તેમને કહ્યું કે આનાથી "તેમના પૂર્વજોની આત્મા બેચેન થઈ શકે છે".
જમીરે જણાવ્યું કે 2000ના દાયકાની શરૂઆતમાં તેમણે સ્થાનિક અખબારમાં તેના વિશે વાંચ્યું ન હતું, ત્યાં સુધી તેઓ પણ વિદેશી મ્યુઝિયમોમાં પ્રદર્શિત કંકાલ વિશે જાણતા ન હતા.
અંગ્રેજોએ 1832માં નાગા વિસ્તારો પર કબજો જમાવ્યો હતો અને આ પ્રદેશમાં બહારના પ્રવાસીઓનો પ્રવેશ નિયંત્રિત કરવા માટે 1873માં એક ખાસ પરમિટ લાગુ કરી હતી, જેને ઇનર લાઇન પરમિટ કહેવાય છે.
ઇતિહાસકારો કહે છે કે અંગ્રેજ પ્રશાસકોએ તમામ વિદ્રોહને કચડી નાખ્યા હતા અને નાગા સમુદાયને દબાવી રાખવા માટે ઘણી વાર તેમનાં ગામો પણ સળગાવી દીધાં હતાં. તેમાં આ સમુદાયનાં મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક પ્રતીકો જેમ કે ચિત્રો, કોતરણી અને કલાકૃતિઓ પણ નાશ પામી હતી.
કોન્યાકના કહેવા પ્રમાણે પીઆરએમની સૂચિમાં જે માનવ અવશેષો છે તેમાંથી એક વ્યક્તિ તેમના ગામની અને આદિવાસી સમાજની છે તેવું તેમણે શોધી કાઢ્યું છે.
તેમણે બીબીસીને કહ્યું, "મને લાગ્યું 'હે ભગવાન! તે મારા એક પૂર્વજનું છે."
અવશેષો પરત આવ્યા બાદ તેની અંતિમવિધિ કેવી રીતે કરવામાં આવશે તે અંગે તેઓ હજુ પણ અનિશ્ચિત છે.
તેઓ કહે છે, "અમે અમારા વડીલોના સન્માનના પ્રતીક તરીકે તે પરત ઇચ્છીએ છીએ. આપણા ઇતિહાસ માટે ફરીથી દાવો કરવા. અમારી વાત રાખવા માટે તે જરૂરી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન