ખાન અબ્દુલ ગફ્ફાર ખાન : 'સરહદના ગાંધી'એ જ્યારે ઉપવાસની જાહેરાત કરી અને ભારતમાં રમખાણ અટકી ગયાં
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
તેઓ ખાનસાહેબ કે બાદશાહ ખાનના નામથી ઓળખાતા. કેટલાક લોકો તેમને સરહદના ગાંધી કહીને પણ સંબોધતા.
છ ફૂટ ચાર ઇંચનું કદ. એકદમ સીધી કમર અને દયાળુ આંખો અને અહિંસાના પૂજારી આવા હતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન. આઝાદીની લડાઈ દરમિયાન ગાંધીજીમાંથી પ્રેરણા લઈને બાદશાહ ખાને ઉત્તર પશ્ચિમ સીમાવર્તી પ્રાંતમાં એક અહિંસક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
સામાન્યપણે પઠાણોને અહિંસા સાથે સાંકળીને જોવામાં આવતા નથી, પરંતુ બાદશાહ ખાનના ખુદાઈ ખિદમતગારોએ અહિંસાનો માર્ગ પસંદ કર્યો.
1930ના દાયકામાં તેમણે સેવાગ્રામમાં ગાંધીજી સાથે ઘણો સમય પસાર કર્યો હતો. તેઓ રવીન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન પણ ગયા હતા.
27 વર્ષ જેલમાં ગાળ્યા
વિખ્યાત રાજકારણી નટવરસિંહ તેમનાં પુસ્તક "વૉકિંગ વિધ લાયન્સ, ટેલ્સ ફ્રૉમ ડિપ્લોમેટિક પાસ્ટ"માં લખે છે કે, "મહાત્મા ગાંધી, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા અને મૌલાના અબુલ કલામ આઝાદ એમ કૉંગ્રેસના પાંચ લોકોએ ભારતના ભાગલાનો વિરોધ કર્યો હતો. 1947ની 31મી મેથી 2 જૂન સુધીની કૉંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં પાકિસ્તાનના સ્વીકારનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરહદના ગાંધીને એવું લાગ્યું કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે."
બ્રિટિશ સરકારે તેમને કેટલાંય વર્ષો સુધી જેલમાં રાખ્યા, પરંતુ આઝાદી બાદ પાકિસ્તાનની સરકારે પણ એમને જેલમાં રાખવામાં પાછી ના પડી.
નેલ્સન મંડેલાની જેમ જ બાદશાહ ખાને પોતાની જિંદગીનાં 27 વર્ષ જેલમાં વિતાવ્યાં. ડિસેમ્બર 1921માં ખાનને પેશાવર જેલમાં રાખવામાં આવ્યા. ઊંચા કદના લીધે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યો. બાદશાહ ખાન તેમની આત્મકથા "માય લાઇફ ઍન્ડ સ્ટ્રગલ"માં લખે છે કે, "જ્યારે મેં જેલનાં કપડાં પહેર્યાં તો પાયજામો તો સાવ ટૂંકો પડ્યો અને કમીઝ પણ ડૂંટી સુધી ના પહોંચી શકી. જ્યારે હું નમાજ પઢતો ત્યારે પાયજામો તંગ થઈ જવાથી ઘણી વાર ફાટી જતો.
મારી કોટડી ઉત્તરની તરફ હતી એટલે એમાં સૂરજની રોશની પહોંચતી જ નહોતી. રાતના દર ત્રણ કલાકે સંત્રી બદલાતા અને ત્યારે ખૂબ ઘોંઘાટ થતો."
કિસ્સાખાની બજારની ગોળીબારની ઘટના
1930માં જ્યારે ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો તેની મોટી અસર સીમાવર્તી પ્રાંતમાં પણ જોવા મળી. 1930ની 23 એપ્રિલે બ્રિટિશ સરકારે ખાન અબ્દુલ ગફ્ફાર ખાન અને તેમના સાથીઓની પેશાવર જતા ધરપકડ કરી લીધી. આ સમાચાર ફેલાતા જ હજારો લોકોએ ચારસદ્દા જેલને ઘેરી લીધી જ્યાં ગફ્ફાર ખાનને રાખવામાં આવ્યા હતા. આખું પેશાવર શહેર રસ્તા પર આવી ગયું.
રાજમોહન ગાંધી બાદશાહ ખાનની જીવનકથા – ગફ્ફાર ખાન નૉન વાયલેન્ટ બાદશાહ ઑફ ધ પખ્તૂન્સમાં લખે છે કે તે દિવસે પેશાવરના કિસ્સાખાની બજાર અને સીમાંત પ્રાંતમાં અંગ્રેજ પોલીસની ગોળીઓથી લગભગ 250 પઠાણોનાં મોત થયાં હતાં. તેમ છતાં ગરમ લોહી ધરાવતા પઠાણોએ જવાબમાં કોઈ હિંસક કાર્યવાહી નહોતી કરી. ત્યાં સુધી કે સેનાની ગઢવાલ રાઇફલ્સે નિ:શસ્ત્ર પઠાણો પણ ગોળીઓ ચલાવવાનાં ઇનકાર કરી દીધો.
આઝાદીના દસ મહિના બાદ જ પાકિસ્તાનની જેલમાં
23 ફેબ્રુઆરી 1948માં બાદશાહ ખાને પાકિસ્તાનની બંધારણસભામાં ભાગ લીધો અને નવા દેશ અને તેના ઝંડા પ્રત્યે નિષ્ઠાની શપથ લીધી.
પાકિસ્તાનના સંસ્થાપક અને બંધારણસભાના પ્રમુખ મહમદઆલી ઝીણાએ તેમને ચા પર નિમંત્રણ આપ્યું. આ પ્રસંગે તેમણે અબ્દુલ ગફ્ફાર ખાનને ગળે લગાવીને કહ્યું કે, "આજે હું મહેસૂસ કરું છું કે મારું પાકિસ્તાન બનાવવાનું સપનું સાકાર થયું છે."
5 માર્ચ 1948માં પહેલી વાર ગફ્ફાર ખાને પાકિસ્તાનની સંસદમાં ભાષણ આપ્યું.
તેમણે સ્વીકાર કર્યો કે, "મેં ભારતનાં ભાગલાનો વિરોધ કર્યો હતો."
તેમણે આ ભાગલા દરમિયાન થયેલા નરસંહાર અંગે સાંસદોનું ધ્યાન દોર્યું. તેમણે એમ પણ કહયું કે, "હવે જ્યારે ભાગલા પડી ગયા છે, ત્યારે લડાઈની કોઇ ગુંજાશ રહેતી નથી."
બાદશાહ ખાન અને પાકિસ્તાની સરકાર વચ્ચે સુલેહ બહુ ઝાઝા દિવસો સુધી ટકી નહીં. બ્રિટિશ સરકાર ગયાના દસ મહિનાની અંદર જ બાદશાહ ખાનને દેશદ્રોહના આરોપમાં પંજાબની જેલમાં ત્રણ વર્ષ માટે મોકલી દેવાયા.
એપ્રિલ 1961માં પાકિસ્તાનના લશ્કરી શાસક અયૂબ ખાને તેમને ફરીથી જેલમાં ધકેલી દીધા.
1961 સુધીમાં તો ગફ્ફાર ખાન પાકિસ્તાન માટે અફઘાની એજન્ટ અને દેશદ્રોહી બની ચૂક્યા હતા. હાલત એવી થઈ ગઈ કે તેમણે પાકિસ્તાન છોડી અફઘાનિસ્તાનમાં શરણ લેવી પડી.
કાબુલમાં ઇંદિરા ગાંધી સાથે મુલાકાત
1969માં જ્યારે ભારતનાં વડાં પ્રધાન અફઘાનિસ્તાનના પ્રવાસે ગયાં ત્યારે ભારતના રાજદૂત અશોક મહેતાએ બાદશાહ ખાનને ઇંદિરા ગાંધીના માનમાં આયોજિત ભોજ માટે આમંત્રણ આપ્યું.
નટવરસિંહ એમના પુસ્તકમાં લખે છે કે, "ઇંદિરા ગાંધી ખાન અબ્દુલ ગફ્ફાર ખાનેને 22 વર્ષ બાદ મળ્યાં હતાં. તેમણે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને તેમની ઓળખાણ કરાવી. સરહદના ગાંધીએ રાજીવને ગળે લગાડી કહ્યું કે જ્યારે તે બે વર્ષના હતા ત્યારે તેમને તેમણે ખોળામાં રમાડ્યા હતા."
સિંહ વધુમાં લખે છે કે, "ત્યાર બાદ હું બાદશાહ ખાનના ઘરે ગયો, જ્યાં તેમનો ઉતારો હતો. તેઓ જમીન પર બેસીને ભોજન કરી રહ્યા હતા. મેં બાદશાહ ખાનને કહ્યું કે ઇંદિરા ગાંધી આપની સુવિધાનુસાર તમારા ઘરે આવીને તેમને મળવા માંગે છે. તેમણે મને કહ્યું કે, ઇંદિરા ગાંધી અહીં નહીં આવે. હું ખુદ તેમને મળવા જઈશ."
નક્કી થયા મુજબ તેઓ બીજા દિવસે ચાર વાગ્યે ઇંદિરા ગાંધીને મળવા સ્ટેટ હાઉસ પહોંચી ગયા.
સિંહ લખે છે કે, "મારે તેમને પોર્ચમાં આવકારવા જવાનું હતું. પરંતુ હું ત્યાં પહોંચવામાં થોડી ક્ષણો મોડો પડ્યો. તેમણે મને ઠપકો આપતા કહ્યું કે, તમારે સમય પર આવવું જોઈએ."
"તેમની સમયની પાબંદીએ મારા પર ઊંડી છાપ છોડી. તે બેઠકમાં ખાન અબ્દુલ ગફ્ફાર ખાને ગાંધી શતાબ્દી સમારંભમાં ભારત આવવાની હા પાડી દીધી."
કપડાનું પોટલું લઈ ભારત આવ્યા
બાદશાહ ખાન 22 વર્ષ પછી ભારત આવી રહ્યા હતા. તેઓ પાકિસ્તાની પાસપોર્ટ પર ભારત આવ્યા.તેમના પાસપોર્ટની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી. પરંતુ કાબુલના પાકિસ્તાની દૂતાવાસે તેના પર ઍક્ટેનશનની મહોર મારી દીધી.
હવાઈમથક પર ઇંદિરા ગાંધી અને જયપ્રકાશ નારાયણ તેમના સ્વાગત માટે પહોંચ્યાં.
બાદશાહ ખાનના ભત્રીજા મોહમદ યુનુસ તેમની આત્મકથા- પરસન્સ, પેશન્સ એન્ડ પૉલિટિક્સમાં લખે છે કે, જ્યારે બાદશાહ ખાન હાથમાં કપડાનું પોટલું લઈને વિમાનમાંથી નીચે ઊતર્યા ત્યારે ઇંદિરા ગાંધીએ તેમના હાથમાંથી પોટલું લેવાની કોશિશ કરી. પરંતુ ખાને તે આપવાનો ઇનકાર કરી દીધો. તેમણે ઇંદિરાને કહ્યું કે તમે પહેલેથી જ ઘણો બોજો લઈને ચાલી રહ્યાં છો. મને મારા ભાગનો બોજો ઊંચકવા દો."
બાદશાહ ખાન ભારતમાં જ્યાં જ્યાં ગયા ત્યાં લોકોની ભીડ તેમને જોવા અને સાંભળવા ઊમટી પડતી.
બાદશાહ ખાન દિલ્હી પહોંચ્યા તેનું રોચક વર્ણન નટવરસિંહે પણ કર્યું છે.
તેઓ લખે છે કે, "બાદશાહ ખાનને ખુલ્લી કારમાં હવાઈમથકેથી શહેરમાં લઈ જવાના હતા અને વડા પ્રધાને તેમની સાથે બેસવાનું હતું. જયપ્રકાશ નારાયણે પણ એ કારમાં બેસવાની કોશિશ કરી, પરંતુ ઇંદિરા ગાંધી નહોતાં ઇચ્છતાં કે તેઓ બેસે. જ્યારે ઇંદિરા ગાંધીના સુરક્ષાકર્મીઓએ જયપ્રકાશને કારમાં બેસતા અટકાવ્યા તો સામાન્ય રીતે શાંત રહેતા જેપી નારાજ થઈ ગયા. કોઈ બખેડો ના થઈ જાય એ બીકથી મેં સુરક્ષા અધિકારીઓને કહ્યું કે તેઓ જેપીને કારમાં બેસવા દે."
ભારતે ગાંધીની ભુલાવી દીધાની બાદશાહખાનની ફરિયાદ
બાદશાહ ખાન ભારત પહોંચ્યાના બે દિવસમાં જ ભારતમાં કોમી હુલ્લડો શરૂ થઈ ગયાં. બાદશાહ ખાને આ હુલ્લડો રોકવા ત્રણ દિવસ સુધી ઉપવાસ જાહેર કર્યા. આ સાંભળતાં જ હુલ્લડો રોકાઈ ગયાં. 24 નવેમ્બર 1969માં તેમણે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી.
સંસદમાં સીધી વાત કરતાં તેમણે કહ્યું કે, "તમે લોકો ગાંધીને એ જ રીતે ભૂલી રહ્યા છો, જે રીતે તમે ગૌતમ બુદ્ધને ભૂલી ગયા હતા."
થોડા દિવસ બાદ જ્યારે તેઓ ઇંદિરા ગાંધીને મળ્યા ત્યારે પણ તેમણે કોઈ ગોળ ગોળ વાત કર્યા વગર સીધું કહ્યું કે, "તમારા પિતા અને પટેલે તો મને પખ્તૂનો (પઠાણો)ને વરુઓ સામે ફેંકી દીધો હતો."
રાજમોહન ગાંધી લખે છે કે, "ઇંદિરા ગાંધીના એ વાત માટે વખાણ કરવા જોઈએ કે તેમણે સ્પષ્ટ વક્તા બાદશાહ ખાનની કોઈ પણ વાતનું ખરાબ ના લગાડ્યું. અને તેઓ કાબુલમાં નિયુક્ત થનાર દરેક રાજદૂતને એ સલાહ આપતા કે તેઓ હંમેશાં બાદશાહ ખાનની જરૂરિયાતોનું ધ્યાન રાખે."
અફઘાનિસ્તાનમાં વસવાટ
સિત્તેરનાં દાયકાની શરૂઆતમાં અફઘાનિસ્તાનની સરકારે તેમને જલાલાબાદમાં રહેવા માટે એક ઘર આપી દીધું. બાદશાહ ખાન તે ઘરમાં પલંગની જગ્યાએ ખાટલાનો ઉપયોગ કરતા. તેઓ શિયાળામાં પણ પહેલા માળની અગાશીમાં જ સૂઈ જતા.
જ્યારે મશહૂર લેખક વેદ મહેતા તેમને મળવા ગયા તો તેમણે ફરિયાદનાં સ્વરમાં કહ્યું કે, "ભારતમાં ગાંધીવાદ મરી ચૂક્યું છે. ત્યાં ગાંધીને ભુલાવી દેવામાં આવ્યા છે. તમારી સરકાર એ દરેક કામ કરી રહી છે જેનો ગાંધીએ વિરોધ કર્યો હતો."
સાવિયેટ હસ્તક્ષેપનો અફઘાનિસ્તાનમાં વિરોધ
બાદશાહખાને શરૂઆતમાં તો અફઘાનિસ્તાનમાં સોવિયેટ હસ્તક્ષેપનું સમર્થન કર્યું હતું, પરંતુ 1981માં જ્યારે તેઓ સ્વાસ્થ્યનાં કારણોસર ભારત આવ્યા ત્યારે તેઓ સોવિયેટનાં વિરોધી થઈ ચૂક્યા હતા.
તેમણે ઇંદિરા ગાંધીને વિનંતી કરી કે તેમની સોવિયેટ નેતા લિયોનિદ બ્રેજનેવ સાથેની બેઠક કરાવે.
ભારતનાં પૂર્વ સુરક્ષા સલાહકાર જે એન દીક્ષિત તેમના પુસ્તક – એન અફઘાન ડાયરીમાં લખે છે કે, "બાદશાહ ખાન ઇચ્છતા હતા કે તેઓ બ્રેજનેવને મળીને અફઘાનિસ્તાનમાંથી સોવિયેટ સેના હઠાવવા વિનંતી કરશે. ઇંદિરા ગાંધી આ પ્રયત્ન કરવામાં અચકાતાં હતાં. તેમનું માનવું હતું કે સોવિયેટ તેમના તરફથી આવો પ્રસ્તાવ આવવાની વાત પસંદ નહીં પડે. બીજું કે તેમનું એવું પણ માનવું હતું કે અફઘાનિસ્તાનમાં સોવિયેટ દળોનું થોડા સમય માટે રહેવું ભારતીય હિતની વિરુદ્ધ નથી."
પરંતુ ઇંદિરા ગાંધી વધુ સમય સુધી બાદશાહ ખાનના દબાણને અવગણી ના શક્યાં.
દીક્ષિત લખે છે કે, "ઇંદિરા ગાંધીએ બાદશાહ ખાનના સંદેશાને સોવિયેટ રાજદૂત વોરોતસોવ અને ભારતની યાત્રાએ આવેલા સોવિયેટ ઉપરાષ્ટ્રપતિ સુધી પહોંચાડ્યો."
બાદશાહ ખાનનાં અંતિમ સંસ્કારમાં રાજીવ ગાંધી અને ઝિયા ઉલ હક પણ શામેલ થયા
વર્ષ 1987માં ખાન અબ્દુલ ગફ્ફાર ખાન એક વાર ફરી ભારત આવ્યા. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા.
20 જાન્યુઆરી 1988ના સવારે છ વાગેને પંચાવન મિનિટે બાદશાહ ખાને 98 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. તેમની અંતિમ ઇચ્છા હતી કે તેમને જલાલાબાદમાં તેમના ઘરના વાડામાં જ દફનાવવામાં આવે. સરહદના ગાંધીનાં 20 હજાર સર્મથકો અને પ્રશંસકોએ પાકિસ્તાનમાંથી વગર પાસપોર્ટ અને વગર અફઘાની વિઝાએ ડુરાંડ સરહાદ પાર કરી. તેમની સાથે કાર, ટ્રકો અને બસોનો કાફલો પણ જોડાયો. જલાલાબાદમાં આ જુલૂસમાં બીજા હજારો સામેલ થયા.
તેમના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ ઝીયા ઉલ હક અને ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધી હાજર રહ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન