રાજસ્થાન : ઉદયપુરમાં બે વિદ્યાર્થીની માથાકૂટે કેવી રીતે સાંપ્રદાયિક તણાવ પેદા કર્યો?
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી માટે જયપુરથી
દેશભરમાં બહુચર્ચિત કનૈયાલાલ હત્યાકાંડ પછી ફરી એક વખત રાજસ્થાનના ઉદયપુરમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઈ ગયો છે. જેના પગલે આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે તથા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
શુક્રવારે બે વિદ્યાર્થી વચ્ચે બુકની આપલે મુદ્દે બોલાચાલી થઈ હતી, જે દરમિયાન એક સ્ટુડન્ટે બીજાને ચાકુ મારી દીધું હતું. જોત-જોતામાં આ ઘટના પછી શહેરમાં અલગ-અલગ સ્થળોએ પથ્થરમારો, તોડફોડ તથા આગચંપીની ઘટનાઓ નોંધાઈ હતી.
રક્ષાબંધન, વિકેન્ડ તથા સ્વતંત્રતા દિવસને કારણે અલગ-અલગ રાજ્યોમાંથી પર્યટકો અહીં પહોંચ્યા હતા, જેઓ સલામતીને ખાતર શહેર છોડી ગયા હતા.
કલેક્ટરે આગામી નિર્દેશ સુધી શાળા-કૉલેજોને બંધ રાખવાના આદેશ આપ્યા છે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ કરી દેવાઈ છે, જેથી કરીને લોકો એકઠા ન થાય. લોકોને ઘરમાં રહીને જ પૂજાપાઠ તથા ધાર્મિકકાર્યો કરવા માટે જણાવાયું છે.
જિલ્લા કલેક્ટર અનુસાર, આ મામલો એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ચાકુ માર્યાનો છે.
જે વિદ્યાર્થી પર ચાકુ મારવાનો આરોપ છે, તેનું ઘર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોવાનું જણાવીને ઉદયપુર નગરનિગમ અને વનવિભાગની ટીમે તેના પર બુલડોઝર ચલાવી દીધું છે. આવું પોલીસની હાજરીમાં થયું છે.
બંને ટીમોએ શનિવારે સવારે ઘર પર નોટિસ ચીપકાવી દીધી હતી.
અગાઉ ઘર ખાલી કરાવાયું હતું અને વીજકનેક્શન પણ કાપી દેવાયું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં ઉદયપુર શહેરના ભાજપના સંસદસભ્ય ડૉ. મન્નાલાલ રાવતે કહ્યું કે માહિતી મળી છે કે અહીં ગેરકાયદે કબજો કર્યા બાદ નિર્માણ કરાયું હતું.
ડુંગરપુર-બાંસવાડાના સંસદસભ્ય રાજકુમાર રોતે બુલડોઝર ચલાવવાની કાર્યવાહી પર સવાલ કર્યો છે.
રાજકુમાર રોતે બીબીસીને કહ્યું, "ઉદયપુર શહેરમાં શાળાનાં બાળકોમાં ચાકુબાજીની ઘટના નિંદનીય છે. દોષીને કાયદાકીય રીતે થતી સજા મળવી જોઈએ. આજે ભાજપ સરકારે સગીરના ઘર પર બુલડોઝર ચલાવીને ધર્મવાદનું ઝેર ઘોળવાનું કામ કર્યું છે."
"જાતિ-ધર્મને જોઈને બુલડોઝર ચલાવ્યું છે, તેનાથી દેશના ભવિષ્યને નફરતમાં ધકેલવાનું કામ થઈ રહ્યું છે."
વાત-વાતમાં વકર્યો વિવાદ
શુક્રવાર સવારે લગભગ સાડા દસ વાગ્યે ઉદયપુરની સરકારી શાળામાં બે વિદ્યાર્થી વચ્ચે બુકની આપલે મુદ્દે બોલાચાલી થઈ હતી. બાદમાં એક વિદ્યાર્થીએ બીજાને ચાકુ મારી દીધું હતું.
શિક્ષકોએ ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નારેબાજી કરવા લાગ્યા હતા.
આ ઘટના વિશે માહિતી મળતા હિંદુવાદી સંગઠનો રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને વિરોધપ્રદર્શન કર્યું હતું. દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને પથ્થરમારો કરવા લાગ્યા હતા. અનેક ગાડીઓમાં તોડફોડ કરી આગ ચાંપી દેવાઈ.
જે હૉસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીને દાખલ કર્યો હતો ત્યાં શનિવારે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
શુક્રવારે રાત્રે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું ઑપરેશન કરવામાં આવ્યું અને તેની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવાઈ રહ્યું છે.
સંસદસભ્ય તથા ધારાસભ્યો પણ હૉસ્પિટલે પહોંચ્યા હતા અને ઘાયલ વિદ્યાર્થીના ખબરઅંતર પૂછ્યા હતા.
ઉદયપુરના કલેક્ટર અરવિંદ પોસવાલે બીબીસી હિંદીને જણાવ્યું, "વિદ્યાર્થીની હાલત સુધારા પર છે. વિદ્યાર્થીની સારવાર માટે જયપુરથી હવાઈ માર્ગે ડૉક્ટરોની ટીમને બોલાવવામાં આવી છે અને શહેરમાં શાંતિ છે."
કૉપી-પુસ્તક માગતા વિવાદ થયો
રાજસ્થાન પોલીસના એક ઉચ્ચ અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું, "બંને છોકરા એક જ ધોરણમાં અભ્યાસ કરે છે. બંનેની વચ્ચે બુકની આપલે મુદ્દે બોલાચાલી થઈ હતી, જે વકરી ગઈ હતી."
"એ પછી તે એકબીજાની પારિવારિક પૃષ્ઠભૂમિ સુધી પહોંચી હતી. એ પછી બંને છોકરા વચ્ચે ઝઘડો થયો અને એક વિદ્યાર્થીએ બીજા પર ચાકુથી હુમલો કરી દીધો હતો."
બંને વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી માથાકૂટ ચાલી રહી હતી, જેણે શુક્રવારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.
અનેક વિસ્તારોમાં આગચંપી અને તોડફોડ
આ ઘટના વિશે માહિતી બહાર આવતા હિંદુવાદી સંગઠનોએ હાથીપોળ, દિલ્હી ગેટ, ચેતક સર્કલ સહિત અનેક વિસ્તારમાં બજારો બંધ કરાવી દીધી હતી.
આ વિસ્તારના એક શૉપિંગ મૉલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગાડીઓમાં તોડફોડ તથા આગચંપી પણ થઈ. ચોક્કસ ધર્મનાં સ્થાનોએ પણ ભીડે ઉપદ્રવ ફેલાવ્યો હતો.
આ ઘટનાના અનેક વીડિયો બહાર આવ્યા છે, જેમાં ઉગ્ર ભીડ નારેબાજી સાથે તોડફોડ કરતી નજરે પડે છે.
ઉદયપુરના વરિષ્ઠ પત્રકાર ઉગ્રસેન રાવના કહેવા પ્રમાણે, "આ બાળકો વચ્ચે માથાકૂટનો મામલો હતો, જેને કોમી સ્વરૂપ આપી દેવાયું. તેમાં વહીવટીતંત્રની નિષ્ફળતા હતી, કારણ કે સવારથી જ આશંકા હતી કે માહોલ બગડી શકે છે. એટલે તત્કાળ કાર્યવાહી કરવાની જરૂર હતી, પરંતુ તેમાં ઢીલ થઈ."
"ઉદયપુરમાં જે લોકોનું વર્ચસ્વ છે, તેમણે જ શહેરને નુકસાન પહોંચાડ્યું છે. આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે ઉપદ્રવીઓને ઓળખીને કડક સજા કરાવી જોઈએ. પોલીસ પાસે તમામ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે. જનતા શાંતિ ઇચ્છે છે, પરંતુ આમ કરનારાઓનાં વ્યક્તિગત હિતો સંકળાયેલાં છે અથવા તો રાજકારણથી પ્રેરિત છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ."
નામ ન છાપવાની શરતે એક ઉદયપુરવાસીએ કહ્યું, "ટાર્ગેટ કરીને તોડફોડ તથા આગચંપી કરવામાં આવી છે."
રાજસ્થાનના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) યુઆર સાહૂએ બીબીસીને જણાવ્યું, "હાલ શહેરમાં શાંતિ છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તોડફોડ, આગચંપી તથા પથ્થરબાજી કરનારાઓને ઓળખીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે."
શહેરને નુકસાન
દેશવિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો 'સરોવરોના શહેર' તરીકે ઓળખાતા ઉદયપુરમાં આવે છે. તહેવાર તથા લાંબી રજાઓના સમય દરમિયાન શહેરમાં પર્યટકોની વિશેષ ભીડ રહે છે, પરંતુ તાજેતરની હિંસા બાદ પર્યટકો પરત ફરી રહ્યા છે.
હોટલના ધંધા સાથે જોડાયેલા ગગન શર્માના કહેવા પ્રમાણે, "લાંબું વિકેન્ડ હોવાથી હોટલો બુક હતી, પરંતુ કાલે મોટી સંખ્યામાં હરિયાણા, ગુજરાત અને દિલ્હી સહિત અનેક રાજ્યોની ગાડીઓ શહેરની બહાર નીકળતી જોવા મળી હતી. બુકિંગ રદ થઈ રહ્યાં છે અને પર્યટકો ઉદયપુર છોડીને જઈ રહ્યા છે."
આ ઘટના પછી શહેરનાં મોટાં ભાગનાં ખરીદીનાં સ્થળો અને રેસ્ટોરાં બંધ થઈ ગયાં. શહેરમાં બીએનએસએસની કલમ 163 લાગુ હોવાથી ભયનો માહોલ છે.
શર્માના કહેવા પ્રમાણે, "આગામી દિવસોમાં પણ રેસ્ટોરાં બંધ રહે તેવી શક્યતા છે, જેના કારણે લૉંગ વિકેન્ડમાં સારો ધંધો થવાની આશાઓ પડી ભાંગી છે. આ ગાળામાં રૂ. 15-20નું નુકસાન થયું છે."
વરિષ્ઠ પત્રકાર ઉગ્રસેન રાવના કહેવા પ્રમાણે, "ઉદયપુરવાસીઓને કારણે જ ઉદયપુરને નુકસાન થયું છે. પર્યટનને ભારે નુકસાન પહોંચ્યું છે. જે લોકો આવવાના હતા, તેમણે પોતાના કાર્યક્રમ રદ કરી દીધા. તહેવારના સમયે બજારમાં આશાનો માહોલ હતો, તેના બદલે હવે નિરાશા છવાઈ ગઈ છે."
પોલીસ અને પ્રશાસને શું કહ્યું?
ઉદયપુરના વિભાગીય કમિશનર રાજેશ ભટ્ટ કહે છે, "અમે ઇચ્છીએ છીએ કે ઉદયપુરમાં આવેલા પર્યટકો અહીંની સારી છબિ લઈને જાય. હાલમાં શહેરમાં શાંતિ અને બજાર પણ ખૂલી ગયાં છે."
બીબીસીને તેમણે કહ્યું કે "કાલ રાતથી કોઈ અપ્રિય ઘટના ઘટી નથી. શાંતિપૂર્ણ માહોલ છે."
રાજેશ ભટ્ટે કહ્યું, "બાળક (ઘાયલ વિદ્યાર્થી, જેને ચાકુ માર્યું)ના ઇલાજ માટે ડૉક્ટરોની સમિતિ બનાવી છે. તેના દરેક કલાકના રિપોર્ટ અમારી પાસે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું છે. રાજ્ય સરકારે જયપુરથી સ્પેશિયલ ડૉક્ટરોની ટીમ (નેફ્રોલૉજિસ્ટ)ને મોકલી છે. બધી વ્યવસ્થા કરાઈ છે."
તેઓ વધુમાં કહે છે, "સાંપ્રદાયિક સૌહાર્દ માટે અમે બંને પક્ષો સાથે વાત કરી છે. બધા સાથે વાત કરાઈ છે. નમાજ પર ઘરેથી અદા કરાઈ રહી છે. હિન્દુ સમાજના લોકો સાથે પણ વાતચીત કરાઈ છે. બધા ઇચ્છે છે કે આવી ઘટના ન બને."
રાજસ્થાનના ડીજીપી યુઆર સાહુના કહેવા પ્રમાણે, "આસપાસના વિસ્તારોમાંથી પોલીસબળોને તહેનાત કરવામાં આવ્યાં છે. હાલ સ્થિતિ કાબૂ હેઠળ છે. સગીર વિદ્યાર્થીને પકડી લેવાયો છે તથા તેમના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે."
"તોડફોડ તથા આગજની કરનારાઓને ઓળખીને કાર્યવાહી કરવામાં આવશે."
ઉદયપુર રેન્જ આઈજી અજયપાલ લાંબા ઘટના બાદ શહેરના અલગઅલગ વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "હૉસ્પિટલમાં હાલ 300 લોકો એકઠા થયા છે. શહેરમાં શાંતિ છે અને કાયદો-વ્યવસ્થા નિયંત્રણમાં છે. ચાર આઈપીએસ અધિકારી અને ત્રણ હજાર પોલીસકર્મી તહેનાત છે. શહેરમાં બેરિકેટ્સ લગાવ્યા છે અને લોકોને પણ સમજાવાઈ રહ્યા છે."
ઉદયપુરનું તંત્ર સતર્ક
સ્થિતિને વકરતી જોઈને વહીવટીતંત્રે શુક્રવાર સાંજથી ઉદયપુર તથા આજુબાજુના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. શનિવારે તમામ શાળા-કૉલેજોને બંધ કરાવી દેવાઈ હતી.
પોલીસે બંને સમુદાયના જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરીને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી.
આગચંપી જેવી ઘટનાઓને અટકાવવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફ તથા ગાડીઓને સજ્જ રહેવા જણાવાયું છે.
ચાકુબાજીની ઘટના બાદ રાજસ્થાનના માધ્યમિક શિક્ષણના ડાયરેક્ટર આશિષ મોદીએ માર્ગદર્શિકા બહાર પાડીને શાળામાં ધારદાર કે અણિવાળાં હથિયાર લાવવાં પર પ્રતિબંધ મૂક્યો છે.
શહેરમાં કલમ 144 લાગુ (નવા સંશોધિત કાયદામાં કલમ 163) કરાઈ છે. જોકે તેમ છતાં શહેરમાં તણાવપૂર્ણ માહોલ છે.
રાજકીય નિવેદનબાજી
ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું છે. નેતાઓએ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.
મુખ્ય મંત્રી ભજનલાલ શર્માએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે "ઉદયપુરના પોલીસવડાને ગમે તે સ્થિતિમાં શાંતિ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય આરએસીની પાંચ કંપનીઓ પૂરી પાડવામાં આવી છે."
રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ઉદયપુરના રેન્જ આઈજી સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
તેમણે ઉદયપુરમાં સાંપ્રદાયિક તણાવને ચિંતાજનક ગણાવીને તમામ વર્ગોને અફવા પર ધ્યાન ન આપવા તથા શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
ઉદયપુરની બેઠકના ભાજપના સંસદસભ્ય ડૉ. મન્નાલાલ રાવતે બીબીસી સાથે ફોન પરની વાતચીતમાં કહ્યું: "આ ખૂબ જ ગંભીર મામલો છે. બંને વિદ્યાર્થી એક જ વર્ગખંડમાં ભણતા હતા. પરંતુ જેણે ચાકુબાજી કરી, તે કટ્ટરવાદી તત્ત્વોથી પ્રભાવિત હતો. શહેરની શાંતિ માટે આ ખૂબ જ ગંભીર બાબત છે."
તેમણે કહ્યું, "કનૈયાલાલ હત્યાકાંડ બાદ ફરી એક વખત ઉદયપુરમાં સાંપ્રદાયિક તણાવ ઊભો થવો ખૂબ જ સંવેદનશીલ બાબત છે. આ કોઈ લિનિયર સ્ટોરી છે કે કેમ, તે પણ પોલીસે જોવું જોઈએ. સગીર ઘાયલ થયો છે, તે જ્યારે પણ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતો ત્યારે પ્રભુ શ્રીરામનો વેશ ધરતો, એટલે એવું લાગે છે કે આ બાબતોની ચીવટપૂર્વક તપાસ કરવાની જરૂર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન