પોર્નોગ્રાફી પુરુષોની જાતીય ઇચ્છાઓને કેવી રીતે બદલી શકે છે?

ફ્રાન્સ રેપ કેસ, બળાત્કાર, પોર્નોગ્રાફી, પોર્ન ફિલ્મ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • લેેખક, લૂઈ શુન
  • પદ, થેરપિસ્ટ મૅચિંગ પ્લૅટફૉર્મ વેલડૂઈંગનાં સ્થાપક, સાયકોલોજીઝ સામયિકનાં ભૂતપૂર્વ તંત્રી

ચેતવણીઃ આ સ્ટોરીમાં જાતીય સતામણીનું કેટલુંક વિવરણ છે.

હું જાણું છું એવી દરેક મહિલાને ગુરુવારે પૂર્ણ થયેલા પેલિકોટ રેપ કેસમાં ઊંડો રસ હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન મેં દરેક ભયાનક વિગત પર ધ્યાન આપ્યું હતું.

મેં મારી સહેલીઓ, અમારી દીકરીઓ, સહકર્મીઓ અને અમારી સ્થાનિક બુક ક્લબની મહિલાઓ સાથે તેની ચર્ચા, જાણે કે અમે શું થયું તે સમજવાનો પ્રયાસ કરતા હોઈએ એ રીતે કરી હતી.

જઝેલ પેલિકોટને તેમના પતિ લગભગ એક દાયકા સુધી ગુપ્ત રીતે ડ્રગ્સ આપતા હતા અને ઇન્ટરનેટ પર સંપર્કમાં આવેલા પુરુષોને તેમની સાથે સેક્સ કરવા માટે આમંત્રિત કરતા હતા તેમજ તેનો વીડિયો બનાવતા.

એ અજાણ્યા પુરુષો 22થી 70 વર્ષની વયના હતા અને તેમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓ, નર્સ, પત્રકાર, જેલ વૉર્ડન અને સૈનિકો પણ સામેલ હતા. એ બધાએ ડોમિનિક પેલિકોટનાં નિર્દેશોનું પાલન કર્યું હતું.

વશમાં કરવામાં આવેલી એક મહિલા સાથે સહશયન કરવાની તેમની ઇચ્છા એટલી તીવ્ર હતી કે તેણે એક નિવૃત્ત દાદી સાથે જરાય અપરાધબોધ વિના સેક્સ કર્યું હતું. ડ્રગ્સના નશામાં ચૂર એ દાદીનું શરીર ચિંથરાની ઢીંગલી જેવું દેખાતું હતું.

કોર્ટમાં 50 પુરુષો હાજર હતા. એ બધા દક્ષિણ ફ્રાન્સના નાનકડા શહેર માઝાનમાં પેલિકોટના ઘરની માત્ર 50 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા હતા. દેખાવે તેઓ "સામાન્ય વ્યક્તિ" જેવા લાગતા હતા.

એક યુવતીએ મને કહ્યું હતું, "મેં આ વિશે પહેલીવાર વાંચ્યું ત્યારે ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી મને પુરુષોને, મારા ભાવિ પતિને મળવાની ઇચ્છા થતી ન હતી. એ ઘટનાથી હું બહુ જ ગભરાઈ ગઈ હતી."

જઝેલ પૅલિકોટ, ફ્રાન્સ, બળાત્કાર, પોર્ન, હિંસા, મહિલાઓ વિરુદ્ધ હિંસા, સેક્સ, પુરુષો, જાતીય હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સમાં જઝેલ પેલિકોટ સાથે બળાત્કારના મામલામાં પૂર્વ પતિ સહિત 51 દોષીઓને સજા આપવામાં આવી હતી

પોતાના પતિ અને પુત્રો સહિતના પુરુષોના મનમાં શું ચાલી રહ્યું છે તે વિચારતાં પેલિકોટની વયની જ એક મહિલા ખુદને રોકી શકી ન હતી.

એક સ્ત્રીએ કહ્યું હતું, "શું આ કોઈ વ્યાપક સમસ્યાનો એક નાનકડો હિસ્સો છે?"

અદાલતે ચુકાદો આપ્યો એ દિવસે 61 વર્ષનાં લેખિક અને ચિકિત્સક ડૉ. સ્ટેલા ડફીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, "બધા પુરુષો એકસમાન નથી હોતા એવી હું આશા રાખું છું અને એવું માનવાનો પ્રયાસ કરું છું. હું એ કલ્પના પણ કરું છું કે જઝેલ પેલિકોટના ગામમાં રહેતી પત્નીઓ, સહેલીઓ, દીકરીઓ અને માતાઓ પણ આવું વિચારતી હશે અને હવે તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હશે. મેં જેટલી મહિલાઓ સાથે વાત કરી એ બધીએ જણાવ્યું હતું કે પુરુષો વિશેની તેમની વિચારસરણી બદલાઈ ગઈ છે. આશા છે કે આ ઘટનાએ પુરુષોનો પુરુષો પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો હશે."

હવે ન્યાય થઈ ચૂક્યો છે ત્યારે આપણે આ ભયાનક કેસની આગળ જોઈ શકીએ અને સવાલ કરી શકીએ કે પુરુષોમાં સંવેદનહીનતા અને હિંસક વ્યવહાર ક્યાંથી આવે છે? સંમતિ વિનાનું સેક્સ બળાત્કાર છે એ તેઓ નથી જાણતા?

બીજો એક મોટા સવાલ પણ છે. એક નાના વિસ્તારમાં રહેતા આટલા બધા પુરુષો એક મહિલા પર આત્યંતિક વર્ચસ્વની આ કલ્પના અંગે સંમત થાય છે તે પુરુષોની ઇચ્છા વિશે શું જણાવે છે?

બીબીસી ગુજરાતી ફ્રાન્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચુકાદા બાદ પેલિકોટે કહ્યું કે તે એ લોકો માટે વિચારે છે, જેમની પીડા સામે નથી આવી

મિસ પેલિકોટને જે રીતે વ્યવસ્થિત બળાત્કારો અને જાતીય હિંસાનું નિશાન બનાવવામાં આવ્યાં હતાં, તેની કલ્પના ઇન્ટરનેટના અસ્તિત્વ વિના કરવાનું મુશ્કેલ છે.

ડોમિનિક પેલિકોટ જે પ્લૅટફૉર્મ પર તેની પત્ની પર બળાત્કાર કરવા માટે પુરુષોને આમંત્રણ આપતી જાહેરાત કરતો હતો તે એક ફ્રેન્ચ વેબસાઇટ હતી, જેણે એકસમાન જાતીય ઇચ્છા ધરાવતા લોકોની મુલાકાત આસાન બનાવી હતી. હવે તે વેબસાઇટ બંધ થઈ ગઈ છે, પરંતુ ઇન્ટરનેટ પહેલાંના જમાનામાં આ શક્ય ન હતું.

જઝેલ પેલિકોટનું પ્રતિનિધિત્વ કરતા વકીલે તે વેબસાઇટને 'હત્યાનું હથિયાર' ગણાવી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે "એ વેબસાઇટ વિના આ કેસ આટલો વ્યાપક ક્યારેય બન્યો ન હોત."

સંમતિપૂર્ણ અને નૉન-એબ્યુઝિવ સેક્સ પ્રત્યે ધીમે ધીમે બદલાતા વલણમાં ઇન્ટરનેટે મોટી ભૂમિકા ભજવી છે. ઇન્ટરનેટે એ ચીજોને સામાન્ય બનાવી દીધી છે, જે અગાઉ અકલ્પ્ય હતું.

જૂના સમયના પોર્નોગ્રાફિક સામયિકો અને બ્લુ ફિલ્મોથી પોર્નહબ જેવી આધુનિક વેબસાઇટ સુધી થયેલા પરિવર્તને પોર્નોગ્રાફીની સીમા ખૂબ જ વિસ્તૃત બનાવી દીધી છે. આ વેબસાઇટે માત્ર જાન્યુઆરી, 2024માં જ વૈશ્વિક સ્તરે 11.4 અબજ લોકોએ જોઈ હતી.

ઇન્ટરનેટે કેવી રીતે બદલી માન્યતા?

જઝેલ પૅલિકોટ, ફ્રાન્સ, બળાત્કાર, પોર્ન, હિંસા, મહિલાઓ વિરુદ્ધ હિંસા, સેક્સ, પુરુષો, જાતીય હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જઝેલ પેલિકોટ

જાન્યુઆરી 2024માં બ્રિટનમાં ઓનલાઇન યૂઝર્સનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં 25થી 49 વર્ષની વયની પ્રત્યેક દસમાંથી એક વ્યક્તિએ મહદ્અંશે પોર્ન જોયાનું સ્વીકાર્યું હતું. તેમાંથી મોટા ભાગના પુરુષો હતા.

24 વર્ષનાં યુનિવર્સિટી ગ્રૅજ્યુએટ ડેઝીએ મને કહ્યું હતું કે તેઓ જે લોકોને ઓળખે છે તેઓ બધા પોર્ન જુએ છે અને તેઓ પોતે પણ પોર્ન જુએ છે.

તેઓ નારીવાદી વેબસાઇટની મુલાકાત લેવાનું પસંદ કરે છે, જેના ફિલ્ટરમાં 'પેશનેટ' અને 'સેન્સુઅલ'ની સાથે 'રફ'નો પણ સમાવેશ હોય છે.

જોકે, ડેઝીના કેટલાક દોસ્તોનું કહેવું છે કે તેમણે હવે પોર્ન જોવાનું બંધ કરી દીધું છે, કારણ કે બાળપણમાં તેમણે એટલું પોર્ન જોયું છે કે હવે સેક્સ દરમિયાન તેઓ સારો સમય માણી શકતા નથી.

ઇંગ્લૅન્ડના ચિલ્ડ્રન્સ કમિશનર ડેમ રાચેલ ડિસૂઝા માટે બ્રિટનમાં 2023માં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 16થી 21 વર્ષની વયના લોકોએ ઇન્ટરનેટ પર પહેલી વાર પોર્ન, તેઓ પ્રાથમિક શાળામાં હતા ત્યારે જ જોઈ લીધું હતું.

મિસ ડિસૂઝાએ કહ્યું હતું, "માતાપિતાએ પણ તેમની યુવાનીમાં જે વયસ્ક સામગ્રીને જોઈ હશે તેને આજની પોર્નોગ્રાફી દુનિયામાં જુનવાણી માની શકાય."

પોર્ન જોવાથી વર્તનમાં ખરેખર ફેરફાર થાય છે?

જઝેલ પૅલિકોટ, ફ્રાન્સ, બળાત્કાર, પોર્ન, હિંસા, મહિલાઓ વિરુદ્ધ હિંસા, સેક્સ, પુરુષો, જાતીય હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દોષીઓને ખુદ એ વાતનો અહેસાસ કરવામાં મુશ્કેલી પડી હતી કે એમણે ખરેખર કંઇક ખોટું કર્યું છે

જે બાળકો સેક્સ્યુઅલી એક્ટિવ થતા પહેલાં મોબાઇલ પર નિયમિત રીતે પોર્ન જોતાં હતાં તેઓ, વીસમી સદીમાં પ્લેબોય જોઈને મોટા થયેલા પુખ્ત વયના લોકો કરતાં નિશ્ચિત રીતે અલગ જાતીય અપેક્ષાઓ સાથે મોટાં થયાં હતાં.

જોકે, પોર્નના વર્તન સાથેના સંબંધની કોઈ સીધી કડી મળી નથી. પોર્નોગ્રાફીના ઉપયોગ અને હાનિકારક લૈંગિક વલણ તેમજ સ્ત્રીઓ પ્રત્યેના વર્તન સાથે જોડાણના નોંધપાત્ર પુરાવા છે.

કોવિડ-19 રોગચાળા પહેલાંના એક સરકારી સંશોધનના તારણ મુજબ, "પોર્નોગ્રાફીનો ઉપયોગ, પોર્નમાં જોયેલાં કૃત્યોમાં સામેલ થવાની કે એવું ચાહવાની ઈચ્છાની વધુ સંભાવના સાથે સંકળાયેલા પુરાવા મળ્યા છે અને મહિલાઓ પણ આવાં ચોક્કસ કૃત્યોમાં જોડાવા માંગતી હોવાની માન્યતા સ્વીકારવાની શક્યતા પણ વધારે છે."

આવાં કેટલાંક કૃત્યોમાં આક્રમકતા અને થપ્પડ મારવા કે ગૂંગળાવવા અથવા થૂંકવા જેવાં સ્ત્રી પર હાવી થવાનાં કાર્યોનો સમાવેશ થાય છે.

ડેઈઝીએ મને કહ્યું હતું, "ગળું ઘોંટવું...ગળા પર ચુંબન કરવા જેવું જ સામાન્ય તથા ઇચ્છિત થઈ ગયું છે. હું છેલ્લે જે પુરુષને મળી હતી તેને મેં પહેલાંથી જ કહી દીધું હતું કે કોઈ ગળું દબાવે એ મને પસંદ નથી. તે સંમત હતો."

અલબત્ત, ડેઈઝી માને છે કે બધી સ્ત્રીઓ બોલતી નથી. "અને મારો અનુભવ એવો છે કે મહિલાઓ બેડરૂમમાં પોતાના પર વર્ચસ્વ જમાવે એ મોટા ભાગના પુરુષોને ગમતું નથી અને પુરુષો બેડરૂમમાં જ વર્ચસ્વ જમાવવા ઇચ્છતા હોય છે."

ડેઈઝી કરતાં 40 વર્ષ મોટાં સુઝાન નોબેલે તેમના જાતીય અનુભવો વિશે લખ્યું છે અને હવે તેઓ સેક્સ ઍડ્વાઇસ ફૉર સિનિયર્સ નામની એક વેબસાઇટ તથા પોડકાસ્ટ ચલાવે છે.

તેઓ માને છે કે જેમાં રેપ ફેન્ટસી (બળાત્કારની કલ્પના) ને સામાન્ય કૃત્ય તરીકે દેખાડવામાં આવતી હોય એવા પોર્નના મૂળમાં હિંસા હોય છે અને તેમાં બળાત્કારને એવાં કૃત્ય તરીકે દર્શાવવામાં આવે છે, જેના માટે મહિલા પોતે તલપાપડ હોય છે.

તેમણે કહ્યું હતું, "બનાવટી રેપ ફેન્ટસીની નકલ અને સંપૂર્ણપણે સંમતિ વિનાના સેક્સ વચ્ચેના તફાવત બાબતે પૂરતી જાગૃતિ નથી."

અસલી જિંદગી

જઝેલ પૅલિકોટ, ફ્રાન્સ, બળાત્કાર, પોર્ન, હિંસા, મહિલાઓ વિરુદ્ધ હિંસા, સેક્સ, પુરુષો, જાતીય હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇન્ટરનેટ જે રીતે પોર્નને બેડરૂમમાં લાવ્યું છે એવી જ રીતે અસલી જિંદગીમાં પણ એવાં કૃત્યોની નકલ કરવાનું આસાન બનાવી દીધું છે. અગાઉ લોકો એકમેકની સાથે જોડાવા માટે ઇ-મેઇલને બદલે પોસ્ટ ઑફિસ બૉક્સનો ઉપયોગ કરતા હતા. એ બહુ ધીમી પ્રક્રિયા હતી. હવે એવાં ગ્રૂપ્સને જોડવાનું અને વ્યક્તિગત રીતે મળવાનું ખૂબ જ સરળ બની ગયું છે.

બ્રિટનમાં ડેટિંગ ઍપ મારફત પ્રેમ અને સંબંધો શોધવાનું અત્યંત સરળ બની ગયું છે અને ચોક્કસ જાતીય ઇચ્છાઓ સંતોષવા માંગતા લોકો સાથે જોડાવાનું આસાન બની ગયું છે. આ માટે ફિલ્ડ જેવી ઘણી સોશિયલ ઍપ્સ છે, જે બિનપરંપરાગત ઇચ્છાઓ સંતોષવા માગતા પુરુષો માટે બનાવવામાં આવી છે. તેની ઓનલાઇન શબ્દાવલીમાં 31 ઇચ્છાઓનો સમાવેશ થાય છે.

ઓનલાઇન સાઇકોસેક્સ્યુઅલ થેરપિસ્ટ અલ્બર્ટિના ફિશર કહે છે, "સેક્સ્યુઅલ કલ્પનામાં રાચવામાં કશું ખોટું નથી, તે સંમતિ વિનાના વ્યવહારમાં બદલાઈ જાય ત્યારે સમસ્યા સર્જાય છે."

મહિલાઓ અને પુરુષોની કલ્પના અલગ-અલગ હોય છે એમ જણાવતાં તેમણે મને કહ્યું હતું, "મુખ્ય વાત એ છે કે કોઈ ચોક્કસ કૃત્ય સલામતી, સમજદારી અને સંમતિથી કરવામાં આવે. બે લોકો સાથે મળીને જે કંઈ કરવા ઇચ્છતાં હોય તેમાં કોઈ સમસ્યા નથી."

જોકે, જઝેલ પેલિકોટના કિસ્સામાં આ બધું અલગ છે. તેઓ કહે છે, "આ યૌન હિંસા છે. સૌથી વધુ વિચલિત કરનારી વાત એ છે કે આ બધું એક એવા સંબંધમાં થઈ શકે છે, જે પ્રેમભર્યો દેખાય છે. સંમતિ વિનાની કલ્પનાને સાકાર કરવી તે ઊંચા દરજ્જાના અહમને સંતોષવા જેવું છે."

ઇચ્છા સંબંધી સવાલ

કલ્પનાના કિસ્સામાં સૌથી વધુ સમસ્યારૂપ બાબત ઇચ્છા કે ઝંખના છે. કોઈ ઇચ્છાને દબાવવી ન જોઈએ, તે સિંગમંડ ફ્રોઈડના પછીના સમયમાં સત્ય બની ગયું છે. 1960ના દાયકાના મોટા ભાગના મુક્તિ સિદ્ધાંતોમાં જાતીય ઇચ્છાની અનુભૂતિ દ્વારા ખુદને જાણવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પરંતુ પુરુષની ઇચ્છા ઝડપથી એક વિવાદાસ્પદ ખ્યાલ બની ગઈ છે અને માત્ર સત્તા તથા વર્ચસ્વના મુદ્દા તેમાં સામેલ હોવાને કારણે જ એવું નથી.

પેલિકોટ કેસની સુનાવણી દરમિયાન આરોપીના પાંજરામાં આવેલા પુરુષો ખુદને ગુનેગાર તરીકે જોઈ શકતા ન હતા. કેટલાકે એવી દલીલ કરી હતી કે જઝેલ પેલિકોટએ સંમતિ આપી છે, એવું કે તેઓ કોઈ પ્રકારની સેક્સ ગેઇમમાં ભાગ લઈ રહ્યા છે, એવું તેમણે ધાર્યું હતું. ઘણાને એમ લાગ્યું હતું કે તેઓ ફક્ત તેમની ઇચ્છા સંતોષી રહ્યા છે.

હેટરોસેક્સ્યુઅલ પુરુષ ઇચ્છાના સામૂહિક કૃત્યમાં બદલાઈ જવાની શક્યતા બહુ વધારે હોય છે. તેમાં સ્ત્રીની ઇચ્છાને જરાય ધ્યાનમાં લેવામાં આવતી નથી.

કદાચ તે સમજાવે છે કે ઓન્લી ફેન્સનાં લીલી ફિલિપ્સે તાજેતરમાં એક દિવસમાં 100 પુરુષો સાથે સેક્સ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમાં ભાગ લેવા માગતા લોકોની લાંબી કતાર કેમ લાગી હતી.

મહિલાને ઉપભોગની વસ્તુ સમજવાની વૃત્તિ, કેટલાક કિસ્સામાં સ્ત્રીની ઇચ્છાના સમગ્ર સવાલને ખતમ કરવાની ઇચ્છામાં બદલાઈ જાય છે.

પુરુષની ઇચ્છા સ્વાભાવિક રીતે ઘણા સ્વરૂપોમાં આકાર લેતી હોય છે. તેમાંથી મોટા ભાગના સ્વસ્થ પ્રકૃતિની હોય છે, પરંતુ પરંપરાગત રીતે તેની સાંસ્કૃતિક મર્યાદા હોય છે.

એ મર્યાદા હવે બ્રિટન અને પશ્ચિમમાં દરેક જગ્યાએ થોડી આગળ વધી ગઈ છે. તેમાં એવી ધારણા સમાયેલી હોય છે કે ઇચ્છા સંતોષવી એ આત્મમુક્તિનું કાર્ય છે.

ઍન્ડ્ર્યૂ ટેટ જેવા લોકોને અપીલ

જઝેલ પૅલિકોટ, ફ્રાન્સ, બળાત્કાર, પોર્ન, હિંસા, મહિલાઓ વિરુદ્ધ હિંસા, સેક્સ, પુરુષો, જાતીય હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઍન્ડ્રયૂ ટેટે કહ્યું હતું કે યૌન હિંસા માટે મહિલાઓ ખુદ જવાબદાર છે, આથી તેમને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા

લંડનના સાઉથ કેન્સિંગ્ટનમાં રહેતા ચિકિત્સક આન્દ્રે ડી ટ્રિચેટ્યુએ એક સ્વ-ઘોષિત 'મહિલા વિરોધી' ઍન્ડ્ર્યૂ ટેટ જેવા મર્દાના વિચારધારાવાળા ઇન્ફ્લ્યુઅન્સર્સને અપીલ કરી છે. ઍન્ડ્ર્યૂ ટેટના ઍક્સ પર એક કરોડથી વધુ ફૉલોઅર્સ છે.

આન્દ્રે ડી ટ્રિચેટ્યુના કહેવા મુજબ, નારીવાદના ઉદયથી પરેશાન હોય તેવા અનેક પુરુષોને તેઓ મળ્યા છે.

તેમણે કહ્યું હતું, "પુરુષોનો સામાજિક ઉછેર કાયમ વર્ચસ્વવાન વ્યક્તિ તરીકે થતો હોય છે, પરંતુ તેમની પાસેથી લાગણીશીલ હોવાની અને પોતાની નબળાઈ દર્શાવવાની અપેક્ષા પણ રાખવામાં આવે છે."

"આ મૂંઝારો ગુસ્સાને જન્મ આપે છે અને ટેટના કિસ્સાની જેમ, એ ગુસ્સો નારીવાદી આંદોલન પર વ્યક્ત થાય છે."

ટ્રિશટ્યુના 60 ટકા ક્લાયન્ટ્સ પુરુષો છે અને તેમણે કહ્યું હતું, "સમાજમાં શક્તિ અને વર્ચસ્વને પુરુષો ઓળખ સાથે જોડવામાં આવે છે."

પેલિકોટ કેસ વિશે તેમણે કહ્યું હતું, "આ પ્રકારનું વર્તન શક્તિહીનતા અને અક્ષમતાથી પલાયન છે. આ બહુ જ વિચલિત કરતો મામલો છે અને તે દર્શાવે છે કે લોકો કઈ હદે જઈ શકે છે."

"તમે જૂથમાં હો ત્યારે સ્વીકૃતિ મળે છે. તમારા વિચારોને સ્વીકાર્યતા મળે છે. એક વ્યક્તિ કહે છે કે તે બરાબર છે અને બાકીના બધા તેને અનુસરે છે."

સંમતિયુક્ત અને સંમતિ વિનાના સેક્સ વચ્ચે શું તફાવત હોય છે. તેને કાયદામાં વધુ સ્પષ્ટ કરી શકાય કે કેમ, તેની ચર્ચા પેલિકોટ કેસ બાદ શરૂ થઈ છે, પરંતુ સમસ્યા એ છે કે સંમતિ શું છે તે જટિલ સવાલ છે.

24 વર્ષનાં ડેઈઝીના કહેવા મુજબ, તેમની વયની કેટલીક સ્ત્રીઓ તેમના પુરુષ જીવનસાથીની દરેક જાતીય ઇચ્છાને સ્વીકારે છે. "સાથી પુરુષ કોઈ ચીજને આકર્ષક ગણાવે તો તેને પણ સ્વીકારી લે છે."

પેલિકોટ કેસની સમાપ્તિ સાથે સામાન્ય રીતે રાહતનો શ્વાસ લેવામાં આવી રહ્યો છે અને ન્યાય થયો હોવાનું માનવામાં આવે છે, પરંતુ આ ઘટનાએ વધુ સવાલો સર્જ્યા છે, જેના વિશે કદાચ સૌથી સારી ચર્ચા મોકળાશથી જ થઈ શકશે.

(આ લેખ બીબીસી BBC Indepthમાંથી લેવામાં આવ્યો છે. મૂળ લેખ અહીં વાંચી શકાય છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.