લૉસ એન્જલસમાં અનેક હોલીવૂડ સ્ટારનાં ઘર ખાખ, આગ ન ઓલવાવાનાં ત્રણ કારણ
- લેેખક, જેમ્સ ફિટજેરાલ્ડ
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાના લૉસ એન્જલસના કેટલાક ભાગોમાં જંગલમાં લાગેલી આગ સતત ફેલાઈ રહી છે.
આ દરમિયાન અત્યાર સુધી ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં છે અને સેંકડો ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. અંદાજે બે લાખ લોકોને આગથી પ્રભાવિત વિસ્તારને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફાયરવિભાગના તમામ પ્રયાસો છતાં પણ આ આગ પર કાબૂ મેળવી શકાતો નથી. હવામાનની સ્થિતિ અને જળવાયુ પરિવર્તનના પ્રભાવને કારણે આવનારા દિવસોમાં આ આગ વધુ ફેલાવાની આશંકા છે.
અમેરિકામાં અત્યારે શું સ્થિતિ છે?
અમેરિકાના લૉસ એન્જલસ કાઉન્ટીમાં રહેતા લગભગ 1,79,000 લોકોને પોતાનાં ઘરબાર ખાલી કરવાનો આદેશ અપાયો છે. લોકો જે પણ હાથમાં આવે તે ઉપાડીને ઘર ખાલી કરી રહ્યા છે. તેમજ બે લાખ લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે જેમને ટૂંક સમયમાં ઘર ખાલી કરવું પડી શકશે.
પોલીસના કહેવા પ્રમાણે વિસ્તારમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. લૉસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રૉબર્ટ લૂનાએ કહ્યું છે એ પ્રમાણે તેઓ મૃતકોની સંખ્યા વધવાની આશંકા જણાવી રહ્યા છે. એમણે કહ્યું, 'એવું લાગે છે જાણે ત્યાં કોઈ બૉમ્બમારો કરવામાં આવ્યો હોય'.
શેરિફ લૂનાએ કહ્યું કે ખાલી થયેલા કેટલાક વિસ્તારોના ઘરમાંથી લૂંટપાટ અને ચોરીની ઘટનાઓ વધી રહી છે. આ મામલે 20 લોકોની ધરપકડ કરાઈ છે.
પૅલિસેડ્સની ભીષણ આગની જેમ ઇટન વિસ્તારની આગ પણ સંપૂર્ણ બેકાબૂ છે. આ દરમિયાન હોલીવૂડ હિલ્સ વિસ્તારમાં ફેલાયેલી આગ ઓછી થવા માંડી છે પણ હજુ સુધી એના પર પૂરી રીતે કાબૂ મેળવી શકાયો નથી.
હોલીવૂડ હિલ્સ વિસ્તારમાં 5300થી વધારે ઇમારત ખાખ થઈ ગઈ છે. જેમાં ઘર, સ્કૂલ અને પ્રતિષ્ઠિત સનસેટ બુલેવાર્ડ પર આવેલી વ્યાવસાયિક બિલ્ડિંગો પણ સામેલ છે.
વીમા કંપનીઓનો ડર
જે પ્રસિદ્ધ વ્યક્તિઓએ આ આગમાં પોતાનું ઘર ગુમાવવું છે એમાં કેટલાક દિવસો પહેલાં ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં સામેલ લીટન મેસ્ટર અને ઍડમ બ્રોડી સિવાય પેરિસ હિલ્ટન પણ સામેલ છે.
અમેરિકી વીમા કંપનીઓને એવો ડર છે કે અમેરિકાના ઇતિહાસમાં જંગલોમાં લાગેલી આ સૌથી મોંઘી આગ સાબિત થશે, કારણ કે આગના દાયરામાં આવનારી સંપત્તિઓની કિંમત ખૂબ વધારે છે.
આ આગને કારણે જેના પર વીમો લીધો છે એવી લગભગ આઠ અબજ ડૉલરની સંપત્તિના નુકસાનની આશંકા છે. આ દરમિયાન દક્ષિણ કૅલિફોર્નિયાની આગમાં થોડો ઘટાડો થયો છે અને અત્યંત ગંભીરમાંથી ગંભીરની શ્રેણીમાં આવી છે.
બીબીસીના હવામાન પૂર્વમાનકર્તા સારા કીથ-લુકાસનું કહેવું છે કે કમસે કમ આગામી સપ્તાહ સુધી આ વિસ્તારમાં વરસાદનું કોઈ પૂર્વાનુમાન નથી.
આ આગને કારણે લૉસ એન્જેલસ મોટા હિસ્સામાં વીજળી આપૂર્તિ પર અસર પડી છે. શહેરમાં ચિક્કાર ટ્રાફિકજામ સર્જાયો છે. આ વિસ્તારમાં કેટલીય સ્કૂલો અને કૅલિફોર્નિયા યુનિવર્સિટીને બંધ કરી દેવાઈ છે.
આગને કાબૂ લેવા પર રાજકીય વિવાદ પણ શરૂ થયો ગયો છે. એવી વાતો પણ સામે આવી છે કે કેટલાક ફાયર ફાઇટર્સની પાઇપોમાં પાણી સુધ્ધાં ન હતું.
આ મહિનાની 20મી તારીખથી અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળવા જઈ રહેલા નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે. ફાયર ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઍન્થની મારોને ગુરુવારે બપોરે પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે એમની સામે ફાયર ફાઇટર્સ પાસે પાણીની અછત હોય એવી કોઈ માહિતી આવી નથી
પણ પાડોશના પૈસાડેનાના ફાયર ચીફ ચાડ ઑગસ્ટિને કહ્યું કે ત્યાં થોડી વાર માટે આમ થયું હતું, જ્યારે કેટલાક હાઇડ્રેંટ પર પ્રેશર ઓછું હતું.
એમણે કહ્યું કે હવે તમામ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. એમના કહેવા પ્રમાણે એકસાથે કેટલાંય ટૅન્કરોમાં પાણી ભરવાને કારણે આમ થયું હતું. પાણીની પાઇપોમાં દબાણ ઓછું હોવા પાછળ વીજળી ગુલ થઈ જવાનું કારણ હતું.
અમેરિકામાં ક્યાં સુધી ફેલાયેલી છે આગ?
કૅલિફોર્નિયાના ફાયર વિભાગના અધિકારીઓ અનુસાર, ગુરુવારે આ વિસ્તારમાં કમસે કમ પાંચ સ્થળોએ આગ લાગી છે.
પૅલિસેડ્સ
અહીં મંગળવારે પહેલી વાર આગ ભડકી હતી. આ એ વિસ્તારની સૌથી મોટી આગ હતી, જે રાજ્યના ઇતિહાસની સૌથી વિનાશક આગ સાબિત થઈ શકે એમ છે. આ આગને કારણે 17 હજાર એકરથી વધારે જમીનનો એક મોટો હિસ્સો બળીને રાખ થઈ ગયો છે. જેમાં પૅસિફિક પૅલિસેડ્સનો આલિશાન વિસ્તાર પણ સામેલ છે.
ઈટન
આ આગ લૉસ એન્જલસના ઉત્તર ભાગમાં લાગી છે અને ઑલ્ટાડેનાં જેવાં શહેરોમાં પણ ફેલાઈ. આ ઈટન વિસ્તારની બીજી સૌથી મોટી આગ છે. જેમાં 14 હજાર એકર વિસ્તારને બાળી નાખ્યો છે.
હર્સ્ટ
આ સૅન ફર્નાડોની બરાબર ઉત્તરમાં આવેલું છે. અહીંનાં જંગલ મંગળવારની રાતે સળગી ઊઠ્યાં હતાં. જોતજોતામાં આ આગ 670 એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ. જોકે ફાયર ફાઇટર્સને અહીંની આગ પર કાબૂ મેળવવામાં આંશિક સફળતા મળી છે.
લીડિયા
આ આગ બુધવારની બપોરે લૉસ એન્જલસના ઉત્તરમાં પહાડી વિસ્તાર એકટનમાં લાગી અને લગભગ 350 એકર જમીનમાં ફેલાઈ ગઈ.
કેનેથ
આ નવી આગ ગુરુવારે લૉસ એન્જલસ અને વેંચુરા કાઉન્ટીની સીમા પર લાગી છે. આ આગે અત્યાર સુધી 50 એકર વિસ્તારને પોતાની ચપેટમાં લઈ લીધો છે.
સનસેટ
આ આગ હોલીવૂડ હિલ્સમાં બુધવારે સાંજે લાગી હતી અને એક કલાક કરતાં ઓછા સમયમાં પણ લગભગ 20 એકર સુધી ફેલાઈ ગઈ હતી. હાલ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે. આ પહેલાં વૂડલી અને ઓલિવસમાં લાગેલી આગને ઓલવી નાખવામાં આવી છે.
અમેરિકામાં આગ લાગવાનાં ત્રણ કારણો
શુષ્ક વાતાવરણ
સ્થાનિક અધિકારીઓએ લૉસ એન્જલસમાં લાગેલી આગ પાછળ તેજ પવન અને સૂકા હવામાન તરફ ઇશારો કર્યો છે. જેને કારણે વૃક્ષો-છોડ સુકાઈ ગયાં અને આગ વધુ સરળતાથી ફેલાઈ. જોકે અધિકારીઓએ હાલમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી અને હાલ તપાસ ચાલુ હોવાનું કહ્યું છે.
કૅલિફોર્નિયાના ફાયર સર્વિસના બટાલિયન પ્રમુખ ડેવિડ એક્યુના પ્રમાણે આ ક્ષેત્રમાં 95 ટકા જંગલમાં લાગેલી આગ માણસો લગાડતા હોય છે. જોકે હાલમાં આગ લાગવાના કારણ અંગે અધિકારીઓ કોઈ એક ચોક્કસ તારણ પર આવ્યા નથી.
2. જળવાયુ પરિવર્તનની ભૂમિકા
જોકે તેજ પવન અને વરસાદની અછત હાલની આગનું કારણ બની રહી છે, પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે આગની સંભાવના સતત વધી રહી છે. અમેરિકી સરકારના રિસર્ચમાં સ્પષ્ટ કહેવાયું છે કે પશ્ચિમ અમેરિકામાં જંગલોમાં લાગેલી ભીષણ આગનો સંબંધ જળવાયુ પરિવર્તન સાથે છે.
અમેરિકામાં મહાસાગર અને વાયુમંડળ સાથે જોડાયેલા પ્રશાસનનું કહેવું છે, વધતી ગરમી, લાંબા સમય સુધી સૂકું વાયુમંડળ અને જળવાયુ પરિવર્તન પશ્ચિમ અમેરિકાનાં જંગલોમાં લાગેલી આગનું પ્રમુખ કારણ રહ્યાં છે.
હાલ ગરમીમાં વધારો અને વરસાદની ઘટને કારણે કૅલિફોર્નિયા અસુરક્ષિત છે. અમેરિકામાં દક્ષિણ કૅલિફોર્નિયામાં આગ લાગવાનો સમય સામાન્ય રીતે મેથી ઑક્ટોબર સુધી માનવામાં આવે છે. પણ રાજ્યના ગર્વનર ગૈવિન ન્યૂસમે અગાઉ જણાવ્યું છે કે આગ આખા વર્ષની એક સમસ્યા બની ગઈ છે.
એમણે કહ્યું કે આગ લાગવાની કોઈ ઋતુ નથી, આખા વર્ષ દરમિયાન આગ લાગે છે. બીબીસી સાથે વાતચીત કરતા કૅલિફોર્નિયાના ફાયર સર્વિસના બટાલિયન પ્રમુખ ડેવિડ એક્યૂનાએ કહ્યું કે પૅલિસેડ્સમાં લાગેલી આગ છેલ્લાં ત્રીસ વર્ષમાં જાન્યુઆરી મહિનામાં લાગેલી ત્રીજી સૌથી મોટી આગ છે.
3. 'સેંટા ઍના' પવનો
આ આગ ફેલાવા પાછળનું એક મોટું કારણ 'સેંટા ઍના' પવનો છે જે જમીનથી સમુદ્રતટ તરફ વાય છે. એવું માનવામાં આવે છે કે લગભગ 100 માઇલ પ્રતિકલાકથી વધારે ગતિની આ પવનોએ આગને વધુ ભડકાવી છે. સેંટા ઍનાના પવનો અમેરિકાના પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશાથી તટ તરફ વાય છે.
આ પવનો વર્ષમાં ઘણી વાર વાય છે. સેંટા ઍના પવનો લૉસ એન્જલસ અને દક્ષિણ કૅલિફોર્નિયાના કેટલાક ભાગમાં મુશ્કેલી ઊભી કરે છે. જ્યારે આ પવન જંગલની આગ સાથે ભળે છે ત્યારે ભારે તબાહી નોતરે છે.
સેન્ટા ઍના પવનો સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતથી મે સુધી ચાલે છે. સામાન્ય રીતે આ પવનો અઠવાડિયાં સુધી ચાલે છે, જેની ગતિ 60થી 80 માઇલ પ્રતિકલાકની હોય છે. પણ ઘણી વાર આ ઝડપ 100 માઇલ પ્રતિકલાક સુધી પણ પહોંચી જાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન