ગૌતમ અદાણી પર લાગેલા ગંભીર આરોપ શું છે અને વિદેશમાં તેમના રોકાણ માટે કેટલા નુકસાનકારક છે?

ગૌતમ અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાણી પ્રથમ એવા ભારતીય ઉદ્યોગપતિ છે કે જેમના પર અમેરિકામાં આવા ગંભીર આરોપ લાગ્યા છે.

ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે.ગૌતમ અદાણી જૂથનો ધંધો પૉર્ટથી લઈ પાવર સૅક્ટર સુધી વિસ્તરેલો છે.

હાલ અદાણી પર અમેરિકામાં એક કંપનીને કૉન્ટ્રેક્ટ દેવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવાનો અને એ મામલાને છુપાવવાના આરોપો લાગ્યા છે.

જો કે અદાણી જૂથે ગુરુવારે બપોરે એક નિવેદન બહાર પાડીને આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ બધા જ આરોપ પાયાવિહોણા છે.

અદાણી પ્રથમ એવા ભારતીય ઉદ્યોગપતિ છે કે જેમના પર અમેરિકામાં આવા ગંભીર આરોપ લાગ્યા છે.

અદાણી પર અમેરિકામાં તડજોડ કરવાનો આરોપ પહેલી વાર લાગ્યો છે જ્યારે ભારતમાં તેમના પર અનેક વાર આવા આરોપ લાગી ચૂક્યા છે.

કહેવાય છે કે અમેરિકામાં અદાણી પર આ પ્રકારના આરોપ લાગ્યા બાદ તેમની વૈશ્વિક મહત્વકાંક્ષાઓને ઝટકો લાગી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવતા ગૌતમ અદાણીએ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં 10 અબજ ડૉલરનું રોકાણ કરવાની તૈયારી બતાવી હતી.

હવે અદાણીના આ રોકાણ પર પણ વાદળો ઘેરાઈ શકે છે.

પોતાના પર લાગેલા આરોપને નકારી કાઢી અદાણી જૂથે ગુરુવારે જાહેર કર્યું હતું કે,"અમેરિકાના ન્યાયિક વિભાગ અને વિનિમય કમિશને અદાણી ગ્રીન પર લગાવેલા આરોપ પાયાવિહોણા છે અને અમે તેને ફગાવીએ છીએ"

કંપનીએ જણાવ્યું હતું કે તેઓ દરેક કાયદાકીય વિકલ્પની તપાસ કરશે.

વધુમાં કંપનીએ કહ્યું કે, "અમે અમારા દરેક સહયોગી અને સહકર્મીઓને વિશ્વાસ આપીએ છીએ કે અમે કાયદાને માનનારી કંપની છીએ જે બધા જ કાયદાઓનું પાલન કરે છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

કેટલું મોટું નુકસાન

ગૌતમ અદાણી પર અમેરિકામાં આરોપ ઘડવામાં આવ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી પર અમેરિકામાં આરોપ ઘડવામાં આવ્યા છે

અમેરિકામાં આરોપ નક્કી થયા બાદ અદાણી જૂથ સાથે જોડાયેલ કેટલીક કપંનીઓના શૅરમાં 20 ટકા સુઘીનો ઘટાડો નોંધાયો હતો.

રૅટિંગ ઍજન્સી મૂડીઝના એક નિવેદન મુજબ અમેરિકામાં અદાણી જૂથના ચૅરમૅન ગૌતમ અદાણી અને બીજા અન્ય સિનિયર અધિકારીઓ સામે છેતરપિંડીના આરોપ લાગ્યા બાદ આ જૂથની કંપનીઓના રૅટિંગ પર નકારાત્મક અસર થઈ શકે છે.

ગયા વર્ષે જ, અમેરિકન ફૉરેન્સિક ફાઇનાન્શિયલ (શૉર્ટ સેલિંગ) કંપની હિંડનબર્ગે અદાણી ગ્રૂપ સામે અનિયમિતતાના કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા. હિંડનબર્ગના આરોપો પછી, અદાણી જૂથની માર્કેટ વૅલ્યૂમાં 150 અબજ ડૉલરથી વધારેનો કડાકો બોલી ગયો હતો.

અદાણી પર લાગેલા આરોપોને અમેરિકા અને ભારતના સબંધ સાથે પણ જોડવામાં આવી રહ્યા છે. અદાણી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સબંધો પર વિપક્ષ અનેક સવાલો ઉઠાવતો રહ્યો છે. જોકે અદાણી અને ભાજપ પરસ્પર ફાયદો લેવાના આરોપને નકારતા રહ્યા છે.

અમેરિકા અને ભારતના સંબંધમાં પહેેલેથી જ તણાવ છે. અમેરિકાએ આ અગાઉ ભારત પર આરોપ લગાવ્યા હતા કે ભારત સરકારના એક કર્મચારીએ ન્યૂ યૉર્કમાં અમેરિકન નાગરિક અને શીખ અલગતાવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નુને મારી નાખવાનું માટે કાવતરું ઘડ્યું હતું.

હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આવનારી ટ્રમ્પ સરકાર આ મામલે શું નિર્ણય લેશે. ટ્રમ્પ અને મોદી વચ્ચે સારા સબંધ છે અને બન્ને અકબીજાને પોતાના મિત્રો કહે છે. પરતું અમેરિકન માલસામાન પર ભારત દ્વારા અમેરિકા પર ટેરિફ (જકાત)લાદવામાં આવે તે ટ્રમ્પને પસંદ નથી.

સમગ્ર ઘટના શું છે ?

અદાણી જૂથ સામે ઑસ્ટ્રેલિયામાં 45 દિવસ સુધી સળંગ 'સ્ટૉપ અદાણી' ઝુંબેશ ચાલી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાણી જૂથ સામે ઑસ્ટ્રેલિયામાં 45 દિવસ સુધી સળંગ 'સ્ટૉપ અદાણી' ઝુંબેશ ચાલી હતી.

ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂ યૉર્કના અમેરિકી એટર્ની કાર્યાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર સિવાય અન્ય છ લોકો પર એક સોલાર ઍનર્જી સપ્લાયનો કૉન્ટ્રેક્ટ લેવા માટે ભારત સરકારના અધિકારીઓને 25 કરોડ ડૉલરની લાંચ આપવાનો આરોપ છે.

અદાણી ગ્રીન ઍનર્જીએ સોલર ઍનર્જી કોઑપરેશન ઑફ ઇન્ડિયા સાથે આઠ ગીગાવૉટ પાવર સપ્લાય કરવાનું એક ટેંડર મેળવ્યું હતું. અઝુર પાવરને પણ આવી જ રીતે ચાર ગીગાવૉટનું ટેંડર મળ્યું હતું. અઝુર પાવરના રોકાણકાર એવા કૅનેડિયન પબ્લિક પેંશન ફંડ મૅનેજરનું પણ આ ઘટનામાં નામ છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સોલર એનર્જી કોઑપરેશન ઑફ ઇન્ડિયા (SECI)ને અદાણી અને અઝુર પાવરે સોલર ઊર્જા વેચવા માટે જે કિંમત આપી તે કિંમત પર કોઈ ખરીદાર મળી શક્યો નથી.

યુએસ એટર્ની ઑફિસના જણાવ્યા મુજબ, 2021 અને 2022માં અદાણી અને અન્ય લોકોએ ભારતમાં અધિકારીઓ સાથે ઘણી વખત મુલાકાત કરી અને પાવરના વેચાણ માટેની ડીલ થઈ શકે તે માટે લાંચની ઑફર કરી એવો આરોપ છે. આરોપ એ પણ છે કે લાંચ આપ્યા બાદ ઓડિશા, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ અને છત્તીસગઢમાં વીજળી વિતરણ કંપનીઓ SECIના કરારમાં આવી ગઈ હતી.

આરોપ છે કે આંધ્ર પ્રદેશના અધિકારીને 22.8 કરોડ ડૉલરની ચુકવણી કરવામાં આવી હતી અને તેના બદલામાં આંધ્ર પ્રદેશ SECI પાસેથી સાત ગીગાવોટ પાવર ખરીદવા સહમત થયું.

અમેરિકાએ દસ્તાવેજમાં સાગર અદાણી વિશે વિગતપૂર્વક જણાવ્યું છે. આરોપ એવો છે કે સાગર અદાણીએ લાંચની માહિતી જાણવા માટે પોતાના મોબાઇલ ફૉનનો ઉપયોગ કર્યો હતો જ્યારે અદાણી ગ્રીન ઍનર્જીના સીઈઓ વિનીત જૈન પર આરોપ છે કે તેમણે પોતાના મોબાઇલમાં અઝુર પાવરની લાંચ દેવામાં ભાગીદારીના દસ્તાવેજની તસ્વીર રાખી હતી. આ લાંચની રકમ આઠ કરોડ હતી.

અનેક દેશોમાં વિવાદ

અદાણી પર અમેરિકામાં કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાણી જૂથ સામે કેટલાય દેશમાં વિવાદ જોવા મળ્યો છે.

આરોપ એ પણ છે કે ગૌતમ અદાણીએ અઝુર પાવર પાસેથી લાંચની રકમની ચુકવણી માટે તેમના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

યુએસ એટર્ની બ્રેઓન પીસે તેમના નિવેદનમાં કહ્યું છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન લાંચ યોજના અંગે ખોટું બોલ્યા છે કે, તેઓ યુએસ અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મૂડી એકત્ર કરવા માગે છે.

અદાણી ઘણા દેશોમાં વિવાદમાં રહ્યા છે. 2017માં ઑસ્ટ્રેલિયામાં અદાણી ઍન્ટરપ્રાઇઝને લઈને ઘણો વિવાદ થયો હતો. અદાણી ઍન્ટરપ્રાઇઝને ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં આવેલી ત્યાંની સૌથી મોટી કોલસાની ખાણ કારમાઇકલ કૉલ માઇનનો કૉન્ટ્રેક્ટ મળવાનો હતો. પરંતુ અદાણીને કૉટ્રેક્ટ આપવા બાબતે ઘણો વિવાદ થયો અને લોકો રસ્તા પર પણ ઊતરી આવ્યા હતા. ક્વીન્સલૅન્ડમાં 45 દિવસ સુધી 'સ્ટૉપ અદાણી' આંદોલન ચાલ્યું. ઑસ્ટ્રેલિયામાં અદાણી ગ્રૂપ અંગે એવા આક્ષેપ થયા હતા કે તેમણે પર્યાવરણીય નિયમોની અવગણના કરી છે.

જૂન 2022માં શ્રીલંકાના સીલોન ઇલેક્ટ્રીસિટી બૉર્ડ(CEB)ના પ્રમુખે સંસદીય સમિતિની સામે નિવેદન આપ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશમાં એક વીજળી પરિયોજના અદાણી જૂથને મળે તે માટે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દબાણ કર્યું હતું.

સીઈબીના પ્રમુખ એમ.એમ.સી. ફર્ડિનાન્ડોએ શુક્રવારે, 10 જૂનના રોજ સંસદની જાહેર ઉદ્યોગોની સમિતિને જણાવ્યું હતું કે મન્નાર જિલ્લામાં પવન ઊર્જા પ્લાન્ટ માટેનું ટેન્ડર ભારતના અદાણી જૂથને આપવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પર અદાણી જૂથને ટેન્ડર દેવા માટે દબાણ કર્યું હતું.

શ્રીલંકા, કેન્યાથી લઈ મ્યાનમાર સુધી વિવાદ

અદાણી જૂથ સામે આ વર્ષે સપ્ટેમ્બરમાં કેન્યાના નૈરોબી ઍરપૉર્ટ પર વિરોધ પ્રદર્શન થયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાણી જૂથ સામે આ વર્ષે સપ્ટેમ્બરમાં કેન્યાના નૈરોબી ઍરપૉર્ટ પર વિરોધ પ્રદર્શન થયું હતું.

ફર્ડિનાન્ડોએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે પ્રમુખ ગોટાબાયા રાજપક્ષેએ તેમને કહ્યું હતું કે આ ટેન્ડર અદાણી જૂથને આપવામાં આવ્યું હતું કારણ કે ભારત સરકારે આવું કરવા માટે દબાણ હતું.

ફર્ડિનાન્ડોને સંસદીય સમિતિ સામે એવું કહેતા સાંભળી શકાય છે કે,"રાજપક્ષેએ મને કહ્યું કે તેઓ મોદીના દબાણમાં છે."

જોકે આ દિવસ પછી એટલે કે 11 જૂનની સાંજે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આ આરોપોને નકાર્યા હતા.

આ વિવાદ પર ત્યારે અદાણી કંપનીના પ્રવક્તાએ એક નિવેદન આપ્યું હતું કે, "શ્રીલંકામાં રોકાણ કરવાનો અમારો વિચાર પડોશી દેશની જરૂરીયાતોને પૂરી કરવા માટેનો પ્રયાસ છે. જેને અમે એક જવાબદાર કપંની તરીકે બન્ને દેશોની એક મહત્ત્વપૂર્ણ ભાગીદારી તરીકે જોઈએ છીએ."

ભારતના અંગ્રેજી બિઝનેસ અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, તાજેતરમાં બાંગ્લાદેશની હાઇકોર્ટે અદાણી જૂથના વીજળી સંબંધિત તમામ કરારોની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી.

2007માં અદાણી પાવરે ઝારખંડના ગોડ્ડામાં પાવર પ્લાન્ટ બનાવ્યો હતો અને અહીંથી બાંગ્લાદેશને વીજળી પહોંચાડવા માટે કરાર કરવામાં આવ્યો હતો. અદાણીના આ કરાર અંગે બાંગ્લાદેશ અને ઝારખંડની સરકારોએ વાંધા ઉઠાવ્યા હતા.

2021માં, અદાણી પૉર્ટ્સે મ્યાનમારના યાંગોનમાં કન્ટેનર ટર્મિનલ બનાવવાની યોજના બનાવી હતી.

અદાણીની આ યોજના પણ તપાસ હેઠળ આવી હતી કારણ કે એ જમીન મ્યાનમાર આર્મી પાસેથી લીઝ પર લેવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ટીકા થવા લાગી હતી કે મ્યાનમારની સેના માનવઅધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે અને અદાણી તેમાં સમજૂતી કરી રહ્યા છે.

સપ્ટેમ્બર 2024માં કેન્યાના નૈરોબી ઍરપોર્ટ પર ત્યાંના અનેક કર્મચારીઓએ કૅન્યા ઍરપોર્ટ ઑથોરિટી અને અદાણી ગ્રૂપ વચ્ચે થયેલી સમજૂતીનો વિરોધ કર્યો હતો. અદાણી જૂથને નૈરોબી ઍરપોર્ટનાં 30 વર્ષ સુધીનાં સંચાલનની જવાબદારી મળવાની હતી. કર્મચારીઓને ચિંતા હતી કે અદાણીને જવાબદારી સોંપાશે તો તેમની નોકરી જતી રહેશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.